ખારાં ઝરણ/શહેરશેરીનેશ્વાન
આ દરિદ્રી જણ નથી, આ શહેર છે,
ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે.
સાવ અધ્ધર, શ્વાસની આદત પડે,
ગીધ ચકરામણ નથી, આ શહેર છે.
ચાલવામાં માત્ર પડછાયા હતા,
એથી તો રજકણ નથી; આ શહેર છે.
કાળના સંતાપ શમવાના નથી,
આ ધધખતી ક્ષણ નથી; આ શહેર છે.
ડાકલા વાગ્યા કરે છે રાતદિન,
જાય એ વળગણ નથી, આ શહેર છે.
શહેરની શેરી હતી;
સ્તબ્ધતા પહેરી હતી,
ઊંટ બીજું શું કરે?
રેત ખંખેરી હતી;
સાપની છે કાંચળી,
પણ, ઘણી ઝેરી હતી.
બંધ ઘરની બારીઓ;
દ્રશ્યની વેરી હતી,
તૂટતા એકાંતમાં,
દેહની દેરી હતી.
શહેરની શેરીમાં સૂતો શ્વાન છે,
આંખ ફરકે તોય એનું ધ્યાન છે.
કોઈ ઘરનો સહેજ પડછાયો ખસે,
તો તરત સરવા થનારા કાન છે.
એ પગેરું દાબીને જાણી જશે,
આપના વસવાટનું ક્યાં સ્થાન છે?
ખૂબ લાંબા રાગથી રડતો હતો,
આવતા મૃત્યુનું જાણે જ્ઞાન છે.
છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની,
શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે.
૨૫-૩-૨૦૦૯
કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.
સમજણ વધારવાનો,
રસ્તો બતાવ સાદો.
જ્યાં ત્યાં મને મળે છે,
શું છે હજી ઈરાદો?
સદ્ સામે સદ્ લડે છે,
ત્યાં શું કરે લવાદો?
ભવભવ વિરહમાં વીત્યા,
પૂરી કરો સૌ ખાદો.
શ્વાસોનો થાક નાહક,
મારા ઉપર ન લાદો.
મૃત્યુને છેટું રાખે –
‘ઈર્શાદ’ છે ને દાદો?
૧૯-૫-૨૦૦૯
પહોંચવાનું ગેબી અણસારા સુધી,
આવવું સહેલું નથી મારા સુધી.
શોધવો છે એ તો નક્કી વાત છે,
હાથ લંબાવીશ અંધારાં સુધી.
મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ?
વીજળીના એક ઝબકારા સુધી?
તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ,
તું ધસી ક્યાં જાય અંગારા સુધી?
આંખ સામે કૈંક રસ્તાઓ હતા,
એક રસ્તો જાય છે તારા સુધી.
૧૦-૮-૨૦૦૭
જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે,
દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે.
સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે.
સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે.
ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો,
આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે.
સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઈર્શાદ’ તો,
આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે.
૧૪-૯-૨૦૦૭
હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.
જેને કહો છો મિથ્યા એ તો જગત છે મિત્રો,
કેવી રીતે કહું કે નશ્વર બની ગયું છે?
આંસુનો મારો વાગ્યો અમને રહીરહીને,
પાણી હતું તે આજે પથ્થર બની ગયું છે.
વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.
‘ઈર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે?
તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે.
૨૩-૫-૨૦૦૯
એવી કેવી વાત છે,
કે મિશ્ર પ્રત્યાઘાત છે?
છે પ્રબળ જિજીવિષા,
મોત પણ ઉદ્દાત્ત છે.
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.
હાથ ઊંચા કર નહીં,
આભ બહુ કમજાત છે.
હંસનાં વાહન મળ્યાં,
(ને) કાગડાની નાત છે.
જે નજરની બહાર છે,
એય ક્યાં બાકાત છે.
જે નથી ‘ઈર્શાદ’ તે,
ચોતરફ સાક્ષાત છે.
૨૭-૫-૨૦૦૯
સૌ સમસ્યા જેવી છે એવી જ છે,
એ કદી ક્યાં કોઈના જેવી જ છે?
વ્યર્થ ખેતી જાય એ ચાલે નહીં,
આંખની બધી નીપજ લેવી જ છે.
વેદના એમ જ નથી મોટી થઇ,
મેં જનેતા જેમ એ સેવી જ છે.
શ્વાસ જેવા દીકરે ભેગી કરી,
માલમિલકત વારસે દેવી જ છે.
શું મરણની બાદ દુનિયા હોય છે?
હોય છે, તો બોલને, કેવી જ છે?
૨૯-૫-૨૦૦૯
ઊંઘમાંથી જાગ, બાળક,
મુઠ્ઠી વાળી ભાગ, બાળક.
બંધ આંખો ખોલ ઝટપટ,
ચોતરફ છે આગ, બાળક.
પૂછશે આવી વિધાત્રી :
‘રાગ કે વૈરાગ, બાળક?’
જળકમળ જો છાંડવાં છે,
પ્રાપ્ત પળ પણ ત્યાગ, બાળક?
ખૂબ ઊંચે ઊડવું છે?
ખૂબ ઊંડું તાગ, બાળક.
એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
મોત મોભારે જણાતું,
શું ઉડાડે કાગ, બાળક?
૨૦-૬-૨૦૦૯
હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો,
બાપડો આ દેહ ઠેકાણે પડ્યો.
શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
કોઈ સાંભળતું નથી મારી બૂમો :
‘ભીંત પર લટકાવવા ફોટો જડ્યો?’
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લી વાર તું ક્યારે રડ્યો?
એમ લાગે છે મને ‘ઈર્શાદ’ કે,
કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો.
૨૭-૬-૨૦૦૯
‘આવું’, ‘આવું’ કહી ના આવે,
ખોરંભે એ કામ ચડાવે.
લગાતાર ઈચ્છા જન્માવે,
જીવતેજીવત મન ચણાવે.
જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.
સામે પાર મને મોકલવા,
અણજાણ્યાને કાર ભળાવે.
જાત ઉપર નિર્ભર ‘ઈર્શાદ’,
ખોદી કબર ને પગ લંબાવે.
૧૬-૭-૨૦૦૯