ગુજરાતી ગઝલસંપદા/ સતીન દેસાઈ ‘પરવેઝ’
Revision as of 14:37, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સતીન દેસાઈ ‘પરવેઝ’ |}} <poem> ઝરણાની ઘેલછામાં, ભૂલી ગયો દિશાઓ; દરિયો કઈ દશામાં, ભૂલી ગયો દિશાઓ.<br> ભીતર લપાઈ શ્વાસો શતરંજ ખેલ ખેલે, કઈ ચાલ ચાલવામાં, ભૂલી ગયો દિશાઓ.<br> ઓ જીવ, આખરે તો દે...")
સતીન દેસાઈ ‘પરવેઝ’
ઝરણાની ઘેલછામાં, ભૂલી ગયો દિશાઓ;
દરિયો કઈ દશામાં, ભૂલી ગયો દિશાઓ.
ભીતર લપાઈ શ્વાસો શતરંજ ખેલ ખેલે,
કઈ ચાલ ચાલવામાં, ભૂલી ગયો દિશાઓ.
ઓ જીવ, આખરે તો દેતી દગો સુગંધો,
કેવી અજબ હવામાં, ભૂલી ગયો દિશાઓ!
ટટ્ટાર ઊભવું’તું જનમોજનમની આણે,
તરણું જ તોડવામાં, ભૂલી ગયો દિશાઓ.
છાયાની બસ મમતમાં રઝળે છે રાતદિન એ,
કેવી એ સૂર્યતામાં, ભૂલી ગયો દિશાઓ!
હું વ્હાણમય હતો ને, જળમય હવે થયો છું,
જળને જ તારવામાં, ભૂલી ગયો દિશાઓ.
દર્શન કે દ્વાર સાથે નાતો નથી રહ્યો કે,
એની જ તો કથામાં ભૂલી ગયો દિશાઓ.
ગાથા ગવાય ક્યાં લગ 'પરવેઝ' બે ચરણની,
ઉંબરને ઠેકવામાં ભૂલી ગયો દિશાઓ.