ગુજરાતી ગઝલસંપદા/શયદા

Revision as of 03:06, 30 December 2022 by Kamalthobhani (talk | contribs)


શયદા
1

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

2

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.


3

હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઈ ધરમ નથી કોઈ કરમ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે!
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.