કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨. લા-પરવા!

Revision as of 06:08, 8 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. સૌન્દર્યનું ગાણું| }} <poem> કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં. કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર, કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર. આવે ને જાય એના વેડવા શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. સૌન્દર્યનું ગાણું


કોક દિન ઈદ અને કોક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેડવા શા બોજા!
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રુદે હસે રંગ નહીં દૂજા,
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થીર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી.
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ અને આવો તમે રોજા.
(તરણાં, પૃ. ૭૩)