સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/પાદપૂર્તિ

Revision as of 09:46, 9 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાદપૂર્તિ|}} {{Poem2Open}} કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તો રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસુંબાના ઘૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પાદપૂર્તિ

કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તો રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસુંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને ભાવે નહિ. “આજ એ જોગાજીભાઈ કેમ નથી આવ્યા?” “બાપુ!” બારોટે કહ્યું : “જોગાજીએ અન્નજળ મેલ્યાં છે : દેહ પાડી નાખવાની એણે પ્રતિજ્ઞા કરી છે : ગામમાં હાહાકાર બોલી ગયો છે.” “કાં?” “કાલ રાતે જોગાજી રાઠોડને સોણું આવ્યું : જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે : સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે; રાઠોડને હાથી મારવા દોડે છે; પોતે ભૅ ખાઈને ભાગે છે; ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે; ફડકાને લીધે બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે; અને કપાળમાં ધડ દઈને બારસાખ ભટકાય છે; ખોપરી ફાટી જાય છે; અને પોતાનો પ્રાણ નીકળી જાય છે : આટલું સોણું આવીને ઊડી ગયું. રાઠોડની આંખ ઊઘડી. શરીર પર જુએ તો રેબઝેબ પરસેવો નીતરી રહ્યો છે. મનમાં થયું કે હાય! હાય! હું ભાગ્યો! હું રજપૂત ભાગ્યો! મૉતથી ડરીને ભાગ્યો! નક્કી મારા જીવતરને માથે કોક મોટું કલંક આવવાની આ અગમવાણી થઈ; તે પહેલાં તો મરવું ભલું — એમ વિચારીને, બાપુ, જોગાજી રાઠોડે લાંઘણો આદરી છે; માળા લઈને બેસી ગયા છે.” રાજાજી ઊભા થયા. અડડડ! આખી કચેરી ઊભી થઈ. જોગાજીના ઓરડાનાં બંધ બારણાં પર ટકોરા દઈને રાજાજી બોલ્યા : “જોગાજી, આવાં તે વેન હોય? ગાંડા થાઓ મા! એ સ્વપ્નાની વાત!” અંદરથી જવાબ આવ્યો : “બાપુ! રજપૂતનો દીકરો શું સ્વપ્નામાંયે મૉતથી ભડકીને ભાગે? એને વળી સ્વપ્નું શું અને સંસાર શું? નક્કી મારાં માવતરમાં કાંઈક ફેર પડ્યો હશે! હાય! હાય! હું ભાગ્યો!” આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું : “જોગાજી ન ખાય ત્યાં સુધી મારેય અન્નજળ હરામ છે.” જોગાજી મૂંઝાયા : લાખોને પાળનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે! નિસાસો નાખીને એણે સંભળાવ્યું : “એક રીતે પ્રાણ રાખું : દરબારના એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો. પછી હું એકલો એની સામે લડું. એમાંથી જીવું તો દેહ રાખું.” બીજો જ દિવસ નક્કી થયો. નગરનાં નરનારીઓ ઊભી બજારે અટારીઓ ઉપર ચડી ગયાં. હાથી મસ્ત બનીને છૂટ્યો. એની આંખમાંથી જાણે કે અંગારા ઝરે છે. એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી સૂંઢની અંદર એનું તોતિંગ આડસર હિલોળતો હિલોળતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવે છે જોગીદાસ રાઠોડ. ત્રણ-ત્રણ દિવસના ઉપવાસ; શ્વેત વસ્ત્રો; હાથમાં માત્ર એક ઉઘાડી કટારી. એ નિર્જન સૂમસામ બજારમાં સિંહલદ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો, જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ધસ્યો, પણ રાઠોડને તો જાણે કંઈયે ઉતાવળ નથી; મલપતે પગલે, શાંત ચહેરે, રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં ઘાલીને મળવા આવતા હોય તેવી રીતે ચાલ્યા આવે છે. બરાબર ચૉકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી ‘અરરર’ શબ્દ ઊઠ્યો. પછી જાણે કે કોઈના ખોળિયામાં જીવ ન રહ્યા. આરસનાં જાણે પૂતળાં ઊભાં. લોકોએ શું જોયું? — જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો! નીચે પડે તો ભુક્કા થાય! જરાક વાર હતી. કસાયેલો જોગો પડ્યો! પણ ક્યાં પડ્યો? હાથીની પીઠ ઉપર! કેવી રીતે? ઊભો હોય તેવો! પડતાં પડતાં જ હાથીના કુંભસ્થળમાં લાંબી કટારી હુલાવી. એ કટારી તો કુંભસ્થળમાં પેસી ગઈ; સાથે જોગાની ભુજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ. કટારીએ સોંસરવી જઈને બીજી બાજુ મોં કાઢ્યું. હાથી થંભી ગયો. લોકો અવાક! હાથી અવાક! જોગો પણ હાથીની ગરદન પર ઊભો ઊભો અવાક! શું બોલે? લૂખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો. કોઈ અમર વાણી : કોઈ ચિરંજીવી કાવ્ય : કોઈ અક્ષય તસવીર : ચુપાચુપ. ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો : કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ., [જમની દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસ્થળ ભેદી નીકળી. કેવી રીતે નીકળી?] ઝરૂખા ઉપરથી લલકાર કરતો એ જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટ્યો. હવાના અદૃશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એ સ્વર જાણે આઘે આઘે; છેક સામે કિનારે ગરજી ઊઠ્યો; પણ ચરણ એક જ; બીજું ચરણ ક્યાં? દુહો પૂરો કોણ કરે? રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે, ફરી વાર એ બોલે છે : કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ., આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો. જાણે ગગન પોતે જ શબ્દ ઉચ્ચારીને અનાદિ કાળનું સૂનું જીવન સાર્થક કરે છે! પણ બીજું ચરણ ક્યાં? દુહો અધૂરો! અધૂરો! બીજા ચરણની ઝંખના કરતાં રાજાજી ત્રીજી વાર બોલે છે : કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ., એ ઉચ્ચાર શમી ગયો; સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછો વળ્યો; આકાશના ઘુમ્મટમાંથી જાણે પડઘો પડ્યો. આખી મેદની ચીરીને સ્વર નીકળ્યો કે : જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ! [અષાઢની વીજળી જાણે કે કાળા વાદળને વીંધીને નીકળી.] “શાબાશ!” રાજાજીએ ચરણ ઝીલ્યું : “ફરી વાર, ફરી એક વાર” અવાજ જાણે કે ધરતીનાં પડ ભેદીને ફરી વાર આવ્યો : જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ! “ફરી એક વાર, ફરી એક વાર,” આદેશ છૂટ્યા. ત્રીજી વાર એ ગુપ્ત સ્વર ગાજ્યો : જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ! “શાબાશ! શાબાશ!” એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઊતર્યા. એ બોલનારનું કાંડું ઝાલ્યું : “બોલ, બચ્ચા, તું કોણ?” “બાપુ, જોગાજીનો નોકર છું.” “નહિ. તું રજપૂત નહિ, તું સાચું બોલ. હું તને માફ કરીશ, સરપાવ આપીશ.” “બાપુ, ચારણ છું.” “તું ચારણ! મારા સીમાડામાં ચારણજાત જીવી શકે નહિ! તું ક્યાંથી?” “ઠાકોર!” જોગાજી બોલ્યા : “દેવીના દીકરાઓને બ્રાહ્મણોની શિખવણીથી તમે દેશવટો દીધો છે. પણ મારે તો જીવ સાટેનું નીમ છે કે દેવીપુત્રને રોજ મારા ભાણામાં જમાડવો. તમારી ધાકે આ છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો; પણ આજ મારું કપટ ન ચાલ્યું : સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો; જોગમાયા એ અભાગિયાની જીભ ઉપર ચડી બેઠી. એના માથે કાળનું ચક્કર — ” “બાપુ!” ચારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને તાડૂકી ઊઠ્યો : “બાપુ! સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂલ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રીવટના નામ ઉપરથી હું ઓળઘોળ કરું છું. કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી; પણ આજ જો તારા એક ચરણનો સામો પડઘો ન પડે, તો જોગમાયા લાજે. મારું જીવતર તો સાર્થક થઈ ગયું. હવે સુખેથી મારી નાખો.” કોંઢના ઠાકોરે બાહુ પસારીને ચારણને બાથમાં લીધો.