ગુજરાતી ગઝલસંપદા/ ભગવતીકુમાર શર્મા

Revision as of 11:06, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ભગવતીકુમાર શર્મા |}} <center> '''1''' </center> <poem> રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે… મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…<br> છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત્‌; હું – તું – આ – તે – તેઓની સાંકળ વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભગવતીકુમાર શર્મા
1

રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત્‌;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…

ત્યાં – અહીં – પેલી તરફ – પાસે ક્ષિતિજ પર,
ધૂળ – ધુમ્મસ – માવઠું – જળસ્થળ વગેરે…

આ – વિકલ્પો – તે – અગર પેલું – વિકલ્પે;
સ્મિત – અશ્રુ – મોતી કે ઝાકળ વગેરે…

‘જો’ અને ‘તો’ – ‘પણ’ અને ‘બણ’ કે પછી
કોણ? – કોઈ – કંઈ – કશું – નિષ્ફ્ળ વગેરે…

કાલ – હમણાં – અબઘડી – કાલે પરમ દિ’;
કાળ – યુગ – સૈકા – વરસ પળપળ વગેરે…

શ્વાસ – ધબકા – હૃદય -લોહી – શિરાઓ;
લાગણી – ડૂસકું – ચિતા બળબળ વગેરે…

2

તું એક વખત માનવીને વ્હાલ કરી જો!
કેવો તું થશે ધન્ય, જરા ખ્યાલ કરી જો!

અહીં કાલ ઉપર ઠેલી શકાતું ન કશું યે;
કરવો છે યદિ પ્રેમ તો તત્કાલ કરી જો!

દિલચોરી જો કરવી છે તો પાછો જ વળી જા;
સર્વસ્વ લૂંટાવીને સ્વયં ન્યાલ કરી જો!

આ પ્રેમનો વંટોળ છે; રો..કી ન શકાશે;
આડશરૂપે તું વજ્રની દીવાલ કરી જો!

હંમેશ વસંતો છે, ન પતઝડનું પગેરું;
તું વ્હાલની ફોરમનો ફગરફાલ, કરી જો!

3

પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક ડૂબ્યાં;
પંક્તિ ફકરા અક્ષર શબ્દો શીર્ષક ડૂબ્યાં.

હ્રસ્વ ઈ દીર્ઘ ઈ અનુસ્વાર ને કાનો માતર;
વમળ–વહેણમાં તણાઇને સૌ ભરચક ડૂબ્યાં.

પંડિતના ચશ્માં, કલમો સર્જકની ડૂબી;
ધરી તર્જની લમણે શાણા ચિંતક ડૂબ્યાં.

સાંકળિયાંઓ પાદટીપ ને લાલ લિસોટા;
ભીંત ઉપરની ઘડિયાળોનાં લોલક ડૂબ્યાં.

જળજળબંબાકાર, કબૂતર અને છાજલી,
તૈલચિત્ર પાછળનાં ચીંચીં–ચકચક ડૂબ્યાં.

આંગળીઓની છાપ અને દૃષ્ટિના સ્પર્શો;
પુસ્તક સાથે ઘણા સંભવિત વાચક ડૂબ્યાં.

કાક–મંજરી–કુમુદસુન્દરી–સાર્ત્ર ગયાં ક્યાં?
મન્દાક્રાન્તા વસંતતિલકા તોટક ડૂબ્યાં.

કાળમુખા જળદાનવ, તારું ગજું કેટલું?
કાલ જન્મશે જ્ઞાન આજ જે અઢળક ડૂબ્યાં.

(સંદર્ભ–૨૦૦૬નાં તાપીના પૂરમાં સુરતના કેટલાંક પુસ્તકાલયો ડૂબ્યાં હતાં)