સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/કરપડાની શૌર્ય કથાઓ

Revision as of 08:48, 4 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કરપડાની શૌર્ય કથાઓ|}} <poem> <center> '''1. ‘સમે માથે સુદામડા’''' પહેલો પોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. </poem> </center> {{Poem2Open}} જુવાન કાઠી જુગલની મિલન-રાતનો એવો પહેલો પહો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કરપડાની શૌર્ય કથાઓ




1. ‘સમે માથે સુદામડા’
પહેલો પોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,
પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ.

જુવાન કાઠી જુગલની મિલન-રાતનો એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં રમી રમી રાતોચોળ બનેલો કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફોરે છે, એને રોમેરોમથી પહાડની જુવાની મહેકે છે, અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પિયુ ભેળી હિંગળોકિયે ઢોલિયે બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દીસે છે. વાતો કરતાં કરતાં ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ. એનું મોં કાળું પડી ગયું. મામૈયા ખાચરે પૂછ્યું૰ : “શું છે, કેમ ચકળવકળ જુઓ છો?” “કાઠી! મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓછાયો પડ્યો લાગ્યો.” “લે ગાંડી થા મા, ગાંડી! કોક સાંભળશે તો તને બીકણ કહેશે. આંહીં કોની મગદૂર છે કે પગ દઈ શકે? ડેલીએ મારો સાવજ લાખો કરપડો ચોકી દઈ રહ્યો છે.” કાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી. બહાદુરની દીકરી હતી. બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સોડમાં સૂઈ ગઈ, પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દીવાલો ઉપર ફરતી રહી. ઓરડો જાણે હસતો હતો. અસલમાં કાઠીઓના ઓરડાની અંદર એક પછીતની પડખોપડખ બીજી પછીત ચણાતી. વચ્ચે રહેલા પોલાણને પછીતિયું કહેવાતું. મોયલી પછીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછીતે ચાકળા, ચંદરવા, તોરણ અને વાસણની રૂપાળી માંડ માંડી દેતા. કાઠિયાણીને જેવું ઘર શણગારતાં આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે! એના ઓળીપામાં જે સુંવાળપ ઝળકી ઊઠે છે તે એની હથેળીઓની હશે કે એના હૈયાની? ચાકળા-ચંદરવાનું ઓઢણું ઓઢીને જાણે ચારેય ભીંતો હસતી લાગે છે; પણ એ ભીંતોના અંતરમાં શું છે? કાળું ઘોર પછીતિયું! જોઈ જોઈને થાકેલી એની આંખો મળી ગઈ. મામૈયો ખાચર તો ક્યારનોય ઘોરતો હતો. બેલડી ભરનીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના ચંદરવા ખસેડીને પછીતિયામાંથી ત્રણ જણ નીકળ્યા. ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને ચૂપચાપ નીકળી ગયા. થોડી વારે ભીનું ભીનું લાગતાં કાઠિયાણી જાગી ગઈ. કારમો બનાવ દેખીને એણે ચીસો પાડી. સુદામડા ગામની આખી વસ્તી નીંભણી નદીને કાંઠે દરબાર મામૈયા ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી. સુદામડાના ચોકીદાર લાખા કરપડાએ વસ્તીને હાકલી : “દરબારનો મારનાર બીજો કોઈ જ નથી, એનો સગો ભાઈ શાપરવાળો લાખો ખાચર જ છે. લાખાને ગરાસનો લોભ લાગ્યો છે; ભાઈને મારીમારીને એને ભૉં ભેળી કરવી છે; ને આજ એ આંહીં કબજો લેવા આવશે.” વસ્તી ચૂપ રહી. માંહોમાંહે સહુ ગુસપુસ કરવા માંડ્યા : “ભાઈએ ભાઈઓ વઢે એમાં આપણે શું? કયે સવાદે આપણે માથાં કપાવીએ?” ડાહ્યો કાઠી લાખો કરપડો બોલ્યો : “ભાઈઓ, આવો, આપણે ઠરાવ કરીએ કે આજથી સુદામડાનો ધણી કોઈ એક જણ નહિ; એક ગરાસ ખાય અને બીજા સહુ એની મજૂરી કરે એમ નહીં; આજથી ‘સમે માથે સુદામડા’ : એટલે જેને ઘેર જે જે કંઈ ગરાસ ચાસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો : સુદામડાની વસ્તી જ સુદામડાનો રાજા. ખબરદાર! આપો લાખો ખાચર આવે કે મોટો ચક્રવર્તી આવે, આપણે એકએક સમશેર લઈને સુદામડાનો બચાવ કરવાનો છે. છે કબૂલ?” વસ્તીએ કબૂલ કર્યું : તે દિવસથી, સંવત 1006ની આસપાસથી, ‘સમે માથે સુદામડા’ બન્યું. સહુને પોતપોતાની જમીનના અઘાટ હક મળી ગયા. સહુને ‘મારું સુદામડા’ ‘મારું સુદામડા’ થઈ પડ્યું. પોતાપણાનો કૉંટો ફૂટ્યો.

‘ધિરજાંગ! ધિરજાંગ! ધિરજાંગ!’ કાનના પડદા તોડી નાખે તેવા ઘોર નાદ કરતો બૂંગિયો ઢોલ બજવા લાગ્યો, અને સુદામડામાં રાજગઢના કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો હતો તેના હોશકોશ ઊડી ગયા. માણસોએ દોડતા આવીને કહ્યું : “પીંઢારાનું પાળ આવ્યું. આથમણો ઝાંપો ઘેરી લીધો.” જુવાનો સામસામા જોવા લાગ્યા; ગામમાં કોઈ મોટેરો હાજર નહોતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં લઈને નળકાંઠા તરફ ગયો છે. સોળ-સોળ અને અઢાર-અઢાર વરસના ઊગતા જુવાનો દિઙ્મૂઢ બનીને બેઠા રહ્યા. હાય હાય, કાળઝાળ પીંઢારાઓનું કટક આવ્યું. કાચા મૂળાની જેમ સહુને એ કરડી ખાશે! કોઠાની પછવાડેની બારીએથી એક ધીરો અવાજ આવ્યો : “જેઠસૂર! ભોજ! નીકળી જાવ! ઝટ નીકળી જાવ!” બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘોડાં સાબદાં કરીને એક આધેડ આદમી ઊભેલ છે. ઇશારો કરે છે : “બેય જણા ઝટ ઊતરી જાવ; ચડીને ભાગવા માંડો.” બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે, ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બેયની વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું : “કોણ, માણસૂર ખવડ? આપો માણસૂર ખવડ ઊઠીને — કરપડાઓનો ભાણેજ ઊઠીને — અટાણે ગામના જુવાનોને ભગાડે છે? અરે! પેટના દીકરા ભોજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણિ લાખા કરપડાના દીકરા જેઠસૂરનેય ભગાડે છે? હાય રે હાય, આપા માણસૂર ખવડ! કાઠીઓનું આથમી ગયું કે?” “લે, બસ કર, કાળમુખા!” એમ બોલીને એ ઘોડાવાળો માણસૂર ખવડ જુવાનોને લલચાવવા માંડ્યો : “બેટા ભોજ! ભાણેજ જેઠસૂર! જીવતા હશું તો સાત વાર સુદામડું ઘેર કરશું. ભીંત હેઠ ભીંસાઈ નથી મરવું. ભાગો, ઝટ ભાગો!” માણસૂર ખવડનો દીકરો ભોજ તો ખાબકી પડ્યો. ઘોડીએ ચડી ગયો, પણ જેઠસૂર ચારણની સામે જોઈ રહ્યો. ચારણે કહ્યું : “બાપ ઘેરે નથી ને તું સુદામડું છોડીશ? અને ‘સમે માથે સુદામડું’ શું ભૂલી ગયો? આજ લગી ગરાસ ખાવો ગળ્યો લાગ્યો, ને રક્ષા કરવા ટાણે તું તારા મામા માણસૂરની ઘોડીએ ચડી જીવ બચાવીશ, જેઠસૂર!”


સૂદલગઢ સૂનો કરે, (જો) જેઠો ભાગ્યો જાય,
(તો) એભલ ચાંપો આજ, લાજે લાખણશિયાઉત!

[હે લાખા કરપડાના દીકરા જેઠા, જો સુદામડું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા, તો કાઠી કોમના વીર ચાંપરાજ વાળા અને એભલ વાળાના [1] નામને કલંક ચડે.] ચારણની આંખો લાલચટક બની ગઈ. કોઠો હલમલી ઊઠ્યો. દેવીપુત્રનું મુખ દીપી રહ્યું. એ દેખીને જેઠસૂરે કહ્યું : “મામા, બસ, થઈ રહ્યું. હવે મારે પગે તો બેડી પડી ગઈ. તમને જીવ વહાલો છે, તો ભોજાને લઈને ભાગવા મંડો.” માણસૂર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો. ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો. એનાં ગીતો-છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો. પણ તોય હજુ જેઠસૂર કોઠેથી નીચે ઊતરતો નથી. સેજકપુરના ભાગદાર વોળદાન ખવડે વાડીએ કોસ હાંકતાં હાંકતાં સુદામડાનો તરઘાયો ઢોલ સાંભળ્યો; બળદની રાશ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ-તરવાર ઉપાડી કોઠાની બારીએ સાદ કર્યો : “જેઠા, સોનબાઈ માતાની કૂખની કીર્તિ કરતાંય આજ જીવતર વહાલું થઈ પડ્યું કે? આમ તો જો, આ તરવાર લઈને કોણ નીકળ્યું છે?” જ્યાં જેઠસૂર નીચે બજારમાં નજર કરે, ત્યાં તો એની માતા સોનબાઈ! જગદમ્બા ઉઘાડે માથે ખડગ લઈને બજારમાં આવી ઊભી છે. “માડી! એ માડી! મોડો મોડો તોય આવું છું, હો!” એવી હાક દેતો જેઠસૂર ઊતર્યો. બીજા પંદર-વીસ કાઠીઓ ઊતર્યા. મોખરે ચાલી ભવાની કાઠિયાણી મા આઈ સોનબાઈ. મધચોકમાં મુકાબલો થયો. એક બાજુ પંદર-વીસ કાઠી ને બીજી બાજુ બસો પીંઢારા. પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું. પીંઢારાના સાઠ માણસો કાઠીના ઝાટકા ખાઈને પડ્યા. ઠેઠ આથમણે ઝાંપે પીંઢારાને તગડી ગયા. પણ ત્યાં તો જેઠસૂર અને વોળદાન, બેય જણા ઘામાં વેતરાઈ ગયા. જાણે મૉતને પડકારો કર્યો હોય કે ‘જરાક ઊભું રહે, ઝાંપો વળોટવા દે!’ એવી રીતે એ બેય જણા પાળને ઝાંપા બહાર કાઢ્યા પછી જ પડ્યા. પીંઢારા ચાલ્યા ગયા; ગામ લૂંટાયું નહિ; પણ સોનબાઈની કાયા ઉપર પાંચ ઘા પડી ચૂક્યા હતા. જેઠો અને વોળદાન આઘે પડ્યા પડ્યા ડંકતા હતા, તે બેયનાં માથાં પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા મંડ્યાં. રાત હતી. શત્રુઓ ક્યાં સંતાઈ રહ્યા છે તેની કોઈને જાણ નહોતી. ખોળામાં બે જુવાનોનાં માથાં ટેકવીને આઈ સમાધિમાં બેઠાં હતાં. એમાં ઓચિંતાના એ ઝૂંપડીને ચોયદિશ આગના ભડકા વીંટળાઈ વળ્યા. કાંટાના ગળિયા ખડકીને આગ ચેતાવનાર પીંઢારા હતા. પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈએ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા. ત્રણેય જીવતા જીવ સુદામડાને પાદર ‘સમે માથે સુદામડા’ને ખાતર સળગી ભડથું થઈ ગયા. એ ત્રણેયની ખાંભીઓ આજે આથમણે ઝાંપે ઊભેલી છે.


2. ફકીરો કરપડો

સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું; એનો વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખો ખાચર હતો એમ બોલાય૰ છે. ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા. ફકીરા કરપડાની અવસ્થા પાકી હતી. એના હાથમાં હવે તો તરવાર ધ્રૂજતી હતી. પણ લાખો ખાચર ઉબરડાનો ગરાસ ભોગવે, તે પહેલાં તો મારે મરી ખૂટવું, એવી એની પ્રતિજ્ઞા હતી. બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એણે ઉબરડાની ગાદી પર બેસાડ્યો. એનું નામ વેળો ખાચર. એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી. મૂળુ ખાચર અને લાખો ખાચર ઉબરડે ચડી આવ્યા. કરપડાની બાઈઓને હરણ કરી છોબારી ગામે ઉપાડી ગયા. પણ મૂળુ ખાચર પવિત્ર હતા. બાઈઓને એમણે બહેનો કરીને રાખી. મૂળુ ખાચર નહોતા ત્યારે કરપડાઓ પણ ધ્રાંગધ્રા રાજની મદદ લઈને છોબારી આવ્યા. આવીને પોતાની બાઈઓને હાથ કરી. માણસો ફકીરાને કહે : “મૂળુ ખાચરનાં ઘરનાંને લઈને આપણે આપણું વેર વાળીએ.” ફકીરાએ જવાબ દીધો : “બાપ! વહુનાં આણાં હોય પણ કાંઈ માનાં આણાં હોય? મૂળુ ખાચરના ઘરમાં આઈ છે, તે આપણી મા કહેવાય.” ભાઈઓને ઘેર પહોંચાડ્યા પછી ફકીરો કરપડો રાજસાહેબનાં માણસો સાથે ભટકતો હતો. મચ્છુ નદીને કિનારે એ બધા ચાલતા હતા. ત્યાં તો સામે કાંઠે ખાચર ભાઈઓનું કટક ઊભેલું દેખ્યું. દેખીને ફકીરાએ પોતાનાં અને રાજસાહેબનાં તમામ માણસોને પાછાં વાળી દીધાં. “બીજા સહુ બચે એટલા માટે હું એકલો આખા કટકને રોકીશ. મને મારવામાં બધા રોકાઈ જશે. હું હવે જિંદગી જીવી ચૂક્યો છું; મને મરવા દ્યો, તમે આપણા ધણીને સંભાળો”, એમ કહીને એણે પોતાના વંશના જુવાનોને ઉબરડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે કાંઠે એણે ઘોડી દોડાવી. વચ્ચે ઓરિયાનો બાંધેલ ઊંચો ધોરિયો આવ્યો, તે વટાવ્યો. પણ બીજે જ ડગલે એક ભગદાળું આવ્યું; તેમાં પડતાં ઘોડીનો પગ ભાંગ્યો. બચવાની બારી રહી નહિ, કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે. તરવાર કાઢીને ફકીરો એકલો ઊભો રહ્યો. સામે કાંઠેથી એ એકલવાયા સ્વામીભક્ત વીરને મૂળુ ખાચર ધારી ધારીને નિહાળી રહ્યા. ફકીરાની ધોળી ધોળી દાઢીમૂછ પવનના ઝપાટામાં ફરકતી હતી; આથમતા સૂરજનાં કિરણ એની તરવાર ઉપર રાસ રમતાં હતાં; નદીનાં પાણી એ બુઢ્ઢા મોઢા ઉપર ઝળાંઝળાં થતાં હતાં; અને ફકીરો પડકારતો હતો : “હાલ્યા આવો, મૂળુ ખાચર, હાલ્યા આવો.” મૂળુ ખાચરે પોતાની ફોજને કહ્યું : “ખબરદાર, એની ઉપર બંદૂક છોડશો મા. ઊભા ઊભા એનાં દર્શન કરો. આવું રૂપ ફરી કે’દી દેખવાના હતા! વાહ વીર, વાહ! રંગ છે તારી જનેતાને.” પણ એવું દર્શન કરવા માટે લાખા ખાચરની પાસે આંખો નહોતી. એની નજરમાં તો ઉબરડાની કાળી કાળી રસાળી જમીન રમતી હતી. એણે પોતાના માણસને ઇશારો કર્યો, ગોળી છૂટી : હ મ મ મ : ફકીરો ઢળી પડ્યો. જખમમાંથી ખળળળ ખળળળ લોહીનો ધોરિયો છૂટ્યો છે, ફકીરાના શ્વાસ તૂટવા મંડ્યા છે. પણ છેલ્લી ઘડીએ એ શું કરતો હતો? પોતાની પછેડીની ફાંટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતો. સામે કાંઠેથી સ્વર આવ્યો : “ફકીરા કરપડા! મરતી વખતે ચાળો ઊપડ્યો કે શું?” આ કાંઠેથી જવાબ ઊઠ્યો : “ના, બાપ! આ તો મારા ધણીની ધરતીને મરતો મરતોય બાંધી જાઉં છું. ત્યાં જઈને કહીશ કે મારા ધણી! મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, દીધી નથી.”

  1. આ બે પુરુષોની કથાઓ માટે જુઓ વાર્તાઓ ‘વાળાની હરણપૂજા’ અને ‘ચાંપરાજ વાળો.’