આત્માની માતૃભાષા/56

Revision as of 08:47, 15 November 2022 by MeghaBhavsar (talk | contribs)


દિલ્હીને ‘દિલી અલ્વિદા!’

રવીન્દ્ર પારેખ

અલ્વિદા દિલ્હી
[એપ્રિલ ૧૯૭૬]

અલ્વિદા! દિલ્હીનાં ફૂલો અલ્વિદા!
શિયાળુ બપોરનો હૂંફાળો તડકો પીતાં
સારી દિલ્હીમાં અમે જ બસ અમે છીએ
ફૂલ્યાં ન માતાં,
વેશ, ખુશ્બૂ, લુચ્ચી ચુપકીદી,
— ક્યાંક રંગોની છોળ, રંગોનો શોર;
ગુલાબ જ લોને:
રાતાં, સુનેરી—તડકાથી છલોછલ,
સિંદૂરિયા, મિશ્રરંગી,… કહું?
મને ગમે છે ગુલાબી ગુલાબો.
સલામ સૌનેય તે હમેશાં થઈ ગઈ.
રસ્તાઓને ખેંચતાં, ચોમેર ફેકતાં મધ્યવર્તુળોમાં
ટોળે વળેલાં ઉત્-કંઠ ફૂલોને તરછોડી
દોડી જતાં શુંનું શું થયું?
નજરથી તમને પસવાર્યા વિના, કહો જો,
કદી આગળ વધ્યો છું હું?
દિલ્હીની વિલંબાતી વસન્તની
વિજય ફરફરતી પતાકા, ફૂલો, અલ્વિદા!
અલ્વિદા દિલ્હીનાં વૃક્ષો!
બારી પાસેના શુકવત્સલ બુલ્બુલી સિલ્વર ઓક, અલ્વિદા!
રસ્તાની અદબ રાખી બે બાજુ તોતિંગ હારબંધ ઊભાં વૃક્ષો;
રહેવાતું નહીં, ઉપર બાહુઓ લંબાવી ભેટતાં;
રસ્તાને ભીંસતાં,
રસ્તાના રસ્તાપણાને પીસતાં,
એક હર્યાભર્યા પાંદડાંના મંડપથી મંદિર રચી દેતાં
એકાન્ત શાંતિનું મહાનગરમાં.
કોઈ રોકાય નહીં, ટોકતાં નથી.
કોઈક જ ચાલનાર નીકળે, ઊભાં ઊભાં જુએ છે
રાહ. શાની? ગમે તેમ, પણ…
માનવી નાનો, એને ઊંચાં ઊંચાં વૃક્ષ જોઈએ
ટેકા માટે, નહીં તો એ ગબડી પડે.
દિલ્હી, તારાં વૃક્ષો વિના
દિલ્હીમાં માનવી — દેશને ખૂણે ખૂણેથી ખેંચાતાં માનવી
ગાંડાં થઈ ગયાં હોત.
મધ્યવર્તુળનાં છત્ર સમાં વૃક્ષો
રાજપથ-ફરતાં ઘટાઝૂમતાં વૃક્ષો
લાંબા લાંબા રાજમાર્ગો પર હરિયાળી હથેળી ફેલાવતાં વૃક્ષો
ઊંચાં ઊંચાં એકલવાયાં નિજ-મગ્ન
વૃક્ષો દિલ્હીનાં, અલ્વિદા!
અલ્વિદા સંસદ!
સંસદગૃહ, તારા કૉરિન્થિયન સ્તંભો સમક્ષ
ગમે તેવો માનવ, મહામાનવ, દેવ માનવ
તેય માંડ માનવ જેવડો લાગે.
સમયની ગુહા સમા ગુંબજની નીચે, પરંતુ,
એના સ્વરમાં ક્યારેક ક્યારેક
વૈખરીનાં અવિશ્રાન્ત વારિવલોણાં વચ્ચે
માનવતા-ભીંજ્યો
અમૃતરણકો જાગે.
અલ્વિદા કેન્દ્રીય ખંડ!
અજબ આ ભારતચૉરો…
દેકારા, હોકારા, પડકારા,
આ — તે વાતોના ગબારા,
ખુશખુશાલ અટ્ટહાસ,
ઉપહાસ,
ક્યારેક ઉગ્ર સ્ફોટ…
એક એક આદમી અનેક સમસ્યાઓનું પોટકું.
નાનાં નાનાં ઝૂમખાં, આકાર પામતા ઉકેલ
કે ઊંડી ઊતરતી વાસી વ્યથાઓ?
સાત પ્રવેશે, પાંચ જાય, ભરતીઓટ…ઓટભરતી…
ચરુ ઊકળ્યા કરે.
દીવાલો પર દિવંગત નેતાઓની માણસ-અદકેરી છબીઓ
છે — નથી સમી.
વીજળી પ્રકાશ ચોપડેલી ગાંધી બાપુની આંખો બધું જોયાં કરે.
મારા દેશનું ધન આ,
પ્રજાહિતનાં રખોપાં કરનારા,
ખૂણેખૂણાના જાણતલ.
માનવજાતિના સાતમા ભાગની ચિંતા
આ સૌને સોંપીને પ્રભુ જરીક આરામ કરે છે.
જોઈ રહું, મૌનપણે મોહું
ચૉરાની અડાબીડ ભીડ પર.
તું બોલ્યે જા, ચૉરા! ચૉરો બોલે, સમય બોલે.
એકાએક સોપો પડ્યો.
કોઈક ગણગણ્યું: હવે જબાન-બંધ જાણજો.
ફલાણા ભાઈ કરે આપણા પક્ષની વાત જો,
ભૂંડાએ વગોવ્યાં મોટાં ખોરડાં.
કોઈ આંખ ચોળે,
કોઈ આંખ ચોરે, — સલામ અધવચ પડી જાય.
મોં કહો કે તોબરા, અંદર શબ્દ ચાવ્યાં કરે.
પોલાં હાસ્ય, બોદી ચાલ,…
વડાઓની આસપાસ ઘૂમતો આછો માનવ-બણબણાટ.
દીવાલ પરની છબીઓ માત્ર બોલે,
બોલે મહાત્માનું મૌન.
શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,
લઈ ચાલ ત્યાં,
જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,
જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,
જે આપતો આશા ને લઈ લે ભાષા.
અલ્વિદા, શાહજહાનાબાદ, આમપ્રજાની દિલ્હી!
જામા મસજિદના ઊડવા કરતા નમણા મિનારા,
લાલ કિલ્લાના સ્વપ્નિલ કોટકાંગરા,
રાજઘાટ શાંતિવન વિજયઘાટની ઊની ઊની સ્મૃતિરાખ
— તે તો હૈયે સદાયે —
નિર્જીવ મૃત્યુદમામ અલ્વિદા!
અલ્વિદા, પુરાણા કિલ્લા! એક અસ્ત પામેલી દિલ્હી.
કાંકરે કાંકરે, અધઊભી ભીંત-કરાડે, કરાળ બખોલે,
મૃત્યુનાં જડબાંની નિશાની ભીષણ.
મહાનગરની વચ્ચે વચ્ચે અનેક
બાવળની કાંટ્યમાં સાંજુકી વેળા
જાગી ઊઠતી શિયાળવાંની લાળી,
જાણે મહાનગરની કરોડરજ્જુમાં કાળધ્રુજારી.
નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો —
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.
ખેડુની — શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે
એને વધુ વાંકી વાળતી
દુનિયાની રાજધાનીઓ
રૂડી રૂડી વાતોને નામે.
સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,
જીવી જઈશ,
દિલ્હીપણાને કરી તારી — અને મારી પણ —
દિલી અલ્વિદા?
નવી દિલ્હી, ૨૫-૪-૧૯૭૬
[વંચાયું તા. ૮-૧-૧૯૭૭, અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદના કવિસંમેલનમાં]



‘અલ્વિદા દિલ્હી!’ ઉમાશંકર જોશીનું દિલ્હીને અલ્વિદા કહેતું કાવ્ય છે. ‘અલ્વિદા!'ને બદલે કવિ ‘વિદાય’ શબ્દ વાપરી શક્યા હોત, પણ દિલ્હી પર જે મુગલાઈ સંસ્કારો પડેલા છે તેને ઉર્દૂ મીઠાશની જ અપેક્ષા રહે. વાત દિલ્હીથી વિદાય લેવાની છે. ઉમાશંકર સકળ સાહિત્ય અને સંસ્કારપુરુષ હતા. રાજકારણમાં પણ ત્યારે સંસ્કારિતા ડોકાતી એટલે આ કવિ અને સંસ્કારી પુરુષે રાજકારણમાં પણ ઝંપલાવ્યું. ઉમાશંકરને કવિતા લખવા માટે જ નહીં, જીવવા માટેય અનિવાર્ય હતી, રાજકારણમાં ઝંપલાવ્યા પછી પણ કવિ તો રહેવાનું જ હતું, તે રહ્યા! રાજકારણ છોડ્યું, કાવ્યકારણ નહીં. રાજકારણમાં સાહિત્ય પ્રવેશ્યું, પછી સાહિત્યમાંય રાજકારણ આવ્યું. હવે તો સાહિત્ય જ રાજકારણનો વિકલ્પ છે એટલે આજના સાહિત્યકારો જુદું રાજકારણ ખેલતાં નથી, ઉમાશંકરના વખતમાં રાજકારણ અને સાહિત્ય વચ્ચે અભેદ ન હતો એટલે એકમાંથી, બીજામાં જઈ શકાતું. આજે એ તકો ઘટી છે. ૩ એપ્રિલ ૧૯૭૦થી ઉમાશંકર રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા અને એ સભ્યપદ ૨ એપ્રિલ ૧૯૭૬ સુધી રહ્યું. પૂરાં છ વર્ષ! એ દરમિયાન ઐતિહાસિક દિલ્હીના રાજકીય પરિસરમાં રમખાણ પણ થયાં અને ૧૯૭૬માં જ્યારે દિલ્હી છોડવાનું આવ્યું ત્યારે આત્મસાત્ થયેલા દિલ્હીને કેવી અખિલાઈથી અને સલુકાઈથી કવિ ‘અલ્વિદા’ કહે છે તે કાવ્યવિષય છે. ૨ એપ્રિલે સભ્યપદ પૂરું થયું ને ૨૫ એપ્રિલ ૧૯૭૬ને રોજ, નવી દિલ્હીમાં જ, ‘અલ્વિદા દિલ્હી’ નામક કાવ્ય કર્યું. કાવ્યનો એ વિષય નથી, પણ ૨૬ જૂન ૧૯૭૫ને રોજ ભારત પર કટોકટી લદાઈ તેનો ડંખ ઓછો થયો નથી. કટોકટી એ ભરવસંતે પંખીને ચૂપ રહેવાની સજા છે. હતી. આ ભાવની ચાર પંક્તિઓ પણ ઉમાશંકરે ૩૦ માર્ચ ૧૯૭૬ને રોજ પ્રગટ કરી છે — ‘વસંત છે’ શીર્ષકથી. કટોકટી લદાઈ તે દિવસે જ કવિ એક દિવસમાં આવેલું પરિવર્તન આમ નોંધે છે, ‘કાલે હતો તે તડકો ક્યાં છે?’ કટોકટીથી છવાયેલાં અંધકાર અને રૂંધામણને ‘સંસ્કૃતિ'ના તંત્રીલેખમાંય પાનું કોરું રાખીને કવિએ અભિવ્યક્તિ આપી છે. ઉમાશંકર કવિ પહેલાં છે, પછી રાજદારી વ્યક્તિ છે. તે જેમ રાજધર્મ ન ચૂકે તેમ જ બળકટ કાવ્યધર્મ પણ ન ત્યજે. નજીકની આટલી સ્મૃતિઓ સાથે દિલ્હીને કવિ અલ્વિદા કરે છે. પણ કવિ છે ને? કાવ્ય પ્રતિક્રિયા કે ફરિયાદથી આરંભતાં નથી. કોઈ પ્રકૃતિકાવ્ય હોય તે રીતે કાવ્યની માંડણી કરે છે. પહેલી અલ્વિદા ‘દિલ્હીનાં ફૂલોને’ કહે છે. બધાં પુષ્પોને સલામ કરે છે ત્યારે પેલી રાજસી ‘લુચ્ચી ચૂપકીદી'ને યાદ કરવાનું કવિ ચૂકતા નથી. જેવાં છે તે સૌને વર્ષોથી કવિ નજરથી પસવારતા રહ્યા છે. ફૂલોને કવિએ વસંતની ‘વિજય ફરફરતી પતાકા’ કહીને ઓળખાવ્યાં છે. ફૂલોને ‘વિદા’ કરી કવિ દિલ્હીનાં વૃક્ષોને ‘અલ્વિદા!’ કહે છે. તોતિંગ વૃક્ષો ધરતી પર તો મળી શકતા નથી એટલે ‘ઉપર બાહુઓ લંબાવી ભેટતા’ કવિ જુએ છે — દિલ્હી જેવા મહાનગરમાં ઇતિહાસ અને વર્તમાન ખણકાતાં રહે છે ત્યાં શાંતિ ક્યાંથી હોય? જે થોડીઘણી શાંતિ બચી છે તે વૃક્ષોએ આપેલી છે. ‘પાંદડાંનાં મંડપથી મંદિર’ રચાતું હોય ત્યાં શાંતિ ન પ્રગટે તો જ આશ્ચર્ય! વૃક્ષો સાથે વાત કરવાનો સમય અહીં છે. વૃક્ષોની અનિવાર્યતા કવિ પ્રમાણે છે. એને માનવી નાનો લાગે છે એટલે ટેકા માટે ‘ઊંચાં ઊંચાં વૃક્ષો જોઈએ', ‘નહીં તો એ ગબડી પડે.’ વૃક્ષો ન હોત દિલ્હીને તો ‘દેશને ખૂણે ખૂણેથી ખેંચાતાં માનવી ગાંડાં થઈ ગયાં હોત.’ (આજે સ્થિતિ જુદી છે. દિલ્હી ન હોત તો માનવી ગાંડાં થઈ ગયાં હોત, તેનાં વૃક્ષોને લીધે નહીં, તેની સંપત્તિ તથા રાજનીતિને કારણે) વૃક્ષો પોતાનામાં નિમગ્ન છે. તેને પણ કવિ અલ્વિદા(ય) કરે છે. પછી અલ્વિદા કરે છે — સંસદને. (જેને આજે અલ્વિદા કહેવા ભાગ્યે જ કોઈ તૈયાર હશે). સંસદના ‘કોરિન્થિયન સ્તંભો સમક્ષ’ ગમે તેવો માનવ ‘માંડ માનવ જેવો લાગે’ છે. ત્યારનો શબ્દ આજના બદલાતા કાકુમાં માણવા જેવો છે. ‘અલ્વિદા કેન્દ્રીય ખંડ!’ આ એ સ્થાન છે જેને કવિએ ‘ભારતચોરો’ કહ્યો છે. કારણ અહીં આખું ભારત વિચારવિમર્શ માટે એકઠું થાય છે. અહીં આવનાર સાંસદ તેના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેના ક્ષેત્રની અનેક વાતો, સમસ્યાઓનું, તે જાણે ‘પોટકું’ છે. જરૂરી નથી કે ઉકેલ હાથવગા હોય. પરિણામે વ્યથાઓ, ફરિયાદો ખદબદતી રહે છે ને સમય તેને ‘વાસી’ કરતો જાય છે. એવી જ રીતે વાસી, નમૂલ્ય થઈ ગઈ છે દિવંગતોની અદકેરી છબિઓ, દીવાલો પર! છબિઓ છે, પણ નથી જેવી! ગાંધી પણ જોયા કરે છે, હવે કંઈ કરી શકતા નથી (ને હવે તો ગાંધી પર ગાંધીની કેટલી છબિઓ પડી ગઈ છે!) આ ભારતચોરા પર પ્રજાનો ભરોસો તો હોય જ, પણ ઈશ્વર પણ ચિંતાયુક્ત છે. તેથી જ તો કવિ કહે છે, ‘માનવજાતિના સાતમા ભાગની ચિંતા આ સૌને સોંપીને પ્રભુ જરીક આરામ કરે છે.’ (આજે પ્રભુ શું કરતો હશે તે કલ્પી લેવાનું રહે.) કવિએ સંસદમાં ઘણી ઊઠેવેઠ જોઈ છે. ખોરડાં વહુ જ વગોવે એવું નથી, ‘ભૂંડાએ’ વગોવે. કેટલોય નિરર્થક વાણીવિલાસ ચાલતો રહે ને કોણ કોનાથી કતરાતું રહે તે અહીં અકળ હોય છે. ઘણી વાર તો એમ લાગે છે કે ‘કોઈ આંખ ચોળે’ છે તો કોઈ ‘આંખ ચોરે છે.’ અહીં જાણે કે મોઢાં નથી, તોબરા છે જે ‘શબ્દ આવ્યાં કરે’ છે. અહીંના માનવોનો ગણગણાટ ‘બણબણાટ’ સુધી વિસ્તરે છે… ને તેને વિરોધતું દીવાલો પરના મહાત્માઓનું મૌન! સૂચક છે — ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’ કવિ શબ્દનું મહત્ત્વ સમજે છે ને સંસદમાં શબ્દનું ‘મૂલ્ય’ હોય છે, મહત્ત્વ નહીં, તેથી શબ્દને કહે છે, ‘તું મને અહીં લઈ આવ્યો, લઈ ચાલ ત્યાં, જ્યાં તું કર્મ સાથે સચ્ચાઈ કરે, જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ, જે આપતો આશા અને લઈ લે ભાષા.’ એક તરફ છે સજીવ સંસદ, બીજી તરફ છે નિર્જીવ ઇતિહાસ અને સમાધિઓ. પેલા સજીવોમાં દ(મા)મ નથી ને આ નિર્જીવોમાં તો મૃત્યુનોયે દમામ છે. કવિ તેનેય અલ્વિદા કહે છે, કવિ પુરાણા કિલ્લાને, અસ્ત પામેલી દિલ્હીને અલ્વિદા કહે છે. ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર દુનિયાની રાજધાનીઓ ઊભી છે — રૂડીરૂડી વાતોને નામે પણ વાતોથી કંઈ વળતું નથી તે કવિ જાણે છે. એટલે જ દિલ્હીને અલ્વિદા કરીને કવિ ઊતરી જાય છે. ખબર નથી દિલ્હીને ‘દિલી’ અલ્વિદાની કેટલી અસર કે અનિવાર્યતા હશે. કદાચ દિલ્હીને ‘દિલી'પણું જ બચ્યું નથી એટલે એક રીતે તો આ ‘અલ્વિદા’ સમયસરની પણ છે —  કાવ્યમાં એક પંક્તિ અત્યંત સૂચક છે — ‘ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.’ આ છેડતી હજી બંધ થઈ નથી ને આમ તો આ દિલ્હીની ‘દિલી’ સ્મૃતિનું પણ કાવ્ય છે, પણ અહીંના મૃત્યુનો જ દમામ છે તે જોતાં તે ‘સ્મૃતિરાજ્ય’નું કાવ્ય પણ છે. કવિ દિલ્હીને અલ્વિદા કહે છે તે સાથે એક અધ્યાય પૂરો થાય છે. કદાચ રાજકીય કારકિર્દીનો ને કટોકટી લદાયેલા એ સમયમાં ઇતિહાસનું એક પાનુંય પલટે છે. એને લીધે ઉમાશંકરનું કાવ્ય ઉત્તમ ન હોય તો પણ તેનું એક અદકેરું મહત્ત્વ છે. તેમાં સમકાલીનતા છે, તો સર્વકાલીનતા પણ છે જ!