સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જવાહરલાલ નેહરુનાં પુસ્તકો

Revision as of 09:34, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઇન્દુને પત્રો : ‘લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટર’ નામની લેખકની પહેલી ચોપડી મૂળ અંગ્રેજીમાં ૧૯૨૯માં બહાર પડી. પુત્રી ઇન્દિરા દસ વરસની હતી ત્યારે, ૧૯૨૮માં, શ્રી નેહરુએ તેને લખેલા એકત્રીસ પત્રો તેમાં છે અને જગતના આદિકાળની કથા એમાં કિશોરો માટે કહેલી છે. “જે બાળકોને એ પત્રો વાંચવાના મળશે તે બધાં આપણી આ દુનિયાને જુદી જુદી પ્રજાઓના બનેલા એક મોટા કુટુંબરૂપે ઓળખતાં શીખશે,” એવી ઉમેદ લેખકે દર્શાવેલી છે. તેનો આ ગુજરાતી અનુવાદ ૧૯૪૪માં પ્રગટ થયો હતો, તેમાં અનુવાદકનું નામ જણાવેલું નથી. જગતના ઇતિહાસનું રેખાદર્શન : ‘ગ્લીમ્પસીઝ ઓફ વર્લ્ડ હિસ્ટરી’ નામનો અંગ્રેજી ગ્રંથ ૧૯૩૪માં બહાર પડ્યો. તેમાં પણ લેખકે ‘ઇન્દુને પત્રો’ની માફક પોતાની કિશોર પુત્રીને ઉદ્દેશીને લખેલા, “આપણી દુનિયા વિશે કાંઈક વિશેષ કહેવાનો પ્રયત્ન” કરતા, મનુષ્યની શાણી તથા ગાંડીઘેલી જીવનયાત્રાનું નિરૂપણ કરતા પત્રો છે. ૧૯૩૦-૩૩ દરમ્યાન શ્રી નેહરુ નૈની, બરેલી અને દેહરાદુનની જેલોમાં કેદી હતા ત્યાંથી તેમણે આ પત્રો લખેલા. પછી ૧૯૩૯ અને ૧૯૪૫ની આવૃત્તિઓ વેળા તેમણે પુસ્તકમાં ઠીક ઠીક સુધારાવધારા કરેલા. તેનો શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો અનુવાદ ૧૯૪૫માં બહાર પડ્યો. લગભગ ૧૨૦૦ પાનાંના એ દળદાર ગ્રંથના અરધા જેટલા કદનો સંક્ષેપ પણ પાછળથી પ્રગટ થયેલો. મારી જીવનકથા : ૧૯૩૪-૩૫ દરમિયાન અલ્મોડાની જેલમાં લખાયેલું અંગ્રેજી પુસ્તક ‘એન ઓટોબાયોગ્રાફી’ ૧૯૩૬માં બહાર પડ્યું. શ્રી મહાદેવ દેસાઈએ કરેલો તેનો આ અનુવાદ પણ તે જ વરસે પ્રગટ થઈ ગયો. જવાહરલાલજીનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદોમાંથી સહુથી વધુ નકલો આ પુસ્તકની છપાઈ છે. શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો તેનો સંક્ષેપ પણ ૧૯૫૪માં બહાર પડેલો. મારું હિંદનું દર્શન : ૧૯૪૨-૪૫માં અહમદનગરના કિલ્લામાં શ્રી નેહરુએ ભોગવેલા છેલ્લા કારાવાસ દરમ્યાન પાંચ જ મહિનામાં તેમણે ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ નામનું અંગ્રેજી પુસ્તક લખેલું તે ૧૯૪૬માં બહાર પડ્યું. હિંદના ઇતિહાસ તથા હિંદની સંસ્કૃતિનાં ભિન્ન ભિન્ન પાસાં અંગેના પોતાના વિચારો લેખકે તેમાં રજૂ કરેલા છે. શ્રી મણિભાઈ ભ. દેસાઈએ કરેલો તેનો આ ગુજરાતી અનુવાદ ૧૯૫૧માં પ્રગટ થયો. આઝાદી કે સત્રાહ કદમ : ૧૯૪૭થી ૧૯૬૩ સુધીનાં સત્તર વર્ષો દરમિયાન ૧૫મી ઑગસ્ટના દરેક સ્વાતંત્રા-દિને દિલ્લીમાં લાલ કિલ્લા પરથી આપેલાં હિન્દી ભાષણોનો સંગ્રહ.