શાહજહાં/બીજો પ્રવેશ

Revision as of 12:32, 14 October 2022 by KhyatiJoshi (talk | contribs)
બીજો પ્રવેશ

અંક પહેલો


         સ્થળ : નર્મદાને કિનારે મુરાદની છાવણી. સમય : રાત્રિ.

[દિલદાર એકલો]

દિલદાર : ઉપરથી તો હું મુરાદનો વિદૂષક બન્યો છું અને ઠઠ્ઠામશ્કરીમાં માર્મિક પ્રહારો કરી રહ્યો છું. પણ એ ગમાર મારા મર્મોને સમજી શકતો નથી. મારી વાતોને મેળ વિનાની માનીને મૂરખો હસે છે. એક બાજુથી એ લડાઈમાં ચકચૂર બન્યો છે, ને બીજી બાજુ ભોગવિલાસમાં ગરકાવ થયો છે. મનોરાજ્ય તો એ બિચારાને મન કોઈ એક અણદીઠ ગેબી પ્રદેશ! ઓ આવે એ ગંડુ.
મુરાદ : દિલદાર! દોસ્ત! આપણો લડાઈમાં વિજય થયો. હવે મૉજ ઉડાવો, મઝા લૂંટો, દોસ્ત. હવે તો તાબડતોબ હું બાબાને સિંહાસન પરથી ઉઠાડીને બેસી જઈશ. શું વિચારે છે, દિલદાર? ડોકું કાં ઘુણાવે છે?
દિલદાર : જહાંપનાહ, મેં એક સત્ય ગોતી કાઢ્યું છે.
મુરાદ : શું વળી? સંભળાવ તો.
દિલદાર : મેં સાંભળ્યું છે, જહાંપનાહ, કે ખૂની જનાવરોમાં માબાપ બચ્ચાંને ખાઈ જાય એવો દસ્તૂર છે. ખરું?
મુરાદ : હા, છે. તેથી શું?
દિલદાર : પણ બચ્ચાં માબાપને ખાઈ જાય, એવો રિવાજ તેઓમાં નથી, ખરું ને?
મુરાદ : ના, નથી.
દિલદાર : એ રિવાજ તો અલ્લાએ ફક્ત ઇન્સાનને જ સોંપ્યો છે! તે ખુદાની ગોઠવણ વાજબી જ છે. બન્ને જાતની દુનિયા તો જોઈએ જ ને! વાહ પરવરદિગાર! શી તારી કરામત!
મુરાદ : ભારી કરામત! હા-હા-હા ભારી મઝેની વાત કહી હો, દિલદાર!
દિલદાર : પરંતુ જહાંપનાહ, ઇન્સાનની અક્કલ પાસે તો અલ્લાની અક્કલ પણ પાણી ભરે! ઇન્સાને તો અલ્લાનીયે ઉપરવટ ડગલું દીધું.
મુરાદ : શી રીતે?
દિલદાર : આ જુઓને જહાંપનાહ! રહેમાને ઇન્સાનને દાંત દીધા તે શા માટે? બેશક ખોરાક ચાવવા; બહાર કાઢીને બતાવવા માટે તો હરગીજ નહિ. છતાં ઇન્સાન એક તો એ દાંતે ચાવે અને વળી દાંત કાઢીને હસીયે લે. વાહ! ઈશ્વરનીયે ઉપરવટ જઈને ઇન્સાન કેવો અક્કલ ચલાવે છે!
મુરાદ : એ તો કબૂલ કરવું જ પડશે.
દિલદાર : અને, નામવર, ઇન્સાન ફક્ત હસે જ છે એમ નથી. કેટલાય લોકો તો હસવાને માટે ભારી કોશિશ કરી રહ્યા છે, બલકે હસવા માટે પૈસાય ખરચી રહ્યા છે.
મુરાદ : હા—હા—હા—હા.
દિલદાર : હવે બીજો દાખલો લો. ખુદાએ ઇન્સાનને જીભ દીધી. શા માટે? ચાખવા માટે, ખરું? પણ બદમાશ ઇન્સાને તો જીભમાંથી ભાષા પેદા કરી કાઢી. ત્રીજી વાત : ખુદાએ દીધું નાક. શા માટે? દમ ખેંચવા માટે.
મુરાદ : અને સૂંઘવા માટે પણ.
દિલદાર : પણ ઇન્સાને તો એથી યે ઉપરવટ બહાદુરી કરી. એણે તો ચડાવ્યાં નાક ઉપર ચશ્માં! પરવરદિગારનો આવો ઇરાદો તો ચોક્કસ કદીયે નહોતો. ઉપરાંત, કેટલાયનાં નાક તો નીંદમાં ને નીંદમાં બોલે પણ ખરાં.
મુરાદ : બોલતાં હશે, પણ મારું નાક ન બોલે, હો.
દિલદાર : જહાંપનાહનું નાક ફક્ત રાતે જ બોલે છે એમ નહિ; એ તો સવારે-બપોરે પણ બોલે છે.
મુરાદ : એમ? તો હવે બોલે ત્યારે મને બતાવજે.
દિલદાર : એ એક એવી ચીજ છે, જહાંપનાહ, કે જે નિરાકાર ઈશ્વરની માફક નજરે બતાવી નથી શકાતી, કારણ કે બતાવવા જેવી હાલત જ્યારે હોય ત્યારે તો એ બોલે જ નહિ ને!
મુરાદ : ઠીક ત્યારે, દિલદાર, બોલ, ખુદાએ ઇન્સાનને કાન દીધા તેના ઉપર ઇન્સાને શી બહાદુરી બજાવી?
દિલદાર : ઓ બાપ રે! કાનની મદદથી તો ઇન્સાને એક નવું જ સત્ય સાબિત કરી બતાવ્યું, કે કાન ખેંચાય ત્યારે જ માથું ઠેકાણે આવે. બેશક એકાદ માથું તો કાનની પછવાડે હોય જ છે; પણ કેટલાકને એ નથીયે હોતું, ખરું ને?
મુરાદ : નથી હોતું? હા-હા-હા. એ ભાઈ આવે. તું હમણાં જા, દિલદાર.
દિલદાર : જેવી આજ્ઞા.

[જાય છે. બીજી બાજુથી ઔરંગજેબ આવે છે.] {{Ps મુરાદ : આઈએ, ભાઈ, આઈએ, આપણે ભેટીએ. તમારી અક્કલને જોરે તો આજ આપણે જંગ જીત્યા... [ભેટે છે.] ઔરંગજેબ : મારી અક્કલને જોરે કે તારી તાકાતને જોરે? વાહ, કેવું અજબ તારું શૂરાતન! મૉતનો તો મારા ભાઈલાને બિલકુલ ડર જ ન મળે. મુરાદ : અસરફખાં એક વાત કહેતા હતા તે મને યાદ છે, કે જે લોકો મૉતથી ડરે છે તેઓ જીવવાને લાયક નથી. એ તો ઠીક; પણ, ભાઈ, તમે તો જશવંતસિંહના ચાલીસ હજાર મોગલ લડવૈયાને કોણ જાણે શું જાદુ ચલાવી તાબે કરી લીધા! એટલે સુધી કે આખરમાં તો તેઓ ખુદ જશવંતસિંહના રજપૂત સૈનિકોની સામે બંદૂકની નાળી તાકીને પણ ઊભા થઈ ગયા હતા. જાણે કોઈ અદ્ભુત બનાવ! ઔરંગજેબ : એમાં આમ બનેલું : લડાઈને આગલે દિવસે મેં થોડા સિપાહીઓને મુલ્લાંનો વેશ પહેરાવી આ કિનારે મોકલ્યા હતા. તેઓએ જઈને મોગલોને સમજાવી દીધું કે દારા જેવા એક કાફરની સાથે રહી લડવું એ તો ભારી નાપાક કામ છે. અને કુરાનમાં તેની મના લખી છે. તાબડતોબ આ વાત ઉપર મોગલ ફોજનો વિશ્વાસ બેસી ગયો. મુરાદ : અજબ છે તમારી કરામત, ભાઈ. ઔરંગજેબ : કામ સાધવામાં એકના એક ઇલાજ ઉપર આધાર ન રાખવો જોઈએ. બધી તરેહના ઇલમ ગોતી કાઢવા જોઈએ, ભાઈ! [મહમ્મદ આવે છે.] ઔરંગજેબ : શા ખબર છે, મહમ્મદ! મહમ્મદ : બાબા, મહારાજ જશવંતસિંહ એના રથમાં ચડીને પોતાની ફોજ સાથે આપણી છાવણીને વીંટી રહ્યા છે. આપણે હુમલો કરશું? ઔરંગજેબ : ના. મહમ્મદ : કારણ? ઔરંગજેબ : કારણ રજપૂતનો ઘમંડ! એ ઘમંડ જ મહારાજ જશવંતસિંહને આખરે પછાડશે. બેટા, ફિકર કર ના. તે દિવસ નર્મદાને કિનારે હું ફોજ લઈને હાજર થયો કે તરત જો એણે મારા પર હલ્લો ચલાવ્યો હોત તો બેશક હું હારી જાત, કેમકે હું હજી પહોંચ્યો નહોતો અને મારી ફોજ પણ થાકેલી હતી. પણ મેં તરત સાંભળ્યું, કે મારી એવી લાચાર હાલતમાં મારા પર તૂટી પડવું એ વીર રજપૂતને છાજતું કૃત્ય નથી કહીને મહારાજે તારા આવવાની રાહ જોયા કરી! વધુ પડતા ઘમંડનું હદ બહારની વટનું પરિણામ બીજું શું હોય? પાયમાલી! મહમ્મદ : ત્યારે શું આપણે ન ચડવું? ઔરંગજેબ : ના, મહમ્મદ, આપણી છાવણીની આસપાસ આંટા મારવાથી જ જો મહારાજનું દિલ ઠરતું હોય તો પછી એક વાર શા માટે, ભલેને દસ વાર આંટા મારી લે! જા. [મહમ્મદ જાય છે.] ઔરંગજેબ : કેવો નિખાલસ, દિલાવર અને બહાદુર બેટો! ઠીક ત્યારે, હું હવે જાઉં છું. તું આરામ કર, ભાઈ. મુરાદ : બહુ સારું. દરવાન! ચલાવ, લાવો શરાબ અને સુંદરી. [જાય છે.]