યાત્રા/પ્રીતિ તુજની
Revision as of 11:12, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રીતિ તુજની|}} <poem> પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની રહી આ ભીંજાવી જડ હૃદયને પથ્થર – નહીં, રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે! અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું ઘસા...")
પ્રીતિ તુજની
પ્રિયે! ટીપે ટીપે ટપકી ટપકી પ્રીતિ તુજની
રહી આ ભીંજાવી જડ હૃદયને પથ્થર – નહીં,
રહી આ હૈયાને છિનછિન છણી છીણી, સુખદે!
અહો, આ રીતે તો યુગ યુગ જશે, પથ્થર હિયું
ઘસાતું રેતીના કણ બની જશે, ક્યાંય જ સરી;
અને તારી પ્રીતિ ગરતી ગળતીના જલ સમી
રહેશે હું જાણું ઝમતી યુગના અંત લગી યે.
શકું કિન્તુ પૂછી? રજ રજ કરીને રજકણો
કરેલા હૈયાના કણ શું કર તારા કદી કરી
શકે ભેગા પાછા? નહિ નહિ, કદી એવું ન બન્યું.
ઝિલી તારી મીઠી અમૃત વરષાનાં દ્રવણ કૈં
ઘસાઈ જાવામાં, દ્રવી વહી જવામાં સુખ મને.
પરંતુ તારું શું?
નહિ શું કદી તું આ ટપકવું
તજી, વિદ્યુત્વલ્લી પ્રખર થઈને ત્રાટકી પડી
વિદારે હૈયાને? તલ વિતલ એનાં નિજ કરી
લિયે કાં ના? એ છે જડસું, બધું એને જ સરખુંઃ
ઘસાવાનું ધીરે યુગ યુગ લગી વા વિપલમાં
ચિરાઈ જાવાનું શત શકલમાં વિદ્યુત થકી.
ડિસેમ્બર, ૧૯૩૮