ગુજરાતી ગઝલસંપદા/ સંજુ વાળા

Revision as of 14:25, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સંજુ વાળા |}} <center> '''1''' </center> <poem> અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?<br> આજે સ્હેજ છાતી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંજુ વાળા
1

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે
એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત
કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના
ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત
કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ
નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત
કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો
હે શ્રોતાજન! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત
કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા
એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત
કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી
આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત
કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

2

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ?