સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/કલોજી લૂણસરિયો
ગોંડળના કોઠા ઉપર ‘ધ્રુસાંગ! ધ્રુસાંગ! ધ્રુસાંગ!’ એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને ‘ઘોડાં! ઘોડાં! ઘોડાં!’ પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે, અને ચોપદારને પૂછે છે : “ભાઈ, શું છે? શેનો ઢોલ વગડે છે?” “કલાજીભાઈ!” ચોપદાર ચાલતો ચાલતો કહેતો ગયો : “કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે ચડશો મા.” “કાં?” “બાપુએ ના પાડી છે : હજી તમારી ચાકરી નોંધાણી નથી.” “એમ તે કાંઈ હોય! રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે.” એટલું કહીને કલાજી નામના અસવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી. લૂણસર નામે વાંકાનેરનું એક ભાયાતી ગામ છે. ત્યાંનો ગરાસિયો કલોજી પોતાના ભાઈઓને લઈને ગોંડળ ભા’ કુંભાની પાસે નોકરી કરવા આવ્યો હતો. ત્રીસ વરસની અવસ્થા હતી. આજ સવારથી એની ચાકરી નોંધવાની હતી, પણ મળસકામાં જ હાદો ખુમાણ નામે કુંડલાનો કાઠી પોતાનાં દોઢસો ઘોડાં લઈને ગોંડળની સીમમાં ત્રાટક્યો અને એણે પહરમાંથી પરબારાં ઢોર વાળ્યાં. ભા’ કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે - ન નીકળે ત્યાં તો કલોજી પોતાના બે રજપૂતોની સાથે ચડી નીકળ્યો. દોઢસો કાઠીઓએ પોતાની પાછળ ડાબલા ગાજતા સાંભળ્યા, પણ પાછળ નજર કરતાં ત્રણ જ અસવારો દેખ્યા. કંડોલિયાને પાદર કલાજીએ ઘોડાં ભેળાં કરી દીધાં. આપાઓ એકબીજાને કહેવા માંડ્યા કે ‘એ બા, ઈ તો, ભણેં વષ્ટિ કરવા આવતા સૅં, વષ્ટિ કરવા.’ સહુને વિશ્વાસ બેઠો. ત્યાં તો રજપૂતો આંબી ગયા. “આપાઓ! આમાં હાદો ખુમાણ કોને કહીએ?” “એ, ભણેં, મોઢા આગળ હાલ્યા જાવ — મોઢા આગળ એ... ઓલ્યા બાવળા ઘોડાનો અસવાર : માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો : સોનાની કુંડળ્યે ભાલો અને સોનાની કૂબે ઢાલ : ઈ જ આપો હાદો. ભણેં, બા, મારગ દ્યો, મારગ! રજપૂતના દીકરા વષ્ટિ કરવા આવતા સૅં, મારગ દ્યો.” પોણોસો-પોણોસો ઘોડાં નોખાં પડી ગયા. વચ્ચે થઈને ત્રણ રજપૂતો આગળ વધ્યા. જે ઘડીએ આ ત્રણેય ઘોડેસવાર હાદા ખુમાણની નજીક ગયા, તે ઘડીએ હાદા ખુમાણે જુવાનોની આંખ પારખી : એ આંખમાં વષ્ટિ નહોતી, વેર હતું. હાદા ખુમાણે ઘોડો દાબ્યો. કલોજી વાંસે થયો; પણ કલોજી આંબે નહિ. એણે પોતાની ઘોડીના તરિંગમાં બરછી ભરાવી. ઘોડી જાગી ગઈ. હાદા ખુમાણની સાથે ભેટંભેટા કરાવી દીધા. કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેંગડામાં ઊભા થઈ એણે તરવાર ઝીંકી. હાદો ખુમાણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો, પણ તરવારે ઘોડાની ઉપરનો ચોફાળ, ઓછાડ અને કાઠાંનાં પાઠાં : એ બધું કાપીને ઘોડાના બે કટકા કરી નાખ્યા — નોખા નોખા બે કટકા! હાદો ખુમાણ કૂદીને આઘો ઊભો. જ્યાં નજર કરે ત્યાં ઘોડો તો ગુડાઈ ગયો દીઠો, પણ કલાજીની આંખનાં બેય રત્નો બહાર લબડી પડેલાં જોયાં. ‘વાહ જુવાન! રંગ જુવાન!’ એવા ભલકારા દેતા દેતા હાદા ખુમાણ પોતાનો તરફાળ લઈને કલાજીને પવન ઢોળવા લાગ્યા. ત્યાં દોઢસો કાઠીઓ આંબી ગયા. કાઠીઓ કહેવા લાગ્યા કે “ભણેં, આપા હાદા, ઈને ગુડુ નાખ્ય, ગુડુ નાખ્ય. દુશ્મનને આવાં લાડ કાણા સાટુ લડાવતો સૅ?” હાદો ખુમાણ બોલ્યા કે “ખબરદાર, એને કોઈ હાથ અડાડશો મા. દોઢસો કાઠીની વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારો ગાડા જેવો ઘોડો વાઢી નાખ્યો, એને મારવાનો હોય નહિ. આમ જુઓ નિમકહલાલી : આંખનાં બે રતન બહાર નીકળી પડ્યાં છે.” કાઠીઓ જોઈને દિંગ થઈ ગયા. ત્યાં ગોંડળની વાર દેખાણી. ભાલાં ‘સમ વરળક! સમ વરળક’ કરતાં ઝબૂક્યાં. કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા. પણ ત્યારથી આજ સુધીયે, ખુમાણોના ડાયરામાં કસુંબા લેવાય છે ત્યારે ત્યારે ડાહ્યા કાઠીઓ ‘રંગ છે કલા લૂણસરિયાને!’ એમ કહીને કસુંબા લે છે. ગોંડળ દરબારે કોઈ હકીમની પાસે કલાજીની આંખો ચડાવરાવી, અને મોટી જાગીર આપીને એની ચાકરી નોંધી.
ધંધુકા ગામમાં તે વખતે મીરાં અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે. બેય ભાઈઓ કાઠિયાવાડમાં ઘોડાં ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી ધીંગાણાં કરે. મીરાં અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના શૂરાઓ તરીકે પ્રખ્યાત છે. એક દિવસ મીરાંને ખબર પડી કે કલોજી લૂણસરિયો ધંધુકાને પાદર થઈને જાય છે. મીરાંએ સાદ કર્યો કે “અરે, કલોજી ધંધુકાને પાદરેથી પરબારા જાય? દોડો, એને પાછો વાળો.” નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો. એ બોલ્યો કે “ભાઈ, કલોજી તે એવો કયો હેતનો કટકો, કે ઊલટો તું એને બોલાવવા માણસ દોડાવછ?” “દાદા, એ શૂરવીર છે; એને રામ રામ કર્યે પાપ ટળે.” કલોજી આવ્યો. મીરાંજી એને બથમાં ઘાલીને મળ્યા. પણ દાદાએ મોંએથી આવકાર પણ ન દીધો. કલોજીની બહુ સરભરા થવા માંડી, એ દેખીને દાદાને વસમું લાગ્યું. કલોજીને અપમાન લાગે તેવાં વેણ દાદાએ કાઢ્યાં. મીરાં બોલ્યો કે “દાદા, આજ એ આપણો મહેમાન છે, નીકર આંહીં જ તને એના બળનું પારખું થાત. પણ તારા મનમાં ખુમારી રહી જાતી હોય તો એક વાર લૂણસર જાજે.” કલોજી હસીને બોલ્યો : “હાં હાં, મીરાંજીભાઈ! દાદો તો બાળક કહેવાય. મારા મનમાં એનો કાંઈ ધોખો નથી. અને દાદા, તું ખુશીથી લૂણસર આવજે! હુંય મારા ગજા પ્રમાણે પાણીનો કળશો લઈને પાદર ઊભો રહીશ.” કલોજી લૂણસર ગયો, પણ દાદાથી ન રહેવાયું. એને તો લૂણસર જોવું હતું. એક દિવસ પોતાના સવારો લઈને બેય ભાઈ ચાલી નીકળ્યા. લૂણસરને પાદર ઊભા રહીને કલાજીને ખબર આપ્યા કે દાદો ધીંગાણા માટે આવીને વાટ જુએ છે. કલાજીની આંખો દુઃખતી હતી. આંખોમાં ભરણ આંજીને એ સૂતો હતો. આંખો ધોઈને એક કાટેલી તરવાર સોતો એ સામાન પણ નાખ્યા વિના ઘોડી ઉપર ચડ્યો; પાદરે આવીને આઘેથી બોલ્યો : “મીરાં-દાદા, રામરામ! બહુ સારું કર્યું! ભલે આવ્યા!” મીરાંએ દાદાને કહ્યું : “ભાઈ, કલાજીનું પાણી તારે એકલાને જ જોવું છે : મારે એની સાથે વેર નથી અને આ બિચારા ઘોડેસવારો તો પેટ સારુ આવ્યા છે. માટે અમે ઊભા ઊભા જોશું, ને તમે બે સામસામા બાટકો. કાં તો અમે તને દફન કરીને જાશું, ને કાં એને બાળીને જાશું.” બેય જણા વચ્ચે ધીંગાણું ચાલ્યું. કલો કહે : “દાદા, પહેલો ઘા તારો.” “લે ત્યારે, પહેલો ઘા સવા લાખનો...” કહીને દાદાએ ભાલું ઝીંક્યું. કલાજીની ઘોડી ગોઠણભેર બેસી ગઈ : ઉપર થઈને ભાલું ખાલી ગયું. “દાદા, એમ ન હોય : જો આમ ઘા કરાય.” એમ બોલીને કલાજીએ કાટેલ તરવાર લઈને ઘોડીને દાબી, દાદાને માથે જનોઈવઢ ઘા કર્યો : દાદો પડ્યો. મીરાં એના અસવારોને કહે : “ભાઈયું! કલાજીના હાથ તો જોયા ને? હવે એનું હૈયું જોવું હોય તો હાલો ભાગી નીકળો!” અસવારોને લઈને મીરાં ભાગ્યો. કલાજીએ વિચાર્યું : “હાય હાય, એનો સગો ભાઈ એને મૂકીને ભાગ્યો! પણ, દાદા, ફિકર નહિ; હુંય તારો ભાઈ છું,” એમ કહી, દાદાને ઘોડી પર નાખી, રજપૂત પોતાને ઘેર લઈ ગયો. માને કહ્યું કે “માડી, પેટનો દીકરો માનીને આ દાદાની ચાકરી કરજો.” બે મહિના દાદાને પડદે નાખીને સુવાણ થયા પછી, કલોજી ધંધુકે મૂકી આવ્યો. મીરાં કહે : “કાં દાદા, કલાજીને ઓળખ્યો?” દાદો દાંત ભીંસીને બોલ્યો : “ઓળખ્યો, પણ એક વાર એના લૂણસરને માથે ગધેડાંનાં હળ હાંકીને મીઠાં વવરાવું તો જ હું દાદો!”
અમાસની અંધારી ઘોર અધરાત ભાંગી ગઈ હતી. મોટું ભળકડું થવા આવ્યું હતું. તે વખતે ગોંડળને દરવાજે બ્રાહ્મણે આવીને સાદ પાડ્યો કે “ભાઈ દરવાણી! ઝટ દરવાજો ઉઘાડ.” “દરવાજો અત્યારે ન ઊઘડે; કૂંચિયું કલાજીભાઈને ઘેર રહે છે.” દરવાને જવાબ દીધો. “મારે કલાજીભાઈનું જ કામ છે. એને માથે આફત તોળાઈ રહી છે. ભાઈ દરવાણી! મારા ધણીને ઝટ ખબર દે.” કલાજીને ઘેરથી દરવાજાની કૂંચીઓ આવી. બ્રાહ્મણને કલાજીની પાસે લઈ ગયા. ઓળખીને કલોજી બોલી ઊઠ્યો : “ઓહો, ગામોટ! તમે અટાણે ક્યાંથી? લૂણસરમાં સહુ ખુશીમાં છે?” “બાપુ, કાલ સવારે લૂણસર હશે કે નહિ હોય. આજ બપોરે અહીંથી ત્રીસ ગાઉ ઉપર મને એક કટક ભેટ્યું. આંબરડીથી હાદો ખુમાણ, અને ધંધુકેથી મીરાં-દાદો : સાથે સાડા ત્રણસો ઘોડેસવાર : કહ્યું કે ‘લૂણસર ઉપર કાલે સવારે મીઠાં વાવશું.’ સાંભળીને મેં ગોંડળનો રસ્તો લીધો. તમારે પુણ્યે જ મારા પગમાં જોર આવ્યું. આથી વહેલું તો પહોંચાય તેમ નહોતું; મરતો મરતો પહોંચ્યો છું.” આકાશમાં મીટ માંડીને કલોજી વખત માપવા મંડ્યો. સવાર આડો ઝાઝો વખત નહોતો રહ્યો. લૂણસર ત્રીસ ગાઉ આઘે હતું, સવાર પડશે ત્યાં પોતાની જનમભોમકા ઉપર શાં શાં વીતકો વીતશે! બે રજપૂતાણીઓ અને બાર વરસની નાની દીકરીની કેવી દશા થઈ હશે! વિચાર કરીને કલોજી ધ્રૂજી ઊઠ્યો. પોતાના ભાણેજને બોલાવીને એણે ભલામણ કરી : “બાપ, આજ સવારે ભા’ કુંભાને કસુંબાનાં નોતરાં દીધાં છે; પણ હું સવાર સુધી રહું તો તો મારે કસુંબાને સાટે ઝેરની તાંસળી પીવી પડે. તું દરબારને કસુંબો પાઈને પછી ચડી નીકળજે. ભા’ કુંભાને મારી વાત કહેજે. ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે.” એટલું કહીને કલોજી એકલો ઘોડી ઉપર ચડ્યો. ઘોડીની ગરદન ઉપર હાથ થાબડીને કહ્યું : “બાપ, તાજણ! આજ સુધી મારી આબરૂ તેં જ રાખી છે, માટે આજ છેલ્લી ઘડીએ મારું મોત બગાડતી નહિ, હો! આપણું લૂણસર લૂંટાય છે, બેટા!” લૂણસરના સીમાડા ઉપર સૂરજ મહારાજનો ઝળહળાટ કરતો મુગટ દેખાયો તે વખતે શ્યામ મોઢાં લઈને વસ્તીનાં લોકો પાદરમાં ઊભાં હતાં. વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડ્યા પડ્યા ડંકતા હતા. પડખે લોહીનાં પાટોડાં ભર્યાં હતાં. થોડાક લોકોએ એકસામટી ચીસ પાડી : “એ...એ કલોજી બાપુ આવે.” કોઈ કહે : “અરે, ગાંડા થાઓ મા! ક્યાં ગોંડળ, ને ક્યાં લૂણસર! અત્યારે કલોજી બાપુ કેવા?” “અરે, ન હોય શું? આ એનો જ ભાલો ઝબકે. આ તાજણ બીજાની ન હોય. નક્કી કલોજી બાપુના રુદિયામાં રામના દૂત કહી આવ્યા.” “અરરર! કલોજી બાપુને મોઢું શું બતાવશું?” એમ બોલીને ઘાયલ પડેલા જુવાનો પડખું ફર્યા, અને સદાને માટે આંખો મીંચી ગયા. કલોજી આવ્યો : જાણે સીમાડેથી સૂરજ આવ્યો. આખી રાતના ઉજાગરાથી આંખો રાતીઘૂમ થયેલી : મોઢાના દેવાંગી નૂર ઉપર હાલારની માટીના થર જામી ગયેલા : ઘોડીના મોંમાંથી ફીણ ચાલ્યાં જાય છે. “બાપુ, જરાક જ મોડું થયું.” માણસો બોલ્યા. કલાજીના મોંમાંથી નિસાસો નીકળ્યો — જાણે એનો જીવ નીકળ્યો. “પણ બાપુ, કાંઈ લૂંટાણું નથી, હો!” કોઈએ દિલાસો દીધો. “સાચું, બાપુ! કાંઈ નથી લૂંટાણું — ફક્ત આબરૂ!” “દરબારગઢમાં કોઈ જીવતું છે?” “એક પંખીડું પણ નથી ઊડ્યું.” “શી રીતે?” “દાદો તો ગઢના લબાચા વીંખવા આવ્યો, પણ એના મોટેરા ભાઈ મીરાંજીએ કહ્યું : ‘ખબરદાર! કલાજીની ઘરવાળિયું મારી બોન્યું છે. આજ કલોજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલાં મીરાંને માથે માથું ન રહે’ એમ કહીને એણે પોતાના દોઢસો ઘોડાં નોખાં તારવ્યાં, અને દરબારગઢ ફરતાં ઉઘાડી તરવારે વીંટી દીધાં હતાં, બાપુ!” “એક જ માના બે દીકરા! વાહ મીરાંજી! ભલે ભાંગ્યું લૂણસર — તને ઓળખ્યો!” કલોજી બોલી ઊઠ્યો. કલોજી ઓરડે ગયો. લોકોએ માન્યું કે બાપુના મનની વેદના હેઠી બેસી ગઈ. ઓરડાની ઓસરીની કોર પર રજપૂત બેસી ગયો. બાર વરસની નમણી અને કાલી કાલી બોલી બોલતી દીકરી બહાર આવીને બાપુને નીરખતી નીરખતી ઊભી રહી. પોતાની ઘોડીના હનામાંથી કાંસાની તાંસળી કાઢીને કલાજીએ દીકરીને કહ્યું : “બેટા, આ તાંસળીમાં ગોરસ લાવજે.” દહીં આવ્યું : અંદર મૂઠી ભરીને સાકર નાખી : સાકર ને દહીં ઘોળીને કલોજી પોતે પી ગયો. બીજી તાંસળી કાઢી : એમાં અફીણ વાટ્યું : દીકરીની પાસે રોટલો માગ્યો : રોટલાનાં બટકાંમાં અફીણ ભરી ભરીને તાજણને ખવરાવ્યું. બે ભાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું, એટલે થાકેલી તાજણ પાછી થનગનાટ કરવા લાગી. બાપુના પેટમાં ઠંડક થઈ. પછી એણે દીકરીને કહ્યું : “લે બેટા, હવે મારાં દુખણાં લઈ લે, બાપ!” દીકરીની આંખમાંથી આંસુ વહેતાં થયાં. “રજપૂતાણિયું! બેય જણિયું ઘરમાં શું કરી રહ્યાં છો? આપણું બાળક આમ રોવા બેસે તો સાત પેઢીને ખોટ લાગે, હો! છાની રાખો ગીગીને. સારો જમાઈ ગોતીને પરણાવજો! કરિયાવરમાં કચાશ રાખશો મા! કિરતાર તમારાં રખવાળાં કરશે. લે, બેટા ગીગી, દુખણાં લઈને સારા શુકન દે, કે ઊજળે મોઢે બાપનું મૉત થાય!” દીકરીએ નાના રૂપાળા હાથનાં વારણાં લીધાં : દસેય આંગળીના ટચાકા ફૂટ્યા. બાપુને માથે આંસુનો અભિષેક કર્યો. તાજણનો અસવાર બહાર નીકળ્યો. દુશ્મન કઈ તરફ ગયા તે રસ્તો પૂછીને છાનોમાનો એકલો વહેતો થયો.
ભળકડામાં લૂણસર ભાંગીને હાદા ખુમાણ અને મીરાં-દાદો બેફિકર બની ચાલ્યા જતા હતા. આખી રાતનો ઉજાગરો હોવાથી અસવારો બધા ઝોકાં ખાતા ખાતા ધીરી ગતિએ ઘોડાં હાંક્યે જતા હતા. વચ્ચે રખોપા વિનાના ઊભા મૉલમાં ઘોડાં બાજરાનાં ડૂંડાં કરડતાં હતાં. એને કોઈની બીક નહોતી. “એલા, ભણેં કલોજી!” એક કાઠીએ ઓચિંતી ચીસ પાડી. “કલોજી! કીસેથી! એલા, કલોજી નહિ, આપણો કાળ!” એમ કહીને કાઠીઓ ભાગ્યા. મીરાં-દાદો પણ ઊભા ન રહી શક્યા. વાંસેથી કલાજીનો પડકાર ગાજ્યો કે “માટી થાજો!” રજપૂતની હાકલથી પણ શત્રુઓનું અર્ધું કૌવત હણાઈ ગયું. ભેટંભેટા થઈ. જેને માથે કલાજીની તરવારનો ઘા પડ્યો તે બીજો ન માગે. એમ ઘણાને સુવાડ્યા, અને પોતે પોતાના શરીર ઉપર એંશી-એંશી ઘા ઝીલ્યા. ઘોડી પણ ઘામાં વેતરાઈ ગઈ. કલોજી પડ્યો. ઘોડી એના ઉપર ચારેય પગ પહોળા કરીને ઊભી રહી. પોતાના લોહીના ધારોડામાં તાજણે ધણીને નવરાવી નાખ્યો. ત્યાં તો ‘માટી થાજો! લૂણસર ભાંગનારા, માટી થાજો!’ એવી ગર્જના થઈ. ગોંડળની વહાર ધરતીને ધણધણાવતી આવી પહોંચી. ‘ભાગો! ભણેં, ભાગો!’ કહેતા કાઠીઓ ભાગ્યા. ભાગતાં ભાગતાં ગોંડળની ફોજના એક મોવડીને ઘા કરીને પાડતા ગયા. કલોજી અને એનો ભાણેજ પડ્યા રહ્યા. જેમ વંટોળિયો જાય તેમ બેય કટક ગયાં — આગળ દુશ્મનો ને પાછળ ગોંડળિયા. પચીસ વરસની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો હતો કે ચાળીસ વરસે શંકરને માથે કમળપૂજા ખાવી. આજ મૉતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભરી. આજ એને પાંત્રીસ વરસ થયાં છે. હજી પાંચ વરસની વાર છે. મનમાં આજ વિચાર ઊપડ્યો કે કમળપૂજાની હોંશ હૈયામાં રહી જશે તો અસદ્ગતિ પામીશ. ઊભા થવાની તો તાકાત નહોતી, એટલે ઘોડીનું પેંગડું ઝાલ્યું : ઝાલીને ટિંગાણો : ટિંગાઈને ઊંચો થયો. કાઠાની મૂંડકી સાથે ભંભલી બાંધી હતી. ભંભલીમાંથી પાણી ભોંય ઉપર ઢોળ્યું : પાછો નીચે પછડાણો : હાથ લંબાવીને ધૂળ-પાણી ભેગાં ચોળ્યાં : ગારો કરીને એમાંથી શિવલિંગનો આકાર બનાવ્યો : હાથમાં તરવાર લીધી : પીંછી જમીનમાં ભરાવી : મૂઠ હાથમાં ઝાલી — ને ધાર ઉપર ગળાનો ઘસરકો દીધો. આખુંય માથું ઊતરી ગયું ત્યાં સુધી ભીંસ દીધી. ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું. એટલે લોહીની જાણે જળાધારી વહેવા લાગી. પૂજા મહાદેવને માથે પહોંચી ગઈ : પાંચ વરસ વહેલી પહોંચી.
બેઠો બે વીસાં તણી, જડધર વાટ્યું જોય,
(પણ) કલિયો વેધુ કોય, પાંત્રીસે પોગાડિયું.
[શંકર તો બે વીસું (ચાળીસ) વરસ પૂરાં થવાની વાટ જોઈને બેઠો હતો, પણ કલોજી ચાડીલો — આગ્રહી હતો. એણે તો પાંત્રીસ વરસે જ મહાદેવને પહોંચાડી દીધું.]