સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/સેજકજી

Revision as of 10:33, 19 October 2022 by KhyatiJoshi (talk | contribs)
સેજકજી


તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી રણ-સળગતી છતાં રૂપાળી મરુભોમમાં ખેડગઢ નામે એક ગામડું હતું. ખેડગઢ ગામની પનિહારીઓ હરહમેશાં ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે “અહોહો, ઇશ્વરે આ ધણી-ધણિયાણી વચ્ચે કેવી લેણાદેણી લખી છે!” એ ધણી-ધણિયાણી તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવજોબનવંતી ઠકરાણી. ખેડગઢ પરગણું એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી. વજો ડાભી શાખનો રજપૂત હતો. ડાભીનું એ એક જ ખોરડું હતું. બાકી ગામના તમામ રજપૂતો રણા શાખના હતા. રણા રજપૂતોને આ એકનો એક ડાભી છાતીમાં શૂળની માફક ખટકતો; પણ રાજાજીનો એ માનીતો વજીર હતો. એની રિદ્ધિસિદ્ધિ સહુને સાલતી, એનું સંસારસુખ પણ શત્રુઓથી સહેવાતું નહિ. પનિયારીઓ આપસ-આપસમાં વાતો કરતી કે ‘એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઇશ્વર કોને કયા પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કાંઈ ખબર જ નથી પડતી, બાઈ!’ એક દિવસ વજીરનાં વહુ ભેંસ દોવા બેઠાં છે. એની જોરાવર આંગળીઓની અંદર ધીંગાં આંચળ રમી રહ્યાં છે, ઘૂમટો તાણ્યો છે — કારણ, સામે જ એના સસરા અને દાયરામાં બીજાં માણસો પણ બેઠેલાં છે. તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો. સાપ છેક લગોલગ આવી પહોંચ્યો, પાસે કોઈ માણસ નહોતું. ચીસ પાડે તો રજપૂતાણીની હાંસી થાય, ચાલી જાય તો સાપ એ હાથણી જેવી ભેંસને ફટકાવે, અને ચૂપચાપ બેસી રહે તો પોતે એ કાળનો ભક્ષ બને! વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો. પણ ક્ષત્રિયાણી ન થડકી. એને સૂઝી આવ્યું. પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોધા જોરથી દબાવી દીધી. સાપનું બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ ગયું. ચૂપચાપ શાંતિથી બાઈએ દોવાનું કામ પૂરું કર્યું, દરમ્યાન એના પગ હેઠે સાપની જીવનલીલા પણ પૂરી થઈ હતી. ઊઠીને મરેલા સાપની પૂંછડી ઝાલી પછવાડેના વાડામાં ઘા કરી, એ કોણીઢક ચૂડાવાળી રજપૂતાણી દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઈ. સામે બેઠેલો બુઢ્ઢો સસરો આ બધો તમાશો એકીનજરે નિહાળી રહ્યો હતો. સાંજ પડી; દીકરો દરબારમાંથી ઘેર આવ્યો. બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું : “વજા, હું કહું તેમ કરીશ?” બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો : “ફરમાવો એટલી જ વાર.” “ત્યારે તારી સ્ત્રીનો આ જ ઘડીએ ત્યાગ કર.” વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો. એની આંખમાં અંધારાં આવ્યાં. એનાથી બોલાઈ ગયું : “કોનો?” “તારી ઠકરાણીનો.” એ-નો એ જ કઠોર જવાબ વધુ સ્પષ્ટ સૂરે કાને અથડાયો. વજાના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે ‘બાપુ વિનાકારણે કદી આવું ન ફરમાવે. નક્કી કાંઈક બન્યું છે.’ પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો. આજ મૉતના મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજીને આતુર હૈયે વાટ જોતી બેઠી હતી, કે ક્યારે એ આવે ને હું પિયુજીને મારા પરાક્રમની વાત કરું! એ આવ્યો. હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે, ત્યાં તો ધણીએ હુકમ સંભળાવ્યો૰ કે “તને અટાણથી રજા છે.” રજપૂતાણીએ પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી. એણે માત્ર એટલું જ સામું પૂછ્યું કે “મારો વાંક શો?” “એ તો બાપુ જાણે.” “બાપુની આ આજ્ઞા છે?” “હા, બાપુની.” એ ને એ વસ્ત્રે ઘૂમટો તાણીને રજપૂતાણી સસરાજી પાસે ગઈ. પાલવ પાથરીને પૂછ્યું : “બાપુ, મારો કાંઈ વાંકગનો?” “બેટા!” સસરાએ જવાબ દીધો : “તમારો કાંઈ ગનો નથી થયો; પણ તમારે અને અમારે માગણું નહિ એટલે આમ બન્યું છે. બીજો કાંઈ ઉપાય નથી.” સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળૂકી સ્ત્રી કોઈક દી એના ધણીનો પ્રાણ લેશે! એ જ વખતે વેલડું જોડાયું : રજપૂતાણી ધણીનું મોં પણ જોવા ન પામી. વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું.

“રજપૂતો, મારી દીકરીને હવે સુખ નથી જોતું. એને તો હું હવે મરેલી જ માનું છું, પણ મારે વેર લેવું છે. મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી. એનો બદલો લેવો છે. એના શત્રુ રણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને મારી દીકરી પાણી ભરે એ જ મારે એને બતાવવું છે.” “પણ ભાઈ, કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન ઘલાય.” “કારણ કોઈએ નથી કહ્યું. અરેરે, રણા ભાઈઓ! વેર લેવાનો આવો જોગ ફરી નહિ મળે, હો! કોઈક તો રજપૂત બચ્ચો નીકળો!” “ઓલ્યો કોઢિયો બાયડી વિનાનો છે. એના ઘરમાં બેસશે તારી દીકરી?” “મડદાના ઘરમાં પણ બેસશે.” ઉપર પ્રમાણેની વાત એ બાઈના બાપ અને રણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ. એ કોઢિયા રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ. વજા ડાભીને એ ખબર પડી. રણાઓ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા. વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય! વજાને ક્યાંય જંપ વળતો નથી. ઘરની લખમી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા. એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલગાહે નીકળી પડ્યો. વછેરો ઝાલ્યો રહ્યો નહિ, બહુ દૂર નીકળી ગયો. બપોરને વખતે વજાથી પાછા વળાયું. તરસથી એનું ગળું સુકાતું હતું, દોડતે ઘોડે એ ગામની બહાર પાણી ભરવાના કૂવા પાસે પહોંચ્યો. કૂવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી. વજે વિનાઓળખ્યે કહ્યું : “બાઈ, જરા પાણી પાજો.” “ઠાકોર, હવે પાણી દેવા જેવું નથી રહ્યું, ડોળાઈ ગયું છે.” વજાએ એને ઓળખી. એ તો એ જ. આટલો બધો ફેરફાર! આ દશા! મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી; પરંતુ એ તો હવે પરસ્ત્રી! એની સાથે વાત પણ ન થાય. એણે ઘોડો હાંક્યો. “ઠાકોર, જરા ઊભા રહેશો?” “શું? બોલો જલદી!” “તમે મને શા માટે કાઢી મૂકી? જાણો છો?” “ના.” “હું જાણું છું.” “શું?” “આંહીં અંતરિયાળ ન કહેવાય. આજ રાતે મારે ઘેર આવશો? વિગતવાર કહીશ.” “તારે ઘેર? હવે?” “હા, એક વાર. ફરી નહિ કહું.” “ભલે, આવીશ — એક પહોર વીત્યે.” ગમે તે થયું, પણ એ વાત રાજા સેજકજીને કાને પહોંચી કે વજો દુરાચારી છે; રોજ રાત્રિએ પારકે ઘેર જાય છે. તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળુ કર્યું. પહોર વીત્યે વજાએ રજા લીધી. રાજા સેજકજી પણ અંધારપછેડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા. વજાએ શેરી બદલી. દરબાર પણ પાછળ ચાલ્યા. વજો એ કોઢિયાના ઘરમાં દાખલ થયો. દરબાર ખુલ્લી તરવાર અંધારપછેડામાં છુપાવીને ખડકી પાસે ઊભા રહ્યા. વીતી ગયેલા દિવસોના એ-ના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે. અતિથિ આવ્યા; પલંગ પર બેસાડ્યા; પછી પોતે પેલા સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી. “જે થયું તે.” વજે જવાબ દીધો. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો. “હવે આજ રાત તો જમાડ્યા વિના ન જવા દઉં.” “શું બોલે છે? જો તો ખરી, તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે.” “એ મારો ધણી?” એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ. ખીંટી પર તરવાર લટકતી હતી તે ખેંચી સૂતેલા એ કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો પૂરો કરી નાખ્યો. લોહીમાં તરબોળ એ તરવાર લઈને લોહીનીતરતે હાથે પ્રચંડ ભૈરવી સમી એ બહાર આવીને બોલી : “બસ, હવે કાંઈ ભય છે?” વજો થરથરી ઊઠ્યો. એ સમજી ગયો કે હું જો આનાકાની કરીશ, તો મારા પણ એ જ હાલ બનવાના અને ચીસ પાડીને એ મારી આબરૂ હણવાની. એણે કહ્યું કે “સારું, પણ તારે અંગે ખૂબ લોહી ઊડ્યું છે, નાહી લે. પછી આપણે થાળ જમીએ.” રજપૂતાણી નાહવા બેઠી; એ લાગ જોઈને વજો ભાગ્યો. બાઈએ એને ભાગતો જોયો. “વિશ્વાસઘાત કે?” એમ બોલીને દોડી. પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો. દરમ્યાન તો બાઈએ મોટો શોરબકોર મચાવી મૂક્યો કે “મારા ધણીને મારી નાખ્યો, મારી નાખ્યો; દોડો, દોડો.” રણાઓ ચોમેરથી દોડ્યા આવ્યા. બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું કે “વજો મારી લાજ લૂંટવા આવેલો. એણે મારા ધણીને ગૂડ્યો. મેં ચીસ પાડી એટલે એ ભાગ્યો. જુઓ, આ પડી એની મોજડી.” સાચોસાચ વજો ઉતાવળમાં ઉઘાડે પગે જ છૂટી નીકળ્યો હતો. રણાઓએ રડારોળ કરી મૂકી. ‘બાપુ’ની પાસે રાવ પહોંચાડી. બાપુએ મોં મલકાવીને જવાબ દીધો૰ કે “હું જાણું છું. વજો નિષ્કલંક છે.” રણાઓએ કહ્યું : “હવે હદ થઈ; બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર! હવે કાં તો સેજકજીનાં રાજ નહિ, ને કાં આપણે નહિ.” પ્રપંચ રચીને રણાઓએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું કે ‘આવો, ખેડગઢની ગાદી સોંપીએ.’ રાઠોડ પોતાના બારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો. મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે. મામાએ ઝાઝાં આદરમાન દીધાં. રણાઓએ ગામ બહાર ભાણેજને માટે કસુંબા-શિરામણ કરાવ્યાં; દરબારને તેમ જ વજા ડાભીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો; પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા. રણાઓ સહાયે ચાલ્યા ને ખેડગઢનો કબજો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા.

રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે. શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી નથી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે જ છે; એ જ એને મન ચૌદ ભુવનના રાજપાટ સમાન દીસે છે. રસ્તામાં એક રાત્રિએ એને મુરલીધર પ્રભુએ સ્વપ્નામાં આવીને કહ્યું : “રે ભક્ત, ફિકર કરીશ નહિ. આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે.”


રથચક્ર નિકસ પરે જેહી ઠામ
મહિપાળ જહાં કીજે મુકામ.

પાંચાળીનાં પગલાંમાંથી જ્યાં કંકુડાં ઝર્યાં હતાં એવી સૌરાષ્ટ્રની પાંચાળ ધરામાં રથ આવી પહોંચ્યો. ત્યાં રથનું પૈડું નીકળી પડ્યું. બાજુમાં જ શાપુર ગામ હતું (અત્યારે જ્યાં સુદામડા ધાંધલપુર છે ત્યાં). દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો. એ સોહામણી ભૂમિ એમના પરિવારને બહુ ગમી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ સરહદ જૂનાગઢના રા’ની છે. પોતાના ગોહિલ જોદ્ધાઓને, રાણીને અને દીકરા-દીકરીને ત્યાં રાખી સેજકજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા. એ વખતે જૂનાગઢની ગાદી પર રા’ કવાટ રાજ કરતો. આખા સૌરાષ્ટ્ર પર એની આણ વર્તતી હતી. સેજકજી રા’ની રાજસભામાં ગયા. રા’ કવાટે એ ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી લાગે છે. પૂછપરછ કરતાં સેજકજીએ પોતાની આખી કથની કહી સંભળાવી. રા’ને તો આવા વીરની સદા જરૂર જ રહેતી. એણે સેજકજીને બાર ગામનો પટો કરી આપી, પોતાના એક પટાવત તરીકે સ્થાપ્યા. સેજકજી રા’ની પાસે જૂનાગઢમાં જ રહેવા લાગ્યા. એનાં પ્રતાપ અને પ્રભુભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતાં ગયાં. કચેરીમાં એની તોલે આવે એવો વીર નહોતો. એવામાં એક દિવસ એની ક્ષત્રિયવટની કસોટી આવી પહોંચી.


એક દિન કવાટ નૃપકે કુમાર
ખેંગાર ગયે ખેલન શિકાર.

એક દિવસ રા’નો કુંવર ખેંગાર શિકાર ખેલવા નીકળ્યો છે. શિકારી કેટલા કેટલા ગાઉ આઘે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી. કુંવર ખેંગાર અને તેના સાથીઓ ઝાડી, જંગલો ને પહાડો વટાવતા આઘે આઘે નીકળી ગયા, કારણ શિકાર મળતો નથી., એવામાં એક સસલો નજરે પડ્યો. કુંવરે તીરનો ઘા કર્યો; પણ સસલો નિશાન ચુકાવી નાઠો. આગળ સસલો ને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ; ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળ ગજાવી રહ્યો છે, પશુપંખી એ શિકારીઓની ત્રાડો સાંભળીને કાંપી ઊઠ્યાં છે, પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી. આમ આખી સવારી પાંચાળ ધરામાં આવી પહોંચી. નદીને કાંઠે ગોહિલોના પડાવની અંદર સસલો પેસી ગયો, અને સેજકજીનાં રાણી મઢૂલીમાં બેઠાં હતાં, ત્યાં જઈ, માની ગોદમાં કોઈ થાકેલું-ત્રાસેલું બાળક લપાઈ જાય તેમ, રાણીજીના ખોળામાં સફેદ સસલો બેસી ગયો. હાંફતા સસલાને હૈયા સાથે ચાંપીને રાણીજી પંપાળવા લાગ્યાં. ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું. ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી. ઘોડાં હણહણી ઊઠ્યાં, ભમ્મર ભાલા ઝબકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો ભાલાની અણી ચીંધાડીને હાકલા કરવા મંડ્યા કે ‘સાંસો આમાં ગયો — આ લબાચામાં. કોણ છો? એલાં એય! અમારો સાંસો કાઢો ઝટ!’ થોભાળા ગોહિલ જોદ્ધાઓ ઝપાટાભેર પોતાની તરવારો લઈને બહાર આવ્યા; શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું. “અમારો શિકાર આંહીં સંતાણો છે.” ખેંગારે ત્રાડ મારી. “અરે ભાઈ! આંહીં કોઈના ઘરમાં કાંઈ શિકાર થાય છે?” ગોહિલો બોલ્યા. “તો અમારા સસલાને છૂટો મૂકી દ્યો.” ગોહિલ જોદ્ધાઓએ જઈ રાજમાતાને આ વાત કહી, માને સમજાવ્યું કે એ તો નવસરઠુંનો કુંવર ખેંગાર પોતે જ છે. રાજમાતાએ ઉત્તર દીધો : “નવસરઠુંનો ધણી હોય કે ખુદ નવખંડ ધરતીનો ધણી હોય; પણ મારે ખોળે આવેલા નિર્દોષ જીવને તો હું નહિ સોંપુ, બાપ! જાઓ, કહો કુંવરને.” કુંવરે કહ્યું : “શિકાર સોંપી દ્યો, નહિ તો આંહીં જ લોહીનાં ખાંદણાં મચશે.” ઓછાબોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો; એ રીત આજે સમજાવી નાખીએ. એટલું વિચારીને તમામ ગોહિલો તરવાર કાઢી ખડા થઈ ગયા. ખિજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો; ત્યાં ને ત્યાં ધીંગાણું મચ્યું. પટોપટ સોરઠી લડવૈયાના પ્રાણ ચાલ્યા ગયા. કુંવર ખેંગારને ગોહિલોએ જીવતો પકડી ત્યાં બંદીવાન કરી રાખ્યો. આ ધીંગાણામાંથી બચી છૂટેલા એક સોરઠી ઘોડેસવારે જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો કે “કુંવર ખેંગારને અને બધા જોદ્ધાઓને સેજકજીના ગોહિલોએ હણી નાખ્યા.” સેજકજીએ આ સમાચાર સાંભળ્યા. એના હૈયામાં ફાળ પડી. એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને આંહીં કોણ રાખશે? તરત જ બાર ગામનો પટો હાથમાં લઈને સેજકજી રાજ-કચેરીમાં ગયા; રા’ની પાસે મસ્તક નમાવી બે હાથે પટો પગમાં ધરીને બોલ્યા :


હમ સુન્યા બુરા યહ સમાચાર
અબ હોત જિયા મેરા ઉદાસ
રહેના ન ઉચિત હમ આપ પાસ.

“હે રાજા! મેં આ બૂરા સમાચાર સાંભળ્યા છે; એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે. આપની પાસે રહેવું હવે મારે માટે ઘટિત નથી.”'


રા’ કવાટ હસીને જવાબ વાળે છે :
રજપૂત વંસ કી યહી રીત.

“હે ગોહિલજી! સાચા રજપૂતનો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતાં જરાયે પાછા ન હઠવું. એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુમારોએ અને જોદ્ધાઓએ જુદ્ધ જમાવ્યું; અને


મમ પુત્ર હને કબુ ટેક કાજ
ઇન મેં ન આપ કો દોષ આજ.

“મારા કુંવરને તમારા માણસોએ એક ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો, એમાં તમારો દોષ શો, અરે સેજકજી?


દૂસરા હોય મમ પુત્ર ધામ
ખેંગાર ધરુંગા ફેર નામ.

“દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલે ને મરી ગયો! બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ. પણ, હે ગોહિલ!