સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“રસ્તો કરો!”

Revision as of 13:04, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લંડન શહેરમાં હાઈડ પાર્ક નામનું ખુલ્લું મેદાન છે. અંગ્રેજ પ્રજાએ સદીઓથી જેની આરાધના કરેલી છે તે વાણી-સ્વાતંત્ર્યનો પ્રાણવાયુ ત્યાં જાણે કે નજરે જોવા મળે છે. તરેહતરેહના વક્તાઓ પોતાના કાલાઘેલા હરકોઈ વિચારો ત્યાં જુસ્સાભેર વ્યક્ત કરતા હોય છે અને દરેકને શ્રોતાઓનું નાનુંમોટું ટોળું મળી રહે છે. એક સવારે ત્યાં જેની આસપાસ નાનકડું ટોળું ભેગું થયેલું તે વક્તા રાષ્ટ્રની પ્રવર્તમાન અવદશા માટે રાજકર્તા વર્ગની જવાબદારીની જુસ્સાભેર ઘોષણા કરી રહ્યા હતા : “આપણી તમામ મુસીબતોના મૂળમાં એ લોકો જ રહેલા છે!” વક્તાએ ત્રાડ પાડી : “આપણે આમસભાને આગ લગાડવી જોઈએ! રાણીના મહેલને સળગાવી મૂકવો જોઈએ!” એ ભાષણમાંથી મનોરંજન મેળવી રહેલું પ્રેક્ષકવૃંદ જરા જરા વિસ્તરતું સડક પર ફેલાયું ને પછી વાહનવહેવારને અડચણરૂપ બનવા લાગ્યું, ત્યારે એક પોલીસનું ત્યાં આગમન થયું. વિનય અને મક્કમતાના મિશ્રણવાળા સ્વરે એણે સાદ પાડ્યો કે, “ચાલો સજ્જનો, અહીંથી એક બાજુ ખસો અને વાહનવહેવાર માટે રસ્તો ખુલ્લો રાખો. આમસભાને આગ લગાડવાની તરફેણ કરનાર મહેરબાની કરીને અહીં જમણી બાજુ આવી જાવ, અને રાણીનો મહેલ બાળી મૂકવાની તરફેણમાં હોય તે ત્યાં ડાબી બાજુએ! ચાલો, રસ્તો કરો, રસ્તો કરો.” હાસ્યના ખડખડાટ વચ્ચે એ ખુશમિજાજી ટોળું તરત વિખેરાઈ ગયું.