વસુધા/લઘુ સ્વાગત

Revision as of 07:01, 8 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લઘુ સ્વાગત|}} <poem> અર્પી રહું સ્વાગત જ્યાં તેને હું, ત્યાં યાદ આવે કઈ બાળ પૃથ્વીનાં સત્કારનારું નહિ કે જેમને. તે વાત બાજૂ પર જેહ રાજવી– –ધની ગૃહે જન્મત – જેહ જન્મ્યે મચી રહે ઉત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લઘુ સ્વાગત

અર્પી રહું સ્વાગત જ્યાં તેને હું,
ત્યાં યાદ આવે કઈ બાળ પૃથ્વીનાં
સત્કારનારું નહિ કે જેમને.

તે વાત બાજૂ પર જેહ રાજવી–
–ધની ગૃહે જન્મત – જેહ જન્મ્યે
મચી રહે ઉત્સવ દેશદેશે,
કે શ્હેરમાં જાહિર થાય હર્ષે
પેંડા પતાસાં વરતાય સાક૨;
કે પોળમાં વાત ઘરેઘરે ફરે,
પડોશીઓમાં જનમે કુતૂહલ, ૧૦
કે કૈં નહી તો
છાપામહીં રોજ પ્રકાશ પામતા
જન્મો – તહીં લાગી શકે જ નંબર.

નોંધું છું આજે
નૃપતિગૃહોની, કુલવંતકેરી,
પ્રતિષ્ઠિતો, નાગરિકો સુનામી,
પ્રભુપ્રિયો – ભક્ત – સુધાર્મિકોની
અ-નોંધપાત્ર સહુ સંતતિને.

જે જન્મતાં રાજકુલે ય કિંતુ
કૂખે પડે જે અણુમાનિતીને; ૨૦

કે માનિતા પેટ પડેલ છોકરી
જરૂર જ્યાં વારસદાર પુત્રની.
અમીર કે કે ઉમરાવ વંશમાં
અમીન કે કઈ કુલીન કીર્તિના
નીચા કરંતી ઉજળા સુવંશને
જે છોકરીઓ–
જે જન્મની સાથે જ દૂધ પીતી,
કે જીવતી મોઈ સમાન જે રહે;

કિંવાઃ
જ્યાં વાત ના આ કુલ-જાત કેરી ૩૦
એવાં ગૃહો મધ્યમમાં, ફળદ્રુપ
ક્ષેત્રે થતી ચિર્ભટિકા સમાન
અનંત જે અલંકકેરી પાક-
બે એકની બાદ જ જે બીજાં તે
આવ્યાં ન આવ્યાં સરખાં પિતૃને;

કિંવાઃ
દરિદ્રની ઝુંપડી કોટડીએ
દુકાળમાં માસ અધિક પેઠે
અનોતર્યાં આવત બાળટોળાં,
દારિદ્રયના દૂત જ માત્ર જે બનેઃ– ૪૦

આ દીનતા ને અપમાનિતાની
જન્મે છ ગર્તે પણ હક્ક તેને
પ્રકાશનો સૂ૨જ પેખવાનો.
કૈને નસીબે ન પ્રકાશ એટલો;
સુગુપ્તિથી આ પૃથિવી વિશાળમાં
પ્રવેશ જેના કરમે લખાયેલો–
કુમારિકાની કુખ જે પડ્યાં ભૂલાં,
વૈધવ્યમાં જે કદી સ્વર વાયુ શાં
આવી ગયાં સાવ અકલ્પ્ય રીતે,
સૌભાગ્યમાં કે પતિની ઉપસ્થિતિ ૫૦
અન્યત્ર હતાં ય પ્રવેશી જે ગયાં;
ભૂંજાર એ જે
તીર્થ સ્થળે યા સરિતાની સોડમાં,
ભાગેળ કે ઊકરડાની બોડમાં,
કિંવા અનાથાશ્રમકેરી પેટીમાં
પડી પટે જીવનને જ પામતાંઃ
સત્કાર માટે સહુ એમને હજો.

સત્કાર આ સૌ જનમ્યાં શિશુનો.
સત્કારવાનાં અણજન્મિયાં ય છે,
પૃથ્વતણી માટી મહીં પ્રવેશી ૬૦
ચૂકેલ, શું ચોર, જણાઈ આવતાં
કો ઔષધિભક્ષણ – શસ્ત્રધારનો
‘જા’કાર જેને મળતા જ સાફ;

કે જેહ પામી શકતાં પ્રવેશ ના
કેથ્થે ય, જેના આણુ ય અંકુર
ઉચ્છિન્ન થાતે અતિ કૌશલેથીઃ –
એવાં અજન્મ્યાં શિશુ લક્ષશઃ જે

ન નોંધ જેની ક્યહીં ચિત્રગુપ્તને
ત્યહીં ય, તેને સ્મરી આજ હું રહું.
જન્મ્યાં કુજનમ્યાં, જનમ્યાં ન જન્મ્યાં, ૭૦
ને જે અજમ્યાં, શિશુસર્વને હું,
હે બાળ મારા!
આજે લઘુ સ્વાગત ઓચરી રહું.