સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/રાણજી ગોહિલ

Revision as of 10:49, 19 October 2022 by KhyatiJoshi (talk | contribs)
રાણજી ગોહિલ


ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશાનાં આઘાં-આઘાં ઝાડવાં વચ્ચે રોજ જ્યારે રુંઝ્યો રડતી હોય, કંકુડાં ઢોળાતાં હોય, માથે ચાંદો ને ચાંદરણું નીતરતાં હોય, ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધળીમલ જેવો ધૂંધળાવરણો અને એકલવાયો જ પડીને ઊભો હોય છે. હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દીવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે. કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા નીરખવા માટે જુક્તિદાર ઓરડા બંધાવેલા છે. હજુયે એક વાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નીરખીએ, ગરાસિયાનાં ઘોડાં ખેલતાં ભાળીએ, જુવાનોની કુસ્તી જોઈએ, ચારણોના છંદો અને કુમારિકાઓનાં વૃંદના રાસડા સાંભળીએ ત્યારે કાળ છસો વરસ પાછો ખસી જાય, અને એ વિલાસી રાજા રાણજીના હાસ્ય-કલ્લોલ તથા રાણીઓનાં કરુણ રોણાં કાને અથડાય છે. એ ગામ રાણપુર : એ બે નદીઓ સુકભાદર અને ગોમા : રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો એ તે કિલ્લો કે ક્રીડામહેલ! રાણજી વિલાસી હતો. કહે છે કે એને ચોરાશી રાણીઓ હતી; દિવસ-રાત એ રણવાસમાં જ રહેતો. એને ‘કનૈયો’ કહેતા. બ્રાહ્મણોના ભુલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનનું મોં ન જોવું. એક દિવસ જૂનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમણ ડોશી અને એનો દીકરો પાછાં અમદાવાદ જતાં હતાં. રસ્તામાં મા-દીકરો રાણપુર રાત રહ્યાં. સવાર પડ્યું. રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાઈ. બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની! રાજાને કુમતિ સૂઝી. એ બાળકનો એણે શિરચ્છેદ કરાવ્યો! છોકરા વિનાની માતાએ અમદાવાદ જઈને ચોધાર આંસુએ મહમદશાહ બેગડા પાસે વાત કહી. મહમદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે; પરંતુ રાજાને કોણ કહેવા જાય? દુર્મતિઓ રાજા તો રણવાસમાં અહોરાત ગુલતાન કરે છે. બહારની દુનિયામાં ડોકિયું પણ કરતો નથી. સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહિ નીકળે. પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો : “એ બાપ રાણા! — રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક, ખત્રિ! ચોપડ-ખેલ, ગોહિલ કાં લાગો ગળો? [હે રાણા! હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું, હે ક્ષત્રિય! ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો?] ચારણના શબ્દો કાને પડતાં તો ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ દીધી કે “જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઊડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું. પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો.” રાણીઓએ ઉત્તર દીધો : “પણ રાજા, જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે ચોરાશીમાંથી એકેય જીવતી નહિ રહીએ.” રાણજી સૈન્ય લઈને રણે ચડ્યો. રાણપુરથી ત્રણ-ચાર ગાઉ આઘે મહમદશાહની ફોજ સાથે એની તરવારો અફળાઈ. આંહીં ગઢને ગોખે બેઠી બેઠી ચોરાશી રજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે, ધજા ગગનમાં ઊડતી દેખાય છે; એ ધજાને આધારે રાણીઓ જીવે છે. વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે. પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને, તે રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઊતર્યો. રાણજીનું ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર ચોરાશી જીવાત્માઓ ટાંપીને બેઠા હશે! કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ ચોરાશી ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં મુસલમાનો આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા. વિજયી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા, ત્યાં તો રાણીઓનાં શબથી કૂવો પુરાયેલો દીઠો! એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો. હવે જીવીને શું કરવું છે? એમ વિચારીને એ પાછો વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી તેમાં પહોંચ્યો ને જુદ્ધ કરતાં કરતાં મરાયો. મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઈને એક દાસી રાણજીના ભાઈને ઘેર ઉમરાળા નાસી ગઈ. હજુય જાણે એ રાજમહેલના ખંડેરમાં ચોરાશી મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે, સામસામી તાળી દેતા એ સુંદર સુકોમળ હાથની ઘૂઘરીજડિત ચૂડલીઓ જાણે રણઝણી રહે છે; ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે; અને છેવટે ગુંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ — રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક, ખત્રિ! ચોપડ-ખેલ, ગોહિલ કાં લાગો ગળો? અને એ પહોળો કૂવો! ચોરાશી સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હીબકાં નહિ ભરતાં હોય? આજ એ કિલ્લાની નદી તરફની આખી દીવાલ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરાં કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાનાં કમાડ પડી ગયાં છે. કમાડ પર છસો ચોમાસાં વરસી ગયાં, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્નભિન્ન છે. [કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહિ પણ કોઈ મુસલમાન સૂબાએ બંધાવ્યો છે, અને ‘રાણાનો કોટ’ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. ત્યાં જે કોઈ કોઈ ખંડેરો દેખાય છે તે રાણાના કોટનાં છે.]