પાત્રો
પુરુષ
ભોળાનાથ : જ્ઞાતિના અગ્રેસર
અનંત : ભોળાનાથનો જુવાન પુત્ર
વૈદ્યરાજ, વીરેશ્વર,
વિશ્વનાથ : જ્ઞાતિજનો
લક્ષ્મીધર : અનંતનો સસરો
આચાર્ય : સરસ્વતી વિદ્યાલયના ઉપરી
ચંદુ, મહેશ્વર,
યદુનંદન : વિદ્યાલયના છાત્રો
શંકર : એક યુવક જમાદાર, પોલીસ, કલ્યાણ, રૂસ્તમ વગેરે.
સ્ત્રીઓ
કંચન : અનંતની પત્ની
ઉમા : અનંતની વિધવા બહેન
પ્રવેશ પહેલો
[સમય સૂર્યાસ્તનો. બજારના ખૂણા પરની એક સોડા-લેમનની દુકાને, પગથી ઉપર ઊભો ઊભો જુવાન અનંત એક હાથમાં લેમન–આઇસનો ગ્લાસ ઝાલી ધીરે ધીરે પીણું
પીવે છે. બીજે હાથે ગજવાનો રૂમાલ ફરફરાવતો મોં પર પવન ઢોળે છે. બન્ને પગ સહેજ પહોળા છે. લજ્જતથી ઊભેલ છે. ટોપી બગલમાં મારી છે. સામી દિશામાંથી એના કરતાં સહેજ મોટી વયનો જુવાન કલ્યાણ આવે છે. કલ્યાણના દીદાર અનંતથી ઊલટા છે. કચ્છને બદલે આગળ-પાછળ પાટલીવાળું ધોતિયું, બફારો સિતમ હોવા છતાં પૂરાં પાંચેય બટને બીડેલો કોટ, માથાના વાળ જરીકે ન દેખાય તેમ બાંધેલો ફટકો, ને હાથમાં અભ્યાસમાં એની એકાગ્રતા બતાવતી એક ચોપડી.]
અનંત :
|
કાં, વિસર્જન થઈ ગઈ ન્યાત?
|
કલ્યાણ :
|
થવાની તૈયારીમાં છે. ફેંસલો અપાઈ ગયો.
|
અનંત :
|
હા, એ તો અપાયો જ હશે ને! હું એ બધા ન્યાયધર્મના કડક વિચારની આગ સહન ન કરી શક્યો એટલે જ ઠંડો થવા સારુ વહેલો નીકળી ગયો. ફેંસલો તો શો, એ જ ને?
|
કલ્યાણ :
|
હા, ભદ્રમુખની વહુને ધનેશ્વરજીએ પાછી ઘરમાં તો રાખવાની ના જ પાડી, ને ન્યાતે પણ એ વાજબી ઠરાવ્યું. મુસલમાનના ઘરમાં બે રાત એ રહી આવી...
|
અનંત :
|
સાલાઓ! રહી આવી? કે જોરાવરીથી ગુંડાઓ ઉઠાવી ગયા? ને સગા સસરો-જેઠ પોતાની બારીમાંથી એને ચૂંથાતી જોતા રહ્યા! બારી બીડી દીધી!
|
કલ્યાણ :
|
એ તો પ્રશ્ન નીકળેલો; પણ બધાએ કહ્યું કે ગમે તેમ, બાઈએ તો જીભ કરડીને મરવું જ જોઈતું’તું. બાકી એ જઈ આવી, કે એને જોરાવરીથી લઈ ગયા, બેઉનું પરિણામ તો એક જ ના? બાઈ ભ્રષ્ટ બની. માટે જો બાઈ સાચવીને એના પિયરમાં કે બીજે ક્યાંય બેસી રહે, તો માસિક રૂપિયા ત્રણની જીવાઈ ધનેશ્વરજીએ પૂર્યા કરવી. ને જો એને મુસલમાન કે કિરસ્તાન બની જવું હોય, તો પણ બેલાશક છૂટ છે.
|
અનંત :
|
[દુકાનવાળાને] રહેમાનભાઈ, બીજો ગ્લાસ ભરી દેજો તો! તરસ છીપતી નથી. [જોરથી રૂમાલ ફરકાવે છે. કલ્યાણને પૂછે છે.] અને ભદ્રમુખ કશુંય ય ન બોલ્યો?
|
કલ્યાણ :
|
નીચે મોંએ ધરતી ખોતરતો હતો. વહુની મા આવીને ઊભેલાં તેણે કહ્યું કે જમાઈનું પોતાનું મન શું છે? ત્યાં તો સહુ કાગારોળ કરી ઊઠ્યા કે બાઈ, જમાઈ આવી બાબતમાં કંઈ ન જાણે. ઘેર જાઓ. પછી તો એ ચંડિકા ઝાલી રહે? એ ‘મારા રોયાઓ! છાજિયાં લઉં તમારાં : ઠાઠડી નીકળે તમારી! વહુ-દીકરીઓ તમારી સહુની પણ આમ જ કળકળજો!’ એવું એવું કહેતી ને માથું કૂટતી સાસુ ચાલી ગઈ. ન્યાતીલા બધા પેટ પકડી પકડીને દાંત કાઢતા રહ્યા.
|
અનંત :
|
રહેમાનભાઈ, ઝટ એક બીજો ગ્લાસ! [સ્વેદ લૂછે છે.]
|
કલ્યાણ :
|
અનંત, દુકાનની અંદર બેસીને પી તો!
|
અનંત :
|
કેમ? તો તું પણ લઈશ?
|
કલ્યાણ :
|
ના, હું હવે જઈશ. [સામી બાજુએ કોલાહલ થતો હતો તે તરફ ચમકી ચમકીને નજર કરે છે.]
|
કલ્યાણ :
|
ન્યાત વાડીમાંથી નીકળતી લાગે છે. હું જાઉં છું. તું ભલો થઈને અંદર બેસીને પી.
|
કલ્યાણ :
|
ત્યાં તારી વાત પણ છેલ્લે છેલ્લે નીકળી હતી. તારી આવી છાકટાઈ માટે બાપાને સહુએ ખૂબ ખૂબ ઝાડ્યા. કહે કે આજ તો આવી નફટાઈથી સોડા-લેમન પીવે છે, ને કાલે તો દારૂ-તાડી પણ પીવાનો.
|
અનંત :
|
એ...મ? એટલી બધી મારા સદાચારની કાળજી? ઠીક, તું તારે જા, ભાઈ. તારે હજુ ઘણાં ભાંડરડાં વરાવવાં-પરણાવવાં બાકી છે ખરાં ને!
|
[કલ્યાણ ચાલી નીકળે છે. થોડે દૂર જાય છે ત્યાં —]
અનંત :
|
અલ્યા કલ્યાણ, એક તાલ જોવો છે? ખૂણે છુપાઈને ઊભો રહે.
|
[ન્યાતીલાના ટોળાને સામેથી આવતું દેખે છે કે તરત ત્યાંથી થોડે દૂર આવેલી એક વિલાયતી દારૂવાળા પારસીની આલેશાન દુકાનના આગલા ઓટા પર અનંત ચડે છે, ખુરસી પર પગ પહોળા કરીને બેસે છે, અને વિસ્મય પામેલા દુકાનદારને કહે છે —]
- રૂસ્તમજી દોસ્ત, જલદી જલદી, એક ગ્લાસ રાસ્પબરી અને આઇસ. ચોખ્ખો રાસ્પબરી, હાં? જરા ટીખળ.
[‘ટીખળ’ શબ્દની જાદુઈ અસર પામતો જુવાન રૂસ્તમજી લાલ ગુલાબી રાસ્પબરીનો ગ્લાસ અનંતને ભરી આપે છે.]
રૂસ્તમ :
|
બે ડ્રોપ રમનાં મિલાવી આપું, દોસ્ત? તબિયત ખુસ બની જસે, ને તીખલ કમ્પ્લીટ બનસે, હાં ડીકરી!
|
અનંત :
|
અરે નહિ રે યાર! હું તો શુદ્ધ બામણિયા ટિખળ કરવાનો છું. લે હવે ખસી જા બાજુ પર. જો અમારા સ્વર્ગના દ્વારપાળો આવે.
|
[જ્ઞાતિજનોનું ટોળું હસાહસ કરતું, પરસ્પર તાળીઓ દેતું, ભદ્રમુખની વહુને માટે પ્રાયશ્ચિત્ત હોય કે ન હોય તેના આધારના શ્લોકો બોલતું નજીક આવે છે. ‘तस्मात, इति, श्रुतिकार :’ એવા ગડબડાટ સંભળાય છે.]
એક જ્ઞાતિજન :
|
પ્રાયશ્ચિત્ત તો હોવું જ જોવે. હમણાં જ વેશ્યાની સાથે વિવાહ કરનાર શ્રી દામોદરલાલજીને કેમ પ્રાયશ્ચિત્ત આપ્યું!
|
વૈદ્યરાજ :
|
હવે તમે સમજો-કરો નહિ ને શી કૂટ કર્યા કરો છો, કાશીરામ? એ કિસ્સામાં પ્રથમ તો શ્રી દામોદરલાલજી પુરુષ યોનિ છે, ને વળી ધર્મના આચાર્ય છે. એની કક્ષામાં તમે ભદ્રમુખની બાયડી સૂરજને મૂકો છો! અને હંસા ભલે વેશ્યા હતી, પણ મુસલમાન થોડી હતી?
|
અનંત :
|
[રાસ્પબરી પીતો પીતો] મુરબ્બીઓ! હું શ્રી દામોદરલાલજી, હંસા અને ભદ્રમુખના માનમાં આ પીઉં છું, હો કે?
|
[આખું ટોળું એ અવાજની બાજુએ તાકે છે. પેટ્રોમેક્સ બત્તીના પ્રકાશમાં અનંતના હાથનો ગ્લાસ ગુલાબી પીણાની પારદર્શકતા વડે દીપી રહે છે. અનંતની પીઠ જ આ ટોળા તરફ છે.]
‘શિવ! શિવ! શિવ!’ કરતું ટોળું નીચાં મોઢાં ઢાળી ચાલ્યું જાય છે.
વૈદ્યરાજ :
|
હું હજુ હમણાં જ નહોતો કહેતો? આ પરિણામ નજરોનજર દીઠું. હવે તો માનશો ને, કાશીરામ?
|
વિશ્વનાથ :
|
વૈદરાજની ભવિષ્યવાણી જેવી વૈદકમાં અફર છે તેવી જ આંહીં પણ સિદ્ધ થઈ. અફર છે એની ગણતરી. દરદી પાંચમે દા’ડે મરી જશે એમ બોલે પછી છઠ્ઠો થાય નહિ. અનંતનું પણ લેમન સોડામાંથી દારૂએ ઊતરવાનું ખરું ભાખેલું, ભાઈ!
|
બીજો જ્ઞાતિજન :
|
ભાઈ, આ વિષય એવા સંતોષનો નથી. આ તો ચોરી ઉપર શિરજોરી. ક્યાં છે અનંતના પિતા? દીઠાં કે નહિ એમણે દીકરાનાં પરાક્રમ? દેખાડો.
|
ચોથો જ્ઞાતિજન :
|
ડોસા ક્યાંઈક પલાયન કરી ગયા. શું મોં લઈ ઊભા રહે?
|
[ટોળું અદૃશ્ય થાય છે. કેટલાક ખાસ રસિયાઓ આઘે આઘે ઊભીનેહજુ અનંત તરફજુએ છે.]
પહેલો જ્ઞાતિજન :
|
મારો બેટો માણે છે ને! આપણું તો ચોરીછૂપીથી જ જીવવામાં જીવતર ધૂળ થયું.
|
બીજો જ્ઞાતિજન :
|
‘આવરદા વ્યર્થ વીતાવી’વાળા ગાયન જેવું.
|
[પછવાડે જોતા જોતા બધા વીંગમાં ચાલ્યા જાય છે.]
અનંત :
|
રૂસ્તમ! કેટલા પૈસા?
|
રૂસ્તમ :
|
અરે ચાલ રે પૈસાદાર મોટા! તારું તે લેવાય? સાથે ભનેલા, ને વલી આ તો તીખલ હૂતું!
|
અનંત :
|
થેન્ક યુ, દોસ્ત! પણ કોર્ટમાં સાહેદી આપવી પડશે હો!
|
રૂસ્તમ :
|
બેશક. સાલાઓને ત્હાં કોર્તમાં તો બરાબર બનાઉં. અમારે પારસાંની નાતમાં બી એ જ ધમરોલ છે, યાર! પેલી પારસન છોકરીને બસ ડંડા વતી આડા ફરીને પેલા એના દકસ્ની લવર સાથ ન જ અદરાવા દીધી. પેલો ત્રેન તલે ચગદાઈ મૂવો. નાતના ધમરોલ બી ગઝબ છે, ડીકરી.
|
અનંત :
|
રૂસ્તમ! એક વાત પૂછું, દોસ્ત? તું કોઈ બામણીની સાથે શાદી કરે ખરો?
|
રૂસ્તમ :
|
અરે બોલ ના, યાર! બાવાજી મારી જ નાખે! આટલું બધ્ધું તીખલ કે ડીકરી?
|
અનંત :
|
રૂસ્તમ, ટીખળ નથી, અંદરની આગ છે. અમારી એક જુવાન રૂપાળી બાઈને આ ન્યાતીલાઓએ મળીને આજ વાઘ-દીપડાના મોંમાં ફેંકેલ છે. આ ટીખળની પછવાડે એ દાઝ ભરી હતી, ભાઈ! [ધીરે ધીરે ચાલી નીકળે છે.]
|
રૂસ્તમ :
|
[સ્વગત] બચ્ચો ફોગટનો સલગે છે બીજાઓને વાસ્તે. અસલ જાને એન્જીનનું બચ્ચું! [હસે છે. પડદો પડે છે.]
|
પ્રવેશ બીજો
સ્થળ : ભોળાનાથનું ઘર. સમય : તે જ દિવસ સાંજના આઠનો.
[ભોળાનાથની વિધવા પુત્રી ઉમા અને એની પંદરેક વર્ષની યુવાન ભાભી કંચન ઉંબરમાં બેઠેલ છે. ભોજાઈ પોતાની ગોરી હથેળીઓમાં દીવાની દીવેટો વણે છે, ને ઉમા ભાભીના માથા પર મીઠાશથી હાથ પંપાળે છે. ભાભીના હાથમાંથી વણાઈને નીચે પડતી વાટ્યો તરફ જોઈને —]
ઉમા :
|
ખરે જ, ભાભી, રૂપાળી મોગરાની કળીઓ જેવી દીવેટો કરો છો, હો!
|
કંચન :
|
બાપાજીને પૂજામાં ખૂબ ગમે તેવી કરવી જોઈએ ને!
|
ઉમા :
|
તારો વર તો પૂજા-ફૂજાનો કટ્ટો વેરી નીકળ્યો છે. એ તને વઢતો નથી આ વાટ્યો સારુ?
|
કંચન :
|
એનું વઢવું પણ જુદી જ જાતનું છે ને? બે વાટ્યો વધુ કરાવીને પછી રાતે દીવીમાં પેટાવી મારી જ આરતી ઉતારે છે. કહે કે બાપાજી પૂજે એની અંબાજીને, તો હું પૂજું મારી શીકોતરને!
|
ઉમા :
|
રઢિયાળો! વહુ પાછળ તો ઘેલુડો જ ફરે છે. કેમ જાણે સાત અવતારે માંડ — [ભોળાનાથ દાખલ થાય છે.]
|
ભોળાનાથ :
|
[હાંફળા ફાંફળા] ઉમા! કોઈ ન્યાતીલા આવ્યા હતા?
|
ભોળાનાથ :
|
અનંતીયો આવી ગયો?
|
ઉમા :
|
ના, કેમ તમે આજ આકળા છો, બાપુજી?
|
ભોળાનાથ :
|
ઉમા, વહુને અત્યારે ને અત્યારે એના બાપને ઘેર મૂકી આવો.
|
ઉમા :
|
કેમ એમ? હજુ તો એ જમ્યાં ય નથી.
|
ભોળાનાથ :
|
તો જમાડી લ્યો. અનંતના કૅફની હવે હદ થઈ ગઈ. પરણાવ્યો ત્યારથી બેઆબરૂના ગણેશ બેઠા છે. જ્યાં સુધી એની ઓરડીમાં પેસીને એનાં તેલઅત્તરો; પોમેટમો વગેરે એલફેલ ચલાવતો ત્યાં સુધી તો ફક્ત ઘર જ ગંધાઈ ઊઠતું. આજે હવે આખી ન્યાતમાં એની બદબો ઊઠી છે.
|
ઉમા :
|
પણ બાપુજી, એમાં ભાભીનો શો ગુનો?
|
ભોળાનાથ :
|
વહુએ એને વાર્યો જ નથી. વહુ થકી જ એનો ઉન્માદ પોષાયો. હવે દીકરાનો મદ ન ઊતરે ત્યાં સુધી વહુ પિયરમાં જ રહે. મૂકી આવો વેળાસર. વધુ પૂછશો નહિ.
|
[ભોળાનાથ અંદર ચાલ્યા જાય છે. પગનાં જોડાં ને હાથમાંની લાકડી, માથાની પાઘડી ને શરીર પરનાં લૂગડાં ઉતારીને જેમ તેમ ફગવતા હોય છે, તે દૃશ્ય દૂર દૂરથી દેખાય છે. નણંદ- -ભોજાઈ પણ અંદર જાય છે. બહારથી આવેલો અનંત વીંગની આડશે ઊભો ઊભો શાંતિથી હસે છે. એણે પિતાની કોપવાણી સાંભળી છે.]
અનંત :
|
[માથાની વિખરાયલી લટો બાદશાહી રીતે હાથ ફેરવી સમારતો સમારતો સ્વગત] બાપુજી મારાં તેલ-અત્તરો અને પોમેટમોની પાંચ સીસી પર ઊતરી પડ્યા! ત્રણ પેઢીથી તમે બધા કેવળ છીંકણી, છાણના છોકા અને ઘીના દીવામાં જ તમારા જીવન-રસ રૂંધી રાખેલ છે ને, બાપુજી, તેનું આજે કુદરત મારી મારફત વૈર વાળે છે, હાં કે? બિચારાં મારાં બા : સાંભળું છું કે રાતે બાર વાગ્યા બાદ સાસુના પગ ચાંપીને પછી જ મેડીએ જઈ શકતાં, ને દિવસ બધાના વૈતરામાં ગંધાઈ ગએલો સાડલો પહેરીને જ સૂઈ રહેતાં. પવન પણ એ મેડીમાં પેસી શકતો નહિ. ચંદ્ર પણ ડોકિયું કરી શકતો નહિ. આજે એ જ મેડીમાં મારી કંચનને હું પવન અને ચંદ્રની લાજ કઢાવ્યા વગર હીંડોળે ઝુલાવું છું. માનાં દુઃખોનું વૈર વાળું છું. એ હીંડોળાના કિચૂડાટ પાડોશીઓનાં કલેજાંને કરડે છે...
|
[ઘરમાંથી ઉમા અને કંચન નીકળે છે. અનંતને દેખે છે.]
ઉમા :
|
અનંતભાઈ, આવ્યા તમે? બાપાજી...
|
અનંત :
|
હું બધું જ સાંભળી શક્યો છું, ઉમા! લાવ તો એ ફાનસ.
|
[ઉમાના હાથમાંથી ફાનસ લઈને જ્યોતને સતેજ કરે છે. કંચનના મોં સામે ધરે છે.]
નહિ, નહિ, આ હરીકેનની ઘાસલેટિયા બત્તી શું તારી સુંદરતા બતાવી શકતી’તી?
[ખીસામાંથી. વીજળીની નાની ટોર્ચ કાઢીને ચાંપ દાબી કંચનના મોં પર રોશની ફેંકે છે.] બસ! હવે દેખી શકાય છે. આંસુની સુકાયેલ ધારા પણ સ્પષ્ટ છે.
ઉમા :
|
અનંતભાઈ! ગાંડાં શું કાઢો છો? બાપાજી સાંભળશે.
|
અનંત :
|
સાંભળશે તો સ્ત્રી પ્રત્યેની મારી લાગણીથી પ્રસન્ન થશે ને? બસ, જોઈ લીધી હવે. એ જ મુખ આજ રાતે મારા ભેગું જ રહેશે. જો, કંચન, ત્યાં તારા બાપને ઘેર તું મેડી પરથી મંગળના તારા સામે તાકજે, હું યે તાકીશ, આપણા બેઉની આંખોના કિરણો ત્યાં એકત્ર થશે — મંગળમાં. અને જો! [નજીક જઈને કાનમાં] કાલે સાંજે, જાગનાથની દેરીમાં બરાબર ચાલાકી કરીને આવજે, હાં? [કાનની બુટ તાણીને નાની-શી ટાપલી મારે છે.] પધારો હવે. નહિતર અનંતીયો વીફરી જશે!
|
પ્રવેશ ત્રીજો
સમય : ઉપલો બનાવ બની ગયા બાદ કેટલાક દિવસે.
સ્થળ : સરસ્વતી વિદ્યાલયનો નાનો-શો ઓરડો.
[અનંતના પિતા ભોળાનાથ અને વિદ્યાલયના આચાર્ય પ્રવેશ કરે છે.]
આચાર્ય :
|
આપ આંહીં બેસો. હું બરાબર બંદોબસ્ત કરીને આવું છું. [મૂઠ્ઠી હલાવતાં] પાકા જાપ્તાની જરૂર છે. બહુ ગંધીલો છોકરો છે એ.
|
ભોળાનાથ :
|
સાચી વાત છે. જાણશે તો ચેતી જશે.
|
[આગળની વીંગ પાસે આવીને ત્રણ તાળીઓ પાડે છે. પટાવાળો આવે છે; પટાવાળાને ધીરે અવાજે, મોંની બન્ને બાજુ હાથનું મેગોફોન રચીને કહે છે.]
દરવાજે બેસજો. અહીં કોઈને આવવા ન દેજો. હું આંહીં છું એ ખબર ન પડવા દેજો. કોઈ પૂછે તો કહેજો કે શહેરમાં ગયો છું.
[અંદર આવે છે. બારણું ભીડે છે. બાછલી બારી પણ બંધ કરે છે. પછી ભોળાનાથની પાસે આવે છે.]
આચાર્ય :
|
જાપ્તાની બહુ જરૂર પડે છે. વિદ્યાલયનું કામ એવું કપરું છે. મન જાણે છે!
|
ભોળાનાથ :
|
સાચું છે. અમે સમજીએ છીએ કે શહેરનાં સારાં માણસોને પેટની ઊંડી વાતો ખોલવાનું આ એક જ ઠેકાણું છે.
|
આચાર્ય :
|
સારાં કે નરસાં જે આવે તેને સાંભળવાં પડે છે, ભાઈ! મૂંઝવણના માર્યા સરકારી અમલદારો પણ આવે છે, ને સ્ટેશન માસ્તરો પણ માર્ગ કઢાવવા આવે છે. ફસાઈ ગયેલી બહેનોને પણ કોણ જાણે કોણ બસ આંહીંનો જ [સ્તો બતાવી દે છે. ફાળા કરનારા પણ આવીને અમને જ મોખરે કરે છે.
|
ભોળાનાથ :
|
એટલો વિસામો છે સૌ શહેરીઓને. આપ અને આપનું વિદ્યાલય તો છેક કલેક્ટરથી માંડીને જ્ઞાતિઓ લગી તમામ સમાજ વચ્ચેની જીવતી કડીરૂપ છો.
|
આચાર્ય :
|
એ બધી ત્રાસદાયક અવસ્થા છે. પણ શું કરવું? હા, ચાલો હવે આપણે આપણી વાત કરીએ. [ભલભલાને પીગાળી નાખે તેવી છટાથી હાથ જોડીને] ફરમાવો.
|
ભોળાનાથ :
|
અનંતનું કેમ ચાલે છે?
|
આચાર્ય :
|
વિકટ મામલો છે. કાબુમાં હજુ આવતો નથી. એને વિશ્વાસમાં લેવા અમે ઘણું મથ્યા. પણ દિલચોરી રાખે છે.
|
ભોળાનાથ :
|
પણ આ સંસ્થા તરફ તો એને ભારી આકર્ષણ હતું ને?
|
આચાર્ય :
|
એ આકર્ષણ હતું અહીં મળતી છૂટનું, અમારું નહિ. એનાં પરાક્રમો વધ્યાં છે.
|
ભોળાનાથ :
|
શું, છેલ્લું કંઈ બન્યું?
|
આચાર્ય :
|
હા, કાલે શરદપૂર્ણિમા હતી. અમારું રસસમ્મેલન ચાલતું હતું. મારું ગીતા-પ્રવચન પૂરું થયું અને દૂધ-પૌંઆ પિરસાતા હતા તે કોલાહલમાં પોતાનો દૂધ-પૌંઆનો વાટકો લઈને એ સરકી ગયો. થોડી વારે અમને ભાન થયું. મારા સેન્ટ બર્નાર્ડના કુત્તા જેવા ચકોર જાસૂસ વિદ્યાર્થીઓ દોડ્યા. જઈને જોવે છે તો ભાઈસાહેબ જાગનાથની ઓસરીએ બેસી, એની પત્ની જોડે દૂધ-પૌંવા જમી રહેલ છે!
|
ભોળાનાથ :
|
કોણ — કંચન! એ ક્યાંથી?
|
આચાર્ય :
|
અમારા માથાનો છે. મારા જાસૂસો પર જાસૂસોની ગોઠવેલી જાળમાંથી પણ કોણ જાણે શી રીતે એક નાના વિદ્યાર્થી જોડે એણે પોતાને સાસરે ચિઠ્ઠી પહોંચાડી હશે.
|
ભોળાનાથ :
|
ત્યારે તો રોગ વધ્યો. અહીં મૂકવાનું કારણ જ એ હતું.
|
ભોળાનાથ :
|
આજ છ મહિનાથી વહુને પિયર વળાવેલ. પણ રોજ સાંજે બન્ને દૂધેશ્વર પર મળ્યે જ રહે. કોઈ વાર રાતનાં બાર વાગે વહુને તેડીને ઘેર આવી ઓચિંતો બારણાં ભભડાવે. અમારા તો હોશ ઊડી જાય. ફજેતીના ફાળકા થતા હતા. હાઈસ્કૂલમાં અનેક વાર ભણવા જવું છોડીને મેડી ઉપર વહુ પાસે પાઠ્યપુસ્તકોના પાઠ વાંચી સંભળાવતો. એટલે જ અહીં મૂકવો પડેલો.
|
આચાર્ય :
|
આ વાત તો આપે મને અગાઉથી કરી નહોતી!
|
ભોળાનાથ :
|
આપ કદાચ નહિ દાખલ કરો એ બીકે.
|
આચાર્ય :
|
તે શું આપ એમ માનો છો કે અહીં આવનાર બધા વિદ્યાર્થીઓ ડાહ્યા-ડમરા ને સદાચારી છે? આપના જેવા ત્રાસી ગળે આવી ગયેલ પિતાઓના જ ધકેલી મૂકેલા એ બોજા છે. આ તો ઇસ્પિતાલ છે — માનસિક રોગ મટાડવાની.
|
ભોળાનાથ :
|
ત્યારે હવે અનંતના માનસિક રોગનો ઉપચાર?
|
આચાર્ય :
|
કરીશું. બધી જ ઔષધિઓ છે. અહીં અમારે તો वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपिનો નિયમ રાખવો પડે છે.
|
ભોળાનાથ :
|
પણ અહીં તો કડક પગલાં લેવાનો પ્રતિબંધ છે ને? મારપીટ, ધમકી, દમદાટી વગેરેની તો તમે વિરુદ્ધ છો ને!
|
આચાર્ય :
|
પણ એથી વધુ ઉગ્ર ઈલાજો અમારી પાસે છે. અમારાં ચક્રો ચાલે છે, પણ મૂંગાં મૂંગાં અને અફર. તમે ગભરાશો નહિ ને?
|
ભોળાનાથ :
|
શાથી? શું કરવા માગો છો આપ?
|
આચાર્ય :
|
એનું માનસ એકાદ આંચકો અનુભવે તેવું કંઈક. મને એનો માનસિક રોગ ચિત્તભ્રમ તરફ જતો ભાસે છે.
|
ભોળાનાથ :
|
શા પ્રકારનો ઈલાજ કરશો?
|
આચાર્ય :
|
સાંજે આવીને નજરે જુઓ. બરાબર ચંદ્રોદય ટાણે.
|
આચાર્ય :
|
ભાઈ સાહેબે આજે પણ ચંદ્રોદયે એની વહુને તેડાવેલ છે મળવા. એની રસિકતાને મારે ઓચિંતો છાપો મારીને દબાવી દેવી છે. એને ભાન કરાવવું છે કે અમે અમારો ઉપલો વેશ ઢંગ બતાવે છે તેવા ભોળા ભગતડા નથી. કાલે સવારે જ તમે તમારા અનંતને ડાહ્યોડમરો દેખશો. અત્યારે તો આપણે છૂટા પડીએ.
|
ભોળાનાથ :
|
મારશો-પીટશો તો નહિ ને, ભાઈસા’બ?
|
આચાર્ય :
|
આંગળીનું ટેરવું સુધ્ધાં નથી અડકાડવું. મારપીટ તો અમાનુષી ઇલાજ છે. અમારે તો માનસશાસ્ત્રના કોયડા હળવે હાથે ઉકેલવાં છે. સાંજે ચંદ્રોદયે આપ આવજો અહીં. ને હું હવે તાકીદે બંદોબસ્ત કરું. રજા લઉં છું.
|
ભોળાનાથ :
|
જય જય. [જાય છે.]
|
[આચાર્ય ત્રણ તાળીઓ પાડે છે. પટાવાળો આવે છે. ઘોર કાવત્રું કરવાનું હોય તેવા ધીમા સ્વરે કહે છે.]
આચાર્ય :
|
મહેશ્વરને અને ચંદુને બોલાવ. ઇશારેથી. કોઈ ન જાણે તેમ. [પટાવાળો જાય છે.]
|
આચાર્ય :
|
[સ્વગત] वज्रादपि कठोराणि... કૂણા ઉપચાર એળે ગયા પછી ઘણનો ઘા. બ્રેક ધ પ્યૂપિલ્સ વીલ! રવિશંકર રોજે રોજ પિરસતી વેળા રોટલી પાડી નાખતો. પછી એક દિવસ એ પાડી નાખેલી રોટલી રસ્તાની ધૂળમાં રગદોળીને એની જ થાળીમાં મુકાવી. કહ્યું કે ખાવ હવે તમે જ એ. કહે કે ભૂખ્યો રહું તો? કહ્યું, ના, એ તો એક વાર એ ખાવી જ પડશે! ખાધી. તે દિવસથી સીધા થઈ ગયા રવિશંકર. એટલે કે ખરી ‘સાયકોલૉજીકલ’ ક્ષણે એનો મદ ભાંગવો. બેશક ખરી ‘સાયકોલૉજીકલ’ ક્ષણ તપાસીને. આજે અનંતને માટે એ ક્ષણ છે ચંદ્રોદય કાળની. એને એ જ પળે ભાન થવું જોઈએ કે મનુષ્યના પોતાના આગ્રહ અને નિશ્ચય કરતાં બીજું બળવાન તત્ત્વ છે ખરું. બ્રેક હીઝ વીલ! બેશક ઠંડીગાર પદ્ધતિથી : વિધાતાનાં ચક્રો ચગદે છે તેવી અબોલ મૂંગી કઠોરતાથી.
|
[મહેશ્વર અને ચંદુ નામના બે વિદ્યાર્થીઓ આવે છે. છૂપા હર્ષે પ્રફુલ્લિત છે બન્ને : શિકારીના શ્વાન સરીખા : આવીને ટેબલ પર અઢેલી ઊભા રહે છે. આચાર્ય બન્નેનાં ખભાં પર હાથ મૂકી કંઈક કહે છે. પણ શબ્દો ઝલાય તેવા નથી, માત્ર આચાર્યની આંખો ફરી રહી છે. શિષ્યોના ખભા પર આચાર્યના હાથ કશાક ભેદી નિશ્ચયના રૌદ્ર તાલ દઈ રહેલ છે. દીવા ઝાંખા પડે છે. પડદો એ ત્રણેયની સ્થિર થીજેલી કાળપ્રતિમાઓને ધીરે ધીરે કોઈ ગેબમાં જાણે કે ઢાંકી દેતો સરી જાય છે.]
પ્રવેશ ચોથો
સમય : સાંજ પડતી આવે છે. સ્થળ : વિદ્યામંદિરના છાત્રાલયની પોતાની ઓરડીમાં અંદરથી બારણું વાસીને અનંત કપડાં બદલે છે. એની જાળીવાળી બારીના સળિયા પાસે ચંદુ અને મહેશ્વર આવી ઊભા છે.
ચંદુ :
|
રોજનો મેલોઘેલો આજે શી સફાઇથી શણગાર સજી રહ્યો છે!
|
મહેશ્વર :
|
ફતન દેવાળિયો છે.
|
ચંદુ :
|
નહિ. કપડાં તો રોજનાં હતાં તે જ છે. ફાટ્યાં હતાં ત્યાં સવારે થીગડાં દીધાં પોતાને હાથે જ. અને ધબધબાવી પણ હાથે જ નાખ્યાં —
|
મહેશ્વર :
|
રોજ તો ધોતિયું ને બાંડિયું એમ ને એમ નિચોવી લેતો. કોણ જાણી શકે કે એની દેખીતી બેદરકારીની નીચે આટલી ચીવટ પડી હશે!
|
ચંદુ :
|
જોયું! કપડાં પથારીનાં ઓશીકા હેઠળ દબાવેલાં, તે જાણે કે અસ્તરીબંધ કરીને બહાર કાઢ્યાં. ભારી કસબી છે : નાનકડી બે શીશીઓમાં કશીક વાદળી ભૂકીઓ રાખે છે. તેમાંથી ચપટી ચપટીનું અક્કેક ડોલ પાણી બનાવીને કપડાં બોળ્યાં, એટલે સુકાયા પછી બાસ્તા જેવાં ખીલી ઊઠ્યાં.
|
મહેશ્વર :
|
માગી લઈશું એ ભૂકી?
|
ચંદુ :
|
હા, પણ પહેલાં બાયલી સાંકળ ચડાવી દઈએ.
|
[અનંતના કમાડની બહારની સાંકળ ચડાવે છે.]
મહેશ્વર :
|
અનંતકુમાર! ઉઘાડશો?
|
અનંત :
|
[હસીને] અત્યારે તો નહિ મુલાકાત આપી શકું.
|
ચંદુ :
|
હાં, હાં, એ તો બીજી વધુ મહત્ત્વની મુલાકાતની તૈયારી કરે છે. જુઓને કપડાં; બગલાની પાંખ જેવાં...
|
અનંત :
|
ભૂલો છો તમે. એ ઉપમા અરસિક છે. વળી મારાં કપડાંમાં તો આસમાની છાંટ છે. કહો કે દૂધલિયાળી રાત જેવાં.
|
મહેશ્વર :
|
અનંતકુમાર! એકલા એકલા જ એવાં કપડાં પહેરવાં છે ને?
|
અનંત :
|
[ઊઠીને બન્ને શીશીઓ ઉપાડે છે : એક છે બ્લીચીંગ પાઉડરની, બીજી છે ગળીની. લઇને બારી કને જાય છે.] આ લો.
|
ચંદુ :
|
નહિ નહિ, ચપટી ચપટી કાગળમાં આપો.
|
અનંત :
|
ના, અનંત ચપટી ચપટી આપવા ટેવાયેલો નથી. આખી શીશીઓ જ લઇ જાઓ.
|
મહેશ્વર :
|
ઠીક, પછી વાપરીને શીશી પાછી આપી દેશું, ચંદુ.
|
અનંત :
|
નહિ જી. તકલીફ લેશો નહિ. છ મહિના સુધી શરીર પર ચાંદની પહેરીને ફરો. અનંત એ જોઈને હર્ષ લેશે.
|
ચંદુ :
|
પણ તમારે કાલે નહિ જોઈએ?
|
અનંત :
|
નહિ. કાલે તો ચંદ્રોદય દૂર ચાલ્યો જવાનો. પછી કોના સારુ પહેરું?
|
[ત્રીજો એક વિદ્યાર્થી સુખડના ભીના સાબુની આખી મોટી ગોટી લઈને આવે છે.]
વિદ્યાર્થી :
|
અનંતકુમાર, આ તમારો સાબુ. ગજબ સરસ છે, હો. એક વાર લગાવ્યો ત્યાં તો બધા મારી આસપાસ ભમરાની માફક વીંટળાઈ વળ્યા. ક્યાંથી લીધો? શું બેસે છે?
|
અનંત :
|
બેસે છે ફક્ત દિલનો પ્યાર. તને ગમ્યો એ જ એની કિંમત. લઈ જા, દોસ્ત.
|
વિદ્યાર્થી :
|
[વિસ્મય પામીને] મશ્કરી કરો છો?
|
અનંત :
|
અનંત મશ્કરી કરે છે માત્ર પોતાના દુશ્મનોની જ. લઈ જા એને. અને ખૂબ નહાજે. છાત્રપતિને ખીજ ચડે એની ખુશબોથી, ત્યાં સુધી ચોળજે, દોસ્ત.
|
અનંત :
|
મેં એક વખત ન્હાઈ લીધું. ગોટી ખૂટે ત્યારે મારી કનેથી માગી લેજે. હવે કજોડું કરીશ ના, યાર.
|
[‘બાપાના પૈસા!’ એવું કંઈક બબડતા ચંદુ-મહેશ્વર ચાલ્યા જાય છે.]
અનંત :
|
ચંદુ-મહેશ્વર! સોગંદપૂર્વક કહું છું. બાપાના પૈસાની પાઈ યે પાઈનો હિસાબ રાખે છે અનંત. અને આંહીંથી છૂટીને ત્રણ વરસમાં જ વ્યાજ સહિત ભરી દેશે. અનંત ધર્માઉ સ્કોલરશીપ નથી ખાતો, તેમ બાપાની કેડ્ય પર પણ નથી જીવવા માંગતો.
|
[હસતા હસતા ચંદુ-મહેશ્વર વગેરે ચાલ્યા જાય છે, થોડીવાર સુધી ધોતિયાની પાટલી, માથાના વાળ, નખની સાફસૂફી વગેરેની ટાપટીપ કર્યા પછી સ્મિત કરતો કરતો અનંત, સૂર્યાસ્ત વેળાએ કમાડ ઉઘાડી બારણાં ખેંચે છે. ઊઘડતાં નથી. બારી પાસે આવીને સ્વસ્થતાથી ટેલતા ચંદુ — મહેશ્વર વગેરેને એક પછી એક કહે છે.]
- ચંદુ, આ જરા ઉઘાડ તો!
[ચંદુ હસીને ચાલ્યો જાય છે.]
- અરે મહેશ્વર! જરા ઉઘાડ તો, ભાઈ!
[મહેશ્વર ચાલ્યો જાય છે.]
યદુનંદન, જરા આ બહારની સાંકળ ખોલજે તો, ભાઈ.
|મહેશ્વર :
|[યદુનંદનને ખોલવા જતો અટકાવીને] યદુનંદન, તમારું કામ કરો. ત્યાં ન અડકશો.
ચંદુ :
|
કેમ શું? ગુરુદેવની આજ્ઞા છે. ખોલશો તો મંદિરમાંથી હદપાર થશો.
|
[યદુનંદન વિસ્મયથી જોઈ રહે છે.]
અનંત :
|
ઓહો! ગુરુદેવની આજ્ઞા છે? ક્યાં સુધીને માટે?
|
ચંદુ :
|
ચંદ્રાસ્ત થતાં સુધીને માટે.
|
અનંત :
|
ત્યારે કંઈ નહિ. યદુનંદન, ન અડકતા હો, ભાઈ!
|
[કશું બોલ્યા વિના પોતે ઓરડાની ભોંય પર બેસી જાય છે. ચંદુ-મહેશ્વર પરશાળમાં ટેલતા ચોકી કરે છે. ચંદ્રોદય થતાં આચાર્ય આવે છે.]
આચાર્ય :
|
કેમ? જાપ્તો બરાબર?
|
આચાર્ય :
|
ખૂબ પછાડા મારીમારીને થાક્યો લાગે છે.
|
આચાર્ય :
|
કમાડ ભડભડાવીને ખેડવવાની કોશિશ નહોતી કરી શું?
|
આચાર્ય :
|
બારીના સળિયા ન હચમચાવ્યા?
|
આચાર્ય :
|
તમારા ઉપર દાંત તો ખૂબ કચકચાવ્યા હશે. ધમકી-બમકી દીધી હશે ખૂબ.
|
આચાર્ય :
|
મને તો બે-ચાર ચોપડી હશે ને?
|
મહેશ્વર :
|
એક શબ્દ પણ નહિ.
|
આચાર્ય :
|
ત્યારે તો મંત્રવત્ અસર થઈ ગઈ. આ આવે એના પિતા. આવો, ભોળાનાથભાઈ! બહુ સહેલાઈથી પતી ગયું આ તો. પામી ગયો એ તો. ચાલો, આવો જોઈએ.
|
[બારી પર જઈને અંદર નજર કરે છે. પાછલી જાળીમાં થઈને ચંદ્રની કૌમુદી ઓરડીમાં લેપાઈ રહી છે. ભોંય પર અનંત ઝૂકીને પડ્યો પડ્યો એ ચાકના ટુકડા વતી અણધડ જેવી કોઈ સ્ત્રી-આકૃતિ દોરે છે.]
આચાર્ય :
|
[બારી કને ઊભા ન રહેતાં બે-ચાર વાર ટેલતા ટેલતા નજર કરે છે. અને બોલે છે.] જોયું! ગળીને મીણ બની ગયો છે ના?
|
[ઓરડીમાંથી હસવાનો અવાજ સંભળાય છે. આચાર્ય, ભોળાનાથ અને અન્ય વિદ્યામંદિરવાસીઓ બારી સામે થંભી સાંભળે છે.]
અનંત :
|
[પોતે દોરેલી આકૃતિ સામે હસતો હસતો] હા-હા-હા-હા! જુઓ પણ, બરોબર ચંદ્રોદયે આપણે બન્ને મળ્યાં ને? મળ્યાં, ખરું ને! બરાબર કૉલ પાળ્યો, ખરું ને?
|
[આચાર્ય ઝંખવાય છે. ભોળાનાથ ભયભીત બને છે. બન્ને હેરત પામીને સામસામા જોવે છે.]
અનંત :
|
[આકૃતિ તરફ ઝળુંબીને] ઉલટાંના જાગનાથને બદલે આંહીં મારી ઓરડીમાં જ મળ્યાં. આ વિદ્યામંદિરને ય પાવન કરી શક્યાં, ખરું ને? મળવાના સાચા ઉત્સુકોને કોણ રોકી શકવાનું હતું, ભલા? આ બધા લોકોએ આપણો મેળાપ અટકાવવાનો જાપ્તો કર્યો બાપડાએ. પણ આપણે તો તેઓની હાંસી કરીને મળ્યાં.
|
ભોળાનાથ :
|
આ તો ચક્કર ખસી ગયું દેખાય છે!
|
આચાર્ય :
|
મને તો નફટાઈ લાગે છે.
|
અનંત :
|
[આકૃતિ પ્રત્યે] જુઓ, તમે બોલો, બાપુજીને ખાત્રી આપો કે જરીકે ન ગભરાય. ચક્કર અનંતનું ન જ ખસે. અને ગુરુદેવને સમજાવો : પૂછો : પોતાનાં પરિણિતોને મળવું એ નફટાઈ ક્યાંની? ને હું તો પ્રગટ મળું છું ને? ક્યાં રાત્રિએ સહુ સૂતા પછી કમ્પાઉન્ડ ઠેકીને ભાગી જાઉં છું હું! ને હું તો માત્ર આ શરદ્પૂર્ણિમાની બે રાત પૂરતો તમને બે ઘડી મળી જાઉં છું, હું ક્યાં વ્હેલે પરોડિયે બિભત્સ રીતે ઘોરતો અમારા ચોકીદાર ગૃહપતિઓની આંખોને અને બત્તીને લજવું છું! આ વિદ્યામંદિરમાં જે રોજેરોજ બનતા બનાવો છે, તે માયલો શું મારો-તમારો આ મિલાપ છે? આપણો તો શાહુકારીનો સ્નેહ છે — ચોરીનો નહિ. પણ હું અહીંની વધુ બદબો નહિ ઉખેળું, માનસશાસ્ત્રના એ તમામ પ્રયોગો ને કોયડાઓ છેડતાં હું આ બધાની સામે ન અચકાઉં. પણ તમે, કંચનગૌરી, તમે ખાનદાન છો, વળી સ્ત્રી છો. તમારી મને લજ્જા રહે છે. નહિ તો —
|
આચાર્ય :
|
ચાલો ચાલો. ડૉ. રાવને બોલાવીએ ઝટ. આને ડામ દઈ બ્લીસ્ટર ઉપડાવવાં પડશે.
|
અનંત :
|
— નહિ તો હું કહેત કે આંહીં મુલાકાતે આવતાં મહિલા મંડળોનાં મુખ-કમલો સામે હું ક્યાં ભૂખ્યા શ્વાનોની માફક તાકી રહું છું? પૂછો આ બધાને — આ ચંદુને, મહેશ્વરને, આચાર્યજીને ખુદને : ઘેર પત્ની હોવા છતાં —
|
આચાર્ય :
|
સહુ વિખરાઈ જાવ. અહીં ઊભા ન રહો. ચંદુ, દાકતર રાવને બોલાવો. કમાડ હમણાં ન ખોલશો.
|
અનંત :
|
ખોલોને હવે! કશો વાંધો નથી. કંચનગૌરી તો જાય છે હવે. લ્યો, આવજો! આટલાં માણસોનાં દેખતાં ‘આવજો!’ કહેવા ઉપરાંત તો બીજું શું કરું?
|
[ધીરે ધીરે આકૃતિને ભૂંસી નાખે છે. પછી સૂવે છે.]