સ્થળ : કોમલમીરમાં ઉદયસાગરનો કિનારો. સમય : અજવાળી રાત.}}
[મેહેર એકલી બેઠી બેઠી ગાય છે.]
[રાગ બિહાગ]
સતાવે એ મુખડાની યાદ.
રાત દિવસ કાં સતાવે હૃદયને
એ મુખડાની યાદ!
પલક પલક રોવરાવે નયનને
એ મુખડાની યાદ! — સતાવે.
સૂતી ઝબકું, જાગતી ઝબકું,
સ્વપને કોના સાદ!. — સતાવે.
સકળ સૂરોમાં ગાજે એક જ
એ મુખ કેરો નાદ — સતાવે.
મોહ-મદિરાનાં ઘેન ઊડ્યાં તોયે
નયન નથી નાશાદ — સતાવે.
પાપ-વાંછના પાછળ ભટકે
કોને કરું ફરિયાદ! — સતાવે.
[ગાઈ રહ્યા પછી સ્વગત બોલે છે.]
મેહેર :
|
કેવી સુંદર આ રાત્રિ! આજ આ શાંત રાત્રિએ, આ ચંદ્રજ્યોત્સ્નાની અંદર શા માટે એની છબી વારે વારે સાંભરી આવે છે? હજુયે ભૂલી ન શકાયું? હવે શા માટે હું મારા હૃદયને છેતરી રહી છું? બાપુની ઊભરાતી પ્રીતિને તરછોડી, આગ્રાનો મહેલ તજી ચાલી નીકળી, એ વાત ખરી. પણ મને આંહીં કોણ ખેંચી લાવ્યું? શક્તસિંહ. હું આવી. આવીને પ્રતિજ્ઞા કરેલી ખરી, કે એ નજરે પડશે તોયે એની સામે જોઈશ નહિ, મેં પ્રતિજ્ઞા તો બરાબર પાળી. પણ તોયે આ સ્થાન છોડાતું કાં નથી? કારણકે આખરે દિવસમાં એક વાર પણ એનું વહાલું નામ કાને પડે છે, એટલેથી પણ મને કેટલું સુખ થાય છે! પરંતુ હવે તો નથી રહેવાતું. આટલા દિવસ તો દિલની બધી ઊર્મિઓ વચ્ચે ઇરાને જકડીને બેઠી હતી. ને એ રીતે લાલચમાંથી કે વિકારોમાંથી બચેલી રહેતી. પરંતુ એ આધાર તો ગયો. હૃદય રોક્યું રોકાતું નથી. ના, અહીંથી ચાલ્યા જવામાં જ સાર છે. દૌલતઉન્નિસા જાણશે તો બહુ દુઃખ પામશે. બહેન, કેટલાયે દિવસ થયા તને દેખી નથી. તારા ખબર પણ મળ્યા નથી. લાગે છે કે રાણાજીની બીકે શક્તસિંહે એ વાત બહાર પડવા દીધી નથી. મેંયે વાત પ્રકટ કરી નથી. એક દિવસ રાણાજીને કાને સહેજ ભણકારો તો પહોંચેલો. પણ એણે એ વાત માની નહોતી. છતાં વાત સાંભળતાં જ રાણાનું મોં લાલચોળ બની ગયેલું, એ તો મેં બરાબર જોયું હતું. પ્રેમના મુક્ત રાજ્યની અંદર આ બધાં સામાજિક બંધનો, વિભાગો અને વાડાઓ શા માટે કર્યાં હશે, તે મારાથી નથી સમજાતું. હું શું જાણું? પરંતુ મેં તો જે કરેલું તે બધું, બહેન દૌલત! તારા સુખને ખાતર. તું સુખી થજે, બહેન! તારું સુખ એ જ મારું સુખ, એ જ મારી સાંત્વના!
|
દાસી :
|
શાહજાદી! રાણાજી પધાર્યા છે. મા આપને બોલાવે છે. પાદશાહ તરફથી આપના નામનો કાગળ આવ્યો છે.
|
મહેર :
|
મારા બાપુનો કાગળ? ક્યાં છે?
|
દાસી :
|
રાણાજીની પાસે. કુમાર અમરસિંહ આ તરફ આવેલા ને?
|
દાસી :
|
ત્યારે ક્યાં હશે એ? જોઈ આવું.
|
[દાસી જાય છે.]
મહેર :
|
[સ્વગત] બાપુ! બાપુ! આટલે દિવસે દીકરી સાંભરી! જઈને કાગળ જોઉં તો ખરી. કોણ અમરસિંહ?
|
અમરસિંહ :
|
[આવીને બેસી ગયેલે અવાજે] હા, હું અમરસિંહ.
|
મહેર :
|
દાસી તમને શોધતી હતી. ચાલો અંદર જઈએ.
|
અમર :
|
એમ કાંઈ જવાય? ઊભાં રહો?
|
[મહેરનો હાથ પકડે છે.]
મહેર :
|
આ શું કરો છો, અમરસિંહ! હાથ છોડો તો.
|
અમર :
|
છોડું છું પણ પ્રથમ સાંભળો. એક વાત કહેવી છે. ઊભાં રહો.
|
મહેર :
|
[સ્વગત] સુરાપાન કર્યું લાગે છે. [પ્રગટ] શું છે? કહો.
|
અમર :
|
શું કહેતો હતો! હાં હાં, આ જુઓ તો, આ સરોવરના હૃદય પર ચંદ્રનું પ્રતિબિંબ જોયું? કેવું એ સુંદર? જોયું મહેરઉન્નિસા? જોયું?
|
અમર :
|
અને આ આકાશ, આ ચાંદની, આ પવન! જોયાં? આ બધું સૌંદર્ય શા માટે સરજાયું હશે, મહેરઉન્નિસા?
|
મહેર :
|
મને ખબર નથી. ચાલો, ઘરમાં ચાલો.
|
અમર :
|
મને ખબર છે! એ સરજ્યાં છે માણવાને માટે, મહેર! માણવાને માટે!
|
મહેર :
|
રસ્તો છોડો, અમરસિંહ!
|
અમર :
|
માણવાને માટે! મનુષ્ય જો ન ચાખે તો પછી એના હોઠ પાસે આ છલોછલ પ્યાલી પ્રકૃતિએ ધરી જ શા માટે?
|
મહેર :
|
ચાલો, ઘરમાં ચાલો —
|
[જવા જાય છે. અમરસિંહ રસ્તો રોકે છે.]
અમર :
|
આટલા દિવસ તો દબાવી રાખ્યું. હવે નથી દબાતું. સાંભળો મહેરઉન્નિસા! આપણ બન્નેનાં યૌવન ફાટફાટ થાય છે. આવું એકાંતનું સ્થાન છે, ને આવી મધુરી રાત્રી છે! —
મહેર : અમરસિંહ! તમે દારૂ પીધો છે. શું બોલો છો તેનું તમને ભાન નથી.
|
અમર :
|
હું જાણું છું, મહેરઉન્નિસા!
|
[ફરી હાથ ઝાલે છે.]
મહેર :
|
[ઉગ્ર સ્વરે] હાથ છોડો.
|
અમર :
|
મહેરઉન્નિસા! પ્રેયસી!
|
[એટલું બોલીને મહેરને પોતાની છાતી ઉપર ખેંચે છે.]
મહેર :
|
અમરસિંહ! હાથ છોડી દો. [હાથ છોડાવવા મથે છે. બૂમ પાડે છે.] અરે કોઈ દોડો!
|
[લક્ષ્મી અને પ્રતાપ આવી પહોંચે છે.]
પ્રતાપ :
|
આ હું આવી પહોંચ્યો. [ધીર ગંભીર સ્વરે] અમરુ!
|
[અમરસિંહ દૂર જઈ ઊભો રહે છે.]
પ્રતાપ :
|
અમરુ! આ ધંધા! હું પ્રથમથી જ સમજતો હતો કે જેનું બચપણ આળસુ હોય, તેની જુવાની ઉચ્છૃંખલ થવી જ જોઈએ : છતાં મારો પુત્ર ઊઠીને એક આશ્રિત અબળા ઉપર આટલો અત્યાચાર કરશે, તે મને સ્વપ્નેય સૂઝ્યું નહોતું. કુલાંગાર! લે એની સજા! ઊભો થા.
|
[તમંચો બહાર કાઢે છે.]
[એટલું બોલીને પ્રતાપ પગમાં પડી જાય છે.]
પ્રતાપ :
|
ધિક્કાર છે, નામર્દ! ક્ષત્રિયબચ્ચાને મૉતનો ભય? ઊભો થા!
|
લક્ષ્મી :
|
[દોડતી આવી પ્રતાપના પગમાં પડીને] ક્ષમા કરો નાથ! એ મારો જ અપરાધ છે. આટલા દિવસ હું જાણવા છતાંયે ચેતી નહિ.
|
પ્રતાપ :
|
આ અપરાધની ક્ષમા ન હોય. દીકરો થયો એટલે શું હું ક્ષમા કરીશ?
|
મહેર :
|
ક્ષમા કરો રાણાજી! અમરસિંહ શુદ્ધિમાં નથી, એણે દારૂ પીધો છે.
|
પ્રતાપ :
|
ક્ષમા! ક્ષમા નહિ મળે! ઊભો થા.
|
[પ્રતાપ તમંચો ઉઠાવે છે.]
લક્ષ્મી :
|
[અમરસિંહની આડી ઊભી રહીને] તે પહેલાં મને મારી નાખો.
|
[પ્રતાપના હાથમાંથી તમંચો છૂટે છે. લક્ષ્મી જખમી થઈને ભોંય પર પડે છે.]
મહેર :
|
સત્યાનાશ! મા — મા —
|
[દોડીને લક્ષ્મીનું માથું પોતાના ખોળામાં લઈને બેસે છે.]
પ્રતાપ :
|
લક્ષ્મી — લક્ષ્મી —
|
લક્ષ્મી :
|
નાથ! અમરુને ક્ષમા દેજો. જીવતરમાં આ એક જ વાર મેં તમારી આજ્ઞા લોપી છે. મને ક્ષમા દેજો. મરતાં મરતાં તમારા ચરણ આગળ સ્થાન દેજો.
|
[પ્રતાપનો પગ પકડીને લક્ષ્મી મરણ પામે છે.]
પ્રતાપ :
|
મહેર! મેં આ શું કર્યું, ખબર છે?
|
[અમરસિંહ સ્તબ્ધ બનીને ઊભો છે. મહેર રડે છે.]
પ્રતાપ :
|
જગદીશ્વર! પૂર્વજન્મે મેં એવાં તે શાં પાપ કર્યાં હતાં; કે બધી રીતે મારે યાતનાઓ જ સહેવી પડે છે! ઓહ! આંખે અંધારાં આવે છે!
|
[મૂર્છા પામીને પડે છે.]