સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘બંધ’નો સામનો કરીએ

Revision as of 09:31, 3 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભારતના નાગરિકો હરકોઈ જાતના ‘બંધ’નો મક્કમપણે ને હિંમતથી સામનો કરે તેનો સમય હવે પાકી ગયો છે—પછી એ બંધનું ‘એલાન’ આપનાર એક યા બીજી કોંગ્રેસ હોય, કોમ્યુનિસ્ટો હોય, જનસંઘ હોય, શિવસેના હોય કે સર્વોદયવાદીઓ હોય. કોઈ પણ બંધ—એ વિચાર પોતે જ—સીધીસાદી બળજબરી છે, બહુજનસમાજની ઉપર એક ઝનૂની લઘુમતીની અત્યંત હલકટ પ્રકારની હિંસા છે. બંગાળમાં કોમ્યુનિસ્ટોએ એને દાખલ કર્યો તે પછી ભારતમાં યોજાયેલો એકેએક બંધ તે આપણાં શહેરો-ગામોની શાંતિચાહક વસતી ઉપરનો એથીયે હજારગણો વધુ નિંદાપાત્ર અત્યાચાર રહેલો છે. લોકશાહીનો તેમ જ સમાજમાં મુક્તપણે વિહરવાના સ્ત્રી-પુરુષ ને બાળકોના જન્મસિદ્ધ અધિકારનો એમાં સદંતર ઇન્કાર રહેલો છે. આપણે ઇન્દિરાજીની, જયપ્રકાશજીની કે મોરારજીભાઈની તરફેણમાં હોઈએ કે વિરુદ્ધમાં, આપણા રોજિંદા જીવનને થંભાવી દેનારા સામાન્ય નાગરિક-સ્વાતંત્ર્ય પરના આ હુમલાનો મક્કમતાથી સામનો કરવામાં આપણે સહુ એક બનીએ. આ ગુંડાગીરી ફાસીવાદનો માર્ગ તૈયાર કરે છે એટલું જ નથી—એ પોતે આજે તો હાજરાહજુર નગ્ન ફાસીવાદ બની ગઈ છે. એક યા બીજા પક્ષની સરકાર સામે યોજાતા આ બંધના ઉપાસકોનાં કરતૂકો સૌરાષ્ટ્રના પેલા ડાકુઓના કરતાં જરાયે જુદાં નથી કે જેમનામાં સરકારની સામે ખુલ્લી લડાઈ કરવાની તાકાત ન હોવાથી સીમના બિચારા અરક્ષિત ખેડૂતોને ત્રાસ આપવાની અને તેમનાં નાક કાપવાની હિચકારી પ્રવૃત્તિ એમણે આદરેલી. આજના શાસકોને સિંહાસન પરથી ઉતારી મૂકવા જેઓ નીકળી પડ્યા છે તેઓ પોતાની બધી શકિતનો પરચો ભલે ચૂંટણી વખતે બતાવે, અથવા લશ્કરની સહાય વડે બળવો પણ એ કરી જુએ. પરંતુ પોતાના નિર્માલ્ય રોષનાં આવાં અર્થહીન પ્રદર્શનો વડે શાંત નાગરિકો પર આતંક ફેલાવવાનું તો તેઓ બંધ જ કરે, એવી ચેતવણી પ્રજાએ તેમને આપી દેવી ઘટે. જે કોઈ સરકાર સત્તા પર હોય તેની એ ફરજ છે કે આવા ‘આંતરિક આક્રમણ’ની સામે પણ પોતાની તમામ તાકાત વાપરીને પ્રજાનું રક્ષણ કરવું અથવા તો શાસન છોડી દેવું અને લોકોને ફાવે તે રીતે પોતાનું રક્ષણ કરવા દેવું. જે સરકાર આજે પોતાની પ્રજાને આટલું રક્ષણ નહીં આપી શકે તેની ઉપર લોકોને અરાજકતાના વરૂઓની વચ્ચે ફેંકી દેવાનો આરોપ ઇતિહાસ મૂકશે. વિનોદિની નીલકંઠ, ઇસ્માઈલ પટેલ, દેવવ્રત પાઠક, જયેન્દ્ર ત્રિવેદી, મીરાં ભટ્ટ, પ્રેમશંકર ભટ્ટ, નિર્મળ વકીલ, દમયંતી મોદી, વિનુભાઈ પરીખ, ગુણવંત વડોદરિયા, મહેશ વસાવડા, નાનુભાઈ દુધરેજીયા, મહેન્દ્ર મેઘાણી [‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ દૈનિક]