સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આવું કેમ?

Revision as of 11:57, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરાપૂર્વથી સ્ત્રીજાતિએ પોતાને માથે એક ભયંકર કલંક વહોર્યું છે, અને તે સાવકી મા તરીકેના વર્તનમાં. સાસુના જુલમ આપણા સમાજમાં પ્રખ્યાત છે; પણ સાવકી માતાના જુલમો અને ક્રૂરતા એના કરતાંયે વધી જાય છે. મૃદુતા, દયા, માયા એ સ્ત્રીજાતિના જીવન સાથે વણાઈ ગયેલા સર્વ સદ્ગુણોનો આ વર્તનમાં લોપ થયેલો દેખાય છે. નિર્દોષ, કુમળાં બાળકો ઉપર જુલમ વરસાવવામાં અપરમા બનેલી સ્ત્રી ક્યાંય અટકતી નથી. હૈયું વીંધી નાખનારા બોલ એ બોલે છે; જાતે મારપીટ કરે છે એટલું જ નહીં, છોકરાંના બાપ આગળ જુઠ્ઠી ચાડીઓ કરી, તેને ઉશ્કેરીને બાળકોને માર ખવડાવે છે. નમાયાં બાળકોના બાપને ભંભેરી એમને નબાપાં પણ કરવા માટે અપરમા રાતદિવસ મંડી રહે છે, તેથી પછી બાળકો પોતાના જ ઘરમાં નિરાધાર થઈ જાય છે. એ બાળકો પાસે ગજા ઉપરાંત કામ કરાવવું, એમને ઓછું ખાવા આપવું, એમના જીવનમાં આનંદ-ઉલ્લાસનું નામ પણ ન રહેવા દેવું, એમ પાળેલાં ઢોર તરફ પણ ન રખાય એવું વર્તન માતાવિહોણાં બાળકો તરફ રાખતી અનેક સાવકી મા હોય છે. આવા અત્યાચારોનું મૂળ શું હશે? સ્ત્રીજાતિની કોમળતા અને કરુણા ત્યારે ક્યાં જતી હશે? અલબત્ત, કેટલીક એવી અપરમાતાઓ પણ હોય છે જે સાવકાં બાળકોને પોતાનાં પેટનાં સંતાન જેવાં જ ગણે છે. નવી પત્નીને વશ થઈ જઈને જૂનીનાં બાળકોને ત્રાસ આપનાર પુરુષ નવી સ્ત્રીને રીઝવવા જતાં પિતૃપદ સમૂળગું ભૂલી જઈ માનવતાનું દેવાળું કાઢે છે. જો પિતા નવી સ્ત્રીને સાથ ન આપતો હોય, તો અપર માતાના જુલમોને ઉત્તેજન ન જ મળે.