શાહજહાં/ચોથો પ્રવેશ3
અંક ચોથો
સ્થળ : જોધપુરનો મહેલ.
[જશવંતસિંહ અને મહામાયા ઊભાં છે.]
મહામાયા : હતભાગી દારા તરફ દાખવેલી કૃતઘ્નતાના બદલામાં ગુર્જર દેશ કમાઈને હવે તો સંતોષ વળી ગયો છે ને, મહારાજ!
જશવંત : એમાં મારો અપરાધ શો, મહામાયા!
મહામાયા : ના, ના, તમારો અપરાધ હોય! એ તો તમારો મહિમા, તમારી શોભા.
જશવંત : શોભા ભલે ન હોય, એમાં હું કાંઈ અન્યાય તો જોઈ શકતો નથી. દારાનો સાથ લેવો-ન લેવો મારી મુન્સફીની વાત હતી. દારા તે મારો કોણ!
મહામાયા : બીજો કોઈ નહિ — માત્ર ધણી.
જશવંત : ધણી! એક વખત હતો ખરો; પણ હવે કાંઈ નહિ.
મહામાયા : હા જ તો! દારા આજ ભાગ્યચક્રના ફેરામાં નીચે પડેલો, તકદીરથી તજાયેલો ને માનવીથી હડધૂત થયેલો છે. એટલે હવે તો એની સાથે તમારે શો સંબંધ હોય! દારા તમારો ધણી હતો — જ્યારે એ ઇનામ પણ દઈ શકતો અને સોટીના માર પણ મારી શકતો.
જશવંત : મને!
મહામાયા : હાય રે, મહારાજ! ‘હતો’ એની શું કંઈ જ કિંમત ન રહી! ભૂતકાળને શું છેક જ લોપી નાખી શકાશે? વર્તમાનથી શું ભૂતકાળને એટલો બધો તોડી નાખી શકશો? એક દિવસ જે તમારો દયાળુ ધણી હતો, તેની આજે શું તમારી પાસે કશી ગણતરી ન રહી! ધિક્!
જશવંત : મહામાયા! તારી સાથે મારે દલીલો કરવાનો સંબંધ નથી. મને જે ઠીક લાગે છે તે હું કર્યે જાઉં છું. તારા ઉપદેશની જરૂર નથી.
મહામાયા : શાની જરૂર હોય! યુદ્ધમાંથી હારીને, વિશ્વાસઘાત રમીને અને કૃતધ્નતા કરીને પાછા આવી તમે તો મારા ભક્તિભાવની જ આશા રાખતા હશો, કેમ?
જશવંત : એ આશા શું બહુ મોટી છે, મહામાયા?
મહામાયા : ના ના, તદ્દન કુદરતી! તમે ક્ષત્રિય વીર થઈને ક્ષત્રિય કુળની હાંસી કરાવી છે. સમજો કે આખું રાજપૂતાના તમને ફિટકાર દઈ રહ્યું છે. કહે છે કે ઔરંગજેબનો સાસરો શાહનવાજ દારાનો પક્ષ લઈને પોતાના સગા જમાઈની સામે લડી મોતને ભેટ્યો, ત્યારે તમે તો દારાને આશા આપીને આખરે હિચકારાની માફક ખસી ગયા! હાય રે સ્વામી! શું કહું? તમારી આ હીણપ જોઈને મારી રગેરગમાં સીસું રેડાણું છે, છતાં એ હીણપ તમારા ઉપર કંઈ કાર નથી કરતી! અજબ વાત!
જશવંત : મહામાયા —
મહામાયા : હવે શું છે? જાઓ, તમારા નવા ધણી ઔરંગજેબ પાસે જાઓ.
[રોષભરી ચાલી જાય છે.]
જશવંત : બહુ સારું! એમ જ કરીશ. આટલી હદ સુધી તરછોડ! બહુ સારું, એમ જ કરીશ.
[જાય છે.]