સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/વેર

Revision as of 09:38, 9 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વેર|}} {{Poem2Open}} કુંડલાના થડમાં અરઠીલા ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને ક્રાંકચ ગામમાં વેસૂર ગેલવો નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતો. સાળા-બનેવીને હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વેર

કુંડલાના થડમાં અરઠીલા ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને ક્રાંકચ ગામમાં વેસૂર ગેલવો નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતો. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી. એક વાર સોનરા બાટીએ પોતાના સાળાને ગોઠ કરવા બોલાવ્યો. વેસૂર ગેલવાને ચાર વરસનો એક દીકરો હતો. નામ પીઠાશ. પીઠાશે બાપુની સાથે ફુઈને ઘેર જવા હઠ લીધી. બાપે પીઠાશને સાથે લીધો. નાના પીઠાશે પોતાના પાળેલા સસલાનેય સાથે લીધો, કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે ‘હુંયે આવું!’ બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો. ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો. કોઈ બગીચામાં ગોઠ થતી હતી. સસલો કૂણાં કૂણાં તરણાં ચરતો હતો; નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંઈક આડાઅવળા થયા હશે, એટલે પીઠાશના ફુઆની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું. બધા જમ્યા. સાંજરે જુદા પડવાનો સમય થયો, તે વખતે નાના પીઠાશને એનો સસલો સાંભર્યો. એ કહે : “બાપુ, ભાઈ ક્યાં?” બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાંનાં પેટમાં હતો; ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય? પીઠાશે સોનરાને પૂછ્યું : “ફુઆ, ભાઈ ક્યાં?” “ભાઈ વળી કોણ?” “અમારો સસલો.” વેસૂર ગેલવે કહ્યું. “સસલો તો પડ્યો આપણાં પેટમાં!” ફુઆએ વાત સમજાવી. પીઠાશ રડવા લાગ્યો. વેસૂર ગેલવો ગળગળો થઈ ગયો. એણે કહ્યું : “અરે ભૂંડા, પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો! અને એની માટી મને ખવરાવી? બનેવી છો એટલે શું કરું? બીજો હોત તો ભારોભાર લોહી-માંસ વસૂલ કરત.” સાળો-બનેવી ચડભડ્યા. વેસૂર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનેરો બાટી ઘેર ચાલ્યો ગયો. જઈને ઘરવાળીને કહે : “ચારણ્ય, તારા ભાઈને મારીને આવ્યો છું.” “એમાં શું? એ તો મરદના ખેલ છે.” એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું. પછી મોં વાળીને જે વિધિ કરવાની હતી તે કરી.

*

નાનો પીઠાશ ફુઆની બીકથી ભાગીને પોતાની મા સાથે ચિતોડ આવ્યો છે; નાનો મટીને જુવાન બન્યો છે. રાણાના રાજદરબારમાં કવિરાજની પદવી પામ્યો છે. ચિતોડનો રાજદરબાર એની કવિતા ઉપર, મોરલી ઉપર નાગ ડોલે તેમ, ડોલી રહ્યો છે. તે વખતે માની આંખમાંથી દડ દડ પાણી પડતાં જોયાં. “મા, કેમ રોવું આવ્યું?” દીકરે પૂછ્યું. “તને સુખી જોઈને હરખનાં આંસુ આવ્યાં, બાપ!” “ના, માડી! આ આંસુ હરખનાં નથી, સાચું બોલો.” “બસ, બાપ ભૂલી ગયો? સુખ બધું ભુલાવી દે છે.” “શું?” “તારા બાપનું વેર.” રાણીની પાસેથી બે રજપૂત લઈને પીઠાશ કાઠિયાવાડ આવ્યો. અરઠીલા ગામને માથે બરાબર અધરાત, કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી. એના વલોવાતા અંતર સરીખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ ચમક ચમક થતા હતા. સોનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો. બુઢ્ઢો ફુઓ અને બુઢ્ઢી ફુઈ એક જ ઓરડામાં સૂતેલાં. પીઠાશને મનમાં થયું : આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે? અંગૂઠો દાબીને એણે ફુઈને જગાડ્યાં. ચારણીએ ભત્રીજાને જોયો, હાથમાં ખડગ જોયું. ઓળખ્યો. “આવી પહોંચ્યો, બાપ!” જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી; ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી. ચારણ ચકિત થઈ ગયો. “લે, હવે વાટ કોની જુએ છે? લગાવ. એ જ તારા બાપનો મારતલ છે.” ચારણીએ આંગળી ચીંધી. “ફુઈ, તમારો...” “મારો ચૂડલો? ચિંતા નહિ, બાપ!” એક જ ઘાએ પીઠાશે પતાવ્યું. “હવે? તને ખબર છે, બાપ, કે એને માથે કોણ બેઠા છે? હમીર અને નાગાજણ — બે : મારા બે સાવજ! એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે; માટે ભાગવા માંડ.” પીઠાશ ગયો. ચારણી એ ભેંકાર ઓરડામાં, દીવાને ઝાંખે અજવાળે, ધણીનું લોહી-તરબોળ ધડ-માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી. હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાંક્યું, રોવા લાગી. ચારણીનું રોણું તો ઝાડવાંનેય રોવરાવે. સાંભળીને આખો પાડોશ જાગ્યો. ગાયો ભાંભરી. કૂતરાં વિલાપ કરવા મંડ્યાં. રડવું સાંભળતાં તો પડખેના ઓરડામાં સૂતેલા બેય દીકરા — હમીર અને નાગાજણ — દોડ્યા આવ્યા. બે પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગાજણ બોલ્યો : “લે, માડી, હવે સમજાઈ ગયું : હવે ઢોંગ રે’વા દે! હમીર, આ જામેલું લોહી જો. આ કાળો કામો કરનારો નક્કી પીઠાશ. અને બાપને માડીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે! પીઠાશને ભાગવાનો વખત એની ફુઈ વિના બીજું કોણ આપે? રંગ છે, મા!” માએ જવાબ દીધો : “દીકરા, એક દી એનોય બાપ આમ મૂવો’તો, હો! ત્રણ વરસનો એનો બાળકો તે દી ઉજ્જડ વગડે બાપના મડદા ઉપર પડ્યો પડ્યો, ગાય વન્યાના વાછરુની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા, મારા પેટ? બાપ તો સહુના સરખા. અને હવે બળ હોય તો ચિતોડ ક્યાં આઘું છે, મારા બાપ?”

*

રાવળનો વેશ કાઢીને હમીર-નાગાજણ ચિતોડમાં આવ્યા છે. સાથે છે વંશાવળીના ચોપડા અને બીજું રવાજ. પીઠાશના કુળના જ વહીવંચા બનીને આવ્યા છે. પીઠાશની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી બે ભરચક થાળીઓ આવે છે. ‘ભલ્યે પ્રથીનાથ! ભલ્યે અન્નદાતા!’ કરતા કરતા દુશ્મનો મિષ્ટાન્નો જમે છે. એમ કરતાં તો ઘણા દિવસો ગયા. ‘કાલે નામ મંડાવશું’ એમ કાલ કાલ કરતાં પીઠાશ પોતાના આ દેવોને રોકી રાખતો હતો. દેવો રોકાય છે, પણ ચોપડામાં નામ નોંધવા માટે નહિ, વેર લેવાનો લાગ ગોતવા. એ લાગ નથી મળતો. પીઠાશ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે. એકલો ક્યાંય મળતો નથી. એક દિવસ એવો આવી ગયો : રાતનો બીજો પહોર જામતો આવે છે. વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવડ, ખોડલ, બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાશ અને એની જોબનભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વર-વહુ સામસામાં સુખ-કિલ્લોલ કરી રહ્યાં છે. એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે. ઝરૂખો ધણધણે છે. ચારણ પોતાની બધી કવિતા ને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે. સુખ જાણે કે સમાતું નથી! ત્યાં તડ... તડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી. મસ્તી થંભી ગઈ. બન્ને હાથમાં ફક્ત એકેક જ ચૂડી : રાતીચોળ ચૂડી : તે ફૂટી. ચારણી થડકતે હૈયે બોલી : “મારો હાથ અડવો નહિ રાખું. અત્યારે જ ચૂડી લાવી આપો.” “અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી મંગાવું?” ચારણ હાંસીમાં બોલ્યો : “એક રાત હાથ અડવો રહેશે તો મને કાંઈ કોઈ મારી નહિ નાખે!” “ચારણ! ચૂડલીની ઠેકડી ન હોય. લાવી આપો.” “લ્યો, માણસ મોકલું.” “ના; માણસને મણિયારા હોંકારો ન આપે. તમે પોતે જ લઈ આવો.” પીઠાશ ચૂડલી લાવવા ચાલ્યો. બીજાં માણસો સૂઈ ગયેલાં. એકલો જ ચાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા તે બોલ્યા : “અન્નદાતા! અટાણે એકલા? સાથે આવીએ!” “ભલે, દેવ, ચાલો.” બન્નેની ભેટમાં કટારી તો હતી. ત્રણેય જણા ચાલ્યા. એવે ટાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજ્જડ હતો. પીઠાશ પૂછે છે : “જુઓ છો, દેવ, ચૂડી કેવી?’ નાગાજણ જવાબ વાળે છે :