શાહજહાં/પાંચમો પ્રવેશ4

Revision as of 09:28, 18 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પાંચમો પ્રવેશ

અંક પાંચમો

         સ્થળ : ઔરંગજેબની અટારી સમય : રાતનો બીજો પહોરે.

[ઔરંગજેબ એકલો]

ઔરંગજેબ : જે બધું કર્યું — તે તો ધર્મને ખાતર કર્યું છે, ધર્મને ખાતર! પણ બીજા કોઈ ઇલાજે જો બની શક્યું હોત! [બહાર નજર કરીને] ઓહ, કેવું અંધારું ઘોર! — કોણ જવાબદાર? હું! ના એ તો ઇન્સાફ — ઓહ, એ કોણ બોલ્યું? — ના, એ તો પવનનો સુસવાટ! — અરે, આ શું? કોઈ રીતે પણ આ વિચારને દિલમાંથી દૂર કરી શકતો નથી. રાતે કાગાનીંદરમાં ઢળી પડું છું, પણ નીંદ આવતી નથી. [ઊંડો નિસાસો નાખીને] ઓહ, હું કેવો જડ બની ગયો છું! આટલો જડ શા માટે? [આંટા મારે છે. પછી એકાએક થંભી જઈને] આ શું? વળી પાછું દારાનું છેદેલું મસ્તક! આ સુજાનો લોહી ટપકતો દેહ! આ મુરાદનું ધડ! ભાગી જાઓ બધા! ના, મને તમારો ઇતબાર નથી. વળી પાછા આવ્યા? મને વીંટળાઈને નાચે છે! કોણ છો તમે? શા માટે મારી કાગાનીંદરની અંદર વારંવાર આવીને તમે તેજોમય ધુમાડાનો આકાર ધરી દેખા દઈ જાઓ છો? કહું છું કે ચાલ્યા જાઓ! — ઓ જો મુરાદનું ધડ મને બોલાવે છે! આ દારાનું માથું મારી સામે એકીટશે જોઈ રહ્યું છે! આ સુજા હસે છે: આ બધું શું! ઓહ [આંખો દાબી દે છે. પછી જોઈને] ગયા! ચાલ્યા ગયા છે! ઓ! દેહમાં લોહી દોડાદોડ કરી રહ્યું છે. માથા ઉપર જાણે પહાડ જેવડો બોજો પડ્યો છે.

[દિલદાર દાખલ થાય છે.]

ઔરંગજેબ : [ચમકીને] દિલદાર?
દિલદાર : જહાંપનાહ!
ઔરંગજેબ : આ બધું મેં શું દીઠું? — જાણે છે?
દિલદાર : હા, વિવેકના પડદા ઉપર ધગેલા મનોભાવોના પડછાયા. — ત્યારે તો શરૂ થઈ ગયો!
ઔરંગજેબ : શું?
દિલદાર : અનુતાપ! હું જાણતો જ હતો કે થવાનો જ છે. આટલા મોટા અસ્વાભાવિક કૃત્યને — કુદરતી નિયમોના આટલા ગંભીર ઉલ્લંઘનને — કુદરત શું વધુ વખત સહી શકે? સહે નહિ.
ઔરંગજેબ : નિયમનું શું ઉલ્લંઘન, દિલદાર?
દિલદાર : બુઢ્ઢા બાપને કેદ કરી રાખવો તે! જાણો છો, જહાંપનાહ, આપના પિતા આજે આપનાં ઘાતકી કૃત્યોથી દીવાના બની ગયા છે! અને તે પછી ઉપરાઉપરી આ ભાઈઓની
હત્યા : આટલું મોટું પાપ શું ફોગટ જશે?
ઔરંગજેબ : કોણ કહે છે કે મેં ભાઈઓની હત્યા કરી છે? એ તો કાજીનો ઇન્સાફ હતો.
દિલદાર : હં! આટલો સમય બીજાઓને ફરેબ દઈ દઈને શું જહાંપનાહને એવો વિશ્વાસ બેઠો છે કે પોતાના આત્માને પણ છેતરી શકાય છે? ના ના, એ જ સહુથી વધુ મુશ્કિલ કામ છે. ભાઈને ગરદન ચાંપી મારી નાખી શકો, પણ અંતરાત્માની ગરદન નહિ દબાય. હજાર વાર એની ગરદન દબાવો ને, તો પણ એનો ઊંડો, ધીરો, દબાયેલો ને તૂટેલો
અવાજ અંત : કરણની અંદરથી વારે વારે પોકારી ઊઠશે. હવે તો તમારા પાપની તોબાહ પોકારો, પાદશાહ!
ઔરંગજેબ : ચાલ્યો જા તું અહીંથી એવો બે માથાળો તું કોણ છે, દિલદાર — કે ઔરંગજેબને ઉપદેશ દેવા આવ્યો છે?
દિલદાર : હું કોણ છું, ઔરંગજેબ? હું મિરજા મહમ્મદ નિયામતખાં.
ઔરંગજેબ : નિયામતખાં હાજી! એશિયાના સર્વશ્રેષ્ઠ ફિલસૂફ નિયામતખાં!
દિલદાર : હા, ઔરંગજેબ! હું એ જ નિયામતખાં. સાંભળ, રાજનીતિ સમજવાની આશાએ હું આંહીં આવ્યો. અને સંજોગબળે આ કુટુંબ-યુદ્ધના વમળોમાં પડી ગયો! એ રાજનીતિના અભ્યાસને ખાતર મેં અધમ વિદૂષકનો વેશ લીધો અને એક વાર તો હું ભાંડપણું કરવા જેટલી હદ સુધી હેઠો ઊતરી ગયો છું. પરંતુ એમ થાય છે કે જે વિદ્યા લઈને હું આજે આંહીંથી ચાલ્યો જાઉં છું, તે તો ન લઈ જવી જ બહેતર હતી! ઔરંગજેબ! તું શું એમ સમજે છે કે હું તારા પૈસાને ખાતર આજ સુધી તારી ચાકરી કરતો હતો? ના ના, હજુ સુધી તો વિદ્યામાં એવું એક તેજ રહ્યું છે કે જે દોલતને ઠોકરે મારી શકે. બસ, રજા લઉં છું, પાદશાહ!

[જવા તત્પર]

ઔરંગજેબ : જનાબ —
દિલદાર : ના, હવે તું મને પાછો નહિ વાળી શકે, ઔરંગજેબ! હું જાઉં છું. જતાં જતાં એક વાત કહી લેવા દે. તું શું મનમાં એમ માને છે કે આ જીવન-સંગ્રામમાં તારો જય થયો છે? ના, આ તારો જય નથી, ઔરંગજેબ! આ તારો પરાજય છે મહાપાપની મહાસજા શું? અધ :પતન! તું તને પોતાને જેટલો ઊંચે ચડ્યો સમજે છે, તેટલો જ તું નીચે પટકાયો છે. અને પછી તો જ્યારે જુવાનીનો નશો ઊતરી જશે ત્યારે ફાટી આંખે જોઈ લેજે કે તારી અને સ્વર્ગની વચ્ચે તેં કેટલી મોટી ખાઈ ખોદી નાખી છે; ત્યારે એની સામે જોઈને તું કાંપી ઊઠશે — તે દિવસ મને યાદ કરજે.

[દિલદાર જાય છે. નીચે મસ્તકે ઔરંગજેબ ચાલ્યો જાય છે.]