મોટીબા/પંદર

Revision as of 14:50, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પંદર}} {{Poem2Open}} લગ્ન પછી અમે સુરેન્દ્રનગર ગયાં ત્યારે મોટીબાય સાથે આવેલાં, અઠવાડિયા માટે, ઘર માંડી આપવા અને પછી પાછાં વિસનગર. એ પછી દિવાળીમાં અમે વિસનગર આવ્યાં ત્યારે મોટીબા રો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પંદર

લગ્ન પછી અમે સુરેન્દ્રનગર ગયાં ત્યારે મોટીબાય સાથે આવેલાં, અઠવાડિયા માટે, ઘર માંડી આપવા અને પછી પાછાં વિસનગર. એ પછી દિવાળીમાં અમે વિસનગર આવ્યાં ત્યારે મોટીબા રોજ રાત્રે ખીલે. કોને કેવી વાતો ગમશે એની નાડ પારખે. મા સાથેનો એમનો વહેવાર સાસુ જેવો પણ રશ્મિ તો જાણે પેટે-જણી દીકરી. રશ્મિને મઝા પડે એવી કંઈ કેટલીય વાતો મોડા સુધી કરે. ઘણીખરી વાતો તો મારા બાળપણની. આમેય, નવી વહુવારુઓને પતિના બાળપણની વાતો ખૂબ ગમે. કહે, ‘યોગેશ નેંનો હતો તારઅ્ અમે ઈંનં લાડમોં બટુક કહેતોં. હું તો ઈંનં છેક હમણોં હુદી બટકો જ કૅ'તી.’ ને રશ્મિનું હસવાનું શરૂ થઈ જાય ખડખડાટ. ‘અત્તાર એ હોટા જેવો સ. પણ નેનો હતો તાર તો બટકો ગોળમટોળ દડા જેવો. મૂઢું તો લાડવા જેવું. પેલા મોટા દડાનં હું કૅ સ બળ્યું? છોકરોં એવા દડાનં ઓંમ લાત માર કોં તો પસ ઓંગળીઓથી ઓંમ ઉછાળ અધ્ધર.’ કહેતાં મોટીબાએ વૉલીબૉલ રમવાની ઍક્શન કરી ને વળી રશ્મિનું ‘વેરઈ ગ્યું...’ ‘હં... વૉલીબૉલ. વૉલીબૉલ જેવો હતો બટકો. હેંડઅ્ તારઅ્ ઈંની બે જોંઘ ઘહાય નં પાછું નવું નવું હેંડત શીખેલો તે બેય પગ પૉળા રાખીનં ડોલતો ડોલતો હેંડઅ્. ભારે રમતિયાળ. રોવાનું ક કકળાટનું નોંમ નંઈ. બાબરી ઉતરાઈ ન'તી તે ઈંના વાળેય ખાસ્સા લોંબા, છેક કૅડો હુદી આવઅ્, જથ્થો વધાર તે ખાસ્સો મોટો અંબોડો વળઅ્ તે સરદારજી જેવો અંબોડો વાળતોં. બા'ર રમવા જાય તે માથામોં બરાબરની ધૂળ ભરી લાવ ને ના'વા જાય એ અગઉથી જ કૅ, માલ નથી નાવું... માલ નથી નાવું... અગઉથી જોંણી જાય ક માથું ધોવાશે નં ઓંખોં બળશે. ઈંની બેન (મારી મા) માથું ધુવઅ્ તો કાકડા ફૂલી જાય એવા ઘોંટા પાડીનં રૂવ પણ હું માથું ધોવું તો લગીરે નોં રડ. માથામોં હાબુ અડાડું એ પૅલા જ હું કઈ દઉં ક બેય હાથે ઓંખો દાબી રાખ નં એ ઈંની નેંની નેંની હથેળીઓથી ઓંખો દાબી દે પસ હું ફટાફટ વાળ ધોઈ નખું પસ બે-ચાર લોટા પોંણી નખીનં બધુંય ફેંણ કાઢી નખું નં પસ કઉં ક અવઅ્ ઓંખો ઉઘાડ. નં તગારામોં બેહવું હોય તો બેહ.’ મોટીબા છીંકણી તાણી, પાલવથી નાક લૂછી વાત આગળ ચલાવે: ‘મોટું તગારું. તગારામોં બેહીનં એ પોંણી ઉછાળ નં આપણનંય પલાળ નં ઝટ બા’ર નેંકળ જ નંઈ તે ઈંની બેન ઈંનં તગારામોં બેહવા નોં દે. પણ હું ઈંનં તગારામોં બેહવાનું કહું એટલ તો એ જોણં રાજગાદી મળી હોય એવો રાજી રાજી થઈ જાય. તરત પોંણી ભરેલા તગારામોં બેહી જાય નં પસ પોંણીમોં બેય હથેળીઓ પછાડતો જાય, પોંણી ચારેકોર ઉછાળતો જાય, ખિલખિલાટ હસતો જાય ન બોલતો જાય —

છબ્ છબા છબ્ છબા છબ્
ધબ્ ધબા ધબ્ છબા છબ્

નં પસ જાતે ન જાતે બોલ–

ગંગામોં નાયો...
જમનામોં નાયો
સરસતીમોં નાયો
તગાલામોં નાયો…

‘ભનુની બદલી સિદ્ધપુર થયેલી નં નવોં નવોં ત્યોં રૅવા ગયેલોં તારની વાત. તારઅ્ બટકો હતો અઢી વરહનો. કારતક પૂરો થવામોં તે ટાઢેય શરૂ થઈ ગયેલી. અનિલાએ બટકાનં નવડાવવા ઈંનોં કપડોં કાઢ્યોં નં કીધું ક બાથરૂમમોં જા, હું આવું છું. પણ અનિલા રહોડામોં કોંક કરવા રઈ નં પસ બાથરૂમમોં ગઈ તો બાથરૂમ ખાલી! ‘બટુક... લ્યા બટુ...ક… ચાલ જલદી, નવડાઈ દઉં... મારઅ્ રસોઈનું મોડું થાય સ...’ ‘અનિલા ઓંમ બૂમો પાડ પણ બટકાનો જવાબ નોં આવ. થયું, તોફૉની સ તે ક્યોંક હંતઈ ગ્યો હશે નં હમણોં ‘આ લયો…’ કરતોક બાર આવી ખિલ ખિલ હસી ઊઠશે. તે અનિલા આખાય ઘરમોં બધેય ફરી વળી. પણ બટકો ઘરમોં હોય તો મળ ક? તે ઈંનં તો ફાળ પડી. હોંફળી ફોંફળી થઈનં કૅ ક બટુક નથી. ‘મીં કહ્યુ બા'ર શેરીમોં જ ક્યોંક હશે. હમણોં જડશે. ચિંતા નોંે કર. પસ તો હું ન ભનું નં અનિલા, તૈણે જણોં બટકાનં હોધવા નેંકળ્યો. શેરીમોં એ ન’તો. બા'ર થોડઅ્ આગળ જઈએ પસ તૈણ રસ્તા પડઅ્. અમે તૈણે જુદે જુદે રસ્તે ઉતાવળોં ઉતાવળોં મોટોં મોટોં ડગ ભરતોં ગયોં. સ તે નદીના રસ્તે ગઈ. ત્યોં મારી નજર પડી. દૂર એક રૂપાળું છોકરું એકલું, ડોલતું ડોલતું હેંડ્યું જાય... મીં ઝડપ વધારી નં બૂમ પાડી— ‘લ્યા બટુક… ઊભો રૅ.. ક્યોં જાય સ?’ તોય બટકો ઊભો નોં રૅ. હૅંડત હૅંડત કૅ ક નદીએ નાવા જઉં છું. એ આગળ નં હું પાછળ. ઝડપ વધારીનં હું પોંચી ઈંની ફાહે. ‘ઓ… તારી માના છોકરા.’ કહી મીં ઈંનં તેડી લીધો. અંગે એકેય કપડું નંઈ નં ઊતરતા કારતકની ટાઢમોં ભઈ ડોલતા ડોલતા જતા'તા નદીએ ના'વા...! ઈનં લઈનં ઘેર આઈ. ભનુ નં અનિલાય પાછોં આયોં. બટકાનં જોયા કેડી બેયના જીવમોં જીવ આયો. અમે વિચારમોં પડ્યોં ક અહીં રૅવા આયે હજી બે જ દા'ડા થયા સ. નદી તો બટકાએ ક્યારેય જોઈ નથી. તો પસ હવારના પૉરમોં નદીએ ના'વા જવાનું ઈનં હૂઝ્યું ક્યોંથી? હા, હું ઈંનં રાતે વારતા કહીને હુવાડું ઈમોં ગંગા ક જમના નદી આવઅ્. ત્યોં જ મનં હોંભર્યું, રાતે બટકો પથારીમોં ગુલોંટિયો ખાતો'તો તાર કોંક વાત નેંકળી નં કીધું ક અંઈ તો સરસતી નદી સ તે સોમવતી અમાસ ક પૂનમ ક વારતૅવારે નદીએ ના'વા જવાશે. તમોં ભઈ હવારના પૉરમોં ઊપડેલા નદીએ. ‘નાહ્યા કેડી માથું ઓળાવતઅ્ ય બટકો કકળાટ કરઅ્. વાળ લાેંબા તે ગૂંચ કાઢત ખેંચાય તે ‘માથું ના ઓલાવું... માથું ના ઓલાવું…’ કહી કાળો કકળાટ કરી મૂકે. અનિલાનં રઘવા બહુ તે એ બટકાનું માથું ઓળાવ તાર આખા મૅલ્લાનં ખબર પડ. હું ઈનું માથું ઓળાવું તો એ એક અક્ષર નોં બોલ. પડોશીઓની છોડીઓ ઈનં રમાડવા લઈ જાય તે ઈના માથામોં માશીઓ (જૂઓ)ય પાર વગરની. જૂઓ કઈડઅ્ એટલઅ્ બેય હાથે માથું ખંજવાળત પાછો કૅય ખરો, બા, બા, અઉલા કઈડ સ. તો કોક વાર જૂઓ ના હોય તોય કૅ, બા, અઉલા કઈડ સ, માથું જોઈ આલો… ‘ભનુની જ્યોં જ્યોં બદલીઓ થઈ ત્યોં ઓછામોં ઓછું એકાદવાર તો બટકો ખોવાયો સ. સિદ્ધપુરમોં જેમ હવારના પૉરમોં હાવ ઉઘાડો નીકળી પડ્યો'તો એમ વિહનગરમોંય ખોવાયેલો. ઊંઝામોંય ખોવાયેલો. નં ભનુ તારનું શીખવા અમદાવાદ રહેલો તાર અમદાવાદમોંય ખોવાયેલો.' રશ્મિને આ બધી વાતો સાંભળવાની ખૂબ મઝા પડે. મોટીબા દરેક ઠેકાણે હું કેવી રીતે ખોવાયો, ક્યારે ખોવાયો, બધાંયના જીવ કેવા ઊંચા થઈ ગયા, કેવી રીતે જડ્યો એની વિગતે વાત કરે. મોટીબા જે ‘પુરાણ’ ખોલે એમાં પછી કોઈ વિગત બાકી ન રહે. અમે કાઠિયાવાડ ફરવા ગયેલા એના ફોટા મોટીબાને બતાવ્યા. બધાંનો નદીમાં ના’તો ફોટો જોઈ એમણે પૂછ્યું, ‘કઈ નદી સ?’ મેં પાટીમાં લખ્યું, ‘ગોમતી, દ્વારકા.’ બસ, પછી નદીપુરાણ શરૂ થયું. મોટીબાનું વતન વાલમ તે શરૂઆત રૂપેણ નદીથી. પછી એમણે જિંદગીમાં જે જે નદીઓ જોઈ, જે જે નદીઓમાં નાહ્યાં એની વાત. પાણી કેવું હતું. કેટલું ઠંડું, કેવું હૂંફાળું… નાહ્યા પછી ટાઢ કેવી ઊડી ગઈ ને શરીર કેવું હલકુંફૂલ થઈ ગયું. ગંગા જેવી નદીમાં અલગ અલગ સ્થળોએ સ્નાન કરેલું તો દરેક સ્થળે ગંગાનું રૂપ કેવું, ગંગા ક્યાં તોફાની, ક્યાંથી શાંત પડે, પહાડો વચ્ચે ગંગા કેવી, મેદાનપ્રદેશમાં કેવી, ક્યાં સુધી એનું પાણી ચોખ્ખું, ગંગાના પૌરાણિક સંદર્ભો, ગંગાના પાણીનો રંગ કેવો, જમુનાના પાણીનો રંગ કેવો, મહાભારત, રામાયણ ને અન્ય પુરાણોમાં કઈ કઈ નદીઓની ને કેવી કેવી વાતો આવે છે, નદીમાં ક્યારે ક્યારે ના'વાથી પુણ્ય મળે, ત્રિવેણીસંગમે દૃશ્ય કેવું, દક્ષિણની જાત્રાએ ગયેલાં ત્યાં ત્રણ દરિયાને ભેગા થતાં જોયેલા એ દૃશ્ય કેવું, ત્રણે દરિયાના પાણીનો રંગ કેવો, કયો દરિયો તોફાની, કયો શાંત વગેરે વાતો ઝીણી ઝીણી અનેક વિગતો સાથે કરે, સાંભળનારને એમની વાતોમાં રસ પડે ને વાતના પ્રવાહમાં એ તણાય એવી રસિક શૈલી; એમની વાતોમાં અનેક કહેવતો, રૂઢિપ્રયોગો ને ક્યાંય કશું વાંચ્યું હોય કે કથામાં સાંભળ્યું હોય એના દાખલાઓ પણ આવતા જાય. તેઓ જાત્રા કરવા ગયેલાં એની વાતો સાંભળીને થાય કે મોટીબા કેવાં તો પ્રકૃતિપ્રેમી છે! એમને ફરવું કેવું તો ગમે છે! યાત્રામાં, પ્રવાસમાં, દેવદર્શનમાં ને પ્રકૃતિમાંથી તેઓ કેવો તો આનંદ લૂંટે છે! પણ એમની ખોપરી ઠેકાણે ન હોય ત્યારે? ‘મારઅ્ અવઅ્ ઘર છોડીનં ક્યોંય જવું નથી.’ એવું મોટીબાએ કહી દીધું. પછી માએ બીતાં બીતાં પૂછ્યું, ‘જો તમે કહો તો અમે LTC લઈને ક્યાંક જઈએ.’ મોટીબાનો છણકો— ‘આખો ઘડીએ LTCમોં હું જવું'તું? નકોંમા પૈસા બગાડવા. ગાડીભાડું સરકાર આલ, પણ હારે બીજો ખરચ કેટલો થાય? અનં ગમે ત્યોં જોવ, જોવાનું શું? પહાડ, પોંદડોં, પોંણી નં પથરા.’ આ વાક્ય સાંભળીને થાય કે અનેક નદીઓનાં અવનવાં રૂપોનું સુંદર વર્ણન કરતાં હતાં એ શું આ જ મોટીબા?!