ગુજરાતી ગઝલસંપદા/નસીમ

Revision as of 03:12, 30 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નસીમ |}} <poem> વિશ્વપથમાં વિહાર મારો છે, ઊંડે જીવનગુબા૨, મારો છે.<br> ઉપવન જિન્દગીનું રાખું છું; ફૂલ મારું છે. ખા૨ મારો છે!<br> વાયુના પાલવે નથી ખુશ્બુ; ઉરનો સુરભિપ્રસાર મારો છે.<br> કાંઠ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નસીમ

વિશ્વપથમાં વિહાર મારો છે,
ઊંડે જીવનગુબા૨, મારો છે.

ઉપવન જિન્દગીનું રાખું છું;
ફૂલ મારું છે. ખા૨ મારો છે!

વાયુના પાલવે નથી ખુશ્બુ;
ઉરનો સુરભિપ્રસાર મારો છે.

કાંઠો શોધું, નથી હું કઈ મોજું;
વારિધિ બેકિનાર મારો છે.

રંગ નીરખું નિસર્ગના છે કે –
એ નિસર્ગી વિચાર મારો છે!

રૂપ તો દિવ્ય છે બધાં રૂપે,
એક દૃષ્ટિવિકાર મારો છે.

ગીત ઇચ્છાનું કાં બજી ન શકે?
સાજ મારો છે, તાર મારો છે.

દીપકે ફૂલ જ્યાં ન જોઈ શકો;
સ્નેહીઓ, એ મજા૨ મારો છે!

હિમબિન્દુ નથી એ કળીઓ પર;
રાતનો અશ્રુસાર મારો છે!

તું દિયે દોષ કોઈને શાને?
જામ મારો, ખુમાર મારો છે!

ઊર્મિના રંગ શું ‘નસીમ’ કહું?
અન્ય ઊર્મિપ્રકાર મારો છે!