સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/ઘોડી અને ઘોડેસવાર

Revision as of 09:23, 9 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘોડી અને ઘોડેસવાર|}} <poem> ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા. </poem> {{Poem2Open}} '''[એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઘોડી અને ઘોડેસવાર

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા.

[એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જાતા હશે? જવાબ મળે છે કે બીજે ક્યાં જાય? — બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે.]

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,
સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

[પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘોડો, કોઈ શૂરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેયનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.]

ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર.

[ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય; પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મૉત આવે — મરવું તો એક જ વાર છે ને!]

*

મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય... વગેરેની વાતો નીકળી. એક જણે ડૂંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું : “એ બાપ! જે ઘડીએ જાતવંત ઘોડાંને માથે એવા જ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો!” એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા. “કાં બા , હસો કાં? મોટા અસવાર દેખાઓ છો!” “અસવાર હું તો નથી, પણ એવો એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે!” “ત્યારે, બા, કહો ને એ વાત! પણ વાતમાં મોણ ન ઘાલજો! જોયું હોય એવું જ કહી દેખાડજો.” ખોંખારો મારીને ચરણે પોતાનું ગળું ઠીક કરી લીધું. પછી એણે ડાયરાને કહ્યું: “બા, જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે. પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઈને લાડ લડાવ્યા વગર તો નહિ રહેવાય.” હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી : વધુ નહિ, પચીસેક વરસ વીત્યાં હશે. સોરઠમાં ઈતરિયા ગામે સૂથો ધાધલ નામનો એક કાઠી રહેતો હતો. પચીસેક વરસની અવસ્થા. ઘરનો સુખી આદમી, એટલે અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે હિલોળા લ્યે છે. પરણ્યાં એકાદ-બે વરસ થયાં હશે. કાઠિયાણીનો ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયાં છે. દીકરો અવતર્યો છે. બે મહિના સુવાવડ પહેલાંના, અને બે મહિના સુવાવડ પછીના — એમ ચાર-ચાર મહિનાનો વિજોગ થયો. એની વેદના તો આપા સૂથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે? એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇંદ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ-જમીનનાં વારણાં લેવા માંડી. સાત-સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં. પછી તો, વાદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજાં ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી, કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંઠે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વિજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા મંડ્યાં. પોતાની સાંકળ (ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા ‘કેહૂ...ક! કેહૂ...ક!’ શબ્દે ગેહેકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ ‘ઢેકૂક!...ઢેકૂક!’ કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી. આપા સૂથાએ આભમાં નીરખ્યા જ કર્યું. એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સૂથો સસરાને ગામ મેંકડે રવાના થયા. મેંકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય! એ પોપટનો છૂટકારો એકદમ તો શી રીતે થાય? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો : દિવસ અને રાત આભ ઇંદ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢો જેવાં પરનાળાં ખોરડાંનાં નેવાંમાંથી મંડાઈ ગયાં. એ પાણીની ધારો નહોતી વરસતી, પણ આપાને મન તો ઇંદ્ર મહારાજની બરછીઓ વરસતી હતી! સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ ઓઢણાનો છેડોયે નજરે ન પડે! એમ ત્રણ દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે “મારે તો આજે જ તેડીને જાવું છે.” સાસુ કહે : “અરે બાપ! આ અનરાધાર મે’ મંડાણો છે... એમાં ક્યાં જાશો?” “ગમે ત્યાં — દરિયામાં! મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખોટી થાય છે.” આપાને શાની વાવણી ખોટી થાતી હતી! — હૈયાની વાવણી! ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું : “આપા! તમને ખબર છે? આડી શેત્રુંજી પડી છે. આજ ત્રણ-ત્રણ દિવસ થયાં શેત્રુંજીનાં પાણી ઊતરતાં નથી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું છે અને તમે શી રીતે શેત્રુંજી ઊતરશો?” “ત્યાં વળી થાય તે ખરું, પણ આંહીંથી તો નીકળ્યે જ છૂટકો છે.” “ઠીક, આજનો દિવસ જાળવો. આંહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મે’ વરસતો હોય તોપણ મારા છ બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ.” તે દિવસ આપો રોકાણા, બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. માથું ઓળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં. મેંકડા અને ઇતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર, શેત્રુંજી નદી ગાંડીતૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે. ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઈને બેઠી હતી. હુંય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યાં — જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યાં હોય! જોગમાયાના સમ : શું એ રૂપ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત! આપા સૂથાએ ત્રાપાવાળાને પૂછ્યું : “સામે કાંઠે લઈ જશો?” કોળીઓ બોલ્યા : “દરબાર, આમાં ઊતરાય એમ નથી. જુઓ ને — બેય કાંઠે આટલાં માણસો બેઠાં છે!” “પાણી ક્યારે ઊતરશે?” “કાંઈ કહેવાય નહિ.” ગાડાવાળા પટેલે આપાને કહ્યું : “આપા! હવે ખાતરી થઈ? હજીય માની જાવ તો ગાડું પાછું વાળું.” “હવે પાછાં વળીએ તો ફુઈ [સાસુ] ત્રણ તસુ ભરીને નાક કાપી લ્યે! પાછાં તો વળી રિયાં, પટેલ!” આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં — એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. “કોઈ રીતે સામે પાર ઉતારશો?” “કેટલાં જણ છો?” લાલચુ ત્રાપાવાળાઓએ હિંમત કરી. “એક બાઈ ને એક બચ્ચું. બોલો, શું લેશો?” “રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ.” “સોળના કાકા!” કહી આપાએ કમરેથી વાંસળી છોડીને ‘ખડિંગ...ખડિંગ’ કરતા સોળ રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી : “ઊતરો હેઠાં.” કાઠિયાણી નીચે ઊતરી. બે મહિનાનું બાળક બે હાથે હૈયાસરસું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ! જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થાતી જાય. કસુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું. કાળાં કાળાં વાદળાંનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બે આંખો : અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી : હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું : માથે લીલાં લીલાં છૂંદણાં : બંસીધારી કા’ન અને ગોપીનાં એ મોરાં : અને હેમની દીવીમાં પાંચ-પાંચ જ્યોત સળગતી હોય તેવી, ડાબા-જમણા હાથની પાંચ-પાંચ આંગળીઓ : મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાંય બોલી ઊઠ્યાં : “આપા, ગજબ કાં કરો? આવું માણસ ફરી નહિ મળે, હો! આવું કેસૂડાના જેવું બાળક કરમાઈ જાશે. આપા, પસ્તાશો; પોક મૂકીને રોશો.” “જે થાય તે ખરી, ભાઈઓ! તમારે કાંઈ ન બોલવું.” આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો. કાઠિયાણીને કહ્યું : “બેસી જાઓ.” જરાયે અચકાયા વિના, કાંઈયે પૂછપરછ કર્યા વિના, ‘જે માતા!’ કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાંઠી વાળી ખોળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. ચાર તૂંબડાં, અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો! મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને બે તરિયા એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં — એવા અડગ વિશ્વાસથી એ ઊભો હતો. માણકીને તો એણે આવાં કેટલાંયે પૂર ઊતરાવ્યાં હતાં. અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા-ન છબ્યા પગે એ ઊભી છે. ત્રાપો શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક નદીની લીલા નિહાળીને ઘુઘવાટા દેતું ઊછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું, ત્યાં તો મધવહેણમાં પહોંચ્યાં. “ભૂંડી થઈ!” એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો. “ગજબ થયો!” બેય કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો. આશરે એક સો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી; વાંભ એક લાંબો, કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં ઊડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઊગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો; બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સૂપડા જેવી ફેણ માંડીને ‘ફૂં...’ અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી! એ ન થડકી. એનાં નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણાં છે. એના મુખમાંથી ‘જે મા!...જે મા!’ના જાપ ઊપડ્યા. “આપા, ગજબ કર્યો!” માણસો એકીશ્વાસે બોલી ઊઠ્યા. આપા તો એકધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું. રાંઢવા ઉપર શરીર લાંબું કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી : “એ જુવાનો! સામા કાંઠા સુધી રાંઢવું ન છોડજો, હો! સો રૂપિયા આપીશ.” ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા : આ શી તાજુબી! સો રૂપિયા બીજા! પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેંતનું છેટું! ‘વૉય બાપ!’ ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું; ‘ઢબ - ઢબ - ઢબાક!’ ઢબતા ઢબતા બેય જણા કાંઠે નીકળી ગયા. રાંઢવું છૂટ્યું, અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી...ઘરરર! ઘરરર! ત્રાપો તણાયો. ‘એ ગયો... એ ગયો... કેર કર્યો આપા! — કેર કર્યો’ એવી રીડિયારમણ બેય કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો, બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી — એના બાળક ઉપર છે; અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. ‘જે જગદમ્બા’નો મૃત્યુજાપ જપાતો જાય છે. આપો જુએ છે કે કાઠિયાણી ચાલી! એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાનો સંસાર કલ્પી લીધો, અને —

ડુંગર ઉપર દવ બળે, ખન-ખન ઝરે અંગાર,
જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.
અને —
કંથા પહેલી કામની, સાંયા, મ માર્યે,
રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.

— એવા એવા ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળુ ક્યાં હતું? કાઠીએ માણકીની વાગ ઉતારીને કાઠાની મૂંડકી સાથે ભરાવી. મોરડોય ઉતારી લીધો, ઊગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી. ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. મણિકા-મણિકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહોંચી. આ બધું વીજળીને વેગે બન્યું. “બાપ માણકી! મારી લાજ રાખજે!” કહીને ઘોડીના પડખામાં એડી લગાવી. શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી. ‘ધુબ્બાંગ’ દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી. ચારેય પગ લાંબા કરીને એ પાણીમાં શેલારો દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી, એટલો જ ભાગ દેખાતો હતો. માણકી ગઈ. બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપો સરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉઘાડી તરવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતાં જ આપાએ તરવાર વાઈ : ‘ડુફ’ દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું. પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું. ‘રંગ આપા! વાહ આપા!’ નદીને બેય કાંઠેથી લોકોએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડછંદા બોલ્યા. ચારે દિશામાં રાક્ષસ જેવા લોઢ ઊછળી રહ્યા છે : કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે : મા-દીકરાનાં મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તો આરો અર્ધો ગાઉ આઘો રહી ગયેલો; સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહિ. સન્મુખ નજર કરે ત્યાં તો નદીના ભેડા માથોડું-માથોડું ઊંચા! કેવી રીતે બહાર નીકળવું? “બાપ માણકી! બેટા માણકી!” કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી. “કાઠિયાણી, હવે તારું જીવતર રાંઢવામાં છે, માટે બરાબર ઝાલજે.” કાઠીએ કહ્યું. કાઠિયાણીએ બાળકને પલાંઠીમાં દબાવ્યો : બે હાથે રાંઢવું ઝાલ્યું. રાંઢવાનો છેડો આપાએ કાઠાની મૂંડકીમાં ભરાવ્યો. માણકી કાંઠા પાસે પહોંચી; એના પગ માટી ઉપર ઠેરાણા “કાઠિયાણી! ઝાલજે બરાબર!” કહીને આપાએ માણકીના પડખામાં પાટુ નાખી. ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું-માથોડું ભેડા ઉપર છલંગ મારી... પણ ભેડા પલળેલા હતા. માટીનું એક ગાડા જેવડું ગાંદળું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ, એ બાળક અને માતા સોતો, પાછો પછડાણો. મા-દીકરો મૂંઝાઈને પાછાં શુદ્ધિમાં આવ્યાં. “બાપ માણકી!” કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી. ભૂતાવળ જેવાં મોજાં જાણે ભોગ લેવા દોડ્યાં આવ્યાં. ત્રીજી વખત જ્યારે માણકી પડી, ત્યારે કાઠિયાણી બોલી : “કાઠી, બસ! હવે ત્રાપો મેલી દ્યો! તમારો જીવ બચાવી લ્યો. કાયા હેમખેમ હશે તો બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે. હવે દાખડો કરો મા.” “બોલ મા! — એવું વસમું બોલીશ મા! નીકળીએ તો ચારેય જીવ સાથે નીકળશું; નીકર ચારેય જણાં જળસમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે — કાં ઈતરિયાને ઓરડે, ને કાં સમદરના પાતાળમાં.” “માણકી! બાપ! આંહીં અંતરિયાળ રાખીશ કે શું?” કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. ‘રંગ આપા! રંગ ઘોડી!’ એમ કિકિયારી કરતાં માણસો ટોળે વળ્યાં. આપા માણકીને પવન નાખવા મંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી : એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા. માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યો હતો તે ઉતારીને સૂથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો. ‘બાપ માણકી! મા માણકી!’ — એવા સાદ પાડી પાડીને આપાએ આકાશને રોવરાવ્યું. ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીનાં નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યાં જતાં હતાં. એંશી વરસનો થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં બાર-બાર તો જાતવંત ઘોડાં હતાં : પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો. ‘રંગ ઘોડી — ઝાઝા રંગ!’ એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા. [ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલાં બાળક-માતા ત્રણ-ત્રણ વાર શી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી, એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેલાડ્યે (પાછળ) બેસાડી લઈ પરાક્રમ કર્યું હશે.]