સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અંધારી ગલીમાં

Revision as of 09:35, 3 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેશવાસીઓનું મસ્તક શરમથી ઝૂકી જાય તેવી ઐતિહાસિક ઘટના સંસદીય જીવનમાં ૨૬ એપ્રિલ ૨૦૦૨ના રોજ બની. તે દિવસે, વર્ષભરમાં સૌથી અગત્યનો લેખાતો ખરડો, એટલે કે અંદાજપત્રનો ખરડો કાર્યસાધક સંખ્યાના અભાવે મુલતવી રાખવામાં આવ્યો અને માત્ર ૧૭ સાંસદોની પાંખી હાજરીને કારણે ગૃહ બરખાસ્ત કરવાની જાહેરાત ઉપાધ્યક્ષશ્રીને કરવી પડી. ચેતવણીસૂચક ઘંટડી વાગ્યા પછી ૨૦ સભ્યોની હાજરી ઉમેરાવા છતાં આ કાર્યસાધક સંસ્થાને આંબી શકાઈ નહીં. આ દેશમાં સંસદીય ચર્ચામાં રસ લેવાની કામગીરી પતનને આરે પહોંચી છે અને ઉપર્યુક્ત ઘટના આ સ્થિતિના અધોબિંદુને વ્યક્ત કરે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના રાજ્યપાલો અને સાંસદોના વેતન અંગેના ચાર ખરડા સંસદે મૌખિક મતદાનથી ઓગસ્ટ ૧૯૯૮માં પસાર કર્યા હતા. સાંસદોના વેતનને સ્પર્શતા ખરડા અનુસાર પ્રત્યેક સાંસદનું વેતન પ્રતિમાસ રૂ. ૧૨,૦૦૦ (૪,૦૦૦—કૌંસમાં દર્શાવેલાં ધોરણો આ પૂર્વેનાં છે.) કરવામાં આવ્યું. પ્રતિદિન ભથ્થું રૂ. ૫૦૦ (૪૦૦), સાંસદનિવાસના રહેઠાણ માટે વર્ષમાં ૪,૦૦૦ (૨,૦૦૦) કિલો લીટર પાણી અને ૫૦,૦૦૦ (૨૦,૦૦૦) એકમ વીજળી વિનામૂલ્યે આપવાની સુવિધા છે. ઉપરાંત પ્રત્યેક વર્ષે ૫૦,૦૦૦ ફોન દિલ્હીમાં અને ૫૦,૦૦૦ વતનના રાજ્યમાં કરવાની સગવડ વિનામૂલ્યે મળે અને મોબાઈલ ફોન ભેટ મળે તેવી વ્યવસ્થા છે. મતવિસ્તાર ભથ્થું પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦ (૮,૦૦૦), કાર્યાલય ભથ્થું પ્રતિમાસ રૂ. ૧૪,૦૦૦ (૮,૫૦૦) અને વિદેશી હૂંડિયામણ એક લાખ રૂપિયા મળે તે આ ખરડાથી નિર્ધારિત થયું. આ સંપૂર્ણ માસિક વેતન તથા મહિને રૂ. ૩,૦૦૦ સુધીનાં ભથ્થાં આવકવેરાથી મુક્ત છે. વધુમાં સ્ટેશનરી ભથ્થું, તબીબી ભથ્થું, નજીકના હવાઈમથકથી દેશના પાટનગર સુધીની હવાઈ મુસાફરીની સવલતો અને નિવૃત્તિવેતન દરેક સાંસદને ઉપલબ્ધ હોય છે. વળી સાંસદપદ છોડ્યા પછી સમગ્ર ભારતમાં વાતાનુકૂલિત બીજા વર્ગમાં વિના મૂલ્યે મુસાફરીનો રેલવે પાસ, સંસદભવનમાં રાહત દરે ખાવાપીવાની અને સંસદભંડારમાંથી મોંઘી અને દુષ્પ્રાપ્ય ચીજો કિફાયત ભાવે મેળવવાની સગવડો પણ ઉપલબ્ધ હોય છે. આ વેતનો, ભથ્થાં અને અન્ય સગવડોથી સરકારી તિજોરી પર ૨૪ કરોડ રૂપિયાનું ભારણ વધ્યું છે. સપ્તાહો સુધી ધાંધલધમાલ અને અવાજોની કાગારોળ કરી રૂકાવટ ઊભી કરતા કાબેલ સાંસદોએ પગાર અને ભથ્થાં અંગેનો ખરડો પસાર કરવા માટે ૩૦ મિનિટની પણ ચર્ચાવિચારણા કરી નહીં. સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષ, કામદારોના હિતચિંતક સામ્યવાદીઓ અને સૈદ્ધાંતિક મતભેદોના નામે અલગ ચોકો જમાવતા અપક્ષોમાંથી કોઈને પણ અહીં નાણાકીય દુર્વ્યવહાર અને બેફામ ખર્ચ નજરે ન ચડ્યો અને પક્ષીય રાજકારણના તમામ ભેદભાવ વીસરી જઈ વેતનવધારાનો ખરડો મંજૂર કરવામાં આવ્યો. આવાં વ્યાપક અને વિસ્તૃત વેતનો છતાં સભ્યોના કામકાજના દિવસો કે કલાકોમાં કોઈ વધારો કરવા અંગે લેશમાત્ર વિચાર કરવામાં આવ્યો નહિ. સભામોકૂફી, બૂમાબૂમ અને નિરર્થક વિવાદનાં વરવાં દૃશ્યો અંકુશમાં લેવા અંગે કશીય વિચારણા ન થઈ કે ન ઘડાઈ કોઈ આચારસંહિતા. એપ્રિલ ૨૦૦૨નું ત્રીજું સપ્તાહ ગુજરાતની ચર્ચાના મુદ્દે સાંસદોના હઠાગ્રહને કારણે કશાય કામકાજ વિના વીત્યું. સંસદની કાર્યવાહીની પ્રત્યેક મિનિટનો અંદાજિત ખર્ચ ૧૭,૦૦૦ રૂપિયા છે ત્યારે સાંસદોએ આ ગરીબ પ્રજાના ૮૧ કલાકો નિરર્થક વેડફ્યા, દેશને ૧૬ કરોડ રૂપિયાનું નુકસાન કરાવ્યું અને શિસ્તના અભાવનું દર્શન કરાવ્યું. અંતે ગુજરાતના મુદ્દે ચર્ચા કરવાનો પ્રસ્તાવ માન્ય રહ્યો અને ૩૦ એપ્રિલ ૨૦૦૨ની મધરાત સુધીની ચર્ચા બાદ વિપક્ષોનો આ પ્રસ્તાવ લોકસભામાં નામંજૂર થયો. ખુદના ઘડેલા કાયદાઓને સાંસદો વ્યકિતગત સ્વાર્થની ભીંસમાં અર્થહીન બનાવી દે છે. પક્ષપલટાવિરોધી કાયદાઓ છતાં પક્ષપલટાઓને તો છાવરવામાં જ આવે છે. સાંસદોના પરોક્ષ ખરીદ-વેચાણની રીતરસમોથી સરકાર ટકાવી રાખવામાં કોઈ નામોશી અનુભવાતી નથી. લોકશાહીવાદી ઉદાર મૂલ્યો અને અસાધારણ સાંસદીય કુનેહ ધરાવતા સ્વચ્છ રાજનીતિજ્ઞો વીતેલા યુગની દાસ્તાન રૂપે સ્મૃતિશેષ બન્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં લોકહિત અને રાષ્ટ્રીય હિતોની બે પાયાની બાબતોને સદંતર ભૂલવાની કામગીરી કોઠે પડી ગઈ છે. લોકસભાની સુવર્ણજયંતીની ઉજવણી નિમિત્તેની વિશેષ સભામાં સ્વીકૃત થયેલી આચારસંહિતા અમલના પ્રશ્ને જ અટવાઈ પડી. મહિલા અનામત ધારો પસાર કરવામાં બધા જ પક્ષોના સાંસદો સતત આનાકાની કરતા રહ્યા છે. સંસદની ચાલુ બેઠકો દરમિયાન અધ્યક્ષશ્રીઓના ચુકાદાઓનો કે વિનંતીઓનો આદર કરવાને બદલે તેમના હોદ્દાના ગૌરવને સાંસદો વારંવાર ખંડિત કરતા હોય છે. આ હકીકતો કેટલાક પ્રશ્નો ખડા કરે છે: દેશની નવી કે ઊગતી પેઢી સમક્ષ સાંસદોએ કયા આદર્શો રજૂ કર્યા છે? સેવાના? કે અંગત અથવા પક્ષના હિતના આદર્શો? સ્થૂળ ચર્ચા, શોરબકોર, નિરર્થક ઊહાપોહ, ઊતરતો વ્યવહાર, બિનસંસદીય ભાષાપ્રયોગો અને હીન ધોરણોનો આશ્રય લઈ સંસદની ગરિમાનું ધોવાણ સાંસદો જ કરી રહ્યા છે. સંસદની સાથે દેશની લોકશાહીને પણ બાનમાં લેવાઈ છે. નાગરિક બિચારો બન્યો છે, સમાજ નિરુત્સાહ અને ખિન્ન છે, પ્રજા ભયભીત થઈને હેબતાઈ ગઈ છે. અંધારી ને સાંકડી ગલીના છેડે સૌ પહોંચી ચૂક્યા છે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૨]