કથોપકથન/વિચ્છિન્નતા

Revision as of 12:05, 26 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિચ્છિન્નતા | સુરેશ જોષી}} {{Poem2Open}} ખુશનુમા સાંજ હતી, પૅડર રોડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિચ્છિન્નતા

સુરેશ જોષી

ખુશનુમા સાંજ હતી, પૅડર રોડના ઊંચાણવાળા ભાગ પર આવેલા એક આલિશાન મકાનના છેક ઉપલા માળ પરના એક ફલેટમાં અમે બેઠાં હતાં. બહાર વરસાદ ઝરમર વરસતો હતો. એનું ધૂસર આવેષ્ટન સમુદ્રના ભૂખરા વિસ્તારને છાઈ દેતું હતું. અંદર તો ફલોરેસન્ટ લાઇટના અજવાળામાં અમારા બધાંના ચહેરા ઉપર એક કૃત્રિમ દીપ્તિનો લેપ થઈ ગયો હતો. ધનિકોને સારા કૂતરા પાળવાનો શોખ હોય છે, તેમ કોઈ કશુંક લખતું હોય તો એનો એકાદ સાંજ પૂરતો સત્સંગ કરવાનો પણ એમને શોખ હોય છે. હું મારા યજમાનના આવા શોખનો ભોગ બન્યો હતો. આપણા દેશની જ નહીં, દુનિયાની સાહિત્યિક પરિસ્થિતિ, અદ્યતન ચિત્રકળા, ન્યૂરોસિસ, હતાશા, વિચ્છિન્નતા – આ બધાંની વાતો શરૂ થઈ. મંડળીમાં સ્ત્રીઓ પણ હતી. એમણે મને ખાતરી આપી કે આ બધા વિષયોનો એમને બહુ શોખ છે, પણ ગુજરાતી સાહિત્યમાં તો હજી આવી ચર્ચા કોઈ કરતું જ નથી, આપણે કેટલા પછાત છીએ, વગેરે વગેરે.

આવે પ્રસંગે હું મનમાં તો ખૂબ ધૂંધવાઈ ઊઠું છું, પણ મોઢા પર સૌજન્ય દાખવવા પૂરતું મહાપરાણે સ્મિત પ્રકટાવીને આ બધો પ્રલાપ સાંભળતો બેસી રહું છું. એ મંડળીમાંના એક સજ્જને પૂછ્યું, ‘આ તમે વિચ્છિન્નતા અને હતાશાની વાતો કરો છો તે આપણા પર તે એવું શું વીત્યું છે? નથી આપણે ત્યાં યુદ્ધો થયાં કે નથી કુદરતનો ખાસ પ્રકોપ થયો. જેઓ દુ:ખી છે તેમને દુ:ખ સદી ગયું છે. જો એમ ન હોય તો એ દુ:ખના માર્યા જ એમણે ક્રાન્તિ કરી હોત. તો એમને દુ:ખની યાદ દેવડાવવામાં નિષ્ઠુરતા નથી રહી? યુરોપના લોકોમાં હતાશા હશે, એમનું કર્યું એઓ ભલે ભોગવે. એમનાં પાપ અહીં ઉછીનાં લાવવાની જરૂર શી?’ પોતાની વાક્છટાથી એઓ ભારે ખુશ થયા. મંડળીમાંના બધા, જાણે મને બરાબર સકંજામાં લીધો હોય તેમ, મારી તરફ તાકી રહ્યા.

મેં કહ્યું: ‘આવી ખુશનુમા સાંજે આપણે શા માટે હતાશાની વાતો કરીએ? આવે વખતે તો વરસાદની ઝરમરનો અવાજ સાંભળતાં બેસી રહેવાનું મન થાય.’

મારા મિત્રે કહ્યું: ‘તને અહીં કવિવેડા કરવા નથી બોલાવ્યો. એમ છટકી જાય તે નહીં ચાલે.’

આખરે મારે નિષ્ઠુર થવું પડ્યું. જેને ઘાની ખબર ન હતી તેને ઘા ઉખેળીને બતાવવો પડ્યો. મને એમ કરવું બહુ ગમ્યું નહીં. હતાશા કે વિચ્છિન્નતાની સૈદ્ધાન્તિક ભૂમિકા પર ચર્ચા કરવાનો મને શોખ નથી. એક વાર્તા લખીને એની સૃષ્ટિની આબોહવામાં એ હતાશા ને વિચ્છિન્નતાનો અણસાર મૂકી શકાય. પણ એનો અર્થ એ નહીં કે હતાશા કે વિચ્છિન્નતાના નિદર્શન રૂપે જ કોઈ વાર્તા લખે. આ સમયની રગ સાથે સાચા સર્જકની રગ એવી મળી જાય છે કે એ સમયનો જે ધબકાર છે તે જ એની વાર્તાની સૃષ્ટિમાં આવે છે. એક અદના આદમી તરીકે એનેય સુખ અને સ્વસ્થતા ગમે છે, પણ જે સમયના ખણ્ડમાં એની સૃષ્ટિને એ જીવતી કરવા મથે છે, તેમાં જે તરફડાટ ને વ્યાકુળતા છે તેમાંથી એ વાર્તાની સૃષ્ટિને શી રીતે અસ્પૃષ્ટ રાખી શકે?

આમ સર્જક માત્ર પોતાના સર્જન દ્વારા પોતાના સમયની તાસીરને ઓળખતો થાય છે. એ સાંજના મારા યજમાન અને મિત્રો જે બોલતા હતા, કરતા હતા તેમાંના કશા પર એમના વિશિષ્ટ વ્યક્તિત્વની છાપ નહોતી. એમના પ્રશ્નો પણ છાપાળવા હતા, એમની જીભને ટેરવે જે માહિતી હતી તે પણ એ સાંજ પૂરતી બેચાર ચોપડી ઉથલાવીને ભેગી કરેલી હતી. એમનું ઘર પણ એમના આગવા સંસ્કારની વિશિષ્ટ મુદ્રા ઉપસાવતું નહોતું. એ ઘરને પોતાનું વાતાવરણ જ નહોતું. આગળ વધીને કહું તો એ મંડળીમાંનાં કોઈને પોતાનો કહેવાય એવો ચહેરો નહોતો. સ્ત્રીઓ કોસ્મેટિક્સની જાહેરખબરના પાના પરથી કાપી લીધેલી હોય એવી હતી. પુરુષો ધનિક વર્ગના પુરુષોના જે બીબાંઢાળ આકારો હોય છે તેના નમૂનાઓ હતા. એઓ પોતાનો એક શબ્દ બોલી શકતા નહોતા. એમનાં બાળકો સાથેની વાતચીતમાં પણ એઓ પોતાનાં મહોરાં અળગાં કરીને પોતાનો ચહેરો પ્રકટ કરી શકતા નહોતા. પોતા સાથેની પોતાની વિચ્છિન્નતાનું આ કરુણ દૃશ્ય મેં જોયું. મને ગાંધારીની ઓગણીસમા દિવસની વેદના યાદ આવી. આ વેદનાથી મને મૂક બનીને બેસી રહેવાનું જ ઇષ્ટ લાગ્યું પણ આખરે મારે પાટા છોડવા પડ્યા.

સમયની એક ક્ષણ સાથે બીજી ક્ષણને સાંકળતા જઈને અનન્તતાની વિભાવના ઉપજાવવી, એક કાર્ય સાથે બીજા કાર્યને જોડીને પોતાના કર્તૃત્વની અવિચ્છિન્નતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો; આદર્શ, ભાવના, ઊર્મિ – આ બધાંમાં બીજા સાથે સહભાગી થઈને બન્ધુત્વ અનુભવવું, અને અન્તે આ અવિચ્છિન્નતાના ફલકને ક્રમશ: વિસ્તારતા જઈને અખિલાઈ અનુભવવી, આ તો આપણો સ્વભાવ છે. ધર્મ, કળા, પારસ્પરિક વ્યવહારની વિવિધ રીતિઓ દ્વારા આખરે તો આ અવિચ્છિન્નતા, સહિતતાનો અનુભવ જ આપણે ઝંખતા હોઈએ છીએ. આથી આ અવિચ્છિન્નતા આડે જે અન્તરાય ઊભો કરે તે જ આપણી મર્મઘાતક પીડાનું કારણ બને. આ પીડાથી વીફરેલો માણસ કંઈનું કંઈ કરી બેસે. એ સામૂહિક હત્યા કરે, પોતાને હાથે સૃષ્ટિના પ્રલયની જોગવાઈ કરે. સંસ્કૃતિની આપણે ગમે તે વ્યાખ્યા આપીએ, આખરે તો વિચ્છિન્ન નહીં થવાના મનુષ્યના પ્રયત્નો જ સંસ્કૃતિના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ બની રહે છે. સમયમાં સીધી લીટીએ આગળ વધતો મનુષ્ય આ અખિલાઈની સિદ્ધિમાં પણ પ્રગતિની સીધી રેખાએ આગળ વધી રહ્યો છે એમ આપણે કહી શકીએ નહીં. કોઈ મહામારી કે મહાયુદ્ધ જ હવે તો થોડીઘણી અવિચ્છિન્નતા કે સહિતતાનો અનુભવ કરાવી શકે છે. અનિશ્ચિતપણે નિશ્ચિત એવા મૃત્યુના આતંકનો પ્રભાવ જ આપણને ભેગાં કરે એને વિધિની વિપરીતતા કહીશું? પ્રજાવ્યાપી ભયના સળંગસૂત્રથી જ જો આપણે એકબીજાંમાં ઓતપ્રોત થઈ શકતા હોઈએ તો ભય જ આપણા જીવનનું નિયામક મૂલ્ય બની રહે.

આજની પરિસ્થિતિનું તટસ્થતાથી નિદાન કરનારાઓ આ હકીકત પ્રત્યે દુર્લક્ષ કરી શકતા નથી. સ્વર્ગારોહણ પર્વનો એકલો અટૂલો વિચ્છિન્ન યુધિષ્ઠિર કે જાદવાસ્થળીને નહીં અટકાવી શકનાર ને સામાન્ય શિકારીને હાથે ગરીબડા હરણની જેમ પગની પાનીમાં તીર વાગવાથી મરણ પામનાર અવતારી પુરુષ કૃષ્ણ જ કદાચ આપણા સાચા પ્રતિનિધિઓ છે.

હું બીજા સાથે મારો સમ્બન્ધ જોડું તે પહેલાં મારે એ ‘હું’ને તો સિદ્ધ કરી લેવો જોઈએ. પણ એ ભારે અટપટી વાત છે. મારી ચેતના મારાથી ઇતર એવા કશાકના સન્નિકર્ષમાં આવે છે ત્યારે જ એનું મને ભાન થાય છે. ‘હું’ની ઉપલબ્ધિ માટે ‘હું’થી ઇતરનો સન્નિકર્ષ અનિવાર્ય બની રહે છે. આ અર્થમાં આપણે બધાં જ ઐતરેય છીએ. તો વળી બીજી રીતે જોઈએ તો આપણે બધા દ્વૈપાયન પણ છીએ – આપણે સૌ પોતપોતાના અળગા દ્વીપમાં વાસ કરીએ છીએ. મારે વિશેની જે ઓળખ મને હોય તે બીજા સાથેના વ્યવહારમાં જો કાર્યસાધક ન બને તો એ ઓળખનો કશો અર્થ રહેતો નથી. હું બીજાથી અળગો છું એટલું માત્ર ભાન મારા ‘હું’ને સિદ્ધ કરવાને પૂરતું નથી, કારણ કે આ અળગાપણું તો ખાલી પાત્ર થયું. એ પાત્રમાં વ્યક્તિમત્તાનું દ્રવ્ય તો હજી ભરવું બાકી છે. આ વ્યક્તિમત્તા ઇતરના સન્નિકર્ષથી આકાર પામે છે, ને ઇતર સાથેના વ્યવહારના માધ્યમ તરીકે સ્વીકૃત બને ત્યારે જ એને કશુંક મૂલ્ય પ્રાપ્ત થાય છે. ખરી મુશ્કેલી અહીં જ રહેલી છે. ઇતર સાથેના વ્યવહારમાં કાર્યસાધક ‘હું’ અને જેના અળગાપણાની જ મને કેવળ જાણ કે ઓળખ છે એ ‘હું’ – આ બેને સાંધી શકાય ખરા? જે લોકો ટેવને રગશિયે ચીલે પોતાનું ગાડું ગબડાવી મૂકે છે તેમને આ પ્રશ્ન થતો નથી, કારણ કે એ લોકો અવેજી જીવન જીવવાનું મંજૂર રાખે છે. ત્યાં દરેક પરિસ્થિતિ પરત્વે પોતાના આગવા પ્રતિભાવથી ‘હું’નો પિણ્ડ બાંધવાની જરૂર ઊભી થતી નથી. જે લોકો તન્ત્ર રચીને બેઠા હોય છે તેમની રચના પણ આખરે તો એ તન્ત્રને જ અધીન હોય છે. એ તન્ત્રને ઉલ્લંઘી જઈને પોતાનો સાચો ચહેરો એઓ પ્રગટ કરી શકતા નથી. તન્ત્રની ચડતીઊતરતી પાયરીના રબરસ્ટેમ્પ જ એમના વ્યક્તિત્વની છાપ બની રહે છે. પણ કેવળ વ્યક્તિ બનવામાં આપણી ઇતિ આવી જતી નથી, આપણને ચરિત્ર પણ હોવું જોઈએ. આ રીતે જોઈએ તો આ વિચ્છિન્નતા તે વ્યક્તિ અને ચરિત્રની વચ્ચેની વિચ્છિન્નતા છે. ચરિત્ર વિનાનું વ્યક્તિત્વ તે માત્ર પરિસ્થિતિ છે. નવલકથાકારનાં પાત્રો વ્યક્તિ તરીકે કથાનકમાં પ્રવેશે છે, અને કથાનકના અન્ત સુધીમાં ચરિત્રને પામવા મથે છે. વ્યક્તિ અને ચરિત્ર વચ્ચેની વિચ્છિન્નતા આજની નવલકથાની એક મોટી સમસ્યા છે.

વ્યક્તિ આજે જે પરિવેશ વચ્ચે જીવે છે તેમાં મચી રહેલાં વમળો ઘટનાઓનાં પરિમાણ અને ઇયત્તા તથા સમૂહનો માથે તોળાઈ રહેલો ભાર એ વ્યક્તિને નહિવત્ કરી નાખે છે. જેની આજુબાજુ ચરિત્રને વિકસાવી શકાય એવું કશુંક નક્કર આ બધાં તુમુલ બળો વચ્ચે સાવ દબાઈ જાય છે, એ ટેવનાં ખોખાંને લપેટાઈને કેવળ ટકી રહેવાના ઉધામા આચરે છે. ટકી રહેવાનો આ પરિશ્રમ તે જ જીવન, એમ પછી મનાવા લાગે છે.

પોતાના અળગાપણાને ઉપાડવાનો ભાર કોઈ ક્યાં સુધી વેઠી શકે? ઇતરને મન મારો ‘હું’ કેવો છે તે હું જાણી શકતો નથી, મારે મન ‘હું’ જે છું તેની ઓળખ કરવા પૂરતા વ્યવહારને ટેકવવાની કોઈ સમાન ભૂમિકા પણ પ્રાપ્ત નથી. સનાતન સત્ય ને સનાતન આદર્શોની સનાતનતા કેવી તો ભંગુર છે, ને એવા પાયા પર ભ્રાન્તિ સિવાય કશું રચી શકાતું નથી તે આપણી આજની પરિસ્થિતિએ સ્પષ્ટ કરી આપ્યું છે. સનાતનનું સનાતનત્વ નક્કી કરવાનો અધિકાર મને ક્યાંથી મળ્યો? અરે સનાતન એ સંજ્ઞાનો સંકેત હું શાને આધારે નક્કી કરું? સત્ય જડ નથી, માટે જ અવિકારી નથી. ત્રિકાલાબાધિત તત્ત્વમાં આંખ મીંચીને શ્રદ્ધા મૂકવાથી વિચ્છિન્નતાનો છેદ ઉડાવી શકાતો નથી.

આમ કળાકાર સમજતો થયો છે કે વિચ્છિન્નતા જ આજની માનવ પરિસ્થિતિનું વ્યાવર્તક તત્ત્વ છે. એની નિર્ભ્રાર્ન્ત અને વિશદ સંવિત્તિ જ એક આગવું મૂલ્ય છે. પોતાના સામર્થ્યની આ વિચ્છિન્નતાનો સાક્ષાત્કાર કરવો અને કરાવવો એ કળાકારનો પ્રાપ્ત ધર્મ છે. વિચ્છિન્નતાના સૂત્રે જ આપણે સૌ પરોવાયેલા છીએ.