ગુજરાતી ગઝલસંપદા/ અંજુમ ઉઝયાનવી

Revision as of 11:35, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અંજુમ ઉઝયાનવી |}} <poem> ચો-તરફ તડકો બની ફેલાય છે, એક ટહુકો છે, બધે સંભળાય છે.<br> આમ તો, આકાર કે ચહેરો નથી, તોય ઝાઝાં નામથી પંકાય છે.<br> વાયરો વાસંતી, ચાલો, માણીએ, જામથી જાણે નશો છલકાય છે.<b...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અંજુમ ઉઝયાનવી

ચો-તરફ તડકો બની ફેલાય છે,
એક ટહુકો છે, બધે સંભળાય છે.

આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાઝાં નામથી પંકાય છે.

વાયરો વાસંતી, ચાલો, માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.

વાદળાં વરસે છે મુશળધારથી,
એક સરખાં ક્યાં કોઈ ભીંજાય છે.

બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો-સો પ્રલય વમળાય છે.

સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?

રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?

આંગણું છોડીને બા’રે તો નીકળ,
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.