રાણો પ્રતાપ/ત્રીજો પ્રવેશ3

Revision as of 05:59, 11 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} {{Space}}સ્થળ : પૃથ્વીરાજના અંત :પુરનો ઓરડો. સમય : સાંજ. {{Right|[પૃથ્વીરાજ કવિતા જોડે છે.]}} પૃથ્વી : <poem> <center> બ્રહ્મલોકે બ્રહ્મા, વૈકુંઠે શ્રીપતિ, કૈલાસે મહેશ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ત્રીજો પ્રવેશ

અંક ચોથો


         સ્થળ : પૃથ્વીરાજના અંત :પુરનો ઓરડો. સમય : સાંજ.

[પૃથ્વીરાજ કવિતા જોડે છે.]


પૃથ્વી :


બ્રહ્મલોકે બ્રહ્મા, વૈકુંઠે શ્રીપતિ,
કૈલાસે મહેશ, સ્વર્ગે શચિપતિ,
સમવીર્યે ભૂમંડળે મહીપતિ,
ભારત-સમ્રાટ અકબરશાહ.

સાળું, આ છેલ્લું ચરણ બંધબેસતું નથી થતું. અકબર શબ્દમાં જો ત્રણ જ માત્રા હોત તો બરાબર મેળ મળત. પરંતુ — [જોશીબાઈ આવે છે.]

પૃથ્વી : કાં જોશી! ખુશરોજ જોઈ આવી?
જોશી : હા, ઠાકોર, જોઈ આવી.
પૃથ્વી : કેમ, કેવી મજા પડી? હું નહોતો કહેતો કે કેવો જબરદસ્ત મેળો ભરાય છે ને કેવી જબરી તૈયારીઓ થાય છે? કેમ ન થાય? અકબરશાહનો ખુશરોજ આહા!

[‘બ્રહ્મલોકે બ્રહ્મા, વૈકુંઠે શ્રીપતિ’ ઇત્યાદિ કવિતા બોલે છે.]

જોશી : ધિક્કાર છે, ઠાકોર! આ કવિતા આરડતાં ભોંઠામણ નથી આવતું? લમણાં લાલઘૂમ નથી બની જતાં? જીભના લોચા નથી વળી જતા? આ નીચ સ્તુતિગાન, આ ખુશામદ, આ હલકું જૂઠાણું —
પૃથ્વી : કેમ, જોશી! જે અકબરે પોતાના બાહુબળે કાબૂલથી માંડી બંગાળના અખાત સુધી એક જબરદસ્ત રાજ્ય સ્થાપ્યું, જેણે હિન્દુ-મુસલમાનોને એક પ્રેમસૂતથી બાંધ્યા —
જોશી : હાં, બોલ્યે જાઓ — જેણે હિન્દી રાજાઓની સ્ત્રીઓને પોતાના ભોગની વસ્તુઓ માની લીધી — બોલ્યે જાઓ.
પૃથ્વી : તેં અકબરને જોયા નથી એટલે જ આવું બોલતી લાગે છે.
જોશી : જોયા સ્વામી! આજ જોયા! અને જો આ કટાર મારી સાથે ન હોત તો તે ઘડીએ તમારી સ્ત્રી પણ અકબરની એક હજાર વારાંગનાઓની અંદર ઉમેરાઈ જાત.
પૃથ્વી : આ તું શું બોલે છે, જોશી!
જોશી : શું બોલું છું? વહાલા, જો તમે ક્ષત્રિય હો, મનુષ્ય હો, જરીયે મરદાનગી તમારામાં રહી હોય, તો આનું વેર લેજો. નહિ તો હું માનીશ કે મારો ધણી મરી ગયો છે — હું વિધવા છું; અને જો વેર ન લેવાય તો જાણજો કે મને પત્ની ગણીને સ્પર્શ કરવાનો પણ તમારો અધિકાર નથી. શું કહું, સ્વામી! આ તમારા કુલાંગાર ભીરુ હિંદુઓને દેખીને આખી પુરુષજાત ઉપર મને ધિક્કાર વછૂટે છે ને મન થાય છે કે અમે પોતે જ અમારાં શિયળ રક્ષવા તરવાર ઉઠાવીએ. હાય! એક અસ્પૃશ્ય પરપુરુષ આવીને આલિંગન કરવાને માટે તમારી સ્ત્રીનું કાંડું પકડે! અને તમે મૂઢની માફક સાંભળ્યા કરો, ઠાકોર?
પૃથ્વી : આ તું શું સાચું કહે છે, જોશી?
જોશી : સાચું કહું છું. કુલિન નારી કદી ખોટું બોલીને પોતાના કલંકની વાતો ફેલાવે? ખોટું લાગતું હોય તો જાઓ તમારાં ભાભીશ્રીની પાસે જે પોતાનું શિયળ ગુમાવીને, ધર્મ વેચીને, બાદશાહના દીધેલા અલંકારો રણઝણાવતાં ઘેરે આવ્યાં છે : ને જે કુલટાને તમારા ભાઈ રાયસિંહે ચુપચાપ પોતાના ઘરમાં દાખલ કરી દીધી છે. જાઓ, ત્યાં વધુ સાંભળશો. આર્યોની શું એટલી બધી અધોગતિ થઈ પડી છે કે સોનારૂપાને લોભે પોતાની સ્ત્રીને વેચે? ધિક્કાર છે.
પૃથ્વી : હું આ શું સાંભળું છે! આ શું સાચી? વાત? કાંઈ નથી સમજાતું. હવે શું કરું? બીજું શું કરું? પાદશાહ તો સર્વ શક્તિમાન કહેવાય! બીજું શું કરું? ઉપાય નથી.