સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/ઓળીપો

Revision as of 11:01, 3 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓળીપો}} {{Poem2Open}} પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો, બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઓળીપો

પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો, બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટેમાર્ગુ જોતાં જોતાં ચેતવતાં જાય છે : “રૂપી, ભેખડ પડશે ને તુંને દાટી દેશે, હો બેટા!” પણ રૂપી તો મેરની દીકરી. એને તો એનાં ઘરખોરડાં આભલાં જેવાં ઊજળાં કરવાં છે. ઓરડામાં કમાનો વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે. ગોખલા કંડારવા છે. ભીંત ઉપર ચિતરામણ આલેખવાં છે. રૂપીને ઠાવકી, ચીકણી, માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તોયે શું? માટીના સૂંડલા પોતાને માથે મેલીને, મલપતી મલપતી, રૂપી ચાલી આવે છે. ધોમધખતા તાપમાં એનું રૂપાળું મોં રાતુંચોળ થાતું આવે છે. મોતીની સેર વીખરાણી હોય તેવાં પરસેવાનાં ટીપાં ટપકતાં આવે છે. કૂવાને કાંઠેય મેરાણીઓ મોઢાં મચકોડી વાતો કરે છે : “બાઈ, આ તો નવી નવાઈની આવી છે! કૂવામાં પાણી જ રે’વા દેતી નથી. કુણ જાણે અધરાતથી બેડાં તાણવા માંડે છે.” નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે, ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે, ‘વાલામૂઈ પડે તો ઠીક થાય!’ ભૂખી-તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળીને સાસુ-સસરો હેતાળ ઠપકો આપે છે કે, “અરે રૂપી, ખાધાનીયે ખબર ન પડે, બેટા?” એને માથે ચારેય છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવરણા ગાલ ઉપર ગોરમટીના છાંટા છંટાઈ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોળાણાં છે. શરણાઈ-શી એના હાથની કળાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીનાં રૂપ કાંઈ અછતાં રહે? રૂપીનો વર નથુ રોટલો ખાવા આવે છે. એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી. “રૂપી!” નથુ બહાર નીકળીને એને સાદ કરે છે : “રૂપી, આવડી બધી કેવાની અધીરાઈ આવી છે, ઘર શણગારવાની? કાંઈ મરી બરી તો જાવાની નથ ના!” “લે, જો તો, બાઈ! નથુ કેવી વાણી કાઢી રિયો છે! મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાંઉ ખપનો, નથુ?” “હે ભગવાન! આ મેરની છોકરી તો નવી નવાઈની! કવરાવ્યો મને! ભગવાન કરે ને નિસરણી લસરે જાય!” એટલું કહીને નથુ હસે છે. “તો તો, પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાઉં તોયે તારા ખોળામાંથી ઊઠાં જ નહિ ને! ખોટી ખોટી માંદી પડેને સૂતી જ રાં!” રૂપી અને એનો વર નથુ ખોરડાની પછીતે ઊભાં ઊભાં આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતાં ને પેટ ભરવાની વાતો ભૂલી જતાં હતાં. ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે. નિસરણીની ટોચે ઊભીને કરો લીંપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું. ગોરમટીનાં છાંટણાંમાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખાં રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો કે ‘ઓહોહો! બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે.’ એમ કરતાં કરતાં અષાઢ ઊતરીને શ્રાવણ બેઠો. જોતજોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરાં છલોછલ હાલ્યાં જાય છે. ધરતીનાં ઢોરઢાંખર અને પંખીડાં હરખમાં હિલોળા મારે છે, ને રૂપીયે વારતહેવાર રહેવા મંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા-કંકાવટી લઈ રૂપી બાપોદરનાં દેવસ્થાનો ગોતે છે, પીપળાને અને ગાયોને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે, નાગદેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તો આ સૃષ્ટિ શી રળિયામણી હતી! ઓહોહો! શી રળિયામણી હતી! શીતળા-સાતમ અને ગોકળ-આઠમના તહેવાર ઢૂકડા આવ્યા. સાતમ-આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડાં આવે. રૂપીનેય માવતરથી સંદેશા આવ્યા કે ‘સાતમ કરવા વહેલી પહોંચજે’. સાસુ-સસરાએ રાજીખુશીથી પોતાની લાડકવાયી વહુને મહિયર મહાલવાની રજા આપી. નવી જોડ લૂગડાં પહેરી, ઘરેણાંગાંઠા ઠાંસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેંથે હિંગળો પૂરી ને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લૂગડાની નાની બચકી લીધી. પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી, નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું : “રૂપી! આ બધું પિયરિયામાં મા’લવા રાખી મૂક્યું’તું ને? ‘નથુ! નથુ!’ બોલેને તો ઓછી ઓછી થે જાછ! તંઈ આ શણગાર તો નથુ માટે કોઈ દી નુતા સજ્યા!” “લે, જો તો બાઈ! આડું કાં બોલતો હઈશ, નથુ! કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કે દી હુતી? અને આજ પે’ર્યું છે એય તારે જ કાજે ને! તું હાલ્ય મારી હારે. મને કાંઈ ત્યાં એકલાં થોડું ગમશે?” એટલું બોલતાં તો રૂપીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. “અરે ગાંડી! એમાં કોચવાઈ ગી? અને મા-બાપની રજા વિના મારાથી અવાય ખરું કે?” “હું ફુઈને અને મામાને બેયને કે’તી જાઉં છું ને! તું જરૂર આવજે, હો! તારા વન્યા મારી સાતમ નૈ સુધરે હો, નથુડા!” એટલું કહીને રૂપી સાસરા કને ગઈ. પોતાની તોછડી, મીઠી વાણીમાં મેરની કન્યાએ તુંકારો દઈને કાલું કાલું વેણ કહ્યું : “મામા, નથુને ચોકસ મેલજે, હો! નીકર મારી સાતમ નૈ સુધરે.” સાસુને પગે પડીને રૂપી બોલી : “ફુઈ! નથુને ચોકસ મેલજે, હો! નીકર મારી સાતમ નૈ સુધરે.” “માડી, મેલશું તો ખરા; પણ તારાં માવતરનું સાચેખોટેય તેડું તો જોવે ને!” બુઢ્ઢી સાસુએ જવાબ દીધો. “અરે ફુઈ, એનો ધોખો તું કરીશ નૈ. હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ ને!” એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી — કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડેભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા, છાનોમાનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મૃગલી જાણે પાછું વાળીને જોતી, લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો : “નથુડા, આવજે હો! નીકર મારી સાતમ નૈ સુધરે.” આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઊડતો અલોપ થયો, ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો, કામકાજમાં એનું ચિત્ત પરોવાઈ ગયું.  “અરર! માડી! દીકરીને પીટ્યાંઓએ કામ કરાવેં કરાવેંને અધમૂઈ કરે નાખી, માથેથી મોડિયો ઉતાર્યા પહેલાં તો મૂવાં રાખહ જેવાંએ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી.” “પણ, માડી. તને કહ્યું કુણે?” “કુણે શું, તારી પાડોશણુંએ. સવારથી સાંજ લગે દીકરીને ઓળીપામાં જ દાટે દીધી, માડી! આમ તો જો! મોં માથે નૂરનો છાંટોય ન મળે. અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો — રોગી ઉતરડાઈ જ ગી.” “માડી, તને કોઈ ભંભેરે ગુ [ગયું] છે, હો! અમારાં પાડોશી ભારી ઝેરીલાં છે. તું કોઈનું માનીશ મા, હો! અને તેં મને તેડું મોકલ્યું, તારેં નથુને કીમ ન તેડાવ્યો? ઈ તો રિસાઈને બેઠો છે. ઝટ દેને ખેપિયો મેલ્ય.” “ચૂલામાં જાય તારો નથુડો! મારે એ ભૂતને તેડાવવો જ નથ. અને લાખ વાતેય તને પાછી ઈ ઘરને ઉંબરે ચડવા દેવી નથ. ઘણાય મેર મળી રહેશે; એકની એક દીકરીને આખો જનમારો ઓળીપામાં નથ દાટેં દેવી!” દડ! દડ! દડ! રૂપીની કાળીકાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યાં. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઊતરતું જ નથી. અદેખી પાડોશણોએ પિયરિયાંના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાંનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂરખી ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ, તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઊપજતી ગઈ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય? રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યાં. બિચારાં બુઢ્ઢા માવતર અને નથુ — એ ત્રણેય જણાંને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગૂંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઊડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસૂબા ઊપડે છે.  સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને માબાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને રૂંવે રૂંવે આગ ઊપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઈ ગઈ. પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે “મને નથુ પાસે જાવા દિયો. મારે નાતરે નથ જાવું.” એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું. એ મૂરખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા મંડે? ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે શી રીતે? મેરની દીકરીને ઘૂમટો ન હોય. ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઊઠી કે “નૈ જાઉં! નૈ જાઉં! મારા કટકા કરી નાખશો તોયે બીજે નહીં જાઉં. મને નથુ પાસે મેલો.” માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટેમાર્ગુ નીકળે છે. કયો માણસ કયે ગામ જાય છે એટલુંય પૂછ્યા વગર રૂપી સહુને કહે છે : “ભાઈ, બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો ને કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય; ત્યાં ઊભી ઊભી હું એની વાટ્ય જોઈશ!” વટેમાર્ગુ બે ઘડી ટાંપીને હાલ્યા જાય છે. બોલતાં જાય છે કે ‘ફટક્યું લાગે છે!’ સોમવારે બપોરે રૂપીએ લૂગડાંનો ગાંસડો લીધો. “મા, હું ધોવા જાઉં છ.” માએ માન્યું, ભલે મન જરી મોકળું કરી આવે. ફૂલ જેવાં ઊજળાં લૂગડાં ધોઈ, માથાબોળ નાહી, લટો મોકળી મેલી, ધોયેલ લૂગડાં પહેરી, ઘૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને મારગ માથે જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે? ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે? એની તો હાલ્ય જ અછતી નહીં રહે; એ તો હાથી જેવા ધૂળના ગોટા ઊડાડતો ને દુહા ગાતો ગાતો આવશે! નહીં આવે? અરે, ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને! કેટલા બધા સંદેશા! સૂરજ નમવા મંડ્યો, પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા ઓછાયા ઊતરવા લાગ્યા, તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોઢ્યા, ગૌધન ગામમાં પહોંચ્યું, ઘૂનાનાં નીર ઊંઘવા લાગ્યા, ઝાડ-પાંદડાને જંપવાની વેળા થઈ, તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન જ આવ્યો. અરેરે, નથુડાનું હૈયું તે કેવું વજ્જર જેવું! એને મારી જરાય દયા ન આવી? “રૂપી! રૂપી! રૂપી!” એવા સાદ સંભળાણા. રૂપી ચમકી : ‘કોના સાદ? નથુના? ના, ના. આ સાદ તો ગામ ભણીથી આવે છે.’ સાદ ઢૂકડા આવ્યા. ‘આ સાદ તો મારી માના. મારી મા મને ગોતવા આવે છે.’ ‘નથુ, તેં તો મારી સાતમ બગાડી! અરે ભૂંડા, સંદેશાય ન ગણકાર્યા! પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જો આવ્ય તો એક વાર ઘૂનો ડખોરી જોજે. હું જીવતી હઈશ તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકરશું.’ “રૂપી! રૂપી! રૂપી!” ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ‘ધુબ્બાંગ!’ દેતી રૂપી ઘૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી. પણ નથુડો તો ન જ આવ્યો. “રૂપી! રૂપી! રૂપી!” પોકારતી મા ઘૂનાના કાંઠે આવી. રાતનાં નીર બડબડિયાં બોલાવતાં જાણે હાંસી કરતા હતાં કે ‘રૂપીની મા! દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી, હો!’