યાત્રા/હંસા મારા

Revision as of 09:14, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હંસા મારા|}} <poem> હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં, {{space}} જીવતરનો ગઢ તે ઠેકું ચપટીક વારમાં, ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું, {{space}} પળ રે અરધીમાં પૂરું મુગતી દુવારમાં. <center>*</center> હં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હંસા મારા

હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં,
          જીવતરનો ગઢ તે ઠેકું ચપટીક વારમાં,
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું,
          પળ રે અરધીમાં પૂરું મુગતી દુવારમાં.

*

હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા,
          હેમાળી ટૂંકો ટોચે સનાં ઝગમગતાં;
મળતા મારગડે મીઠા ભેરુ ભડ વાયરા,
          હીરક જ્યોતાળાં નયણાં આભે તગતગતાં.

હંસા મારા રે, આવું પાછું ના જોજે, બાપુ,
          કોણ રે આવે ને કોણ પડતું કે પાછું;
ભલે ને ભાળે તું નિજને ઝાઝેરા સંઘમાં,
          એકલ અટવાયે તો યેલાવીશ ના ઓછું.

લાંબા મારગડે હંસા, પાંખો થાકી જો ઝૂલે,
          ઝંઝાની ઝપટે આંખે ભડકે અંગારા;
નવસેં નાડી જે તારી તૂટે વછૂટે તોયે,
          અધુરાના કે’દી ઢૂંઢીશ ના રે આધારા.

વણ રે મોભે કે જેણે થંભાવ્યાં આભ સંધાં,
          તારા આધાર તે જ બનશે તોતિંગા;
આંખોની અગની ઠારે આવી આફુડો એ તે,
          અદ્ધર બાંધે છે મેઘાડંબર જે ધીંગા.

વણ કે ધાગે કે જેણે કટિ બ્રહ્માંડ બાંધ્યાં,
          નવસેં નાડી તે તારી કરશે બજરંગા,
જેણે આદિમાં તુજને ધાર્યો તે અંતકાળે,
          અંતરિયાળે યે પડતી ઝીલશે જ ગંગા.
 
હંસા મારા રે, એટલે ઊડજે અણથંભે આભે,
          સમરથ ભોમીની જોડી એણે જે પાઠવી;
એની અણસારે નિરભે ઊડી જા, હામી મારા,
          ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી

નવેમ્બર, ૧૯૪૨