સમુડી/નવ

Revision as of 07:28, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવ}} {{Poem2Open}} ગામનું એ તળાવ તો હર્ષદને ઘણીયે વાર સાંભરે. ક્યારેક સૂર્યાસ્ત જોઈને પેલી ટેકરી પરથી પાછા ફરતાં સમુડી ને હર્ષદ થોડીવાર બેસતાં તળાવકાંઠે. નળ ના આવ્યા હોય ત્યારે કપડા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નવ

ગામનું એ તળાવ તો હર્ષદને ઘણીયે વાર સાંભરે. ક્યારેક સૂર્યાસ્ત જોઈને પેલી ટેકરી પરથી પાછા ફરતાં સમુડી ને હર્ષદ થોડીવાર બેસતાં તળાવકાંઠે. નળ ના આવ્યા હોય ત્યારે કપડાં ધોવા સમુડી તળાવે ને કપડાં ધોયા પછી તળાવમાં નાહ્ય. કેવું સરસ તરતી સમુડી! હર્ષદ ગામડામાં રહ્યો તોય એને તરતાં ન આવડયું. સમુડી એને તરતાં શીખવીય દેતી. પણ બાપુજી કહેતા, ‘તળાવના ગંદા પાણીમાં ના નવાય.’ તે થાય શું? તળાવકાંઠે બેસીને હર્ષદ જોયા કરતો… ક્યારેક સમુડી ડૂબકી માર્યા પછી થોડીવાર સુધી ઉપર ન આવે તો હર્ષદ વ્યાકુળ થઈને બૂમ પાડી ઊઠતો – ‘સમુ…!’ ને સમુડી પાણીની ઉપર ઝટ ડોકું કાઢતીક ખિલખિલાટ હસતી! પછી તો હર્ષદને ખાતરી થઈ ગયેલી કે ગમે તેવા પૂરનાં પાણીમાંય સમુડી ના ડૂબે. કેટલી મઝા આવતી તળાવકાંઠે! કોયલ, દૈયડ, કાબર, કાગડા ને… જાતજાતનાં પંખીઓના અવાજો આવતાં હોય… નાનાં નાનાં બતકો ને કલકલિયા તરતાં હોય પાણીમાં… ભેંસો તો પાણીમાંથી બહાર નીકળવાનું નામ જ ન લે! અને પેલો રામલો? મોટા ભાઈની સાથે બળદને નવડાવવા આવ્યો હોય તળાવે. તરતાં હજી બરાબર આવડયું ન હોય… તે બળદનું પૂંછડું પકડીને તરે…! ઊંડા પાણી તરફ બળદ જાય ત્યારે તો પંછેડું બરાબર પકડી રાખી, ડચકારા દઈ દઈને બળદને ઓછા પાણી તરફ વાળે! એ નાનકડા રામલાને બળદનું પૂંછડું પકડીને તરતો જોઈ, પાણીમાં બેય પગ બોળીને કાંઠે બેસેલો હર્ષદ ખડખડાટ હસતો હતો… ત્યાં જ… એના પગને ગલી થઈ! ને જોયું તો…. બાપ રે! પગે કશુંક ચોંટેલું! ગરોળી કરતાં થોડુંક નાનું… એ જોતાં જ ચીસ પાડીને હર્ષદ એને પગ પરથી ઉખાડવા જાય છે તો… એ લાંબું થવા લાગ્યું…! પણ ઊખડે નહીં…! એની ચીસ સાંભળીને દૂ… ર ઊંડા પાણીમાં તરતી સમુડી બેય હાથ ઝટ ઝટ પાણી કાપતી થોડી સેંકડમાં તો આવી પહોંચી હર્ષદ પાસે! ‘અરે!’ આ તો જળોઈ હ!’ હર્ષદના પગે ચોંટેલા નાનકડા જળોને જોતાં જ એ બોલી, ‘ઈમ ઉખાડે આ લોંબી નં લોંબી થયે જાય… પણ વસૂટ નૈં….’ ‘જુઓ,’ જળોના મુખ પાસે એનું થૂંક લગાવતાં સમુ બોલી, ‘આ ઓંમ થૂંક લગાઈએ એકઅષ (એટલે) ફટ દઈને એ વસૂટ… કોં તો પસ જળોઈ ચોંટી હોય ત્યોં મૂતરો એકઅષ (એટલે) વસૂટ…’ હર્ષદને તો ચીતરી ચઢતી હતી. પણ સમુ તો એ જળોને હાથમાં પકડી રાખીને બોલી, ‘ગૂમડું થયું હોય નં નોં મટતું હોય તો ગૂમડા પર જળોઈ ચોંટાડીએ નં તો એ ગૂમડામોંથી બધુંય લોઈ-પરુ ચૂસી લે… પસઅષ ગૂમડું મટી જાય…!’ પછી ચણિયો ઊંચો કરી, ઢીંચણથી થોડે ઉપર થયેલાં ગૂમડા પર જળોનું મોં અડકાડયું… લોહી પરુ ચુસાઈ રહેતાં વળી થૂંક ચોપડીને જળોને ઉખાડીને પછી નાખ્યો પાછો પાણીમાં… અને એ પછી ગૂમડું મટી ગયેલું સમુડીને…! આ જ તળાવકાંઠે, મોડી સાંજે, પેલા થડ પછવાડે ઊભીને એણે નયનાને પ્રથમ ચુંબન કરેલું… નયનાનાં કેટકેટલાં રૂપો કલ્પેલાં હર્ષદે! મહાદેવના મંદિરમાં સોનેરી ટિપકાવાળી રાની કલરની સાડીનો છેડો માથે લઈને ભગવાન પાસે મનોમન કશુંક માગતી નયનાનું રૂપ, સાસુ-સસરાની હાજરીમાં ચહેરો પણ સહજે નમાવી, નીચી નજર ઢાળી દીધેલું શરમ અને મર્યાદાથી ઘેરાયેલું રહસ્યમય રૂપ, થિયેટરના રેશમી અંધકારમાં શરમ સાવ નેવે મૂકી દઈને બમણાં આ-વેગથી ઊછળતા રંગીન ફુવારા જેવું રૂપ, ને પિયરમાં ચણિયો-બુશશર્ટ પહેરીને દોડાદોડ કરતી નયનાનું રૂપ તો જાણે જંગલની રાજકુંવરી બનેલી ચંચળ હરણીનું જ રૂપ… થિયેટરના કામુક અંધકારમાં તો નયનાની શરમ ક્યાં ચાલી જતી એ જ હર્ષદને સમજાતું નહોતું. હર્ષદે તો નયનાનો હાથ હાથમાં લઈને પિક્ચર જોવાનું વિચાર્યું હતું. પણ નયના? – થિયેટરમાં તો એવું થતું હશે? એને સહેજ લાજ-શરમ નહિ હોય? કે પછી યુવાનીનું ઊમટેલું પૂર રોકી નહિ શકાયું હોય? એડવર્ટાઇઝ તતા ન્યૂઝરીલ ચાલતાં હતાં ત્યારે તો થોડીક ઝીણી લાઇટો ય સળગતી હતી. એ ઝીણી લાઇટોના અજવાળાની ય નયનાને શરમ ન આવી? પિક્ચર શરૂ થતાં જ ઝીણી લાઇટોય બંધ થઈ ગઈ. પૂરો અંધકાર છવાઈ ગયો. એ પછી તો – હર્ષદને એવોય વિચાર આવ્યો કે પોતે કેવો ગગા જેવો જ રહ્યો! અને નયના? કોઈ પુરુષે તો નહિ શીખવ્યું હોય નયનાને આવું બધું?! ના, ના, મારે શા માટે શંકા કરવી જોઈએ આવી? કદાચ એણે ક્યાંક વાંચ્યું હોય કે બેનપણી પાસે સાંભળ્યુંય હોય… હશે… જે હોય તે… ધીરે ધીરે નયનાએ ડુબાડી દીધેલો હર્ષદને… છેક કામુક અંધકારના તળિયે! પિક્ચરમાંથી બહાર નીકળ્યાં. હર્ષદને થયું – જો કોઈ પૂછે કે શું હતું પિક્ચરમાં? તો તો જવાબ જ ન આપી શકાય. પણ થિયેટરમાં આવું બધું કરાય? હર્ષદને માત્ર એટલું જ યાદ હતું કે એ ધીરે ધીરે અંધકારમાં ડૂબતો જ ગયો, ઊંડે ને ઊંડે… ઊંડે ને ઊંડે… ચારે તરફ પાણી હિલોળા લેતું… કશુંક રહસ્ય, રોમાંચ અને વિસ્મયનું વજન એને ડુબાડયે જતું હતું… અંધકારના દરિયામાંથી જાણે એક મોજું, બીજાને અફળાતું ને વીજળી ઝબકી જતી નસેનસમાં. ત્યાં અચાનક જ થિયેટરની બધી જ લાઇટો ઝબૂકી. અજવાળું આંખોને વાગ્યું. આંખો અંજાઈ ગઈ. આસપાસ ધુમ્મસ દેખાવા લાગ્યું. જાણે પોતાના આખાયે દેહ પર દરિયાની ખારાશ અને ગંધ ચોંટી હતી. હજીય કશીક ગંધના કોશેટામાં એ પુરાયેલો હતો. આંખો ફરી મીંચી. પટપટાવી. ખોલી તો નયના ખુશખુશાલ હસતી હતી! બોલી – ‘મજા આવી ગઈ ને!’ સાચે જ નયના એટલે ચંચળ હરણી જ. આજે તો નયના થિયેટરમાં હતી… જો એને જંગલમાં લઈ ગયો હોઉં તો?! જંગલ આખંુય ઝૂમી ઊઠે. આ કઈ હરણીની ગંધ આવે છે! – એમ વિચારતાં કંઈ કેટલાંય હરણાં દોડી આવે ને સ્થગિત થઈ જઈને, અદ્ભુત વિસ્મયથી નયનાને જોયા જ કરે… ટગર ટગર… ટગર ટગર… અરણ્યની દેવી પણ ભયભીત બનીને દોડતી આવી ચડે કે કોણ આવ્યું છે આ મારું પ્રતિસ્પર્ધી?! પણ પછીથી હર્ષદને ખૂબ પસ્તાવો થતો કે આમ સાવ કપોલકિલ્પત દુનિયામાં નહોતું રાચવું જોઈતું… એક પગ તો ધરતી પર રાખવો જોઈતો હતો…