ગુજરાતી ગઝલસંપદા/ મહેશ દાવડકર

Revision as of 14:21, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મહેશ દાવડકર |}} <poem> જોઈ લઉં આરપાર મારામાં, ક્યાં થયો ફેરફાર મારામાં?<br> આ સકળ વિશ્વ ભીતરે પણ છે, થઈને જો તું પસાર મારામાં.<br> હોય તારું સ્મરણ તો લાગે છે, રણઝણે કો’ સિતાર મારામાં.<br> હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહેશ દાવડકર

જોઈ લઉં આરપાર મારામાં,
ક્યાં થયો ફેરફાર મારામાં?

આ સકળ વિશ્વ ભીતરે પણ છે,
થઈને જો તું પસાર મારામાં.

હોય તારું સ્મરણ તો લાગે છે,
રણઝણે કો’ સિતાર મારામાં.

હું મને એ ક્ષણે મળી લઉં છું,
હોય જ્યાં સૂનકાર મારામાં.

વેદનાઓ અતિથિ થઈ આવે,
હુંય દઉં આવકાર મારામાં.

ખીલતું પદ્મ જેમ કાદવમાં,
એમ ખીલે વિચાર મારામાં.

ક્યાંક હોવાપણું વિખેરાશે,
આંધી છે જોરદાર મારામાં.