અષ્ટમોઅધ્યાય/કાવ્યવિવેચનની પ્રારમ્ભિક ભૂમિકા

Revision as of 07:12, 28 June 2021 by MeghaBhavsar (talk | contribs)


કાવ્યવિવેચનની પ્રારમ્ભિક ભૂમિકા

સુરેશ જોષી

સાહિત્યતત્ત્વ વિશેની સૈદ્ધાન્તિક ચર્ચામાં અનેક વાદ જોઈને કેટલાંકની ધીરજ ખૂટી જતી હોય છે. સાહિત્યતત્ત્વના મૂળભૂત મુદ્દાઓ પરત્વે એકવાક્યતા પ્રવર્તતી નથી અને તેથી એ અંગેની વિતણ્ડામાં જ રસ લેનારો એક વર્ગ ઊભો થયો છે જે ગમ્ભીર પરિભાષા અને જાણીકરીને ઊભી કરેલી દુર્બોધતાની આડશે અરાજકતા ફેલાવવાના રોમેન્ટિક અભિનિવેશને જ છુટ્ટો દોર આપતો હોય છે એવું કેટલાંક અકળાઈને કહેવા લાગ્યા છે. આપણી નેમ તો સાહિત્યકૃતિના હાર્દમાં પહોંચવાની હોવી જોઈએ. આ કહેવાતી તાત્ત્વિક ચર્ચાની જટાજાળ જો એમાં જ અન્તરાયરૂપ થતી હોય તો વ્યુત્પત્તિમત્તાના આભાસી ગૌરવને નામે એને છાવર્યા કરવાનો કશો અર્થ નથી એવું કહેવાતું સંભળાય છે. એરિસ્ટોટલના સમયથી આ ઊહાપોહ ચાલતો આવ્યો છે. કોઈ વાર mimesisની પર વધારે ભાર મૂકવામાં આવે છે તો કોઈ વાર ભાષા અને અભિવ્યક્તિની વીગતો પર. એરિસ્ટોટલ પ્લેટોની વિચારણાનું પુન:સંસ્કરણ કરે તો એરિસ્ટોટલના અનુગામીઓ એની વિચારણાનું પુન:સંસ્કરણ કરે. આમ આ પ્રવૃત્તિ સતત ચાલ્યા કરતી હોય છે અને સદા ચાલ્યા કરશે એવું લાગે છે. આથી ક્યારેક તો આપણા હાથમાં સાહિત્યતત્ત્વ વિશેના સિદ્ધાન્તોનું સુનિશ્ચિત સ્વરૂપનું અને કાયમી માળખું આવી જશે એવી આશા ઠગારી નીવડે છે. આવું કશુંક સિદ્ધ કરવાના મહત્ત્વાકાંક્ષી પ્રયત્નો નથી થયા એમ નહીં. નોર્થ્રોપ ફ્રાયે આવો પ્રયત્ન એમના પુસ્તક ‘એનેટોમિ ઓવ ક્રિટિસિઝમ’માં કર્યો છે. એમને આશા હતી કે એઓ સાહિત્યિક સિદ્ધાન્તોનો સર્વાશ્લેષી સમન્વય સિદ્ધ કરી શકશે. પણ એ પુસ્તક તો એમની પ્રખર આન્તરસૂઝથી પ્રકટેલાં થોડાંક નિરીક્ષણોનું સંકલન જ બની રહ્યું છે.

આપણે ત્યાં ભારતીય રસમીમાંસાની જે કાંઈ ચર્ચા થોડાક તદ્વિદોએ કરી છે તે બહુધા મૂળ કૃતિઓમાં ચર્ચાયેલા વિષયો અને સિદ્ધાન્તોને સરળ ભાષામાં મૂકીને સુબોધ બનાવી આપવા પૂરતી મર્યાદિત રહી છે. સંસ્કૃતનો અભ્યાસ નહીં હોવાને કારણે મોટા ભાગના સાહિત્યવિવેચકો મૂળ કૃતિ સુધી પહોંચી શકતા નથી. એમને ધ્યાનમાં રાખીને આવો મર્યાદિત પ્રયત્ન કરવામાં આવે છે. પશ્ચિમમાં જે પ્રશ્નો ઊભા થયા છે અને જેની મીમાંસા સતત ચાલ્યા કરે છે તેની સાથે આપણી સાહિત્યમીમાંસાને સાંકળીને પૂરક સ્વરૂપનું કશુંક ઉપજાવવાનો પ્રયત્ન ભાગ્યે જ થયો છે. આપણી ભાષાવિષયક વિચારણા અને પશ્ચિમમાં એ વિશે થતી રહેલી વિચારણાનું તુલનાત્મક અધ્યયન થવું ઘટે. આપણાં સંશોધનો ચીલાચાલુ વિષયોની મર્યાદાઓમાં મોટે ભાગે પુરાઈ રહ્યાં છે.

પશ્ચિમમાં પણ રૂપરચનાવાદ કે સંરચનાવાદની સામે ઉગ્ર પ્રતિક્રિયાઓ પ્રકટ થવા લાગી છે. રૂપરચનાવાદીઓ ઐતિહાસિક પરમ્પરા પર મૂકાતા વધારે પડતા ભારનો વિરોધ કરતા હતા. છતાં એઓ આજ સુધી એ ઐતિહાસિક પરમ્પરાને સાવ ટાળીને ચાલવાનું સાહસ કરી શક્યા નથી. હવે રૂપરચનાવાદીઓ કેવળ પુરાણ પૂર્વજોને ઘટે એવો આદર પામે છે એટલું જ. સંરચનાવાદ સાહિત્ય પરત્વે ઝાઝો ઉપયોગી પુરવાર થયો નથી એવું કહેવાવા માંડ્યું છે. જો તમે વિવેચનના અમુક એક અભિગમને જ સ્વીકારીને કૃતિવિવેચન કરો તો એ મર્યાદિત સિદ્ધાન્તના ચોકઠામાં સંકુલ અને બહુપરિમાણી કૃતિને પરાણે જડી દેવાની જોહુકમી કરવા જેવું જ થાય. આ પ્રકારના reductive criticismથી કૃતિની સમૃદ્ધતાને ન્યાય થઈ શકે નહિ. આવી દોલાયમાન પરિસ્થિતિમાં કશું સ્થિર સુનિશ્ચિત હાથ લાગી શકશે ખરું?

થોડે થોડે ગાળે આક્રમક ભાષામાં જૂના વિવેચકો અને સર્જકો પર હુમલો કરીને ઉદ્દામવાદી વલણ અખત્યાર કરી પોતાની નવી ભૂમિકાની માંડણી કરી આપતા ખરીતાઓ બહાર પાડવાના તબક્કાઓ આવે છે. આ બધા ખરીતાઓ પણ મોટે ભાગે પરસ્પરવિરોધી હોય છે. એનું કાર્ય જાગૃતિ લાવવા કરતાં સનસનાટી ફેલાવી દેવાનું વિશેષ હોય છે. આથી એને આધારે સાહિત્યિક આબોહવા નક્કી કરવા જઈએ તો કદાચ થાપ ખાઈ બેસીએ.

સાહિત્ય સાથે જેને મોટે ભાગે લેવાદેવા છે એવો વર્ગ શું કહેતો હોય છે અને કરતો હોય છે તે જાણવું જરૂરી થઈ પડે છે. આથી આપણે સાહિત્યનો શિક્ષક વિવેચક કૃતિ જોડે શું કરતો હોય છે તેની માહિતી મેળવવી જોઈએ. સાહિત્યનો શિક્ષક જ્યારે કવિતા લઈને વર્ગમાં જાય છે ત્યારે કવિતા સાથે કેવી રીતે વર્તે છે તે આપણે જાણવું જોઈએ. મોટે ભાગે વર્ગમાં કાવ્યનો ગદ્યાન્વય, સરળ ભાષામાં એના ‘અર્થ’ની સમજૂતી – આટલું જ થતું હોય છે. એથી વળી કોઈ આગળ જાય છે તો અલંકાર અને છન્દ ઓળખી બતાવે છે, કાવ્યપ્રકાર વિશે કંઈક કહે છે અને કોઈક વાર કવિના જીવન વિશેની રોચક વીગતો આપે છે. માધ્યમિક શિક્ષણના સ્તર પર સાહિત્ય વિશેની જે સમજ હોય છે તેથી વધુ સૂક્ષ્મ સ્વરૂપની સમજ ઉચ્ચતર શિક્ષણમાં ખીલતી આવે એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આ સમજ કેવીક ખીલી હોય છે તે જોવું હોય તો આપણા અભ્યાસક્રમનાં માળખાં તપાસો, આપણાં પાઠ્યપુસ્તકો પર નજર નાંખો, વિદ્યાપીઠોમાંના સાહિત્ય વિભાગોની કામગીરી નિહાળો, પરીક્ષાનાં પ્રશ્નપત્રો પર નજર નાંખો, આથી પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે. આપણી વિદ્યાપીઠોમાં સાહિત્ય વિભાગ તરફથી એની અભ્યાસસંશોધનની પ્રવૃત્તિનો ખ્યાલ આપે એવાં સામયિકો ભાગ્યે જ પ્રકટ થતાં હોય છે. આથી બધું બાંધે ભારે ચાલ્યા કરતું હોય છે. ઘણી જગ્યાએ તો સાહિત્ય વિભાગના અધ્યક્ષનાં રુચિ-શક્તિ આખા વિભાગની મર્યાદા બની રહે છે.

આમ છતાં આપણે આટલી તો અપેક્ષા રાખીએ કે સાહિત્યનો અધ્યાપક વિવેચન વિશે પ્રવર્તતા જુદા જુદા અભિગમોની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને એના તારતમ્યનો વિવેક કરવાની સજ્જતા એની પાસે હોવી જોઈએ. સંસ્થાના સંચાલક કે અધ્યક્ષને અભિમત દૃષ્ટિબિન્દુ સ્વીકારીને સહીસલામત રહેવાની કાયરતા એનામાં ન હોવી ઘટે. વિદ્યાર્થીઓને ખુશ કરવા માટે એમને અનુકૂળ અભિગમ સ્વીકારી લઈને એ લોકપ્રિય થવાનો ભ્રમ સેવતો નહીં હોય. આથી ઊલટું, કેટલાક ક્રાન્તિકારી હોવાનો ડોળ કરવા માટે, સલામતી જાળવીને ગર્જના કર્યા કરતા હોય છે. કશુંક નવું કરવાને નામે બુદ્ધિ વગરનાં અને હાસ્યાસ્પદ ગતકડાં કર્યા કરતા હોય છે. આથી એવું લાગે છે કે સાહિત્યનો કોઈ શિક્ષક બૌદ્ધિક પ્રતીતિથી અમુક એક નિશ્ચિત અભિગમને સ્વીકારીને અધ્યાપનના કાર્યમાં ભાગ્યે જ પ્રવૃત્ત થતો હોય છે. જોહ્ન સી. શેરવૂડે આવી જ પરિસ્થિતિના અનુલક્ષમાં કદાચ કહ્યું હશે, ‘Theory may in fact be the hobby of a sophisticated minority.’

આ આખી પરિસ્થિતિને બને તેટલી વિશદ બનાવીને જોવાનો પ્રયત્ન કરીએ. એક બાજુ છે સાહિત્યકૃતિઓ જેને જગતમાંના બીજા પદાર્થોથી જુદી પાડીને આપણે જોતા હોઈએ છીએ. આ કૃતિઓ ભાષાથી રચાયેલી બીજી રચનાઓ (ઉદ્બોધનો, ઇતિહાસ, છાપાંનો અહેવાલ, માહિતી આપનાર નિબન્ધ)થી પણ એ જુદી પડતી હોય છે. કેટલીક વાર એ બધાંમાં પણ સાહિત્યકૃતિની વિશિષ્ટતાનું તત્ત્વ પ્રવેશે છે એની ના નહીં. તો આપણો પ્રશ્ન આ છે: સાહિત્યકૃતિને વિશિષ્ટ બનાવનારું આ તત્ત્વ કયું છે? આ પ્રશ્નનો એક જ સાચો જવાબ હોઈ શકે એવું નથી. એનો ઘણી રીતે જવાબ આપી શકાય: સાહિત્ય કૃતિઓ જગતમાં જે છે તેનું પુન:સંસ્કરણ છે mimesis સાહિત્યકૃતિઓ સહજોપલબ્ધિની અભિવ્યક્તિ છે (intuition is expression); સાહિત્યકૃતિઓનું લક્ષ્ય સત્ય નથી પણ વિગલિત વેદ્યાન્તરત્વનો આનન્દ છે. સાહિત્યકૃતિઓ સ્વયંપર્યાપ્ત હોય છે, એમના વડે બીજું કશું સિદ્ધ કરવાનું હોતું નથી (they are autonomous of distinterested). આ ઉપરાંત સાહિત્યકૃતિઓને ટેલિવિઝન કે રેડિયોનાં કહેવાતાં રૂપકોથી પણ જુદી પાડી શકાય, કારણ કે ટેલિવિઝન કે રેડિયોનાં રૂપકો આ કે તે હેતુના પ્રચારાર્થે યોજાતાં હોય છે. આથી સાહિત્ય કૃતિઓની આગવી ગુણવત્તાને એનું વ્યાવર્તક તત્ત્વ લેખવામાં આવે છે. સાહિત્યનું પરિશીલન કરનારાઓમાં સાહિત્ય શું છે તે વિશેની અમુક સમજ અને સમ્મતિ પ્રવર્તે છે, ભલે એની નિશ્ચિત દૃઢ વ્યાખ્યા બાંધવામાં આવી નહીં હોય. સમાજ આવી કેળવાયેલી સમજને માન્ય રાખે છે. પ્રોફેસર જી.ઇ.મૂરે goodness વિશે કહેલું, ‘Goodness has a status like that ot the sensation of yellow, which we can recognize but cannot define.’ સાહિત્યને વિશે પણ આવું જ છે છે એમ કેટલાંક માને છે. સાહિત્યિકતા જેવું કશુંક છે, પણ એને વિશે નિશ્ચિતતાપૂર્વક કશું દૃઢ લક્ષણોવાળી વ્યાખ્યા બાંધીને કહી શકાતું નથી.

કેટલીક વાર કાવ્યકૃતિઓને એકબીજા સાથે સરખાવીને મૂલ્યાંકન કરવામાં આવે છે અને એની ચઢતીઊતરતી શ્રેણી પણ નક્કી કરવામાં આવે છે. એને આધારે કૃતિને પાઠ્યક્રમમાં લેવી કે નહીં તેના નિર્ણયો પણ થતા હોય છે. અહીં તો સમ ખાવા પૂરતીય આલોચનાત્મક પ્રવૃત્તિ છે; પણ ઘણી વાર તો લેખક પોતાના જૂથનો ‘મામકા:’ વર્ગનો છે એટલી હકીકત જ પાઠ્યપુસ્તકમાં એના સમાવેશ માટે સમ્પાદકની દૃષ્ટિએ જરૂરી હોય એવું હમણાંનાં કેટલાંક પાઠ્યપુસ્તકો જોતાં લાગે છે. આ પ્રકારની મૂલ્યાંકનની પ્રવૃત્તિને કશો સંગીન સૈદ્ધાન્તિક આધાર ન હોવાને કારણે એ એની સાહિત્યિક ગુણવત્તા પરત્વે કશું પ્રતીતિજનક સ્થાપિત કરી શકતી નથી. હજી ગુણવત્તાના ક્રમ આપવાની પંતુજીની પદ્ધતિ ઘણા વિવેચકો અપનાવતા દેખાય છે. કેટલીક વાર ભૂતકાળના અમુક એક કવિ વિશે એક આખી પેઢી સર્વસંમત એવો અભિપ્રાય ધરાવતી જોવામાં આવી છે. પણ આવા અભિપ્રાયોની પણ, આપણી ખીલતી આવતી સાહિત્યસૂઝના અનુલક્ષમાં, પુન: આલોચના થતી રહેવી જોઈએ. આ દૃષ્ટિએ આપણે પ્રેમાનંદ, અખો, શામળ કે દયારામનાં; ગોવર્ધનરામ, મુનશી કે રમણલાલ દેસાઈનાં પુનર્મૂલ્યાંકનો કર્યાં નથી. આ આપણી પ્રજાના શિક્ષિત વર્ગના બૌદ્ધિક પ્રમાદનું જ દ્યોતક બની રહે છે. અર્વાચીન, અદ્યતન અને સદ્યતન કવિતાનાં મૂલ્યાંકનો પ્રારમ્ભમાં તો આકરી પ્રતિક્રિયાના સ્વરૂપમાં હોય છે, પછી ક્યાંકથી એને સ્વીકૃતિ મળે છે. આ પછી ગતાનુગતિકતાનો ગાળો આવે છે. આજનો સુચિન્તિત મત ભવિષ્યની પેઢીને ગ્રાહ્ય બને એવું બનતું ઝાઝું જોવામાં આવતું નથી. પૂરી સજ્જતાથી અને પૂર્વગ્રહથી મુક્ત રહીને કરેલી સત્યનિષ્ઠ વિવેચનાનું જ આયુષ્ય લાંબું હોય છે. સાહિત્યસર્જનમાં તેમ જ વિવેચનમાં અમરતા આ ગુણો પર અવલંબે છે. અમુક વર્ગ કે જૂથ તરફથી એને ઉપલબ્ધ પ્રચારમાધ્યમો દ્વારા અમુક લેખકોને ઊંચે ચઢાવવામાં આવે એવું બને, પણ એ સ્થાને એઓ હંમેશાં સુપ્રતિષ્ઠિત જ રહેશે એવું કહી શકાય નહિ. આનાં સમર્થનો તો આપણી સ્મૃતિમાંથી જ ઘણાં જડી રહેશે.

કાવ્ય કે સાહિત્યકૃતિ મનોરંજક હોય તેવી અમુક વર્ગમાં એને ઝાઝી સ્વીકૃતિ મળે એવું બનતું દેખાય છે. ઘણી વાર આવી કૃતિઓ ગણતરીપૂર્વક વાચકોના અભિગ્રહપૂર્વગ્રહોને પંપાળે છે, એની રુચિને વશ વર્તે છે, એને આઘાત આપે એવું કશું કરવાનું જોખમ ખેડતી હોતી નથી. પરમ્પરાગત મૂલ્યબોધનું એ સમર્થન કરે છે. જ્યાં સાહિત્યતત્ત્વની સૂઝ વિકસી નથી હોતી ત્યાં આવી કૃતિને બિરદાવવામાં આવે છે. સૂક્ષ્મતા, વ્યંજકતા કે સાચી રસવૃત્તિનું ત્યાં ઝાઝું ગૌરવ થવાની શક્યતા રહેતી નથી. એ બધાંને નરી અલંકૃતતામાં ખપાવીને ભાંડવાનું વલણ પણ ઘણા સ્વીકારતા દેખાય છે. પ્રજાના મોટા ભાગના શિક્ષિત વર્ગે અને સાહિત્યનું અધ્યાપન કરનારા અધ્યાપકોએ જો વિવેક અને ઊંડી સૂઝ કેળવ્યાં નથી હોતાં તો આવા અભિપ્રાયો જ મૂલ્યો બનીને ઠસી પડે છે. પ્રજાની રસવૃત્તિને વિકસાવવાનું કામ સાહિત્યનું છે અને એમાં જ અધ્યાપકોએ પ્રવૃત્ત થવાનું છે. એને બદલે સાહિત્યમાં પ્રવર્તતા રાજકારણને વશ થઈને કે સમકાલીન મૂલ્યબોધને જ નિર્ણાયક તત્ત્વ ગણી લઈને જો કોઈ આલોચનાની પ્રવૃત્તિ આદરે તો એ સાહિત્યના વિકાસને માટે ઉપકારક નહીં નીવડે એવો ભય રહે છે. સાહિત્યકૃતિથી મૂલ્યબોધની ભૂમિકા રચાય છે ખરી, પણ તે સમાજે સ્વીકૃતિ આપેલાં મૂલ્યોનું જ હંમેશાં સમર્થન કરે એવું ન પણ બને. આ કામ સાહિત્ય તાકિર્કતાથી કરતું નથી, એની વૈજ્ઞાનિક ચકાસણી શક્ય નથી, આ કામ સર્જકે વિકસાવેલી સૂઝથી થતું હોય છે. સાહિત્યનું શિક્ષણ વિજ્ઞાન, વાણિજ્ય અને બીજી કેટલીક જ્ઞાનની શાખાઓમાંથી બાકાત રાખવામાં આવ્યું છે એની પાછળ આવા જ કેટલાક, સાહિત્ય વિશેના, પૂર્વગ્રહો, કામ કરતા લાગે છે.

દરેક કાવ્યમાં જે અર્થ રહ્યો હોય છે તેને અંશત: જ, સંપૂર્ણતયા નહિ, બીજી સંજ્ઞાઓ દ્વારા અનૂદિત કરી શકાય છે. સ્પષ્ટીકરણના સ્વરૂપનું ગદ્યમાં કરવામાં આવતું ટિપ્પણ કે બિનસાહિત્યિક એવું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આથી ઝાઝું, કરી શકે નહિ. પશ્ચિમમાં ‘heresy of paraphrase’ વિશે ઘણું કહેવાતું રહ્યું છે. ઘણા માને છે કે કવિતાને શબ્દાન્તરે કહી શકાય જ નહીં, છતાં કવિતાના એક ભાષામાંથી બીજી ભાષામાં, અનુવાદો તો થતા જ રહે છે. અનુવાદમાં આખું કાવ્ય ઊતરતું નથી; એની મૂળ ભાષાનો લય, એની લઢણો, એના કાકુઓ, એનો સાંસ્કૃતિક પરિવેશ – આ બધું એમાં ઝાઝું આવી શકતું નથી. છતાં આપણે વિશ્વની ઘણી, પ્રથમ કક્ષાની સમૃદ્ધ, કવિતાને કેવળ ભાષાન્તરથી જ પામીએ છીએ; એથી આપણી સર્જકતાને અને કાવ્યસૂઝને પણ સમૃદ્ધ કરતા રહીએ છીએ. સાહિત્યના અધ્યાપનમાં તો કાવ્ય વિશેનાં ટિપ્પણો, ભાષ્યો અને અર્થઘટનોનો ગંજાવર ખડકલો થતો દેખાય છે, ઘણાં પોતાની વ્યુત્પત્તિમત્તાનું આ રીતે પ્રદર્શન કરીને રાચતા દેખાય છે. કહેવાતા વિવેચનનાં સામયિકો આવી પ્રવૃત્તિથી જ ભરેલાં દેખાય છે.

ગદ્યટિપ્પણોથી કાવ્યના અર્થ પરત્વેના સત્યને કંઈક આંબવા જેવું થાય છે. આવાં ટિપ્પણો કેટલીક વાર ખોટી જ દિશામાં જતાં દેખાય છે, એ સાચાં નથી તે પુરવાર કરી શકાય એવું હોય છે. કેટલાક અન્તિમે જઈને એવું વિધાન કરતાં હોય છે કે કાવ્યને કશો નિશ્ચિત અર્થ હોતો નથી, ભાવક દ્વારા થતા એના દરેક નવા અનુભાવને એનો અર્થ બદલાતો રહે છે. જો ખરેખર આવી પરિસ્થિતિ હોય તો કાવ્યની ખોટી સમજણ સુધારવાની વાત રહેતી જ નથી; કાવ્ય વિશેની ખોટી સૈદ્ધાન્તિક સમજ કે અર્થભેદ પરત્વેની કશી ચર્ચાનો પછી તો પાયો જ રહેતો નથી. પણ આપણે જાણીએ છીએ કે આવી પ્રવૃત્તિ તો હંમેશાં ચાલ્યા જ કરતી હોય છે. કાવ્યનો એવો કશોક મર્મ છે, એનું એવું કશુંક સત્ય છે જેને કેળવાયેલી રસવૃત્તિ અને વિવેકશક્તિવાળો ભાવક પામી શકે છે એવું ગૃહીત તો આપણે સ્વીકારીને જ ચાલતા હોઈએ છીએ. એથી જ તો આ બાબતમાં સજ્જતા પામવાનું, રસવૃત્તિ કેળવવાનું, સૂઝ વિકસાવવાનું આપણે સ્વીકાર્યું છે. આમ છતાં એ પણ સાચું કે કોઈ માતબર સાહિત્યકૃતિ વિશે વિવેચકોમાં પૂરેપૂરી એકવાક્યતા પ્રવર્તે કે એનું સત્ય, એનું હાર્દ પૂરેપૂરું હાથ લાગી જાય અને પછી એને વિશેની કશી આલોચનાત્મક પ્રવૃત્તિને અવકાશ રહે જ નહીં એવું કદી બનતું નથી. આમ છતાં ગોવર્ધનરામ વિશે કે નાનાલાલ વિશે એકવાક્યતા પ્રવર્તતી હોવી જોઈએ એવો આગ્રહ ઘણી વાર કેટલાક રાખતા જોવામાં આવે છે. જો તમે સ્વીકૃત મતથી જુદા પડતા હો તો તમે ઉછાંછળા છો, અવિવેકી છો એટલું જ નહીં તમારી સાહિત્યિક સૂઝ કાચી છે એવું સાંભળવાનો વારો આવે છે. કવિતા વિશેની આનુષંગિક વિગતોની જાણકારી એને સમજવામાં ઉપયોગી થઈ પડે. પણ ઘણા આ વિગતો એકઠી કરવાની પ્રવૃત્તિ ગૌણ છે, કાવ્યના હાર્દ સુધી પહોંચવામાં ઉપયોગી એવું સાધન માત્ર છે તે ભૂલી જાય છે અને આ માહિતી એકઠી કરવામાં મચ્યા રહેવું એ જ જાણે વિવેચનની પ્રવૃત્તિ છે એવું માનીને ચાલતા દેખાય છે. ઘણા કવિ કે કવિતાની વાત કરતાં એના અંગત જીવનની ઘટનાઓને ખૂબ બહેલાવી બહેલાવીને કહેતા હોય છે, કવિની સમકાલીન પરિસ્થિતિનું આલેખન વીગતે કરે છે. આ બધું કાવ્ય વિશેની મૂળભૂત ચર્ચાની અવેજીમાં ચાલી શકે નહિ. કાવ્યબોધમાં ઉપકારક તેટલું જ સ્વીકાર્ય, બાકીનું બધું પરિહાર્ય એવો વિવેક કેળવવો ખૂબ જરૂરી છે. સમકાલીન સામાજિક સન્દર્ભ, કવિની જીવનવિચારણા, કવિનું કાવ્યવિષયક દૃષ્ટિબિન્દુ – આ બધું મહત્ત્વનું છે પણ તે ગૌણભાવે, કહેવાતા વિદ્વાનો આ ગૌણ વીગતો પરત્વે ઘણું પાણ્ડિત્ય ડહોળતા દેખાયા છે, આપણા કાવ્યવિવેચનમાંથી આ બિનજરૂરી વીગતોનું ભારણ દૂર થવું જોઈએ.

સાહિત્યિક વિવેચનને નામે થતી સર્વ પ્રવૃત્તિમાં થોડ ેઘણે અંશે તારવણી અને પસંદગીની પ્રક્રિયા તો ચાલતી જ હોય છે, પછી એ પ્રવૃત્તિ અર્થઘટનની હોય કે મૂલ્યાંકનની હોય. આપણે એક કાવ્યનું વિવેચન કરતા હોઈએ છીએ ત્યારે કાવ્યમાંની અમુક વિગતોને આલોચના માટે જુદી તારવીએ છીએ અને એ સિવાયની બીજી વિગતો પર ઝાઝું ધ્યાન આપતા નથી. વળી વિવેચનની પ્રવૃત્તિમાં ભાષાન્તરનું તત્ત્વ પણ રહેવાનું જ; કવિના શબ્દોને વિવેચક પોતાના શબ્દોમાં મૂકીને વાત કરવાનો. આ વિધાનોનો સૂચિતાર્થ શો છે તે વિશે ઉપપત્તિ શી હોઈ શકે? આ વિધાનો પરત્વે ઝાઝો મતભેદ ન હોય, પણ એનાં જે સ્વાભાવિક પરિણામો આવે તે એટલાં સહેલાઈથી, કશા મતભેદ વિના, સ્વીકાર્ય ન બને.

કાવ્ય એ અત્યન્ત સંકુલ એવી શાબ્દિક રચના છે એ સ્વીકારીએ તો એમાં રહેલાં ઘટકો, એમની વચ્ચેના સમ્ભવિત અનેકવિધ સમ્બન્ધો – આ સ્વીકારવાનું રહે. કાવ્યમાં રહેલો વિચાર (felt thought), કલ્પનો, લય, શબ્દાલંકાર તથા અર્થાલંકાર, એમાં રહેલું કથનતત્ત્વ અને એમાંથી ઊપસી આવતી અનેક તાકિર્ક ભાત – આ બધું એકીસાથે લક્ષમાં લેવાનું અશક્ય થઈ પડે. આમ છતાં આપણે તો કહેતા હોઈએ છીએ કે કાવ્ય તો એક અખણ્ડ પુદ્ગલ છે, એનો અંશોમાં વિચાર ન થઈ શકે. પણ વાસ્તવમાં ખરેખર શું શક્ય હોય છે? આ બધાં ઘટકો વચ્ચેના સમ્બન્ધોની અનેકવિધ શક્યતાને આપણે પૂરેપૂરી આપણી આલોચનામાં આવરી લઈ શકીએ નહીં તે દેખીતું છે. એક નાના નિબન્ધમાં કોઈ આ બધાં ઘટકોનો સમગ્રતયા વિચાર કરીને એ વિશે આલોચનાત્મક દૃષ્ટિએ કશું કહી શકે એ સૈદ્ધાન્તિક રીતે જોતાં પણ સમ્ભવિત લાગતું નથી. એક પછી એક ઘટકોને ગણાવતા જઈએ એ દરમ્યાન જ ધીમે ધીમે આપણે કાવ્યના અખણ્ડ પુદ્ગલના ખ્યાલથી દૂર ને દૂર જતા જઈએ. વળી કાવ્ય પરત્વે આપણે એટલાં તો જુદાં જુદાં વલણો અને વિભિન્ન રસો દાખવતા હોઈએ છીએ કે ઘડીક સન્તોષકારક અને સુનિશ્ચિત લાગતું વિવેચન બીજા વાચને આપણને અધૂરું લાગવા માંડે. કશીક પણ સંકુલ સમૃદ્ધિવાળી કોઈ કૃતિને આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે આપણે દરેક વાચને કશુંક નવીન પામતા હોઈએ એવો અનુભવ થાય છે. કાવ્ય પરત્વે અત્યન્ત સંવેદનપટુ નહીં હોય એવા વાચકો પણ એટલું તો જાણતા હોય છે કે જુદો જુદો અભિગમ ધરાવનારી વિવેચનાઓ, એ પરત્વેનાં નવીનતમ વલણો, કૃતિ વિશેના આપણા ખ્યાલને બદલી નાખે છે. એ ઉપરાંત રાજકારણમાં થતાં પરિવર્તનો, સામાજિક મૂલ્યોમાં થતાં પરિવર્તનો અને ખીલતી આવતી મનોવૈજ્ઞાનિક સૂઝને કારણે પણ કૃતિ વિશેના ખ્યાલો બદલાતા રહે છે. વળી વિવેચનમાં અનિવાર્ય થઈ પડતા કવિના શબ્દોના ભાષાન્તરને ટાળવું હોય તો કૃતિમાંથી સીધાં અવતરણો જ ઉતારવાનાં રહે. પણ કાવ્યના સમગ્ર અર્થથી વિચ્છિન્ન હોવાને કારણે કૃતિની સમગ્રતાને એક અંશ દ્વારા જ રજૂ કરવાનો ઊણો પ્રયત્ન કરીને અટકી જાય એમ બને.

આમ વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધિવાળી સંકુલ કાવ્યરચના જોડે વિવેચકને કામ પાડવાનું હોય છે: એમાંથી એ એકાદ ભાત સ્પષ્ટ ઊપસી આવતી જુએ તો તે જ કાવ્યનો સમગ્ર મર્મ છે એવું કહી દઈ શકાય નહીં. એટલા માત્રથી કાવ્ય વિશે એ જે નિર્ણય પર આવે તેને સમગ્ર કાવ્ય પરત્વેનો નિર્ણય ન કહી શકાય. આથી એ જે કહે તે તત્પૂરતું જ સાચું હોય છે, એ સર્વથા સ્વીકાર્ય જ બને એમ કહી શકાય નહીં. આટલું સ્વીકારીએ તો આપણે જુદી જુદી દિશામાં આગળ વધી શકીએ. ક્યાં તો આપણે ક્યારેક કાવ્ય વિશે કશું પૂરું સન્તોષકારક કહી શકીએ એ વિશે પૂરા સંશયવાદી બની જઈએ અથવા તો વિવેચનાત્મક અર્થઘટન સ્વભાવે કરીને જ અશ્રદ્ધેય હોય છે એવું સ્વીકારીને એને માત્ર વ્યક્તિગત રુચિના નિદર્શન રૂપ લેખીએ. પણ આ અનેક કારણે સ્વીકાર્ય ન બની શકે. માનવમન શું કળામાં કે શું જીવનમાં વ્યવસ્થા સ્થાપવા ઇચ્છતું હોય છે; જીવનના અરાજકતાભર્યા સમૃદ્ધ અનુભવસંચયમાં વ્યવસ્થા ઉપજાવી આપે એવી કળાકાર પાસે એ અપેક્ષા રાખે છે. આથી આપણને મૂંઝવી નાખનારી કળાકૃતિની વૈવિધ્યમય સમૃદ્ધિમાં પણ વ્યવસ્થા સ્થાપી આપવાનું એ વિવેચકને કહે તે સ્વાભાવિક છે. આ બધાં વચ્ચે સંગતિ સ્થાપી આપવાની કોઈ ભૂમિકા એની પાસે હોવી જોઈએ એવી અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ. કોઈ કૃતિની વિવેચના કશાક સંઘટનસૂત્રને આધારે ટકી રહે એવી બની છે કે કેમ તે આપણે જરૂર તપાસીએ. મૂળ કૃતિની સરખામણીમાં એ ચઢિયાતી છે કે ઊણી તે આપણી ચિન્તાનો વિષય નથી હોતો. બહુ બહુ તો આપણે કૃતિની આલોચનાને સાપેક્ષ દૃષ્ટિએ જોઈએ. એમાં મૂળ કૃતિ અને એના વિવેચનમાં અમુક પ્રકારનું સાદૃશ્ય અપેક્ષિત હોય છે. આ સમ્બન્ધમાં આપણી કવિતા વિશેની કોઠાસૂઝ શો ભાગ ભજવે છે તે પણ તપાસવું જોઈએ.

એક કાવ્ય જો આટલું સંકુલ હોય, એથી આટલા બધા પ્રશ્નો ઊભા થતા હોય, અને એ કારણે એનું નિશ્ચિત એવું એક અર્થઘટન કે મૂલ્યાંકન કરી શકાતું ન હોય તો આપણા હાથમાંથી સરી જતા એ છટકિયાળ તત્ત્વને નોખું પાડીને (જે તત્ત્વ બધાં જ કાવ્યોમાં હોવાનું) એથી જે લાભ આપણને થતો હોય તે જતો ન કરવો પડે અને જે છટકિયાળ તત્ત્વને કારણે એ બીજાં કાવ્યોની અપેક્ષાએ વધુ કે ઓછું મૂલ્યવાન લાગે એવી પરિસ્થિતિ ઊભી કરવાનું ઝાઝું શક્ય બનતું નથી. એમ તો જીવન પણ કેટલી બધી અનિશ્ચિતતાઓથી ભરેલું છે! પીળો રંગ કોને કહેવાય તેની વૈજ્ઞાનિક પરિભાષામાં ઓળખ આપી શકાય, પણ ‘પીળો’ શબ્દ વાપનાર બધાંના મનમાં એનો જે જુદો જુદો સંકેત હશે તેનો એ વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે નહીં. વિજ્ઞાન અમુક શબ્દને વાપરવાની રૂઢિનો નિર્ણય પણ કરી આપી શકે નહીં; એ પ્રકાશનાં કિરણોની ચોકસાઈભરી વ્યાખ્યા કદાચ આપી છૂટે, પણ પ્રકાશના અમુક કિરણને આ કે તે નામે ઓળખવું તે યોગ્ય છે કે કેમ તે વિશે એ કશું કહી નહીં શકે. આમ છતાં એક ભાષા બોલનારા ભાષકો આ બધું સમજી લેતા હોય છે; એમના ભાષાવ્યવહારમાં અર્થની ગૂંચ, સાધારણ રીતે, ઊભી થતી નથી. પીળો રંગ ક્યાં પૂરો થાય છે ને નારંગી રંગ ક્યાંથી શરૂ થાય છે એ વિશે સન્દિગ્ધતા સંભવી શકે. આમ આવી સંદિગ્ધતા ભાષાના બંધારણમાં જ રહી હોય, રંગની રચનામાં જ હોય તો વ્યવહારમાં એથી ચોકસાઈ પરત્વે ઝાઝી મુશ્કેલી ઊભી થતી નથી, સાહિત્યના અધ્યાપકો શબ્દોની અમુક પ્રકારની સંરચનાને કાવ્ય કહેવાને સંમત થતા હોય અને એવી સંરચનાનું અમુક મૂલ્ય હોય કે અમુક અર્થ હોય એ પરત્વે એમની વચ્ચે સામાન્ય પ્રકારની સંમતિ હોય તો ભલે એની ચોક્કસ વ્યાખ્યા આપી નહીં શકાતી હોય, પણ એનો બોધ તો થતો જ હોય છે એમ માનવું રહ્યું. એના અનુવાદમાં પણ નિશ્ચિતતાનો દાવો ભલે નહીં કરી શકાય, તો પણ અમુક માત્રામાં એ મૂળના સત્યને આંબી શકે છે એવું કહી શકાય. વળી સાહિત્યના અધ્યાપકો અમુક કાવ્યોને લિરિક કહેવામાં અને અમુક કાવ્યોને કરુણાન્તિકા કહેવામાં સંમત થયા હોય તો એ પ્રકારના વર્ગીકરણથી અર્થ સરે છે એમ સ્વીકારવું રહ્યું.

આ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે સમજવાનો, સાદૃશ્યોની મદદથી, પ્રયત્ન કરીએ. સારું કહી શકાય એવા વિવેચનને આપણે નકશા જોડે સરખાવી શકીએ. એ મૂળ કાવ્યનાં મહત્ત્વનાં લક્ષણોને ચીંધી બતાવી શકે, ઓળખાવી શકે અને એ રીતે આપણે માટે માર્ગદર્શક બની શકે. નકશામાં જુદાં જુદાં માપ હોય છે, આ કે તે વસ્તુ પર ઓછોવત્તો ભાર મૂકવામાં આવ્યો હોય છે. એ ભૂસ્તરની વિવિધતા બતાવે. રાજકીય દૃષ્ટિએ પડતા ભાગો બતાવે કે વસતિની ઘનતા બતાવે. પણ જો આ બધું એ એકીસાથે કરવા જાય, બહુ નાના કે બહુ મોટા વિસ્તારમાં કરવા જાય તો બધું કંઈક ગૂંચવાડાભર્યું બની જાય.

વિવેચનનું પણ એવું જ છે. નકશામાં વળાંકને પણ સપાટ જ બતાવવામાં આવે છે; વિવેચનમાં પણ આવાં કેટલાંક ગૃહીતો છે. પણ આથી ‘વિવેચનમાં તો આ બધું ચલાવી જ લેવાનું હોય’ એવી સ્વીકૃતિથી આવતા ખોટા આશાવાદને ઝાઝો પોષવા જેવો નથી. વિવેચનમાં માત્ર કથાવસ્તુનો સાર જ નહિ આપવામાં આવ્યો હોય કે વિચારોનો સંક્ષેપ જ માત્ર આપવામાં આવ્યો નહીં હોય અને બીજું ઘણું બધું તાક્યું હોય તો એ પ્રમાણ જાળવી શકે નહીં કે એને ગાણિતિક ચોકસાઈની કસોટી પર ચઢાવી શકાય નહીં. નકશાએ શું રજૂ કરવું તે વિશે ઝાઝી સંમતિ છે,પણ વિવેચને શેની ચર્ચા કરવી એ વિશે એવી સંમતિ દેખાશે નહિ. બીજી સરખામણી આપણે તારાઓમાં જે આકાર કલ્પીએ છીએ તેની સાથે કરી શકાય. આપણે મઘાનું દાતરડું, હરણ, વ્યાધ વગેરે આકારોથી તારાઓના અમુક જૂથને ઓળખાવતા હોઈએ છીએ. અહીં પણ આપણે અમુક તારાને અમુક બીજા તારા સાથે સાંકળવાની જે પસંદગી કરીએ છીએ તે યદૃચ્છામૂલક જ હોય છે; એના પર જે પરિચિત આકારનું આરોપણ કરીએ છીએ તેને વિશે પણ એવું જ કહેવાનું રહે. આ ગ્રહનક્ષત્રો આકાશમાં જે રીતે ખરેખર સમ્બન્ધમાં છે તે સાથે એને કશી લેવાદેવા નથી. અમુક દૃષ્ટિકોણથી જોતાં જે આકાર ઉપસાવી આપતા સમ્બન્ધ દેખાય છે તેવી જ આપણે વાત કરતા હોઈએ છીએ. આથી ‘આને મઘાનું દાતરડું જ શા માટે કહેવાય?’ કે ‘આને વ્યાધ કેમ કહેવો?’ એવી ચર્ચાનો ઝાઝો અર્થ રહેતો નથી. મોટા ભાગનું વિવેચન આ તારાના આકાર જોવાના પ્રકારનું હોય છે. પણ વિવેચકને આપણે, સહજસ્ફુરણાથી, જે સામગ્રી આમ તો અસમ્બદ્ધ નથી તેમાં સમ્બન્ધ સ્થાપતો જોઈ શકીએ છીએ. આ સમ્બન્ધ સ્થાપવા પાછળનો સિદ્ધાન્ત ચોક્કસ પરિભાષામાં કદાચ વર્ણવી નહિ શકાય. જો કોઈ વિવેચકને નર્યો ખોટો પુરવાર કરી શકાતો હોય તો તે વિવેચક તરીકે નહિ, પણ અભ્યાસી તરીકે. એ કવિની ‘ભાષા’ના અમુક પાસાને સમજવામાં એ નિષ્ફળ ગયો હોય એમ બને. એ અર્થઘટનના અને મૂલ્યાંકનના ક્ષેત્રમાં પ્રવેશે પછી આવાં, હકીકત પર આધાર રાખતાં, ધોરણો ભાગ્યે જ લાગુ પાડી શકાય.