મોટીબા/ત્રેવીસ

Revision as of 14:54, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રેવીસ}} {{Poem2Open}} ઘરમાં સૌથી નાનું સંતાન તો મા-બાપને ખૂબ વહાલું હોય, લાડકું હોય. જ્યારે કીકા મહેતાની સૌથી નાની દીકરી — શાન્તાની વાત તો સૌથી વધારે કરુણ છે. શાન્તા ખૂબ રૂપાળી ખરી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ત્રેવીસ

ઘરમાં સૌથી નાનું સંતાન તો મા-બાપને ખૂબ વહાલું હોય, લાડકું હોય. જ્યારે કીકા મહેતાની સૌથી નાની દીકરી — શાન્તાની વાત તો સૌથી વધારે કરુણ છે. શાન્તા ખૂબ રૂપાળી ખરી, પણ વિજયા જેવી ઘાટીલી નહિ. મોં તથા રૂપ-રંગ તારાને મળતાં આવે. પણ સ્વભાવ? સ્વભાવ જાણ્યા પછી કોઈ કહે નહિ કે આ તારાની બહેન હશે. એકદમ શાન્ત ને સાવ ઢીલી. આક્રોશનું નામનિશાન નહિ. કંઈ થાય તો માત્ર આંખો દદડે. મોટીબા કહેતાં— ‘શોંતાનં તો બાપડીનં કીકા મહેતાએ છેક દરિયા પાર ભૂજમોં, રણમોં નખેલી...’ મને નવાઈ લાગતી કે ભૂજ ક્યાં દરિયાપાર છે? પણ એ જમાનામાં તો ભૂજ એટલે પરદેશ જેવું! એ જમાનામાં ભૂજ જવા માટે નવલખી બંદર સુધી જવાતું ને ત્યાંથી પછી હોડીમાં બેસીને દરિયાનાં પાણી પાર કરીને જવું પડતું. લગ્ન વખતે શાન્તાની ઉંમરેય માંડ સોળ-સત્તરની ને ભૂજના એ મુરતિયાની ઉંમર હતી પચાસેક. શાન્તા વખતે તો કીકા મહેતાને પોતાના ભાઈને પરણાવવાની મજબૂરી નહોતી. ચાર-ચાર ઘર ને ખાસ્સાં વીઘાં જમીન ને ઢોર-ઢાંખર હોવા છતાંયે માત્ર પૈસા ખાતર, સૌથી નાની ને બધાંયમાં સાવ ઢીલી દીકરીને છેક ભૂજ નાખેલી, થોડાં જ વર્ષો પછી વિધવા થવા માટે! આટલે દૂર જઈને દીકરીની ખબર લેનારુંય કોઈ જ નહિ ને એને પિયર આવવું હોય તોય કોણ જાય એને તેડવા? થાય છે કે પૈસા લઈને વૃદ્ધો સાથે દીકરીઓને પરણાવનાર કીકા મહેતા જેવા કસાઈએ એમનાં બહેનને કેમ જિંદગીભર સારી રીતે રાખ્યાં હશે? કહે છે કે માત્ર દસ-બારની જ વયે પાછાં આવ્યાં હતાં એ પિયરમાં વિધવા થઈને. એમના વરને પ્લેગ ભરખી ગયેલો. કીકા મહેતાનાં છોકરાંઓ એમને ‘ફોઈબા’ના બદલે ‘બેબા’ કહેતાં. ‘બેબા' એટલે બીજાં બા?! કહે છે કે ઘરમાં એમનું જ વર્ચસ્વ હતું. કીકા મહેતાની વહુનું તો કંઈ જ ચાલતું નહિ. દીકરીઓને પૈસા લઈને વૃદ્ધો સાથે વળાવી દીધી ત્યારે એ મા કેટલી દુઃખી થઈ હશે? એ માની તો પાછલી જિંદગી પણ દુઃખમાં જ ગઈ. છોકરાંઓ એમને સારી રીતે રાખતાં નહોતાં. કદાચ એથી જ મોટીબા ગાળો દેતાં હશે એમના ભાઈઓને? બાપુજી ચોથા-પાંચમામાં ભણતા ત્યારે અવસાન થયું હતું ગંગાશંકરનું, મોઢેરા જતાં રસ્તામાં. ત્યારે તારાબાના ભાઈ કરસન મહેતા જ તરત દોડી આવેલા ને ઊભા રહેલા પડખે. કરસન મહેતા શરૂમાં તો નાનકડા બાપુજીને લઈને મોઢેરા જતા ને યજમાનો પાસેથી અનાજ લઈ આવતા. પણ બાપુજીને શરમ આવતી આ રીતે જતાં ને ગોરપદું કરતાં. પછીથી બાપુજી જતા નહિ. એ જમાનામાં ઘણી સ્ત્રીઓ વિધવા થયા પછી પિયર ચાલી જતી. પણ મોટીબા પિયર ગયાં નહિ. મોટીબા પિયર જાય એવાંય નહોતાં ને કદાચ, કીકા મહેતા હંમેશ માટે મોટીબાને રાખે એવાય ક્યાં હતા? જે હોય તે. પણ મોટીબાએ ગમે તેટલું સહન કરીનેય મિજાજભેર એકલાં જ જીવવાનો સંકલ્પ કર્યો. કોઈ આવક વગર નાનાં નાનાં બે છોકરાંઓને મોટાં કરવાં ને આમ એકલાં રહેવું, સાસરિયાં સાથેય છેડો સાવ જ ફાડી નાખવો, કોઈનીયે સસ્તી સહાનુભૂતિનોય સ્વીકાર નહિ કરવો. તે વખતે મોટીબાને પિયર તરફથી કે નાગરો તરફથી કશી મદદ મળી નહોતી અથવા તો કદાચ મોટીબાએ સ્વીકારી ન હોય. બાપુજી મોઢેરા જતા નહિ છતાં પણ દર વરસે મોઢેરાથી કોઈ ને કોઈ પટેલ બધાંય ઘરેથી અનાજ ઉઘરાવીને વિસનગર આવીને આપી જતો. ચૌધરીઓના એક-બે ગામેથી પણ આ રીતે અનાજ આવતું અને મોટીબાની સખત કરકસર ને ચીવટ તે ગાડું ગબડતું. મોટીબા વિધવા થયાં એ પછી શરૂ શરૂમાં તો એમના ભાઈઓ અવારનવાર આવતા ને ખબર પૂછી જતા. પણ પછીથી, કોણ જાણે કેમ, એમનું આવવું ઓછું થઈ ગયું ને છેલ્લે તો, ભાઈઓના અવસાન પછી મોટીબા રોવાય ન જાય એવો સંબંધ જ રહેલો. કદાચ ભાઈઓનાં લગ્ન પછી, ભાભીઓના આવ્યા પછી ભાઈ-બહેનના સંબંધમાં ઓટ આવી હશે?! પણ પ્રહ્લાદ મહેતા તો મર્યા ત્યાં લગી વાંઢા જ રહી ગયેલા! બાપુજી ઘણી વાર કહે છે — ‘હું નાનો હતો ત્યારે વાલમમાં, પૅલાદમામા મને ખભે બેસાડીને, એક હાથમાં લાકડી લઈને, હાકોટા-કિકિયારીઓ કરતા હાથિયા પાછળ દોડતા…’ એ પ્રહ્લાદ મહેતા સાથેય મોટીબાને શું વાંકું પડ્યું હશે?! ભરયુવાનીમાં અહીં મોટીબા વિધવા થયેલાં ને ભૂજમાં શાન્તા. ગામમાંથી કે નાગરી નાતમાંથીયે કોઈએ કેમ રોક્યા નહિ હોય કીકા મહેતાને તારા તથા શાંતાનાં આવાં લગ્ન માટે?! અતિશય કરકસર કરી કરીને, પેટે પાટા બાંધીને મોટીબાએ બાપુજી તથા ફોઈને મોટાં કર્યાં. મૅટ્રિક થઈ ગયા પછી તો બાપુજી ઉમતામાં ચિત્રશિક્ષકની નોકરીએ લાગી ગયા ને મોટીબાએ મોટી ‘હા…શ’ અનુભવી. કવિ-કથાકાર રામચન્દ્ર પટેલ ત્યારે ઉમતામાં બાપુજી પાસે ભણેલા. સવારે બાપુજી ઉમતાની સ્કૂલમાં જતા ને બપોરે વિસનગરની કોલેજમાં ભણતા. ત્યારે કવિશ્રી હસિત બૂચ ત્યાં અધ્યાપક હતા ને બુધસભા ચલાવતા. બાપુજીય ક્યારેક કવિતા-વાર્તા લખતા. પણ ત્યાં જ પોસ્ટઑફિસની નોકરી મળી. બાપુજીને તો અભ્યાસ પૂરો કરવાની ઇચ્છા હતી પણ મોટીબાની સખત ના. ‘લક્ષ્મી ચોંલ્લો કરવા આઈ સ નં મૂઢું ધોવાં જવું સ? પેલી વારતા તો તનં ખબર સ ક લક્ષ્મી બૉમણના ઘેર ચોંલ્લો કરવા આઈ તો બૉમણ કૅ ક ઊભોં જો મા, હું મૂઢું ધોઈ આવું… પણ લક્ષ્મી વૉણિયાના ઘેર ગઈ. વૉણિયો તો ઊઠ્યો એવો આયો નાયા-ધોયા વિનાનો. તોય વૉણિયાએ ઝટ કપાળ ધર્યું. તમોં લક્ષ્મી વૉણિયા ફાહે ગઈ બૉંમણ રયા માગતા ન માગતા…’ આમ બાપુજી પોસ્ટની નોકરીમાં જોતરાયા. બ્રાહ્મણની અટકો પરનું જોડકણુંય મોટીબા ક્યારેક કહેતાં ને બધાંને હસાવતાં —

પૅલા આયા મૅતા, લાડુ કરવા કૅતા
પસ આયા પંડ્યા, લાડુ કરવા મંડ્યા
પસ આયા જોશી, લાડુમોં આંગળી ખોસી
પસ આયા ભટ્ટ, લાડુ કર્યા ચટ્ટ
પસ આયા જૉની, એંઠવાડ લઈ ગ્યા તૉણી
પસ આયા વ્યાસ, વાળ્યું સત્યાનાશ
પસ આયા દવે, શું કરવું હવે?!

આજથી પંદરેક વર્ષ પહેલાં ફોઈની એક દીકરીનાં લગ્ન થયાં ત્યારે મોસાળાનો જે કંઈ વહેવાર કર્યો તેટલા જ વહેવાર માટેનું સોનું અને રોકડ રકમ બાકીની દીકરીઓનાં લગ્ન માટે આગોતરી ફોઈને આપી દીધેલી. ‘વખત સ નં બીજી છોડીઓનાં લગન વખતે હું હોઉં ક નોંયે હોઉં નં વખત સ અનિલા ચઢાવઅ્ નં ભનુ ઓછો વૅવાર કરઅ્ ક કદાચ વૅવાર નોં કરઅ્ તો.. ઈંના કરત મુદ્રિકા, લે તનં અત્તારથી જ આ આપી રાખું.. એટલ પસ ગમે તારઅ્ મારી ઓંખ મેંચઈ જાય ચિંતા નંઈ. અનિલાનં ઈનોં પિયરિયોંનું વધાર સ નં ઈંનં વૅવારમોં કોંય હમજણ પડતી નથી. હાચું કું છું ક ખોટું? કૅ, હેંડ..’ આજથી દસેક વર્ષ પહેલાં એક સાંજે મોટીબા બોલ્યાં, ‘બટકો નં મુન્નાડોય તાકડ ઓંય આયેલા સ. ઈમની વહુઓય હાજર સ. તે ભનુ નં અનિલા, હું કહું એ ધ્યોંનથી હોંભળો…’ ‘મનં કોંય તમારા પર વિશ્વાસ નથી એવું નથી. પણ આ તો કળજગ (કળિયુગ) ચાલ સ.. કળજગ ક્યારઅ્ કનીં મતિ ભ્રષ્ટ કરઅ્ કોંય કૅવાય નંઈ.’ મોટીબા સહેજ અટક્યાં, છીંકણી તાણી, પાલવથી નસકોરાં સાફ કર્યાં. પછી ખોંખારો ખાઈને બોલ્યાં — ‘મારા ગયા કેડી તમે ક્રિયા-કરમ હારી રીતે જ કરશો ઈંની ના નંઈ. મનં તમારા બધોંના પર આસ્થાય સ. પણ જો મારી જીવતક્રિયા ઊજવાય નં બધી ક્રિયા હું મારી ઓંખે જોઉં તો મારી ઓંખ ઠરઅ્ નં મારા જીવનં ટાઢક થાય. વળી બટકાનાં લગન કેડી ઘરમોં કોઈ પ્રસંગેય આયો નથી. તે આ બૉનં બધોં ભેગોં થાય નં આનંદ-કલ્લોલ કરઅ્ નં હું લીલી વાડીનં લૅરાતી જોઉં…’ આટલું બોલ્યા પછી મોટીબાએ વારાફરતી બધાની આંખોમાં ધારીને જોયું. જાણે બધાંયનાં પાણી માપતાં હોય એમ ને પછી બાપુજી સામે જોઈને આગળ બોલવા લાગ્યાં – ‘આપડઅ્ ખરચો કોંય વધાર નથી કરવો. જીવતક્રિયામોં જમણવાર-ફમણવાર નથી કરવો ક ઘણોં લોકો બેહાડ સ ઈમ ‘સપ્તા’ય નથી બેહાડવી.’ આમ કહી આછું મલકાતાં મલકાતાં લગીર ઊતરી ગયેલાં ચશ્માં ઉપર ચઢાવી ફરી મોટીબાએ બધાંની આંખોમાં તાકીને જોયું પછી વાત આગળ ચલાવી — ‘મારઅ્ તો બસ જીવતક્રિયાની વિધિ બરાબર થાય એ જોઈએ. આજકાલ તો ઘણા ગોરને કોંય આવડતું નોં હોય તે અષ્ટમ્‌પષ્ટમ્ બોલીનં વેઠ ઉતાર. મારઅ્ એ કોંમ નોં આવ. રમણભૈ ક પુંડરિકભૈનં બોલાવવાના. બીજા ગૉર મારઅ્ નીં ચાલ નં તારા દાદા કરાવતા ઈંમ વિધિસર બધી ક્રિયા કરાવ. ખાલી મુદ્રિકાના ઘરનોં નં આપડા ઘરનોં, બસ, બીજા કોઈનં તેડાવાની જરૂર નથી. સિવાય ક પસ તમારી જો ઇચ્છા હોય તો બધોંનં તેડાવો નં નાત કરવાનીય જો તમારી ઇચ્છા હોય તો પસઅ્ મારી નાયે નથી. ક નાત માટઅ્ મારો આગ્રહે નથી. પણ આ તો ઈંમ થાય ક બટકાનોં લગન સાદઈથી કર્યો તે કોઈનં આપડઅ્ જમાડ્યો નથી.’ આમ કહી વળી મોટીબા બધાંની આંખો વાંચવા લાગ્યાં. બાપુજીના બદલે મેં ઇશારાથી કહ્યું, ‘નાત-બાત નથી કરવી.’ ‘હૌથી હારું તાર… ખોટો ખરચો હું કરવો'તો? તો ભનુ, તું રમણભૈ ક પુંડરીકભૈ ગૉરનં ત્યોં જીયાય નં કૅ’જે ક બાની જીવતક્રિયા કરવાની સ તે કયો કયો મૂરત આવ સ આ મઈનામોં? નં પસઅ્ દા'ડો નક્કી કર નં મુદ્રિકાનં કાગળ લખી દે ક રોકાવાય ઈંમ આવ. મારઅ્ તો બસ, બધી વિધિ બરાબર થાય એટલ પત્યું. નં મારા જીવતેજીવ મુદ્રિકાનં સજ્યાય આલી દઉં એટલ પસ મારૉં આ જનમનોં બધોંય કોંમ પૂરો.’ પછી ગૉરને બોલાવીને વિધિવત્ મોટીબાની જીવતક્રિયા ઊજવી ને એમની ઇચ્છા પ્રમાણે ફોઈને સજ્યા પણ આપી. જીવતક્રિયા વખતે મોટીબા એટલાં બધાં રાજી હતાં કે ન પૂછો વાત. આટલી ઉંમરેય એમનામાં શેર શેર લોહી ચઢતું સ્પષ્ટ જોઈ શકાય. જીવતક્રિયા વખતે જાણે એમની જુવાની પાછી આવી હોય એમ હોંશે હોંશે ઘરમાં આમથી તેમ ફરતાં ને બધાંને સૂચનાઓ આપતાં – ‘ગૉરે લખાયો’તો એ બધોયે પૂજાપો આઈ ગ્યો? એકે ચીજ બાકી રહી જશે એ નીં ચાલઅ્. નં આજકાલ છોકરોંનં લાડવા નથી ભાવતા તે ભોંણીઓનં ન છોકરોનં જે ખાવું હોય એ કરજો ક બા’રથી મગાવજો. ફરસોંણમોંય કોંક કરજો નં રાયતું, કચુંબર, સલાડ, પાપડથી મોંડીનં મુખવાસ હુદી – કશી કમીં નોં રૅ, છોકરોનં પોંન ખાવું હોય તો પસ પોંનેય મગાવજો. નં મુખવાસના ડબામોંય હોપારી, ધોંણાની દાળ, વરિયાળી, ઇલાયચી, લવિંગ નં શેકેલો અજમો નં ઈમોં ભેળવેલા શેકેલા તલ નં બધું જ હોવું જોઈઅ.’ થાય કે, મોટીબાની ભીતરના કયા લાવા તળેના, કયા પાતાળમાંથી તળ ફોડીને ઊભરાતું-છલકાતું હશે આ જીવનરસનું અમૃત?!

આટલી મોટી ઉંમરમાં મોટીબાએ મોત પણ અનેક સ્વજનોનાં જોયાં છે. ‘મારી હારેનોં બધોંય ઉપર પોંચી ગ્યોં, એક હું જ બાકી રઈ ગઈ છું. મારાથી નેંનો નં ઘણો તો હાવ નેંનો નેંનોંય જતો ર્‌યો…’ કહી કાચી કુમળી વયે મરણ પામેલાઓને યાદ કરીને મોટીબા પહાડ જેવડો નિસાસો નાખે… સાવ નાની ઉંમરમાં પતિનું મોત નિહાળ્યા પછી અન્ય સ્વજનોનાં મરણ સહ્ય બનતાં હશે?! પિતાનું મરણ, માતાનું મરણ, કુંવારા ભાઈ પ્રહ્લાદનું મરણ, ભાભીનું મોત, ચિમન મહેતાનું મોત, સૌથી નાની બહેન શાન્તાનું ભરયુવાનીમાં વિધવા થવું, બહેન મૂળીનું વિધવા થવું, ભાઈ કરસન મહેતાના જુવાનજોધ છોકરાનું ક્ષયથી ને વધુ તો દવાના અભાવથી મોત, પડોશમાં રહેતાં શિવગંગાબા જેમને મોટીબા શિવગંગામાશી કહીને બોલાવતાં, ને મોટીબાના શિરે એમની છાયા હતી એમ કહું તોય ચાલે એવાં શિવગંગાબાનું મરણ, નાની બહેન શાન્તાનું મરણ, જેની સાથે સૌથી વધારે બનતું ને જેની સાથે ઓરડામાં બેસીને ઘણી વાર આખીયે રાત વાતો કર્યાં કરતાં એ બહેન વિજયાનું મરણ, શેરીની બધી જ ડોશીઓ જેમની સાથે તેઓ ઓટલે બેસીને મોડા સુધી વાતો કરતાં, તે બધાંયનાં મોત, નીલકંઠ મહાદેવ, હરિજી કે રામજી મંદિરમાં અવારનવાર મળતી ને નાત આખીયની કૂથલી કરતી તે બધીયે ગામની ડોશીઓનાં મોત, મોટીબાને ખૂબ વહાલી એવી ફોઈની મોટી દીકરી – કકુડીનું કાચી-કુમળી-કુંવારી વયમાં જ મરણ, એંસી ટકા દાઝી ગયેલા મુન્નાનુંય ત્રણ-ત્રણ મહિના મોતના મુખમાં રહેવું... દાઝી જવાથી મુન્નાની વહુનું મોત... આટઆટલાં આઘાત પર આઘાત પર આઘાત સહી સહીને શું મોટીબા રીઢાં થઈ ગયાં હશે? કે માત્ર બહારથી જ હશે કાચબાની પીઠ જેવાં?! કે ધીરે ધીરે દુઃખથી થતાં ગયાં હશે પર?