કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૭. બેડાં મૂકીને

Revision as of 02:36, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૭. બેડાં મૂકીને}}<br> <poem> બેડાં મૂકીન તમે બેસજો ઘડીક {{Space}} {{Space}} હું તો સુક્કા સરોવરનો ઘાટ; વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં, {{Space}}{{Space}} {{Space}} મારો ખાલીખમ ઉચાટ. {{Space}} તમને જોયાં ને પાંચ પગલાંની એક વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭. બેડાં મૂકીને


બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
                    હું તો સુક્કા સરોવરનો ઘાટ;
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં,
                             મારો ખાલીખમ ઉચાટ.

          તમને જોયાં ને પાંચ પગલાંની એક વાર
                   હૈયે જડેલ ભાત સાંભરે,
          એક વાર છલછલતા હિલ્લોળે પોંખ્યાનાં
                   કંકુ-ચોખાની વાત સાંભરે;
મને પથ્થરના સમણાના સમ્મ, ફરી જાગે રે
                   તે દીનો ભીનો તલસાટ...
બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
                    હું તો સુક્કા સરોવરનો ઘાટ!

          ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
                    આમ ટળવળતું ટળવળતું જાય!
          ઝાંઝવાંની પરબો રેલાય તોય વાયરાની
                   તરસી વણજાર ના ધરાય!

વાત વાદળ કે કાજળની કરતાં જાજો રે,
વાત સૂરજ કે છૂંદણાંની કરતાં જાજો રે,
                   નકર નૈં ખૂટે નોંધારી વાટ...

વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
                   મારો ખાલીખમ ઉચાટ!

૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૪૭)