વેળા વેળાની છાંયડી/૩૦. બહેનનો ભાઈ

Revision as of 05:36, 1 November 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૦. બહેનનો ભાઈ

બપોરનું ટાણું હતું. ધોમધખતા તડકાને લીધે મેંગણીની શેરીગલીઓમાં મધરાત જેવો સોપો પડી ગયો હોય એમ લાગતું હતું. વેપારી-વાણોતર, મૂલી-મજૂર સહુ બે ઘડી વિશ્રાંતિ લઈ રહ્યાં હતાં

⁠પાદરમાં આવેલો એભલ આહીરના વાડાનો મારગ ઉજ્જડ લાગતો હતો. એભલ પોતે ઢોરનું ખાડું લઈને ગયો હોવાથી વાડો પણ ખાલી ખાલી લાગતો હતો. ઘરમાં ચૂલા પાસે બેઠાં બેઠાં હીરબાઈ આહીરાણી રોટલા ઘડી રહ્યા હતાં ત્યાં જ ખડકી ઉપર સાંકળ ખખડી.

⁠‘કોણ?’ રોટલા ઘટવાના ટપાકા વચ્ચે હીરબાઈનો મીઠો મદ્ય આવાજ રણકી ઊઠ્યો.

⁠‘ખડકી ઉઘાડો તો ઓળખાણ પડે ને!’ સામેથી એટલો જ મીઠો સ્નેહભર્યો ઉત્તર આવ્યો.

⁠હીરબાઈને આ અવાજ તો આછો આછો પરિચિત લાગ્યો પણ બરોબર ઓળખી શકાયો નહીં. તેથી રોટલા ઘડતાં ઘડતાં જ લોટવાળે હાથે ઊભાં થયાં ને બારણું ઉઘાડવા ખડકી તરફ ગયાં.

⁠‘કોણ હશે, આવે ટાણે? મહીમહેમાન હોય તો તો વેળાસર આવી ગયા હોય… હટાણું કરનાર પણ આવે તડકે તો ક્યાંથી આવે?’ આમ વિચારતાં વિચારતાં ખડકીનો આગળો ઉઘાડ્યો.

⁠તોતિંગ કમાડ ચણિયારાના લૂવામાંથી ચી…ચી અવાજ કરતું ઉઘડ્યું ત્યાં તો સામે એક ઘોડેસવાર દેખાયો. જાતવંત ઘોડી તંગ લગામે એક પગ ખોડો કરીને ઊભી હતી ને માથે આરૂઢ થયેલો અસવાર આંખમાંથી અમી વરસાવી રહ્યો હતો.

⁠‘અરે, મારા શેઠ? ઓતમચંદ શેઠ! હીરબાઈના હૈયામાંથી હેતભર્યો ઉદ્‌ગાર નીકળી ગયો.

⁠અસવાર ઘોડા પરથી છટાપૂર્વક નીચે કૂદી પડ્યો ને બોલ્યો: ‘શેઠ નહીં, શેઠ નહીં, ભાઈ કહો, બહેન!’

⁠‘મારા વીરા! મારા વીરા!’ કરતાં હીરબાઈએ લોટભર્યા એંઠે હાથે પણ આગંતુકનાં દુખણાં લીધાં. ‘તમારો સાદ ન ઓળખાણો એટલે પૂછવું પડ્યું કે કોણ છે. આવો, આવો, માલીપા આવો!’

⁠હીરબાઈએ ઘોડીનું ચોકઠું ઝાલી લીધું ને ઓતમચંદની પાછળ પાછળ પોતે ડેલીમાં પ્રવેશ કર્યો.

⁠ઓસરીની થાંભલી સાથે ઘોડી બાંધીને ગમાણમાંથી ૨જકો લાવીને નીર્યો. ઓતમચંદ માટે ખાટલી ઢાળીને માથે ધડકી નાખી.

⁠પાણિયારેથી કળશો ભરતાં ભરતાં હીરબાઈએ પૂછ્યું: ‘આ આયરના ગોળાનું પાણી પીશો કે અબોટ્યું બેડું ભરી આવું?’

⁠કમર પર બાંધેલી ભેઠના તંગ ઢીલા કરતાં કરતાં ઓતમચંદે મજાક કરી : ‘એક વાર તો આ ગોળાનું પાણી પીને અભડાઈ જ ગયો છું, એટલે હવે વધારે અભડાવાપણું ક્યાં રહ્યું?’

⁠સાંભળીને, મહેમાનની સાથે હીરબાઈ પણ હસી પડ્યાં.

⁠પાણી પીતાં પીતાં અટકી જઈને ઓતમચંદ બોલ્યો: ‘અરે બેન, રોટલો દાઝતો લાગે છે!’

⁠‘તાવડીમાં મેલીને ઊઠી’તી એટલે…’

⁠‘તો ઉથલાવો, ઉથલાવો, ઝટ!’ નાકનાં ફોરણાં સડકાવી સડકાવીને ગંધ પારખતાં મહેમાને કહ્યું: ‘રોટલામાં ભમરો ઊઠી આવશે!’

⁠‘બીજો ઘડીશ—’ હીરબાઈએ લાપરવાહીથી કહી દીધું.

⁠‘એમ બાજરો કંઈ મફતનો આવ્યો છે, તે રોટલા બગડવા દઈએ!’ કહીને ઓતમચંદ ઊભો થયો. ‘હાલો, હું જ ચૂલા આગળ આવીને બેસું. એટલે રોટલા ઘડવામાં તમને ખોટીપો ન થાય—’

⁠‘તમને ચૂલા આગળ બેસાડાય?’ હીરબાઈએ ક્ષોભ અનુભવ્યો.

⁠‘હું પણ રોટલો ખાવા જ આવ્યો છું!’ ઓતમચંદ બોલ્યો.

⁠‘બેનની ઠેકડી કરો છો, ભાઈ?’

⁠‘ઠેકડી નથી કરતો, સાચું કહું છું. બેન! રોટલા ટાણે કાંઈ અમથો આવ્યો હોઈશ?’

⁠‘ભલે આવ્યા, ભાઈ! મારી આંખ માથા ઉપર!’ હીરબાઈ હરખાઈ હરખાઈને બોલતાં હતાં:

⁠‘તમે આવ્યે મારું આંગણું ઊજળું થયું… પણ કોક હારે વાવડ તો કહેવરાવવા’તા!'

⁠‘વાવડ કહેવરાવવા જેટલું ટાણું જ ક્યાં હતું? હું તો અટાણે અહીં મેંગણીમાં છું, તો રોંઢા ટાણે સરપદડમાં હોઈશ, ને સીંજા ટાણે કોક ત્રીજે જ ગામે પડાવ હશે.’

⁠ચૂલા નજીક ચાકળો નાખીને મહેમાનને બેસાડતાં બેસાડતં આહીરાણીએ પૂછ્યું: ‘હમણાં કાંઈ બહ ગામતરાં કરવાં પડે છે ?’

⁠‘મોસમ ટાણું છે ને!’

⁠‘મેંગણીમાં તમારે કાંઈ વેપાર છે કે શું?’

⁠‘અહીં વેપાર તો શું હોય? પણ મેંગણીમાંથી માલ જોખીએ છીએ… …’

⁠‘કોનો?’

⁠‘વજેસંગ ઠાકોરનો—’

⁠સાંભળીને હીરબાઈ તો જાણે કે ડઘાઈ જ ગયાં. અસાધારણ આશ્ચર્ય સાથે બોલતાં રહ્યાં: ‘વજેસંગ ઠાકોરનો… ગામના ધણીનો? મેંગણીના દરબારનો માલ તમે જોખો છો, હેં ભાઈ?’

⁠‘અમારા ગજા પરમાણે—’

⁠‘ને વેચો છો કિયે ગામ?’

મુંબઈથી વિલાયત ચડાવીએ છીએ.’

⁠‘ઠેઠ મુંબઈથી ઠેઠ વિલાસ લગણ માલ ચડાવો છો?’ હીરબાઈએ હેબતાઈ જઈને પૂછ્યું: ‘તમે ઠેઠ મુંબી લગી જાવ છો, હે ભાઈ?’

⁠‘હું નહીં. મારો નાનો ભાઈ નરોત્તમ રાજકોટમાં કામ કરે છે, એ મુંબઈના આંટાફેરા કર્યા કરે. હું તો એના વતી આપણા પંથકમાંથી માલ ભેગો કરી દઉં—’

⁠મહેમાનને મોઢેથી એકેક વાક્ય સાંભળતાં, રોટલા ઘડતી હીરબાઈના હાથમાં લોટનો લૂઓ થંભી જતો હતો. એક વાર તો એ એવી વિસ્ફારિત આંખે મહેમાન તરફ તાકી રહ્યાં કે ઓતમચંદે એમને યાદ આપવી પડી: ‘રોટલો ઉથલાવો, દાઝી જશે—’

⁠‘અરે! આ દીવી જેવા તાપમાં તાવડી બહુ આકરી થઈ ગઈ છે.’ કહીને હીરબાઈએ ફરી એ જ વાત પૂછી: ‘હેં ભાઈ, તમે અમારા ગામના દરબારનો વજે જોખો છો?’

⁠‘જોખી લીધો,’ ઓતમચંદે કહ્યું, ‘આજે હિસાબ ચૂકવવા ગયો હતો—’

⁠‘તમે અમારા દરબારને નાણાં ચૂકવશો?’ હજી હીરબાઈને ગળે આ વાત નહોતી ઊતરતી.

⁠‘ચૂકવી આવ્યો—’

⁠‘કંયે? અટાણે?’

⁠‘ના, ના, સવારના પહોરમાં—’

⁠‘તે તમે સવારના પહોરના ગામમાં આવી ગયા છો?’ હીરબાઈએ પૂછ્યું.

⁠‘હા, હિસાબનું કામ કામકાજ તો વહેલું પતી ગયું’તું પણ ઠાકોર બહુ મહેમાનગતિ કરી એમાં રોકાઈ રહેવું પડ્યું. દરબારે ઠીકઠીકની સરભરા કરી. કાવાકાસુંબા તો અમને વાણિયાભાઈને સદે નહીં, પણ સામસાગરા દઈ દઈને કેસરિયાં દૂધ પાયાં. ને પછી તો બ્રાહ્મણને બોલાવીને મારે સારુ નોખી રસોઈ કરાવતા’તા પણ મેં ના પાડી. કીધું કે ગોરદેવતાને ઠાલો દાખડો કરાવો મા, હું તો ગામમાં મારા બેનને ઘેર રોટલો ખાવા જઈશ—’

⁠‘સાચે જ તમે આમ કીધું, હેં ભાઈ હીરબાઈએ ફરી આશ્ચર્ય અનુભવ્યું.

⁠‘કહેવું જ પડે ને! મેંગણીમાં આવ્યો હોઉં, ને બેનનું ઘર મેલીને પારકે ઘેર ભાણું માંડું તો તમને કેવી ભોંઠપ લાગે!’

⁠‘પણ દરબાર જેવા ગામધણીને તમે સાચે જ જમવાની ના પાડી દીધી, હેં ભાઈ? એવા મોટા માણસને માઠું ન લાગે?’

⁠‘બેનનું નામ પડ્યું, એટલે દરબાર તો સમજી ગયા કે હવે આમાં વધારે તાણ્ય કરાય જ નહીં,’ ઓતમચંદે કહ્યું, ‘પણ ગોરદેવતાને બહુ માઠું લાગી ગયું. એણે કીધું કે શેઠ, તમે ચકાચક ચૂરમાના લાડવા ટાળ્યા!’

⁠‘નરભો ગોર તો ચકાચકનો જ લાલચુ છે!’ હવે તો હીરબાઈએ નિરાંતે વાતો કરવા માટે ચૂલા પરથી તાવડી જ ઉતારી લીધી હતી. અત્યારે અહીં અનુપસ્થિત નરભા ગોરને એમણે સંભળાવી: ‘ઇ ચૂરમાના સવાદિયાને શેની ખબર હોય કે શેઠની બેનનું ઘર આ ગામમાં જ છે!’

⁠આટલું કહીને મહેમાનને ખબર પણ ન પડે એવી રીતે હીરબાઈએ ચૂલા ઉપર તાવડીની જગ્યાએ સેવ બાફવા માટે આંધણ ભરીને ચડાવી દીધું.

⁠અને હેતાળવી વાતોમાં સેલારાં લેતાં લેતાં એવી જ સિફતપૂર્વક આંધણમાં કશુંક ઓરી દીધું.

⁠શેરીમાં રમવા ગયેલો બીજલ થોડી વારમાં આવી પહોંચ્યો અને લાડપૂર્વક બોલવા લાગ્યો, ‘મા, મા, ભૂખ લાગી છે—’

⁠‘ભૂખ ભૂખ કરે છે, પણ કોણ મહેમાન આવ્યા છે, એ તો જો! હીરબાઈએ પુત્રને કહ્યું: ‘કહે જોઈએ, કોણ આવ્યા છે?’

⁠મહેમાન તરફ થોડી વાર તાકી રહીને બીજલ બોલી ઊઠ્યો: ‘મામા, મામા!’

⁠ઓતમચંદે ઉમળકાભેર બીજલને બાથમાં લઈ લીધો ને પોતાના ખોળામાં બેસાડ્યો. પછી બાળક સાથે કાલી કાલી ભાષામાં વાતો કરતાં કરતાં એણે પોતાની ભેઠના છેડા છોડી નાખ્યા.

⁠‘હેય! રમકડાં! રમકડાં!’ કરીને બીજલ આનંદી ઊઠ્યો. મહેમાને ભેઠમાંથી ઠલવેલાં આ નવતર રમકડાં તરફ હીરબાઈ પણ અહોભાવથી નિહાળી રહ્યાં.

⁠‘હેય! છૂકછૂક ગાડી!’

⁠‘હેય! પીપ, પીપ!’

⁠‘હેય! વાજું!’

⁠એકેક રમકડું હાથમાં લઈ લઈને બીજલ એનું નામકરણ કરતો જતો હતો.

⁠‘ભાઈ, આ રમકડાં ક્યાંનાં?’ હીરબાઈએ પૂછ્યું, ‘આપણા સંઘેડિયા તો આવી ચીજ ઉતારતાં નથી—’

⁠‘આ તો વિલાયતી રમકડાં છે—ચાવી દેવાથી એની મેળે હાલવા મંડે એવાં—’ કહીને ઓતમચંદે એંજિનને ચાવી આપીને છૂટું મૂક્યું.

⁠ઘુરૂરૂરૂ અવાજ સાથે એંજિન ચાલવા લાગ્યું તેથી ગભરુ બીજલ ભડકીને આઘો ખસી ગયો.

⁠હીરબાઈએ પણ આ ચમત્કાર જોઈને ભય અનુભવ્યો. બોલ્યાં: ‘ભાઈ, આ તો ભારે કૌતક જેવું છે. ક્યાંથી લઈ આવ્યા આવાં રમકડાં!’

⁠‘મુંબઈથી.’

⁠‘ઠેઠ મુંબીથી?’

⁠‘હા, આપણો નાનો ભાઈ નરોત્તમ રાજકોટમાં કામ કરે છે ને, એને મુંબઈના આંટાફેરા બહુ થાય છે. એણે આપણા બટુક સારુ આવાં રમકડાં મોકલાવ્યાં એટલે મેં બીજલ સારુ બીજી જોડ્ય મંગાવી—’

⁠સ્વયંસંચાલિત રમકડાં પ્રત્યેનો ભય ઓછો થતાં બીજલે પોતે જ એંજિન વગેરેને ચાવી આપવા માંડી ને ઉત્સાહપૂર્વક રમવા લાગ્યો.

⁠હીરબાઈ તો હજી આ યાંત્રિક કરામતની પ્રશસ્તિ જ કરી ૨હ્યાં હતાં: ‘શું કારસો કર્યો છે… જાણે સાચકલી રેલગાડી જોઈ લ્યો… બુદ્ધિ કોઈના બાપની છે!…’

⁠‘ભૂખ લાગી છે,’ ‘ભૂખ લાગી છે’ કરતો આવેલો બીજલ રમકડાંમાં એવો તો ગુલતાન થઈ ગયો, કે ખાવાની વાત જ ભૂલી ગયો.

⁠‘એલા, બધાંય રમકડાં ભાંગી નાખીશ મા. થોડાંક પટારામાં સાચવીને મેલી દે—’ હીરબાઈએ પુત્રને સૂચન કર્યું.

⁠‘ભલે ને રમે!’ ઓતમચંદે કહ્યું: ‘રમવા ને ભાંગવા સારુ તો લીધાં છે–’

⁠‘પણ આમાંથી થોડાંક રમકડાં બીજલની વહુને મોકલીશ—’

⁠સાંભળીને ઓતમચંદ માંડ માંડ હસવું ખાળી શક્યો. પૂછ્યું: ‘બીજલની વહુ હજી રમકડે રમે છે?’

⁠‘હજી તો બિચારી ઘોડિયામાં છે.’ હીરબાઈએ સ્પષ્ટતા કરી. ‘પણ મોટી થશે એટલે એને રમકડાં જોઈશે જ ને! આવાં વિલાયતી રમકડાં જોઈને રાજી રાજી થઈ જાશે—’

⁠ઓતમચંદ મનમાં ને મનમાં હસીને વિચારી રહ્યો: નરોત્તમે બજારમાંથી આ રમકડાં લીધાં. ત્યારે એને ખબર પણ્છે નહીં હોય કે આ તો ઘોડિયામાં રમતી બીજલની વહુના હાથમાં જવાનાં છે!

⁠‘હવે રોટલો પીરસશો, બેન?’ આખરે ઓતમચંદે જ સૂચન કર્યું. ‘સાંજ પહેલાં મારે હજી બે-ત્રણ ગામડે ફરવાનું છે.’

⁠મોઢું જોઈ શકાય એવી ઝગારા મારતી કાંસાની તાંસળી મહેમાન સન્મુખ મૂકતાં આહીરાણીએ કહ્યું: ‘આજે તે કાંઈ રોટલો પીરસવાનો હોય મારા ભાઈને?’

 ⁠હજી તો ઓતમચંદ ‘રોટલા નહીં તો શું પીરસશો?’ પૂછવા જાય એ પહેલાં જ એના ભાણામાં, ઘીમાં રસબસતી સેવ પીરસાઈ ગઈ હતી.

⁠‘આ શું? આ શું કરી નાખ્યું?’ ઓતમચંદ પૂછતો રહ્યો.

⁠‘તમારી હારે વાતું કરવા રહી ને, એમાં રોટલા બધા દાઝી ગયા,’ કહીને હીરબાઈએ ઉમેર્યું: ‘તમે દરબારની ડેલીએ ચૂરમાના લાડવા મેલીને મારે આંગણે આવ્યા, તો બેન ગળ્યું મોઢું તો કરાવે કે નહીં?’

⁠જમતાં જમતાં ઓતમચંદે એભલના સમાચાર પૂછ્યા.

⁠હીરબાઈએ કહ્યું: ‘એ તો ઢોરાં ચરાવવા જાય છે તે ઠેઠ સીંંજા ટાણે પાછા વળે છે—’

⁠‘ફિકર નહીં, હું મારી ઘોડીને વાડી ઢાળી તારવીશ ને એભલભાઈને રામરામ કરતો જઈશ—’

⁠‘પણ, તમને અજાણ્યા માણસને વાડી જડશે કેમ કરીને?’

⁠‘શું કામ નહીં જડે? ખળખળિયાને સામે કાંઠે ઢોર ચરે છે ને! ઓતમચંદે કહ્યું: ‘ખળખળિયું કાંઈ મારાથી અજાણ્યું થોડું છે? ખળખળિયાને કાંઠે જ હું ઢોરમાર ખાઈને પડ્યો’તો ને!— ને ત્યાંથી એભલભાઈ મને ઝોળીએ ઘાલીને અહીં લગી લઈ આવ્યા’તા ને!’

⁠‘તમને હજીય સંધુય યાદ રહી ગયું છે ખરું?’ આહીરાણીએ કહ્યું.

⁠‘એ તો જિંદગીભર યાદ રહેશે. બેન! તમે સગી મા જેવી ચાકરી કરીને મને મરવા પડેલાને જીવતો કર્યો, એ મરતાં લગીય કેમ કરીને ભુલાય?’ ઓતમચંદ અહેસાન વ્યક્ત કરતો રહ્યો, ‘તમારો તો હું ભવોભવનો ઓશિયાળો રહીશ. તમારા ગણનું સાટું વાળવાનું તો મારું ગજું નથી…!’

⁠‘મને, ભાઈ વિનાનીને વિનાનીને ધરમનો ભાઈ જડી રિયો એ શું ઓછું ભાગ્ય છે, મારું? તમે તો મોટામાં મોટું સાટું વાળી નાખ્યું,’ કહીને હીરબાઈ બોલ્યાં: ‘ઉપરવાળા ભગવાને જ તમને અમારે આંગણે ઉતાર્યા—’

 ⁠‘મનેય એમ જ લાગે છે, બેન! ભગવાને જ મને તમારે આંગણે ઉતાર્યો. નીકર તો, ક્યાં પડ્યું વાઘણિયું. ક્યાં એ ખળખળિયાની ભેંકાર કાંઠો ને ક્યાં આ અજાણ્યા ઘરની મહેમાનગતિ! તમારે હાથે મારું આયખું લંબાવવાનું લખાયું હશે એ મિથ્યા કેમ કરીને થાય?’

⁠‘પણ મારા બીજલને મોસાળમાં મામા કહેવા જેવું કોઈ નહોતું રહ્યું, એને સગાથીય સવાયા હેતાળ મામા જડી રહેવાના હશે એ પણ મિથ્યા કેમ થાય?’

⁠‘બીજલનાં લગનને હવે કેટલી વાર છે?’ ઓતમચંદ પૂછ્યું.

⁠‘તમે મોસાળું લઈને આવો, એટલી જ વાર!’

⁠‘હું તો તૈયાર જ છું, બેન! તમે ખોટે કહેશો તોય એ આવીને ઊભો રહીશ.’

⁠‘તો આવતી અખાતરીજે આવી પૂગજો, લ્યો!’

⁠‘સાચે જ? નક્કી જ છે ને?’

⁠‘એમાં જરાય ફેર નહીં. અખાતરીજે બીજલ કંકુઆળો થાશે.’ હીરબાઈએ કહ્યું, ‘તમે મારી ભુજાઈનેય ભેગાં તેડતાં આવશો ને?’

⁠‘જરૂર, જરૂર.’ ઓતમચંદે ખાતરી આપી.

⁠જમી પરવારીને થોડી વારે વિદાય થતી વેળા ઓતમચંદે બીજલને કહ્યું, ‘હાલ્ય મારા ભેગો, મને ખળખળિયાનો કેડો બતાવી જા.’

⁠‘જા બેટા, મામાને ઈશ્વરિયે જાવાનો કેડો બતાવી આવ.’ હીરબાઈએ બીજલને મહેમાન સાથે મોકલ્યો.

⁠થોડી વારે પુત્ર પાછો ફર્યો ત્યારે માતાએ એને પૂછ્યું, ‘એલા, તારી આ ઝૂલડીના ગૂંજામાં દડા જેવું શું ઊપસી આવ્યું છે?’

⁠બીજલ કશો જવાબ આપવાને બદલે હસતો હસતો મૂંગો જ રહ્યો, ત્યારે હીરબાઈએ કૂતુહલથી એનું ખિસ્સે ખંખેર્યું તો એમાંથી મૂળાનાં પતીકાં જેવા ધોળા દૂધ ગોળ ગોળ સિક્કા ખણણણ કરતા સરી પડ્યા.

⁠એ હતા, ‘ચોટલાવાળી’ રાણીની છાપવાળા, ચોખ્ખી ચાંદીના મુંબઈગરા રૂપિયા.

⁠ભોંય પર વેરાયલા, નિઃસ્વાર્થ સ્નેહના પ્રતીક સમા એ ધવલોજ્જ્વલ સિક્કાઓ સામે તાકી રહેલી આહીરાણીના અંતરમાંથી ઉદ્‌ગાર નીકળી ગયા: ‘આ ધરમનો માનેલો ભાઈ તો માના જણ્યા ભાઈથી સવાયો નીકળ્યો… બેનને આપવાનું કાપડું ભાણિયાના ગૂંજામાં મેલતો ગયો!’

⁠આહીરાણી સ્નેહાર્દ્ર નજરે અને ઉપકૃત ભાવે ભાઈ તરફથી મળેલી સોગાદને અવલોકી રહ્યાં હતાં ત્યાં જ એમને કાને રૂપેરી ઘંટડી જેવો જ અવાજ આવ્યો: ‘હીરીકાકી!’

⁠‘કોણ?’ કહીને હીરબાઈએ ઊંચે જોયું ને બોલી ઊઠ્યા: ‘ચંપા! આવ્ય, આવ્ય, ગગી! આજ તો અટાણના પહોરમાં નવરી થઈ ગઈ?’

⁠‘નવરી તો નથી થઈ. પણ સંધાંય કામ કરવાં પડતાં મેલીને ખબર કાઢવા આવી છું—’

⁠‘કોની?’

⁠‘તમારા ભાઈની—’ ચંપાએ હસતાં હસતાં કહ્યું: ‘ઓતમચંદ શેઠની— મારા જેઠની ખબર કાઢવા આવી છું.’

⁠‘પણ તને ક્યાંથી વાવડ જડ્યા?’

⁠‘દરબારની ડેલીએથી—’

⁠‘દરબારની ડેલીએથી? કેવી રીતે? કોણે કીધું?’

⁠‘નરભા ગોરે… ગોર મહારાજે બાપુજીને કીધું, ને બાપુજીએ બાને વાત કરી એ હું સાંભળી ગઈ. એટલે ચૂલો જસીને સોપીને હું ઝટ ઝટ નીકળી આવી—’

⁠‘પણ એક જ પગલાનો જ ફેર પડ્યો… હમણાં જ ઘોડીએ ચડીને હાલી નીકળ્યા—’ હીરબાઈએ કહ્યું.