સોરઠી બહારવટિયા ભાગ-3/1. મહિયાનાં બહારવટાં

Revision as of 09:38, 21 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|1. મહિયાનાં બહારવટાં|}} {{Poem2Open}} <center>'''[સંવત 1909-1939: સન 1853-1883]'''</center> <center>'''ઐતિહાસિક માહિતી'''</center> કીનકેઈડ કે બીમન મહિયાઓ વિશે કશું જ લખતા નથી. કૅપ્ટન બેલ પોતાના ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ (પાનું 238...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
1. મહિયાનાં બહારવટાં
[સંવત 1909-1939: સન 1853-1883]
ઐતિહાસિક માહિતી

કીનકેઈડ કે બીમન મહિયાઓ વિશે કશું જ લખતા નથી. કૅપ્ટન બેલ પોતાના ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ (પાનું 238)માં આટલું એકપક્ષી લખાણ કરે છે : “મહિયા નામની શાખાએ જૂનાગઢ પ્રદેશમાં હેરાનગતિ કરવા માંડી. જૂનાગઢ રાજ્યમાં 12 ગામ ખાતા આ લોકોએ ઈ.સ. 1872માં જૂનાગઢ પર ચુડાસમા રા’ના વંશને ફરી વાર આણવા શહેર પર હલ્લો કરેલો. આ કારણે તેઓનાં હથિયાર આંચકી લેવાયાં, એટલે તેઓ બહારવટે નીકળેલા, અને ઘણી મુસીબતે તેઓને ફોસલાવી પાછા વાળેલા. તે પછી તેઓની જાગીરોના સીમાડા દોરાયા, તેઓના હકો નક્કી થયા, અને હવે તેઓ રાજ્યની જે લશ્કરી ચાકરી નહોતા ઉઠાવતા તેના બદલામાં તેઓની ઉપર એક હળવો કર નખાયો. તેઓની અપીલ સરકારે કાઢી નાખી પરિણામે તેઓ 1882ના ડિસેમ્બરમાં ગામડાં છોડી એક તટસ્થ પ્રદેશના એક ડુંગરા પર ચડી ગયા. વાટાઘાટના બધા પ્રયત્નોની તેઓએ અભિમાનભરી અવગણના કરી. “આ દ્વીપકલ્પની બીજી અસંતુષ્ટ અને ગુનો કરનાર કોમો પણ આ દાખલાને કદાચ અનુસરશે એવા ભયથી મહિયાઓને જો તેઓ શાંતિથી વીખરાય તો હથિયાર ઝૂંટવી કબજે કરવાનો હુકમ અપાયો. પરિણામે ધિંગાણું થયું તેમાં મહિયા ને પોલીસ બન્ને પક્ષમાંથી ઘણાના જાન ગયા. મહિયાઓની ફરિયાદો તપાસવા મિ. એસ. હેમીક (આઈ.સી.એસ.)ને પ્રમુખપદે એક કમિશન નિમાયું. મુખ્ય ફરિયાદ જૂનાગઢ રાજ્ય અને એની પોલીસ સામેની હતી. છ વર્ષ સુધી તકરાર લંબાઈ. સંતોષકારક ફેંસલો થયો અને રોકડ જમાબંદીને બદલે જમીનની બદલી ધોરણે સુલેહ થઈ શકી.” કૅપ્ટન બેલનું અર્ધસત્ય ખુલ્લું કરનારી પ્રચુર હકીકતો ‘ધ બ્રુટલ મૅસૅકર્સ ઑફ ધ મહીઆઝ ઑફ જૂનાગઢ’ નામના એક કાઠિયાવાડી ભાઈએ લખેલ પુસ્તકમાં ભરી હોવાનું ચોક્કસપણે જાણ્યું છે, પણ એ ચોપડી દુષ્પ્રાપ્ય હોઈ એનો ઉપયોગ અત્રે થઈ શક્યો નથી. કૅપ્ટન બેલ એ કમિશનના ફેંસલામાંથી પણ કશું અવતરણ કરવાની હિંમત બતાવી શક્યા નથી. પોલિટિકલ એજન્ટના ઉચ્ચપદ પર વિરાજમાન રહીને એણે માત્ર રાજસત્તાઓના પોપટ બનવું જ પસંદ કર્યું છે. એ રાજપક્ષીએ પ્રજાપક્ષને તો લક્ષમાં લીધો જ નથી.