ગુજરાતી ગઝલસંપદા/‘ગની’ દહીંવાલા

Revision as of 02:44, 31 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ‘ગની’ દહીંવાલા |}} <center> '''1''' </center> <poem> નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.<br> દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ, ઉઘાડી આંખથી રાતો કપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘ગની’ દહીંવાલા
1

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

2

સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો

વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’
કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો

3

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હૃદયમાં આગ દુનિયાભરની લાવીને.

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો!
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.

4

તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,

પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,

મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઈ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની,

ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,

તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઈ કસર થૈ ગઈ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા!

ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઈ છે.

5

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.