સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ગીત ગાતાં ગાતાં જઈએ છીએ!”

Revision as of 11:05, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યહૂદી પ્રજાનું નિકંદન કાઢી નાખવા માટે જર્મન નાઝીઓ તેના પર ત્રાસ ગુજારી રહ્યા હતા તેવા બીજા વિશ્વયુદ્ધના કાળમાં કેટલાંક યહૂદી કુટુંબો જીવ બચાવવા માટે છુપાઈને રહેતાં હતાં. ૨૭ વર્ષની યહૂદી યુવતી એટ્ટીને પણ તેના મિત્રોએ એ રીતે ગુપ્ત રહેવા સમજાવી હતી, પણ તે ન માની અને નાઝીઓના હાથમાં પકડાઈ ગઈ. પછી, તેનાં માતાપિતા ને ભાઈ સાથે એટ્ટીને પણ યહૂદીઓને મોત-કારાગારમાં લઈ જતી એક ટ્રેનમાં ચઢાવી દેવામાં આવી. ૧૯૪૩ની સાલના એ દિવસે એટ્ટીએ એક પોસ્ટકાર્ડ લખીને ટ્રેનની બારીમાંથી ફેંકી દીધેલો. નસીબજોગે કોઈ ખેડૂતના હાથમાં તે આવ્યો. તેમાં એટ્ટીએ લખેલું હતું : “ગીત ગાતાં ગાતાં અમે જઈ રહ્યાં છીએ!” ૧૯૪૧-૪૩ના ગાળામાં એટ્ટીએ લખી રાખેલી રોજનીશી પાછળથી હાથ લાગી અને ઘણી ભાષાઓમાં અનુવાદિત થઈને દેશદેશાવરના વાચકો સુધી તે પહોંચી. ગુજરાતીમાં તેનો અનુવાદ માવજી સાવલાએ કરેલો છે.