અષ્ટમોઅધ્યાય/નવી કવિતામાં છન્દ અને ભાષા

Revision as of 07:16, 28 June 2021 by MeghaBhavsar (talk | contribs)


નવી કવિતામાં છન્દ અને ભાષા

સુરેશ જોષી

ભારતની બીજી ભાષાઓની કવિતાએ સંસ્કૃત વૃત્તોને ખૂબ વહેલા છોડી દીધા હતા. ગુજરાતી કવિતાને સંસ્કૃત વૃત્તો છોડતાં ઘણી વાર લાગી. મધ્યકાળમાં તો સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ ઝાઝો હતો જ નહીં. પણ ત્યારે તો કવિતા પરોક્ષ વાચનનો નહીં, પ્રત્યક્ષ શ્રવણનો વિષય હતી. આથી શ્રવણસુખ મહત્ત્વની વાત બની રહેતી. આખ્યાન, પદ વગેરેમાં તેમ જ વેદાન્તની જ વાત કરનાર અખાની ‘અખેગીતા’માં પણ સંગીતનો આશ્રય કવિએ લીધો છે.

અંગ્રેજોના આગમન પછી સંસ્કૃતના વ્યવસ્થિત અભ્યાસની સગવડ ઊભી થઈ. વળી સંસ્કૃત કાવ્યસાહિત્યને આપણે પશ્ચિમે ઉપજાવેલાં વિવેચનનાં ધોરણોને ધ્યાનમાં રાખીને જોતા થયા. આમ સંસ્કૃત ભાષાના વૈભવનો, એની મધુરતાનો, એની ધ્વનિક્ષમતાનો આપણને અનુભવ થયો. દલપતરામે પંગિળ રચી આપ્યું. ધીમે ધીમે મધ્યકાલીન કાવ્યપ્રકારો કવિ છોડતા ગયા. ઊમિર્કાવ્ય જેવી લઘુ રચનાઓ વધતી ગઈ. જીવન પ્રત્યેના અભિગમમાં પણ ક્રાન્તિકારી પરિવર્તન આવ્યું. કવિતા સમૂહ વચ્ચેથી ઊઠીને વિશિષ્ટ સજ્જતાવાળી વ્યક્તિ સમક્ષ આવીને ઊભી રહી. આ ગાળા દરમિયાન કાવ્યમાં વિદગ્ધતાનું ગૌરવ થયું. આ પરિસ્થિતિમાં કાવ્યબાની મોટે ભાગે સંસ્કૃત તત્સમ શબ્દો પર આધાર રાખનારી હતી. સંસ્કૃત વૃત્તો આ તબક્કે વધુ અનુકૂળ થઈ પડ્યાં.

આમ છતાં કેશવ હર્ષદ ધ્રુવ, નાનાલાલ, ખબરદાર અને બ.ક.ઠાકોરે પ્રચલિત પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર જોઈ અને પોતપોતાની કાવ્યસમજ અનુસાર છન્દમાં ફેરફારો કરવાની હિમાયત કરી. આ દરમ્યાન માત્રામેળ છન્દોનો ઉપયોગ તો થતો જ હતો. હરિગીત, ઝૂલણા, દોહરા વગેરેનાં આવર્તનોમાં વૈવિધ્ય લાવીને એ છન્દોને વધુ કાવ્યોપકારક બનાવવાની પ્રવૃત્તિ તો ચાલી જ રહી હતી. ગુજરાતી ઉચ્ચારણોની વધુ નજીક આવી શકે એવા છન્દના બંધારણની આવશ્યકતા વર્તાવા લાગી હતી. વળી ભાષામાં રહેલી સંસ્કૃતપ્રચુરતા પરત્વે વિદગ્ધ કવિઓ પણ ગાંધીજીના પ્રભાવથી નવી રીતે વિચારતા થયા હતા. આ જ ગાળામાં પશ્ચિમમાં પણ વાતચીતની છટા, ગદ્યગન્ધી પદ્યની હિમાયત થવા લાગી હતી.

સંસ્કૃત વૃત્તોને જે શિસ્તની અપેક્ષા હતી તે જાળવીને કવિઓ સલામતી અનુભવતા હતા. આથી ભાષાના વિનિયોગ પરત્વેની પ્રયોગશીલતા કે સાહસવૃત્તિ ઝાઝાં દેખાતાં નહોતાં. આને કારણે સમકાલીન બોલાતી ગુજરાતી ભાષાની જુદી જ, કંઈક અંશે obsolete કહી શકાય એવી, એક કૃત્રિમ કાવ્યબાની અસ્તિત્વમાં આવી. કવિ બોલાતી ભાષાની છટા, એના કાકુઓનું વૈવિધ્ય – આ બધાંથી દૂર જતો હોય એવું લાગવા માંડ્યું. સંસ્કૃત વૃત્તો જાળવી રાખીને, એનાં દૃઢ યતિબન્ધનોને હળવાં કરીને એમાં પ્રવાહિતા અને અર્થાનુસારી લય લાવવાનો આગ્રહ રખાયો. સંસ્કૃત વૃત્તોનાં પણ કેટલાંક મિશ્રણોના પ્રયોગો થયા. આમ છતાં કાવ્યબાનીમાં એકવિધતા અને રેઢિયાળપણું દેખાવા લાગ્યાં. કવિના વ્યક્તિત્વની વિશિષ્ટતાની મુદ્રા એમાંથી ઊપસી આવતી હોય એવું દેખાતું નહોતું. જીવન પ્રત્યેના અભિગમમાં પણ એક પ્રકારની એકવાક્યતા આવી ગઈ હતી.

આ ગાળા દરમ્યાન માત્રામેળ છન્દમાં રચનાઓ થતી તથા ગેય રચનાઓ પણ થતી તો હતી જ. ધીમે ધીમે રુક્ષ વાસ્તવિકતા તરફનો ઝોક વધ્યો તેની સાથે પ્રસાદ અને માધુર્યને બદલે ઓજસનો આગ્રહ વધતો ગયો. લોકબોલીનો પ્રવેશ કાવ્યમાં થવા લાગ્યો. ‘કોયા ભગતની કડવી વાણી’ જેવી રચનાઓ સમ્ભવી. આમ છતાં ભાષાનાં જુદાં જુદાં પોત કાવ્યમાં પ્રકટ થતાં ઝાઝાં દેખાતાં નહોતાં. ક્યાંક કશુંક કુણ્ઠિત કરી દેનારું તત્ત્વ હતું એમ વર્તાયા કરતું હતું. બ.ક.ઠાકોરે તો મનુજચિત્તબ્રહ્માણ્ડનાં બધાં ફલક માપવાનું કહ્યું હતું. પણ આપણી કવિતાનું ક્ષેત્ર એટલું વિસ્તર્યું નહોતું, મોટા ભાગના કવિઓ પરમ્પરાગ્રસ્ત હતા. થોડાક માનાર્હ અપવાદો બાદ કરતાં કવિઓ તૈયાર બાનીનો જ ઉપયોગ કરતા હતા. ભાષાના વિનિયોગ પરત્વેની સભાનતા પૂરતા પ્રમાણમાં કેળવાઈ નહોતી. રૂઢ સુબોધ અર્થથી થોડે દૂર જવાનું સાહસ કરનારાઓ સામે ‘દુર્બોધતા’ની ફરિયાદ થવા લાગી હતી.

આ પછી સ્વાતન્ત્ર્યપ્રાપ્તિના પ્રકાશમાં આપણે આપણને પહેલી વાર સાચે સ્વરૂપે ઓળખ્યા. આપણી ઘણી મોહક ભ્રાન્તિઓનો આપણે ત્યાગ કરવો પડ્યો. વાસ્તવિકતાનો આપણને એક નવા જ પ્રકારનો અનુભવ થયો. આથી પહેલાં તો આપણે હેબતાઈ ગયા, પછી રોષ ઉદ્ભવ્યો, વિષાદનો પણ અનુભવ થયો. એક નવા જ પ્રકારની ભાવશબલતાને પ્રકટ કરવા માટે અનુકૂળ છન્દની શોધ ફરી ચાલી. શરૂઆતમાં તો વનવેલી કે કટાવની ચાલથી આપણું કામ નભાવી લીધું. સંસ્કૃત વૃત્તો કરતાં માત્રામેળ છન્દોનો ઉપયોગ વધ્યો. આમ છતાં છન્દોને સાવ છોડી દેવાનું સાહસ ત્યારેય આપણે કરી શક્યા નહિ. હજી ગદ્યની ઘણીય લઢણોને સ્થાન આપી શકતા નહોતા.

આ પછી અશ્રદ્ધા, મૂલ્યહ્રાસ, માનવીને ઉલ્લંઘીને પામવો પડે એવા ઈશ્વર વિશે શંકા – આ બધું વાતાવરણમાં ઘોળાવા લાગ્યું. આ વિસંવાદી અરાજકતા કેવળ સંસ્કૃત વૃત્તોના શિસ્તબદ્ધ ચોકઠામાં સમાઈ શકે એવી નહોતી. આ વિસંવાદ અને એકાએક છતી ગઈ ગયેલી અસંગતિને એક નવા જ લયની અપેક્ષા હતી. વળી આ ઉપરાંત પૂર્વનિદિર્ષ્ટ ભાવનાઓનાં તૈયાર ચોકઠાંમાં જીવનને પૂરી દેવાની વૃત્તિને બદલે જીવનને કશી તૈયાર વિભાવનાઓના માધ્યમ દ્વારા પામવાને બદલે, એક પ્રકારની વ્યવધાનહીન પારદર્શક અપરોક્ષતાનો આગ્રહ રખાવા લાગ્યો. સ્થિતસ્ય સમર્થનમ્ની સ્થિતિ છોડવાની ઉગ્ર આવશ્યકતા વર્તાઈ. વિદ્રોહનાં સૂત્રોથી વાતાવરણ ગાજી ઊઠ્યું.

આ જ ગાળામાં અંગ્રેજી અનુવાદો દ્વારા આપણે, આજ સુધી જેનો પરિચય નહિવત્ હતો તેવી યુરોપના અન્ય દેશોની અને લેટિન અમેરિકાની કવિતાના પરિચયમાં આવ્યા. ભાષા પરત્વેનાં અને છન્દ પરત્વેનાં વલણોને બદલવામાં આ પરિચયે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો. સૂક્ષ્મ અમૂર્ત ચિન્તન કે ભાવનાનો શુકપાઠ છોડીને કવિ હવે આ અરાજકતાને આવરી લઈ શકે એવાં સ્ફટિકકઠિન કલ્પનો અને પ્રતીકો શોધવા લાગ્યો. આ નવી ઊભી થયેલી આવશ્યકતા સંસ્કૃત વૃત્તો સન્તોષી શકે એવું લાગ્યું નહીં.

એકાએક જાણે રૂઢિએ પ્રાપ્ત કરી આપેલું સંરક્ષણનું કવચ સરી પડ્યું અને આપણે જાગતિક સન્દર્ભના વિશાળ પરિપ્રેક્ષ્યમાં આપણને મૂકીને જોવા લાગ્યા. અર્થપ્રધાન કવિતા તે જ દ્વિજોત્તમ જાતિની કવિતા એવી માન્યતા આપણને ફરી ચકાસવા જેવી લાગી. અસંગતિ અને અર્થશૂન્યતાની અનુભૂતિને કારણે સહેલાઈથી તાળો મેળવી લઈ શકાય એવી વાસ્તવિકતા, જગતને સહેલાઈથી ગોઠવી આપનારી ફિલસૂફી – આ બધાંમાંથી કવિ એકાએક જાણે ઊંચકાઈને બહાર ફેંકાઈ ગયો. એની આ અનિકેત અવસ્થાનો પડકાર ઝીલવા માટે એણે ભાષા અને છન્દ પરત્વે નવી જ સજ્જતા કેળવવાની રહી.

આમ કવિને પરમ્પરાગ્રસ્ત દશામાંથી બહાર નીકળવું પડ્યું. એ પોતા તરફ વળ્યો અને પોતાના જ એક ‘હું’નું નવું પાત્ર ઊભું થયું. પણ એમાં આ ‘હું’ને માટેની પ્રીતિ નહોતી. કવિ પોતાને જ ઉપાલમ્ભ આપવા લાગ્યો, નિર્મમપણે પોતે જ પોતાની વિડમ્બના કરવા લાગ્યો. આ ઉપાલમ્ભ અને વિડમ્બનાના કાકુઓને ઉપસાવવા માટે નવા લયની જરૂર પડી.

આગલી પેઢીની કવિતા સાથેનો પોતાનો સમ્બન્ધ છેદી નાંખવા માટે એ અધીરો બન્યો. વિદ્રોહને કારણે એક પ્રકારની આત્યન્તિકતા એના વર્તનમાં દેખાવા લાગી. પશ્ચિમમાં પ્રચલિત વાસ્તવિકતાનો છેદ ઉડાવી દઈને અતિવાસ્તવનું નવું પરિમાણ ઉપસાવવાના જે પ્રયત્નો થયા તેના પણ એ પરિચયમાં આવ્યો. ભાષામાં કેવળ અર્થક્ષમતા હોય તેટલાથી એને સન્તોષ ન થયો. અર્થને ઉલ્લંઘીને જેને પામી શકાય તેને માટે પણ એ તત્પર થયો.

આમ અછાન્દસનો તબક્કો શરૂ થયો. શરૂશરૂમાં ખૂબ વાચાળતા દેખાવા લાગી. કવિ જાણે બોલતો નહીં હોય પણ લવતો હોય એવું પણ લાગ્યું. કવિએ શિષ્ટ સમ્માન્ય ભાષાને પરી કરી દીધી. શબ્દો નહીં પણ શબ્દોનાં ડહોળાયેલાં ફીણ ઊભરાયાં. ભાષા સાથે એક પ્રકારનો હિંસક વ્યવહાર શરૂ થયો. કવિએ જાણે પોતાનો રોષ સૌપ્રથમ ભાષા પર ઠાલવ્યો. આથી રૂઢ વ્યાકરણસમ્મત અન્વયો એણે તોડી નાંખ્યા. પુનરાવૃત્તિ એણે જાણી કરીને વહોરી લીધી. ઘડીભર ભાષાને પ્રાસને ચગડોળે ચગાવી. અર્થના સકંજામાંથી ભાષાને છોડાવવા એ પ્રગલ્ભ બન્યો. ભાષાના પાતાળમાં ડોકિયું કરવા માટે એણે એમાંથી અર્થને ઉલેચી નાંખ્યો.

આ તબક્કે કવિને માથે મોટી જવાબદારી આવી પડી. પોતાની સાથે એકોક્તિમાંય કાકુઓનું વૈવિધ્ય તો જળવાવું જ જોઈએ. એની લઢણો તથા લહેકાઓમાં એકવિધતા આવવી ન જોઈએ. કવિએ કેવળ શિષ્ટતાના ઉચ્છેદ આગળ જ અટકી જવું ન જોઈએ. સંસ્કૃત વૃત્તોના તૈયાર લયની સગવડને સ્વેચ્છાએ તિલાંજલિ આપ્યા પછી પોતાના રસકીય પ્રયોજનને અનુકૂળ નવો લય શોધવાની જવાબદારી એને માથે આવી પડી. ધીમે ધીમે પોતે મેળવેલી સ્વતન્ત્રતાનું શું કરવું તે જાણે એને સમજાતું ન હોય એવી એક સ્થિતિ ઊભી થઈ. વળી ભાષા રેઢિયાળ બનતી લાગી. ગદ્યના જ ટુકડા કરીને મૂક્યા હોય એવી પંક્તિઓ વધુ દેખાવા લાગી, કાવ્યાભાસી ગદ્ય ઊભરાવા લાગ્યું, એનાં એ કલ્પનો, એનો એ ઇન્દ્રિયવ્યત્યય અને એનો એ આક્રોશ દેખાવા લાગ્યાં. કવિ એક પ્રકારની facile despair વાગોળતો થઈ ગયો.

પણ આ દરમ્યાન લગભગ મોટા ભાગના બધા જ કવિઓ તળપદી બાનીને આત્મસાત્ કરવા તરફ વળ્યા. કાંજી કરેલી અને અસ્ત્રીબંધ જે ભાષા પહેલાં કાવ્યમાં દેખાતી તેને સ્થાને પ્રાદેશિક બોલીઓનું વૈવિધ્ય, એનું આગવું કૌવત, એની નિરાડમ્બરી નિખાલસતા – આ બધાંને કાવ્યમાં સ્થાન મળ્યું. આજની યુગચેતનાએ ઉપલ્બધ કરાવેલી સૂક્ષ્મસંકુલ સંવેદનાને કૃત્રિમ વિદગ્ધતા વિનાની સહજ તળપદી બાનીમાં અભિવ્યક્ત કરવાનું સાહસ કવિઓએ કર્યું. આ દૃષ્ટિએ રાવજી અને ગુલામમોહમ્મદ શેખની તેમ જ સિતાંશુ જેવા વિદગ્ધ કવિની બાનીને સરખાવવી જોઈએ. વિદગ્ધતાને સ્થાને કેળવેલી અવિદગ્ધતા દેખાવા લાગી.

આપણા સમયની એક વિલક્ષણતા એ છે કે સાહિત્યક્ષેત્રમાં આન્દોલનો બહુ ઝડપથી થતાં આવે છે. એક આન્દોલન ઝાઝું ટકી રહેતું નથી. એ કશું નોંધપાત્ર સિદ્ધ કરે ન કરે ત્યાં એ ખતમ થઈ જાય છે. અછાન્દસ પ્રવૃત્તિનાં સિદ્ધિમર્યાદાઓનું સરવૈયું હજી તો કાઢીએ તે પહેલાં એમાં ઓટ આવી ગઈ. કદાચ કવિ પૃથક્જન કે સામાજિકોથી ઝાઝો વેગળો રહી શક્યો નહીં. ફરી ગીતો અને ગઝલો તરફનો ઝોક વધ્યો. આને કારણે ભાષાનાં બધાં પોતને પ્રકટ કરવાની શક્યતા ઓછી થઈ. ગીતોમાં લયની એકવિધતા, રોમેન્ટિક અભિનિવેશ – આ બધું દેખાવા લાગ્યું. ભાષા તો સાત માળનો મહેલ છે. એનો પૂરેપૂરો, સર્વસ્તરે, ઉપયોગ આપણો અનેક વિધિનિષેધોથી પીડાતો સમાજ કયાંથી કરી શકે? આથી જ તો slang – અપભાષાને પણ સાહિત્યિક પ્રયોજન માટે જોતરવાનું આપણને પરવડતું નથી. વળી ઊંચી કક્ષાનું કાવ્યત્વ સિદ્ધ કરવા માટે ભાષા જોડે જે કામ પાડવાનું હોય છે તેને લાંબી સાધનાની અપેક્ષા રહે છે. સાતત્યવિહીન આ સાહિત્યિક વાતાવરણમાં એ શક્ય બનશે ખરું?