ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગાણું અધૂરું

Revision as of 06:36, 5 January 2023 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગાણું અધૂરું

ગાણું અધૂરું મેલ્ય મા,
’લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરુંo

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
’લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરુંo

ઓરાં બોલાવી ધકેલ મા,
’લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરુંo

છાતીથી છેટાં મેલ મા,
’લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા
’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.

સપ્ટેમ્બર ૧૯૩૬
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૫૦)