વેળા વેળાની છાંયડી/૩૪. પાંખ વિનાની પારેવડી
કીલા તરફથી ‘બોલો, કાકા!’ એવો આદેશ મળ્યો છતાં જૂઠાકાકાની જીભ ઊપડી શકી નહીં. બે-ત્રણ વાર હોઠનો મૂંગો ફફડાટ થયો પણ એમાંથી વાચા ફૂટી શકી નહીં, તેથી કીલાના મનમાં ઉદ્ભવેલી શંકા વધારે ઘેરી બની. એમનો ક્ષોભ ઓછો કરવા કીલાએ કહ્યું:
‘કાકા, મૂંઝાવ મા જરાય, મને ઘરનું જ માણસ ગણીને, જેવું હોય એવું કહી નાખો તમતમારે—’
‘તમને ઘરનું માણસ ગણું છું એટલે તો આજે અહીં આવ્યો છું. પારકાને કાને તો આની ગંધ પણ જવા ન દેવાય એવી વિપદ આવી પડી છે—’
‘આ કીલાને મોઢેથી કોઈને કાને વાત નહીં જાય. હું તો મોઢા ઉપર ખંભાતી મારીને કરું છું, એ તમને ખબર છે?’ કીલાએ ખાતરી આપી અને પછી, ડોસાની રુદ્ધ વાચાને મુક્ત કરવા અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માંડ્યું, ‘વિપદ તો આ સંસારમાં આવે ને જાય, તમે સાધુસાધ્વીના ઉપદેશ સાંભળ્યા હશે. મીઠીબાઈસ્વામી વખાણમાં નથી કહેતાં, કે વિપદ પડે તોય વણસે નહીં, એનું નામ માણસ!’
‘મહાસતીનાં વેણ તો મોંઘાં રતન જેવાં છે… …’ ડોસા બોલ્યા: ‘પણ મારી વિપદ બહુ વસમી છે, કીલાભાઈ!—’
‘એનું નામ જ પંચમકાળ, કાકા! દૂબળાં ઢોરને બગાં ઝાઝી, એમ તવાયેલાંની વધારે તાવણી થાય,’ કીલાએ આશ્વાસન આપીને કહ્યું: ‘કહી દિયો, જેવું હોય એવું—’
‘વાત કીધી જાય એવી નથી, કીલાભાઈ!’ ડોસાએ પોતાની આંતરવેદના વ્યક્ત કરી: ‘માલીપા ભડભડ હૈયાહોળી બળે છે.’
‘એટલે તો કહું છું કે દુખિયું માણસ બીજા દુખિયાને કાને પેટછૂટી વાત કરે તો હૈયાભાર હળવો થાય—’
‘ભાર હળવો કરવા તો આ ઉંબરે પગ મેલ્યો છે; આવડા મોટા ગામમાં મારે તમ સિવાય બીજો કોઈ વિસામો નથી.’ જૂઠાકાકા હજી અંતરની વાત કરવાને બદલે આડાઅવળા ઉદ્ગારો કાઢીને મૂળ મુદ્દા પર—અણગમતા કથન પર - આવવાનું ટાળતા હતા: ‘બારિસ્ટર સાહેબની અમીનજરમાં હું ઊછર્યો’તો… ને હવે તમારામાં તો બાપુ કરતાંય અદકાં અમી ભાળું છું…’
‘હું તો રાંકના પગની રજ છું, કાકા! તમ જેવો જ દુખિયો જીવ છું. દુખિયા માણસને વિપદ ટાણે બીજો દુખિયો સાંભરે એમાં શી નવાઈ?’ કીલો ધીમે ધીમે ડોસાનો સંકોચ ઓછો કરતો જતો હતો: ‘મીઠીબાઈસ્વામી સાચું જ કહે છે, કે સુખ એકલાં એકલાં ભોગવવું સારું લાગે; પણ દુઃખ તો બે-ચા૨ જણ ભેગાં થઈને ભોગવીએ તો હળવું લાગે—’
‘મારી ઉપર તો દુઃખનો ડુંગર આવી પડ્યો છે. મારે એકલાએ જ એનો ભાર ભોગવવો પડે એમ છે—’
‘તોય એક કરતાં બે ભલા. કહેવત ખોટી છે, કે એક કી લકડી, સો કા બીજ?’ કીલોએ કહ્યું. ‘મારાથી જરાય જુદાઈ જાણશો મા કાકા! જીવને નિરાંત રાખી, સ૨ખાઈથી વાત કરો તો એમાંથી કાંઈક રસ્તો નીકળશે—’
કીલાનાં આટલાં સાંત્વનોને પરિણામે ડોસાએ થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરી. ક્ષોભ અને સંકોચ દૂર થતાં એમણે શરૂ કર્યું:
‘આપણી ગગી છે ને… મોંઘી—’
‘હા, હા.’
‘એને ઘ૨કામ ક૨વા તેડાવી’તી—’
‘કોણે?’ કીલાએ જરા અધીરપથી પૂછ્યું.
‘એનું કાળમુખાનું નામ લઈશ, તોય હું પાપમાં પડીશ.’ જૂઠાકાકાએ કહ્યું, ‘પણ આપણા અપાસરાના મુખીને તો તમે—’
‘ઓળખું છું, ઓળખું છું!’ કીલો ઉગ્ર અવાજે બોલી ઊઠ્યો ‘પગથી માથા લગી ઓળખું છું. એની પાંથીએ પાંથીમાં હું ફરી વળ્યો છું. કાંઈ કરતાં કાંઈ અજાણ્યું નથી—’
‘એ વારે ઘડીએ મોંઘીને કાંઈક ને કાંઈક ઘરકામ ચીંધ્યા કરતા. આજે ઘઉં વીણવા છે, તે ઘેરે આવજે… આજે પાપડ વણવા છે એટલે જરાક હાથ દેવા આવજે… આમ એક કે બીજે બહાને ગગીને ઘેર તેડાવતા—’
‘પણ તમે એને સબળ મોકલતા?’ કીલાએ વચ્ચે પૃચ્છા કરી.
‘ભાઈ, હું તો એને મોકલવામાં જરાય રાજી નહોતો… શેઠની આબરૂ તો ગામ આખું જાણે જ છે, એટલે મોંઘીને મોકલતાં મારૂં મન જરાય માનતું નહોતું…’ જૂઠાકાકાએ કબૂલાત કરી. ‘ને વળી શેઠાણીએ પોતે ઊઠીને મને ચેતવ્યો હતો… કાનમાં ફૂંક મારી રાખી’તી, કે મોંઘીને મોકલજો મા—’
‘તોય તમે મોકલી?’
‘કહું છું ને, કે આમાં વાંક મારો જ છે… મોટા માણસનું વેણ ઉથાપી ન શક્યો, ને મને-કમને મોકલાવી.’
‘બહુ કરી તમે તો… હાથે કરીને ગાયને કસાઈવાડે મોકલાવી,’ કીલાએ ઠપકો આપ્યો. પણ મોંઘી પોતે કાંઈ—’
‘છોકરી એવી તો રાંકડી છે, કે સંધુંય મનમાં ને મનમાં ખમી ખાધું,’ જૂઠાકાકાએ કહ્યું: ‘બિચારી એની મા જેવી ગરીબડી… મરતાંનેય મર ન કહે એવી ટાઢીશીળી… મોંઘીના રાંકડા સ્વભાવમાંથી જ મોંકાણ ઊભી થઈ ને!’
‘શું?… શું!’
ફરી ડોસા અસ્વસ્થ થઈ ગયા. કમ્પતા હોઠ એક-બે વાર ફફડ્યા, પણ એમાંથી વેણ જાણે કે પાછાં વળતાં લાગ્યાં. આખરે નછૂટકે, સઘળું મનોબળ એકઠું કરીને શરમમાં નીચી મૂંડીએ કહ્યું:
‘મોંઘી બેજીવસુ…’
‘ભગવાન! ભગવાન!’ કીલાના હૃદયમાંથી દિલસોજીનો સાહજિક ઉદ્ગાર નીકળી ગયો.’
‘કુંવારી દીકરીનો અવતાર રોળાઈ ગયો,’ ડોસા બોલતા હતા.
‘કરમની લીલા—’
‘કપાળમાં કાળી ટીલી જેવું કલંક…’
‘આવ્યું, એ હવે ભોગવવું જ પડે—’
‘મારાં ધોળાંમાં ધૂળ—’
‘સમજું છું, કાકા! પણ આ તો વાએ કમાડ ભિડાઈ ગયાં જેવું થયું છે… … એમાં તમારો શું વાંક?’
‘જાતે જન્મારે મારે એવું નીચાજોણું—’
‘કરમમાં માંડ્યું હશે, એ મિથ્યા કેમ થાય?’
‘કીલાભાઈ, આ તો જાંઘના જખમ જેવું… કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં—’
‘જાણું છું, કાકા! બરોબર જાણું છું,’ કીલાએ કહ્યું, ‘પણ હવે થયું અણથયું કેમ કરીને થાય? હવે તો સૂઝે એવો કાંઈક ઉપાય કરવો જોઈએ…’
‘ઉપાય?’ જૂઠાકાકાની આંખ ચમકી ઊઠી, ‘આમાં તે શું ઉપાય થાય?’
‘શેઠને વાત કરી જોઈ કે નહીં?’
‘મને જાણ થઈ કે તરત જ—’
‘એ શું કહે છે?’
‘એ તો, પોતે ધરમના થાંભલા થઈને અધરમના ઉપાય બતાવે છે—’
‘રામ! રામ! રામ!’ કીલો કંપી ઊઠ્યો. ‘આવાં પાપ કરવાનો વિચાર પણ માણસના મનમાં કેમ કરીને આવતો હશે!’
‘એટલે તો હું શેઠના મોઢા ઉપર થૂ કરીને આવતો રહ્યો—’
‘ઠીક કર્યું તમે. આવા ઉપાય બતાવનારને તો એક ખાસડું મારવું જોઈએ—’
‘હું તો ગમે એવો તોય એનો આશરાતિયો માણસ, એટલે મારાથી તો બીજું શું થાય?’ જૂઠાકાકા દીન અવાજે બોલ્યા, ‘પણ કીલાભાઈ તમારા હાથમાં હવે અમલ આવ્યો છે. તો તમે એને કાંઈ ઠપકો—’
‘ઠપકો? હું તો હમણાં જ હુકમ કરીને એને હાથકડી પહેરાવી દઉં,’ કીલો આવેગમાં બોલી ગયો. પણ તુરત સ્વસ્થ અવાજે ઉમેર્યું: ‘ના, ના, એને હરામખોરને હાથકડી પહેરાવીએ તોય કાંઈ ન થાય. ઊલટાની, સરકા૨ની હાથકડી અભડાય. ને એમાં આપણને તો નુકસાન થયું છે એ થોડું અણથયું થવાનું હતું?’
આટલું કહીને કીલો મૂંગો થઈ ગયો—જાણે કે અંતર્મુખ દશામાં આ સમસ્યાનો કશોક ઉકેલ ન શોધતો હોય!
જૂઠાકાકા દિશાશૂન્ય ચિત્તે જમીન ખોતરતાં બોલતા રહ્યા: ‘મારી મોંઘી તો બિચારી ગભરુડી ગાય જેવી… છાતીફાટ રુવે છે… ને માથાં પછાડે છે—’
અસહાય બાળાની યાતનાનું આ વર્ણન સાંભળીને સંવેદનશીલ કીલાએ પણ જાણે કે એટલી જ મનોવેદના અનુભવી. એની નજર સામે એક કારુણ્યમૂર્તિ તરવરી રહી અને ભદ્ર સમાજમાં એની અગૌરવપ્રદ સ્થિતિનો ખ્યાલ આવતાં આ દિલસોજ માણસને રૂંવે રૂંવે આગ ઊઠી
‘મારી આંખ્યના રતન જેવી મોંઘીનો મનખાવતાર રોળાઈ ગ્યો…’ ઘવાયેલા પ્રાણીની જેમ જૂઠાકાકાનો જીવ રહી રહીને કણસતો હતો
‘એમ હિંમત હારી જાવ મા, કાકા!’ કીલાએ દૃઢ અવાજે કહ્યું ‘આપણને જીવતર આપનારો તો હજાર હાથવાળો ઉપર બેઠો છે. કોઈ માણસનું જીવતર રોળી નાખવાનું બીજા માણસનું ગજું નથી.’
સાંભળીને, હતાશ જૂઠાકાકા કીલા તરફ આશાભરી મીટ માંડી રહ્યા. હજી એમને કીલાની ગૂઢ વાણી બરોબર સમજાઈ નહોતી, તેથી પૂછી રહ્યા: ‘પણ મોંઘીનું જીવતર તો રોળાઈ જ ગયું, એમાં બાકી શું રહ્યું છે હવે?’
‘કોણે કીધું કે રોળાઈ ગયું? એમ એક નાનકડી ભૂલ થાય, એમાં શું જિંદગી આખી હારી બેસાય?’ કીલો આ વૃદ્ધ માણસને હિંમત આપતો હતો. ‘ભૂલનો ઉપાય કરવો જોઈએ, કાકા! આપણને પગ ઉપર ગૂમડું થાય છે, તો ગૂમડા ઉપર પોટીસ મેલીએ છીએ. આખેઆખો પગ કાપી નથી નાખતા. પગ ખોટો પડી જાય, તો માણસને કાખઘોડી બંધાવીએ છીએ, પણ એને આખેઆખો મારી નથી નાખતા. સમજણ પડી કાકા?’
સાંભળીને ડોસા વધારે આશાભરી આંખે કીલા તરફ જોઈ રહ્યા, પણ હજી એમને આ સલાહના રૂપકાર્યમાં બહુ સમજણ પડતી નહોતી.
કીલો ફેરવી ફેરવીને એકની એક વાત મભમ રીતે આ વડીલના મગજમાં ઠસાવવા મથતો હતો:
‘જિંદગીમાં તો ઘણાય ખાડાખાબડા આવે. એકાદ ઠેકાણે પગ લપસી જાય, ને માણસ અંદર પડી જાય, તો એને હાથ ઝાલીને ટેકો આપીને બહાર કાઢવો જોઈએ. ખાડામાં પડેલાને માથે, મડદાંની જેમ ધૂળ વાળીને ઢાંકી ન દેવાય. જીવતા માણસમાં ને મરેલા માણસમાં આટલો જ ફેર. સમજણ પડી ને કાકા?’
ડોસા એકચિત્ત આ સલાહસૂચન સાંભળી રહ્યા અને એમાંથી એમને, ‘હાથ ઝાલીને કાઢવું જોઈએ’ શબ્દો જચી ગયા. ‘હાથ ઝાલીને બહાર કાઢવું જોઈએ’ અત્યંત સ્વાભાવિકપણે ઉચ્ચારાઈ ગયેલી આ ઉક્તિ વૃદ્ધના વ્યથિત ચિત્તમાં ફરી ફરીને ઉચ્ચારણ પામતી રહી અને એ શબ્દોમાંથી પિતાના વત્સલ હૃદયે પુત્રી માટે વાચ્યાર્થ પણ ઘટાવ્યો: ‘હાથ ઝાલીને બહાર કાઢવી જોઈએ—’ વાહ! સૂચન તો સરસ છે, પણ વ્યવહારુ છે ખરું? એ જ તો મોટી મુશ્કેલી! અને તેથી જ તો એમણે નિખાલસતાથી પૂછી નાખ્યું:
‘પણ મારી મોંઘીનો હાથ ઝાલે કોણ?’
આ પ્રશ્ન તો આખા સંવાદના સંદર્ભમાં બહ સાહજિકપણે પુછાઈ ગયો હતો. પણ કીલાના સરવા કાનમાં… અને એથીય અદકાં સંવેદનશીલ હૃદયમાં… એણે એક વિશિષ્ટ ધ્વનિ પ્રગટાવ્યો.
‘ઓલ્યા રાખહે જેને અભડાવી એ મારી નમાઈ ને નિમાણી દીકરીનો હાથ હવે ઝાલે કોણ?’ ડોસાએ દર્દનાક સ્વરે પૂછ્યું. એની નિસ્તેજ આંખના ઊંડા ઊતરી ગયેલા ડોળા કીલા સામે એ જબરો પ્રશ્નાર્થ ધરી રહ્યા.
માસૂમ મોંઘીની અને એના જનક જૂઠાકાકાની અસહાય દશાની કલ્પના કીલાના હૃદયને વલોવી રહી.
કીલા માટે આ ક્ષણ જીવનની આકરામાં આકરી કસોટીની ક્ષણ હતી. ડોસાના આ એક જ પ્રશ્નમાં આ સાધુચિરત માણસનાં શીલ અને શરિયતની પરીક્ષા થવાની હતી.
તેથી જ, કીલાનું મન ચગડોળે ચડી ગયું. ક્ષણ-બે ક્ષણમાં એનું ચિત્તતંત્ર આખા અતીત જીવનની પરકમ્મા કરી આવ્યું. સારી વાર સુધી એ શાંત બેઠો રહ્યો, પણ એના અંતરમાં ઘમસાણ મચી ગયું હતું.
આખરે, વિચારતંદ્રામાંથી ઝબકીને એણે જોયું તો જૂઠાકાકાની પ્રશ્નાર્થસૂચક આંખો હજી પણ કીલાની જ દિશામાં મંડાયેલી હતી. એ મૂંગી નજર પણ બાપોકાર પછી રહી હતી: જવાબ આપો, જવાબ આપો, મારી મોંઘીનો હાથ હવે ઝાલે કોણ?
આ પ્રશ્નનો ઉત્તર તાબડતોબ આપી શકાય એવો સહજ સહેલો નહોતો. કીલાને હજીયે મૂંગો બેઠેલો જોઈને ડોસાએ કહ્યું:
‘મારી પારેવડી જેવી મોંઘી હજી તો ઊગીને ઊભી થાય એ પહેલાં તો એની પાંખું કપાઈ ગઈ… હવે એ ઊડશે કેમ કરીને?’
સાંભળીને કીલો વધારે અંતર્મુખ બન્યો. ડોસા પોતાનું દર્દ વર્ણવતા રહ્યા.
‘પાંખ વિનાની પારેવડી હવે જીવશે કેમ કરીને?’
‘એને કોઈ પોતાની પાંખ ઉછીની આપે તો—’ ક્યારનો મૂંગો બેઠેલો કીલો એકાએક આ સૂચક ઉક્તિ ઉચ્ચારી ગયો. પોતાના હોઠમાંથી કેમ કરીને આટલાં વેણ છૂટી ગયાં એની તો કીલાને પોતાને પણ નવાઈ લાગી.
‘કોઈ પાંખ ઉછીની આપે?’ ડોસાને આવી રૂપકવાણી સમજાઈ નહીં તેથી પૂછ્યું.
‘હા,’ હવે કીલાએ મક્કમ અવાજે ટપોટપ ઉત્તર આપવા માંડ્યા: ‘પારેવડીની પાંખ ભલે કપાઈ ગઈ. પણ મીઠીબાઈસ્વામી કહે છે એમ, એક જીવ બીજા જીવને જિવાડે… માણસ માણસને તારે—’
‘પણ મારી પારેવડીને પાંખ કોણ આપે? કેવી રીતે આપે?’ ડોસાએ પોતાની શંકાઓ વ્યક્ત કરી.
‘મને વિચાર કરી જોવા દિયો, કાકા!’ કીલાએ કહ્યું. ‘બેચાર દી પછી હું તમારી પાસે આવીશ, કાંઈક રસ્તો કાઢીશું—’
‘ભલે ભાઈ!’
‘ને મનમાં જરાય ઉચાટ રાખશો મા, સમજ્યા ને?’ કીલાએ હૈયાધારણ આપી.
‘ભલે, ભાઈ!’ કહીને જૂઠાકાકા આશાનું આછુંપાતળું કિરણ લઈ વિદાય થયા.
જૂઠાકાકા ગયા કે તુરત કીલાએ બહાર રાહ જોઈને બેઠેલા નરોત્તમને હાંક મારી: ‘મોટા, અંદર આવતો રહે હવે.’
ડોસા સાથે કીલાને શી વાત થયેલી એ નરોત્તમ જાણતો નહોતો. એ જાણવાની જિજ્ઞાસા પણ એને નહોતી. એને તો, પોતે જે કામ માટે આવ્યો હતો… મંચેરશા વતી જે પ્રશ્નનો જવાબ માગવા આવ્યો હતો… એ જ જાણવાની ઉતાવળ હતી તેથી એણે તો નાના બાળક જેટલી સરળતાથી પૂછ્યું: ‘બોલો, મંચેરશાને શું જવાબ આપું?’
‘અટાણે તો કાંઈ જવાબ નહીં આપી શકું,’ કીલાએ કહ્યું: ‘પણ મને ચાર દીની મુદત આપો. ચોથે દી હું પોતે આવીને જવાબ આપી જઈશ—!
કીલાભાઈ પાસેથી આટલો બધો ત્વરિત અને અનુકૂલ ઉત્તર મળી જશે એવી નરોત્તમે અપેક્ષા નહોતી રાખી તેથી આ ઉત્તર સાંભળીને એને આનંદ થયો. અને તેથી જ એણે ઉત્સાહભેર કહ્યું ‘જુવો, આવતી પૂનમે તો મારે રૂની ગાંસડીઓ આગબોટમાં ચડાવવા મુંબઈ જાવું પડશે. એ પહેલાં તમારો જવાબ આવી જશે ને?’
‘જરૂર—’
‘તમારો જવાબ જાણ્યા વિના હું મુંબઈ નહીં જાઉં—’ નરોત્તમે લાડ કરતાં કહ્યું.
‘ઓહોહો! તું તો ભારે ચાગલો કાંઈ!’
‘તમારો જ નાનો ભાઈ છું ને!’ કહીને નરોત્તમ હસતો હસતો બહાર ગયો.
નરોત્તમ ગયો કે તુરત કીલાનું વિચારસંક્રમણ શરૂ થઈ ગયું.
એ પછીના ત્રણ દિવસ ને ત્રણ રાત એણે ભયંકર મનોમંથનમાં વિતાવ્યાં. એ માનસિક વલોપાત એની મુખરેખાઓ ઉ૫૨ ૫ણ અંકિત થઈ ગયેલો એ જોઈને ખુદ વૉટ્સન સાહેબને પણ આશ્ચર્ય થયું. ગોરા સાહેબે આ ગમગીનીનું કારણ પૂછ્યું ત્યારે કીલાએ પહેલાં તો એ અંગત પ્રશ્ન રોળીટોળી નાખ્યો. પણ વિચક્ષણ દૃષ્ટિ ધરાવનાર સહૃદય સાહેબે જ્યારે વારંવાર એ વિશે પૂછપરછ કરવા માંડી ત્યારે કીલાએ આખી કથની અથેતિ કહી સંભળાવી. જૂઠાકાકાની પુત્રીની કરુણ પરિસ્થિતિ સમજાવી અને એમાંથી માર્ગ કાઢવામાં પોતાને અનુભવવી પડતી દ્વિધાનો ખ્યાલ આપ્યો.
કીલાને સ્વમુખેથી એના પૂર્વાશ્રમની રજેરજ હકીકત જાણી ચૂકેલા વૉટ્સન સાહેબને એની દ્વિધાવૃત્તિ સમજાતાં વાર ન લાગી. તેઓ જાણતા હતા કે કીલો એક વાર નિર્વેદાવસ્થામાં સાધુજીવનની દીક્ષા લઈ ચૂક્યો છે. એ દીક્ષાના પ્રતીક રૂપે રુદ્રાક્ષના મોટા મોટા પારાવાળી એક માળા પણ હજી એની ડોકમાં મોજૂદ હતી.
કીલાએ સાહેબ સમક્ષ કબૂલ કર્યું કે આ રુદ્રાક્ષની માળા જ મને મારી ફ૨જ-બજવણીમાં બંધનરૂપ બની રહી છે. સાધુજીવનની અસારતા સમજાતાં, ક્રિયાકાંડની નિરર્થકતાનું ભાન થતાં અને ત્યાગની ભાગેડુ વૃત્તિને બદલે જીવન-સંઘર્ષમાં ઝઝૂમવાની વૃત્તિ બળવત્તર બનતાં પોતે પાછો સંસારમાં પ્રવેશ્યો હતો. છતાં હજી આ રુદ્રાક્ષની માળા એને મુક્ત બનવા નહોતી દેતી. માળાનો એકેક મણકો જાણે કે લોખંડી સાંકળના અંકોડા સમો બની રહ્યો હતો.
કીલાની આ અનિશ્ચિત મનોદશા જોઈને વૉટસન સાહેબને નવાઈ લાગી. આવું દૃઢ મનોબળ ધરાવનાર માણસ આ બાબતમાં આટલી બધી દ્વિધા શા માટે અનુભવે છે?… પણ લાંબો વિચાર કરતાં એમને સમજાયું કે ભારતીય જીવનપ્રણાલીમાં ઊછરેલો માણસ એક વેળાના દીક્ષિત જીવનને આટલું મહત્ત્વ આપે એમાં નવાઈ જેવું કશું નથી. એને માત્ર એટલી જ પ્રતીતિ થવી જરૂરી છે, કે અંતરના પ્રામાણિક આદેશ સમક્ષ બીજા સર્વ બાહ્ય આદેશો અને બંધનો તુચ્છ છે.
અને કીલાને એવી સચોટ પ્રતીતિ કરાવવાનું કામ ગોરા સાહેબે પોતાને માથે લઈ લીધું. એક આખો દિવસ એમણે કીલાને વિવિધ ફિલસૂફીનો અને ધર્મદર્શનોનો સાર કહી સંભળાવ્યો. જુદા જુદા સંતોના સૂચક જીવનપ્રસંગો વર્ણવ્યા અને પ્રતિપાદન કર્યું કે આચારધર્મ કરતાં હૃદયધર્મ ચડિયાતો છે.
આખરે કીલાને પ્રતીતિ થઈ કે સ્થૂલ લોકાચા૨ કરતાં હૃદયનો ધર્મ વધારે મહત્ત્વનો છે અને આ પ્રતીતિ થવાની સાથે જ એની આંખ ઉપરનાં પડળો ઊઘડી ગયાં, જીવનનો માર્ગ દીવા જેવો સ્પષ્ટ જણાયો.
હળવાફૂલ હૃદયે એ જૂઠાકાકાને ઘરે જઈ પહોંચ્યો.
કીલો આપેલા વાયદા પ્રમાણે સાચે જ પોતાને આંગણે આવી ઊભશે એ તો આ ડોસાને કલ્પના પણ નહોતી; તેથી જ તેઓ અરધા અરધા થઈને શિરસ્તેદારનો હોદ્દો ધરાવનાર આ અમલદારને આવકારવા ઉંબરા સુધી દોડી ગયા.
‘હમણાં જ શેઠજી આવી ગયા.’ ડોસાએ કહ્યું.
‘શું કામે આવ્યા’તા?’ કીલાએ કરડાકીથી પૂછ્યું.
‘એય હવે તો મૂંઝાણા છે ને, એટલે આમાંથી રસ્તો બતાવવા આવ્યા હતા.’
‘શું રસ્તો બતાવ્યો? શેઠજી પોતે મોંઘીને પરણી જશે?’
ડોસા દર્દભર્યું ખિન્ન હાસ્ય વેરીને બોલ્યા: ‘એ વાતમાં શું માલ છે? એણે તો છોકરીને લઈને લાંબી જાત્રાએ જાવાનું મને કીધું—’
‘ને પછી છોકરું આવે એને ગંગાજીમાં પધરાવી દેવાનું કીધું એ રાક્ષસે?’ કીલાએ વધારે કરડાકીથી પૂછ્યું.
‘ના, ના, એટલું બધું કહેતાં તો એની જીભ ન ઊપડી, પણ કોક ઓળખીતાના અનાથાશ્રમમાં મેલવાની વાત કરતા’તા ખરા.
‘આવી વાતનો વિચાર પણ કરજો મા, કાકા! અવતરનાર મૂંગા જીવે બિચારે શું ગુનો કર્યો છે કે એને અનાથાશ્રમમાં મૂકવો પડે?—
‘પણ તો પછી કરવું શું કીલાભાઈ? મને તે આમાં કાંઈ સર્ય નથી સૂઝતી—’
'છોરુ વચ્ચે એવા વિજોગ પડાવીએ, તો પાપ ન લાગે?’ કીલો હજી રોષભર્યા અવાજે બોલી રહ્યો હતો.
‘નસીબમાં જે વિજોગ લખ્યા જ હશે, તો તો…’ ડોસાની જીભના લોચા વળવા લાગ્યા. ‘જનમનારના છઠ્ઠીના લેખમાં જ જો લખ્યું હશે…’
‘લેખ ઉપર મેખ મારશું, કાકા!’ કીલાએ ગર્વભેર કહ્યું.
‘કેવી રીતે?’ ડોસા પૂછતા રહ્યા. ‘પણ કેવી રીતે?’
‘જુવો. તમને કબૂલ હોય તો હું મોંઘીનો હાથ ઝાલવા તૈયાર છું.’ કીલો બોલી ગયો, ‘હું એને પરણી જઈશ, ને કહીશ કે આ મારું જ સંતાન છે—’
ડોસો તો ફાટી આંખે કીલા સામે તાકી જ રહ્યો. પોતે જે શબ્દો સાંભળ્યા એ સાચા હોવા વિશે એમને શ્રદ્ધા ન બેઠી. ચારેય તરફ દુઃખથી ઘેરાયેલા માણસને સુખની આછેરી ઝલક દેખાતાં જેમ ભ્રાંતિ ઊભી થાય, એવી જ સ્થિતિ જૂઠાકાકાની થઈ પડી, ‘તમને કબૂલ હોય તો હું મોંઘીનો હાથ ઝાલવા તૈયાર છું,’ આ શબ્દો સાચે જ ઉચ્ચારાયા હતા કે પછી કેવળ કાનમાં ભણકારા ઊડ્યા હતા એ અંગે ડોસાના મનમાં સંભ્રમ પેદા થયો.
‘મીઠીબાઈસ્વામીનો ઉપદેશ ભૂલી ગયા?’ કીલાએ ફરી પોતાની લાક્ષણિક ઢબે એક સુવાક્ય ટાંક્યું: ‘જીવ-પુદ્ગળને જાકારો દઈએ તો પાપમાં પડીએ—’
ડોસો તો પુલકિત હૃદયે આ માણસ સામે જોઈ જ રહ્યો.
‘બાળક નમાયું ગણાય એનો વાંધો નહીં, પણ કોઈ જીવ બાપ-વિનાનો ઠરે તો એ બહુ હીણું કહેવાય.’ કીલો સમજાવતો હતો: ‘મોંઘીના બાળકને હું મારું જ બાળક ગણીશ.’
‘તમે?… તમે?…’ હર્ષાવેશના અતિરેકથી ડોસાનો અવાજ ગદ્ગદિત થઈ ગયો. બોલ્યા: ‘પણ… પણ… આ તો પારકું પાતક—’
‘મારે માથે ઓઢી લઈશ!’ કીલાએ દૃઢ નિર્ધાર જણાવી દીધો.
ડોસાને અત્યારે આ માણસ તારણહાર લાગ્યો; અધમોદ્ધારકથીય અદકો જણાયો. એણે દાખવેલા આત્મભોગ બદલ અહેસાન વ્યક્ત કરવા માટે આ અભણ વૃદ્ધ પાસે યોગ્ય શબ્દો નહોતા; એ તો લાગણીના અતિરેકમાં ઢગલો થઈને કીલાના પગમાં ઢળી પડ્યો અને હર્ષાશ્રુની અણખૂટ ધારા વડે આ ઉદ્ધારકના બંને પગના પોંચાને પખાળી રહ્યો.
કીલાએ બે હાથ ઝાલીને ડોસાને ઊભા કરતાં કહ્યું: ‘કાકા, ઊભા થાવ, ઊભા. મને શ૨મમાં નાખો મા. હું તો તમારું છોકરું ગણાઉં… તમે તો મારા બાપુના ઠેકાણે છો… મને આશીર્વાદ આપો કે હું સુખી થાઉં—’