આત્માની માતૃભાષા/43.

Revision as of 05:36, 15 November 2022 by MeghaBhavsar (talk | contribs)
નિમંત્રણ’ વિશે

વિનોદ અધ્વર્યુ

નિમંત્રણ

[આ કૃતિનું મૂળ ‘મહાપરિનિબ્બાન સુતાન્ત’(૨.૯૬)ના વૃત્તાન્તમાં છે. ‘અને આમ્રપાલીની રથ લિચ્છવી યુવકોના રથ સામે ચાલ્યો. ધરીથી ધરી પૈડાંથી પૈડાં, ધૂંસરીથી ધૂંસરી ઘસાવા લાગ્યાં. ગણિકા આમ્રપાલીને લિચ્છવીઓ કહેવા લાગ્યાઃ ‘આમ્રપાલી, શું છે તે અમારી સામે તું આ રીતે હંકારી જાય છે?’ ‘મહાજનો, તથાગતને અને ભિક્ષુઓને કાલના ભોજન માટે નિમંત્રણ આપીને આ ચાલી આવું છું.’ એણે કહ્યું. ‘આમ્રપાલી, આ નિમંત્રણ એક લક્ષ લઈને અમને આપી દે.’ તેમણે કહ્યું, ‘મહાજનો, વૈશાલી અને એને તાબેનો બધો પ્રદેશ મને તમે આપો તોપણ આવું માનભર્યું નિમંત્રણ તમને ન આપી દઉં.’ પછી લિચ્છવીઓએ હાથ ઉછાળ્યા અને બોલ્યાઃ ‘આ બાઈ ફાવી ગઈ – આપણને ટપી ગઈ’ અને તે આમ્રપાલીની આમ્રકુંજ પ્રતિ આગળ વધ્યા.’ લિચ્છવીઓએ પોતાના ગણરાજ્યને મુશ્કેલી ન આવે એ ખાતર કોઈ એક નગરજન જોડે રૂપવતી આમ્રપાલી (આંબાની રખેવાળ છોકરી) લગ્નથી ન જોડાય પણ આખા ગણની ગણિકા થઈને રહે એવો ઠરાવ કરેલો. તે ઠરાવ પણ પાછો ખેંચી લઈને આમ્રપાલીને મુક્તિ આપવા તેઓ તૈયાર થાય છે. કશાથી તે માનતી નથી. કહે છે કે પોતાને ત્યાં બુદ્ધ ભગવાને આવવાનું સ્વીકારયું છે. એ પ્રસંગ જતો ન કરવામાં એનો આશય વર્તમાન અને ભવિષ્યને એ વસ્તુ પ્રતીત કરાવવાનો છે કે માણસ ગમે તેટલો પતિત હોય પણ ભગવાનને એને ત્યાં જવામાં બાધ નથી અને આ પરમ આશાભર્યું આશ્વાસક સત્ય સ્થાપવા, નહિ કે કોઈ અભિમાનથી, પોતે એ નિમંત્રણને વળગી રહેવા માગે છે.]


પહેલો : અરે જરી સમાલ!
બીજો : ભાળ જરી!
ત્રીજો : અશ્વપગ જો ખડ્યો
પડ્યો ઊઠળી વેગથી રથ!
સુદક્ષઃ ધરી ધરીથી ઘસી
ચલાવ રથ શીદ? માર્ગ અહીં આ પડ્યો મોકળો. પડી ઊછળી જાત બાઈ.
ત્રીજોઃ બસ ચૂપ કર! કોડીનો
વિવાદ કરશે શું ચાકર અમો સહુ શ્રેષ્ઠી-શું?... નથી શું મુક માંહી જીભ? ક્યમ શાન્ત, ભદ્રે, તમે?
જરી રથ ચલાવનાર કંઈ દક્ષ રાખ્યાં કરો!
આમ્રપાલીઃ સુદક્ષ મુજ એહ સારથિ, મને ન કૈં સંશય,
પડી જ નહિ તો હતે ઊછળી ભોંય હું ક્યારની! દીઠા, સહુ તમો ધસંત અતિ વેગથી ક્યાંક; ક્યાં
નમસ્કૃતિથી રોકું હું – કરી હું મૌન બેઠી!...અહો સુપર્ણ, પૃથુ, પૂર્ણ, મેઘબલ, પદ્મ, મેધાતિથિ,
વિલાસ, રસદાસ, ઊર્મિલ, મયંક, મેઘધ્વનિ, – સમગ્ર પુરયૌવનપ્રવહ આજ આ સામટો
વહી અહીં રહ્યો! નથી સમરભેરિ વાગી સુણી, નથી કહીં બજ્યો પડો. રિપુય કોણ વૈશાલીને
અધન્ય ક્રમવા ચહે, નગર જે પરે આશિષો તથાગત તણી સદૈવ વરસે? કહો, જૂથ આ
ચઢ્યું કઈ દિશે?
પહેલોઃ તથાગત અહીં પધાર્યા સુણી
જતા સહુય દર્શને.
આમ્રપાલીઃ બહુ પ્રગાઢ ધર્મિષ્ઠતા
દીસે કંઈ ખીલી ઊઠી, રથ ઉછાળીને માહરો, કરી જ અહીં માર્ગ માંહી વધ એક નારી તણો
પહોંચત તમે દયાનિધિ તણાં શુચિ દર્શને!
બીજોઃ હસે તું? ખસ! માર્ગ છોડ! અહ અશ્વ ભડક્યો મુજ!
ત્રીજોઃ સમાલ!
બીજોઃ રથચક્ર આ કડક તૂટ્યું! તારા થયા
કીહં શકુન?
પહેલોઃ સ્વર્ણ ઘડી અમારી ચાલી જતીઃ
નભે સરીત સન્ધિકા, રજનિ આવશે ઊતરી; તથાગત તણું નિમંત્રણ રહી જશે કાલનું,
મહાનગર પાધરે પ્રભુ રહે શું ભિક્ષા વિના?
આમ્રપાલીઃ સચિન્ત બસ એ જ કાજ? રથ, ભદ્ર, તૂટ્યો તવ
ભલે, તું રથ બેસ આવી પડખે અહીં માહરે. લઈ જઈશ હું તને નગરમાં! રહ્યું ના હવે
પ્રયોજન જવાનું બુદ્ધ પ્રભુ પાસ; છે ક્યારનું નિમંત્રણ દઈ દીધું, સરલ છે જ સ્વીકાર્યુંયે.







ભદ્રઃ અહો પ્રિય સુલક્ષણે, અજબ આમ્રપાલી, સદા કરે નગરકાર્ય તું અગમચેતીથી! નાક તું અહો નગરનું! ચલો, સુભટ સૌય પાછા ગૃહે, તથાગત પધારશે નગરશ્રેષ્ઠીને મંદિરે. આમ્રપાલીઃ તથાગત પધારશે ગૃહ નિમંત્રનારી તસે. ભદ્રઃ ગૃહે તવ? તને વળી ગૃહ? વિશાળ વૈશાલીના તું તો ગણસમગ્રની, નગરની તું; જે કૈં તવ બધું નગરનું જ તે, નગરનું ઠર્યું કાલનું નિમંત્રણ દીધેલ તેં. ન ગૃહિણી તું, સર્વપ્રિયે સખિ, ન ગૃહિણી વિના ગૃહ. આમ્રપાલીઃ ન જાણું એ કાંઈ હું તથાગત પધારશે મુજ ગૃહે બસુ એ જાણું હું. ચોથોઃ નિમંત્રણ ન એવીનું પ્રભુ કદીય સ્વીકારશે. ચલો, જઈ નિમંત્રીએ પ્રભુ. આમ્રપાલીઃ અવશ્ય જા શેખર! તને કંઈ ન ભાન કે પ્રભુ અને હુંમાં સામ્ય છેઃ ન ભેદ ગણીએ અમે જરીય, વ્હેલું તે પ્હેલું! ઓ પડ્યો પથ, સુખેથી સૌ જઈ શકો. શેખરઃ હસે ગર્વથી સમગ્ર પુરને? ભદ્રઃ હજીય સમજી, દઈ દે અયે નિમંત્રણ તું તારું એહ અમને, ન થા માનિની. પહેલોઃ પડી ઊછળી હોત ને રથથી, કાશ જાતે ટળી! ત્રીજોઃ ન જો સમજી જાય તો, હજીય ગૈ ન વીતી ઘડી. આમ્રપાલીઃ ભલે સુભટ સૌ કરો ટુક શરીર મારા તણા, પરંતુ નહિઁ વંચના પ્રભુ તણી કરી કો શકો. ન દિવ્ય કરુણાળુ નેત્ર મહીં ધૂળ નાખી શકો. સુભાગી મુજ ઘેર કાલ પ્રભુ કેરી ભિક્ષા હશે, હશે જ અથવા બીજે સુભગ કોઈ ગ્રામે. શેખરઃ અયે! ન ઠીક હઠ ધારવી નગરના મહાશ્રેષ્ઠીઓ અને પ્રબળ લિચ્છવીગણ તણાય રાજન્યથી. એક શ્રેષ્ઠીઃ અમે અહીં છતાં, અફાટ અમ સ્વર્ણરાશિ છતાં, જવું શું પ્રભુને પડે અરર ક્યાંક ભિક્ષાર્થ? જો, નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ર કાર્ષાપણ. આમ્રપાલીઃ અરે નહિ નહીં! ન વાત મુખીત વદો એહવી! શ્રેષ્ઠીઃ આમ્રપાલી, રખે મળ્યું રમતમાં ખુએ મમતમાં! આમ્રપાલીઃ ન રે! શ્રેષ્ઠીઃ શું નહીં? ભલે દઉં છું લક્ષ!... ના? હજીય ના? દઉં લક્ષ બે! નહીં? દઈશ લક્ષ પાંચ... દસ... વીસ...! ગાંડી થઈ? ગણે ન ધનને કંઈ? આમ્રપાલીઃ તૃણ સમું જગત્ જેહના શુચિ ચરણની સમક્ષ, બસ એમની અર્ચના ગુમાવું કટકા લઈ કનકના મૂઠી એક-બે? શેખરઃ અમે નગરના અશેષ અમ હેમરાશિ થકી વધાવ્યું તવ યૌવન, જ્વલત અગ્નિ-શું, જે મહીં થયા સુભટ કૈં પતંગ સમ ભસ્મ, કિંતુ રહ્યો સુવર્ણ-નિધિ તો કને તુજ સુરક્ષિયો, ન તને સુવર્ણગણના હવે! પણ અમે તને અર્પીએ તને મનપસંદ જેહ!... સુભટો, કહો, શ્રેષ્ઠીઓ, શું એવું શકીએ ન જે સહજ આપી દે આપણે, નિમંત્રણ મળે કદી પ્રભુનું/ આમ્રપાલી! ઘટે વિવેક નવ ભૂલવો. વદ મુખેથી, ન તે તને મળ્યું સમજ સદ્ય! ...ના? ...રઝળતી હતી બાળકી; ન તાત, નહિ માત, ભાંડુ નહિ, માત્ર અંગાંગમાં વિલોલરસ રૂપનો તરવરાટ, નેત્રે છટા રહસ્યમય, ને પિકસ્વર સ્ફુરંત કંઠે હતો. જરી ઊઘડતાં જયૌવન, તું વેલ લાવણ્યની વિલોલ લુભવંતી ડોલી રહી; આમ્રની પાલિકા રહી ન, પુરને ઉરે તું રસમાલિકા થૈ ઝૂલી. પ્રતીતિ થઈ આજઃ તું હતી જ કો મહાસર્પિણી. આમ્રપાલીઃ યથેચ્છ અભિનંદજો મુજ નિવાસ આવી મને નિરાંત મનથી, યથેચ્છ અથવા ભલે નિંદજો. સુણી દિવસરાત ચાટુ તમ વાક્ય થાકીય છુંઃ – શિરે ધરી મને નવાજી કહીને સુધાકુંભ, જો હવે જરી ઉતારશો, મુજ પરે કૃપા તો થશે. હતી રઝળતી અનાથ શિશુ આમ્રની પાલિકા; શું એહ મુજનુંય શૈશવ હતું સુનિર્દોષ! ને ભલે રસવિલુબ્ધ મુગ્ધ ભ્રમરોની કાળાશ આ અડી મદીલ યૌવને મઘમઘી ઊઠી કાય પે; પરંતુ પડી જે ઘડી ચરણધૂલિ અર્હંતની અહીં મુજ કલંકિની તણી જ આમ્રકુંજે, ફરી ઉરે સ્ફુરી રહંત શૈશવની એહ નિર્દોષતા; અને પ્રભુ પધારશે મુજ ગૃહે – અહો ઝંખું જ્યાં. ઉરે અદકી વાધતી લહું જ એહ નિર્દોષતા. પાંચમોઃ અહો વિતથ દોષ – દોષ-કથની કશી આજ આ? ખૂંચે તુજ સદોષતા? નથી જ રૂપ કૈં દોષ. ભદ્રઃ એ બધી અમ સદોષતા! સુબટ ઓ, સુણો શ્રેષ્ઠીઓ, અવશ્ય અનુમોદશો વચન ઉચ્ચરું છું જ જેઃ ઊભી તમ સમક્ષ આ રમણી આમ્રપાલી, ન એ સમગ્ર ગણની હવેથી ગણિતા, થતી મુક્ત એ, નિમંત્રણનું મૂલ્ય એ.– અધિક છે ન. ...સ્વીકારશો? ...અવાક ક્યમ સૌ ઊભા, સુભટ શ્રેષ્ઠી? સૌઃ સ્વીકારીએ નિમંત્રણનું મૂલ્ય એ. ભદ્રઃ સુભટ-શ્રેષ્ઠી સ્વીકારતા સહર્ષ તવ મુક્તિ. આજથી સુશીલ, આર્યે, બની; વિવાહ પણ તે તવ પ્રથમ પદ્મ પ્રેમી સહ સુખેથી, સુભગે, શકે કરી તું જો હજીયે ચહે. આમ્રપાલીઃ હવે મળતી મુક્તિ! મુક્ત છું જ, બદ્ધ છો સૌ તમે. સુ શી લ! થઈ શું પતિતા જતી ક્ષણ મહીં જ આર્યાં, અહો? તમે શું સમજો, શું ચીજ અહ શીલ નારી તણું? હુંય ન સમજું, હવે ન સમજીશ વા આ ભવે. હતો સમય, આમ્રકુંજ મુજ મ્હોરી’તી જ્યાહરે વસંતલ સમીરના મધુર યૌવનસ્પર્શથી. ધર્યું હતુંય મ્હેકતું હૃદય પદ્મને કોડથી. હતાં જ મુજનેય શીલસપનાં, હતાં ત્યાહરે. ન પદ્મ, પણ, જીરવી હૃદય એ શક્યો; ના ટક્યો ઘડી પ્રણય એ, ઉપસ્થિત થતાં કસોટી જરી. હરીફ તરુણો – ન માત્ર તરુણો – પુરે એ સમે ચહે પુરુષમાત્ર, વૃદ્ધ પણ, બે પગે ચાલતા તમામઃ ગૃહુણી ન પદ્મ તણી આમ્રપાલી બને. બજ્યો તહીં પડો. ફૂંકાઈ તહીં શેખ ગાજી રહ્યા; મળ્યો ગણ સમગ્ર સંઘગૃહમાં, હતા સર્વના કરો અસિની રત્નમૂઠ પર; ચંડ કોલાહલ મચ્યો, શબદ આમ્ર – આમ્ર – બસ આમ્રપાલી તહીં સુણાય; અરધીક ક્યાંક અસિ દીપ્ત ખેંચાતી, ત્યાં ઊઠી જરઠ એક ધીરસ્વર શાન્ત સૌને કરી વર્દંતઃ ‘ગૃહિણી ન પદ્મ તણી આમ્રપાલી થશે.’ પડ્યો પ્રતિધ્વનિઃ ‘ન પદ્મ તણી આમ્રપાલી થશે.’ ‘કદીય ગૃહિણી ન કોઈ તણી આમ્રપાલી થશે. સમગ્ર ગણની વદૂ સમ બની રહેશે. સદા.’ `તથાસ્તુ!' – કહી સૌ ગયો ગણ તહીં વિખેરાઈ, ને અતૂટ રહ્યું લિચ્છવીગણનું સ્વાસ્થ્ય, વિદ્વેષથી મહીં મહીં ન ફૂટ કૈં પડી, બચી ગયો હા ગણ! ગણ્યું ન તહીં, – શીલ કો તરુણી કેરું રોળાયું છો! બધુંય સહુ જામતા, વીસરીયે ગયા હો કદી! મને વીસર્યું પાલવે? અનુભવું – શું આજે જ હો પ્રભાત મહીં સૌ બન્યું! ન પળમાત્ર ભુલાયું એ. એક વૃદ્ધઃ અરે ક્યમ, સુલક્ષણે, પલટવું બની જે ગયું? સુધાર તુજ હાત બાજી – હજી શેષ જે કૈં રહી. આમ્રપાલીઃ હવે શું કરું પદ્મને? સુભટ વીર સૌ એ દિને હતી હત સમાન સંઘગૃહમાં ઝીલીને શરો સુતીક્ષ્ણ મુજ રૂપયૌવન તણાં, ન એ પદ્મ ત્યાં પરંતુ શરથી, ન ખડ્ગ થકી કો પ્રતિસ્પર્ધીને શક્યો હણી પ્રિયા તણા પ્રણય કાજ, એણે ચણ્યો સ્વદેહ અદકો પ્રિયા-હૃદયથી! કટારી હતી, હતી જ મુજ કેડમાં, પૂંઠળ ઝંપલાવી હુંયે રણે શમત રક્તસ્નાત મૃત પદ્મની સોડમાં. – ન એ અનુભવે રહી ઊલટ આત્મહત્યાનીયે! હશે જ અથવા ગણ્યું ગણનું શ્રેય એણે વડું; ન દોષ ગણું રૂપનોય, શિશુ આમ્રની પાલિકા નિરર્થક હતી, બની કંઈખ રૂપ-જીવી થતાં! બન્યું જ ગણનેય રૂપ યશની પતાકા સમું! મહાજન વિદેશના અતિથિ આમ્રપાલીગૃહે રહ્યા થઈ રસપ્રમત્ત, ગણ લિચ્છવીનો રહ્યો સુરક્ષિત, કુમારીના સકળ કોડ રગદોળીને અડોલ નિરમ્યું તમે ગણનું સવાસ્થ્યમંડાણ આ. વૃદ્ધઃ હવે લઈશ વેર તું બધુંય આજ સંભારીને? ન છેક હઠ આવી ઠીક, ન ઘટે ન ગાંડાં થવું. અમે દઈ દીધું તને જ દેવું જે શક્ય કૈં. નિમંત્રણનું મૂલ્ય લૈ નગરલક્ષ્મી-શી શોભ તું. આમ્રપાલીઃ તમે લઈ લીધું જ જે, દઈ શકો શું પાછું કદી? નથી કંઈ જ એવું જે કઈ મને, પ્રભુને દીધું નિમંત્રણ હવે શકો મુજ કનેથી પામી! બધી સમૃદ્ધિ ગણરાજ્ય શ્રી-ભર વિશાલ વૈશાલીની સમર્પણ કરો, ન તેય ઉર સ્પર્શશે! વૃદ્ધઃ હે શુભે! નિમંત્રણની સાત સાથ તુજ સૌ ક્ષમા પ્રાર્થીએ. કઠોર થઈએ ને આમ, દઈ દે તું સુજ્ઞે! આમ્રપાલીઃ ક્ષમા તથાગત તણી જ પ્રાર્થવી ઘટે! ક્ષમાવારિધિ નિહાળી કરુણાળુ નેત્ર થકી ધોઈ ર્હેશે બધાં ખરે દુરિત આપણાં! સુભટ હે, સુણો, શ્રેષ્ઠી હે, નિમંત્રણ ન સોંપું, ઓછું મન એનું આણો રખે! ન કે હું ઉપકાર સર્વ ગઈ છું ભૂલી રાજ્યના, ન કે ગણું છું મુક્તિમૂલ્ય અતિ તુચ્છ હું, પદ્મને ન કે હજી ન ચાહું હું હૃદયથી, ન કે સ્ત્રીહઠે ભરાઈ અનુકૂળ ના થઈ હું પૂજ્ય વૃદ્ધોયને, ન વા હું તમને દઈ દઉં નિમંત્રણ સ્થાપવા અહમ્ મુજ તમો સહુ ઉપર; કિંતુ એ આજ આ કરું ન અધિકાર હું મુજ જતો, ઉરે એટલી મને ઊલટ કે ન માત્ર અહીં વર્તમાને જ – હા! ભવિષ્ય મહીંયે પરંતુ – સહુને થશે જ્ઞાત આ પ્રસંગ થકી કે ભલે મનુજ હો ગમે તેટલો પડેલ, કરુણાની છાલક પ્રભુની પ્હોંચી જશે. અને ભીંજવશે જ એ પતિતને અને તારશે.