સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પત્રકારિત્વની ચાલણગાડી

Revision as of 09:32, 3 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પત્રકારિત્વની રોમાંચકારી દુનિયાનું આકર્ષણ જેમણે અનુભવેલું છે, તેવા સહુ જુવાનોના હાથમાં અચૂક મૂકવા જેવું એક અંગ્રેજી પુસ્તક છે ‘એકિટવ ન્યૂઝરૂમ’. વૃત્તવિદ્યાનું એ સુંદર સચિત્ર પાઠ્યપુસ્તક પ્રગટ કરેલું છે ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાએ. વર્તમાનપત્ર-સંચાલનની આધુનિક પદ્ધતિઓની તાલીમ એશિયા ખંડના પત્રકારોને આપવા માટે એ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બે સેમિનાર યોજેલા. તેમાં દેશદેશાવરના નિષ્ણાત પત્રકારોએ રજૂ કરેલી સામગ્રી આ તાલીમ-પોથીરૂપે બહાર પાડવામાં આવી છે. “પત્રકારિત્વમાં અનેક ઉત્તમ પાઠ્યપુસ્તકો બ્રિટન અને અમેરિકાથી આપણે ત્યાં આવેલાં છે, પણ ભારતના સંજોગોને આટલું બધું અનુરૂપ બીજું કોઈ નથી.” એમ કહીને અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’માં તેની સમાલોચના કરનાર એસ. એ. ગોવિંદરાજન્ લખે છે કે, “એક આજીવન અખબારનવીસ અને પત્રકારત્વના શિક્ષક લેખે મને લાગે છે કે આ પુસ્તકમાં આપેલી મિતાક્ષરી સૂચનાઓમાં હું બહુ થોડું ઉમેરી શકું તેમ છું.” ભારતનું એક બીજું ઉત્તમ અંગ્રેજી દૈનિક ‘સ્ટેઇટ્સમન’ આ પુસ્તક વિશે લખે છે કે, “આપણાં છાપાંને ત્રાસદાયક હદે કંટાળાભરેલાં બનાવી મૂકનારી તેમની કેટલીક રીતરસમોની રચનાત્મક ટીકા કરીને તેને સુધારવાનાં વહેવારુ સૂચનો આ તાલીમપોથી રજૂ કરે છે. ખબરપત્રીઓ અને ઉપતંત્રીઓ પોતાના કસબમાં વધારે પ્રવીણ કેવી રીતે બની શકે, તે આ પુસ્તક તેમને કહે છે. પોતાના દરેક સાથી-કાર્યકરને તંત્રીઓ આ પુસ્તકની એક એક નકલ ભેટ આપશે, તો તેમને એનું વળતર મળી રહેશે.”