ગુજરાતી નિબંધ-સંપદા/ભરત નાયક/સુરત

Revision as of 08:12, 28 June 2021 by NileshValanki (talk | contribs)
સુરત

ભરત નાયક

બાપુજીની બદલી થઈ એટલે મહેસાણાથી સુરત આવ્યા. રેલવે-યાર્ડમાં બંગલો મળેલો. આગળ બગીચો. ડાબી મેર લીમડો. પાછળ વાડો. જાંબુડા ઓથે ત્રણ ઓરડી હતી. એકમાં સાફસફાઈવાળા ચાકર ગંગા ને એનો વર રહે. એની બાજુની ઓરડામાં કળબ સીંચેલી ને ગોતર ને ખોળની ગૂણી ભરેલી. એનાં બારણાં પાસે જતાં મોતિયા મરે. ખોળની કડવી વાસ જીરવાય ની. ત્રીજી ખોરડીમાં મહેસાણાથી આણેલી મારી ચાંદરી ભેંસ રહે. સવારે ને સાંજે ચાંદરી પાંચ શેર – પાંચ શેર દૂધ આપે. રેલવેના સ્ટૉલ પર દૂધ ભરીએ, ત્યાં આઠ-દશ પાટા, શન્ટિંગ થયા કરે. કોઈ ને કોઈ લાઈન પર માલગાડી પડી રહે. હાથમાં બરણી લઈ, માલગાડી નીચેથી નીકળી સ્ટૉલ પર દૂધ ભરવાનું. નિશાળથી આવતી વખતે બરણી પાછી લઈ આવવાની. કળબ ચાવતી ચાંદરીની ખખડતી સાંકળ ઓરડી બહાર ઘણી વાર લટાર મારતી હોય. બંગલો ચારેક ઓરડાનો હતો. ઓરડે વીશેક હાથ ઊંચી છતથી પાંચેક હાથ લાંબી, લટકતી લોઢાની દાંડી પર મસમોટા સૂપડા જેવા પંખા ફરે. ધતૂરાનાં ફૂલ જેવા આછા જાંબલી ચિનાઈ માટીના ઢાંકણાવાળી બત્તી લાંબાલચક કાળા વાયર પર ઝૂલે. દીવાનખંડમાં ષટ્કોણિયું મેજ હતું – આરસ મઢેલું. સીસમની આરામખુરશી હતી. ખુરશીના હાથા નીચેથી પાટિયાં બંને બાજુએ ખેંચી, સામે મેળવી, એ પર પગ લંબાવી ઓ તા’રે પડી રહેવાનું – ટેશન પર આરામઘરમાં મુસાફર પડ્યા રહે એમ. બંગલામાં દાખલ થતાં ચોપાડ આવે – ફરતે ભીંત અડધી ઈંટની, ઉપરથી અડધી લાકડાંનાં જાળિયાંથી બંધાયેલી. જાળિયાંમાંથી તડકા પહેરી પહેરીને ચકલાં આવ-જા કર્યાં કરે, તણખલાં ઊંચકી દીવાનખંડમાં લટકાવેલા ફોટા પાછળ ગોઠા બાંધ્યા કરે. ઈંડાં ફોડી બચ્ચાં નીકળે. કાચલાંમાંથી દોરડી જેવી ડોકી ફેરવીને એ ચીંચવાયા કરે. બચ્ચાંની ડોકી રાતીચોળ, એમાંથી તડકો આરપાર દેખાય. છેવાડેના ઓરડાની બારી પાસે હું બેસી રહું. સળિયા પકડી બેઠા હોઈએ ત્યારે ઓરડો ગાડીનો ડબ્બો લાગે. સળિયામાંથી તીડિયા ધસી આવે ને પાછળ ચકલાં. આ ઓરડામાં એક દા’ડો મેં, પ્રતાપ ને દિવાકર સાથે, ચકલો ખદેડ ખદેડ કર્યો. લાકડીવાળું ઝાડુ લઈ ઉછાળીએ. ઝાપટ મારતા જઈએ. હોકાર પાડીએ. દેકારા મચાવીએ. ચકલો પંખાની પાંખે ઠરે ની ઠરે, ફોટા પર. ત્યાં જરીક જંપે ની જંપે, વાયર પર ઊંધે માથે લટકે. તાં હો કાંથી ટકે? ઉડાવ ઉડાવ કરીએ. આ દીવાલથી સામી દીવાલ ચકલો ગોળ ગોળ, ભેગા અમે બી ગોળ ગોળ ફરીએ. દોડાદોડી ને ધમાચકડીમાં ચકલાની આંખો ચકળવકળ. ચાંચ ફાટેલી. ટેબલ પર એ પડ્યો. સામે જવા ગયો પણ એની ફાટી ચાંચ જોઈ હાંજા ગગડી ગયાં. ખાંખણી જો ચઢી ચકલાને તો સીધી તીરની જેમ ચાંચ ચોડી આંખ ફોડી નાખહે – ઈંડાંના કાચલાંની જેમ. પણ દિવાકર મચી પડેલો. લાકડીવાળું ઝાડું ફેરવ ફેરવ કરે ને કૂદે. ચકલો થાકી સાવ લોથપોથ થઈ ગયેલો. માથેથી વીંખાઈ ગયેલો. ભીંતને ભટકાયો. લસરી સીધો ભોંય પર પછડાયો. ત્યાં જ પોટલીની જેમ પડી રહ્યો. પ્રતાપ આસ્તે આસ્તે હાથ લંબાવતો ગયો. એનો લંબાયેલો પંજો ચકલો ફાટી આંખે તાકી રહ્યો. ફફડી ઊડવા કરે પણ પાંખ ઊંચી થાય નહીં. નાછૂટકે પ્રતાપની મુઠ્ઠીમાં જડકાઈ ગયો. પછી મારી મુઠ્ઠીમાં આવ્યો. ચકલાએ એકદમ બચકું ભર્યું. હથેળીમાં એનું પેટ ગોટા જેવું ઘર્રઘર્ર ફર્યું. ચકલો પાતળો થઈ જાદુમંતર છૂમંતર મુઠ્ઠીના પોલાણમાંથી સરકી છટકવા ગયો, પણ એની પૂંછડી મારી ચપટીમાં ભરાઈ ગઈ. તરાપ મારી દિવાકરે ફટ પકડી લીધો. મારા હાથમાં ઊખડી ગયેલું પીંછું રહી ગયું હતું. પછી તો ચકલાને અમે ચત્તો ઊંધો ફેરવી રંગ્યો. સરકસના જગલા જેવો બનાવી દીધો. ચાંચ ને માથા પર હળધર ઘસી. પાંખ પર સાહી રેડી. ગોરમટીથી પેટ લીંપ્યું. ઉપરથી ગેરું ભભરાવ્યો. એમાં અબરખ છાંટ્યું. છોડી મૂક્યો. જઈ એ પહેલાં બારીના સળિયે બેઠો. ચળક-ચળક ત્યાંથી ઊડી ઠેઠ લીમડે. ચકલાં ગોઠા બાંધે એ ફોટામાં એક ફોટો બાપુજી – બાનો હતો – લગન વખતનો. સીસમરંગી પટારા પર બા ગોઠવાયેલી. રાખોડી રંગનો સાડલો ને બાંય વગરનું ધોળું પોલકું પહેરેલાં. ઓંડરમાં બાપુજી ટટાર ઊભેલા, હાથમાં ખાખી ટોપો લઈ. ટોપી પર કાળી બોપટ્ટી બાંધેલી. બીજા હાથે બગલમાં દબાવેલી નેતરની સોટી. બાપુજી હવાલદારમાંથી જમાદાર, જમાદારમાંથી સબઇન્સ્પેક્ટર ને એમ ઇન્સ્પેક્ટરની ઊપલી પાયરી લગી પહોંચી ગયેલા. એટલે લગન વખતના ફોટામાં કાળા બૂટ, ઉપર ખાખી ઊનના પટ્ટા આંટી મારી ચઢાવેલા ચસોચસ – એડીથી લઈ પિંડીથી ઠેઠ ઘૂંટણ લગી. મૂછ પરથી જ જમાદાર લાગે. ખાખી લિબાસમાં ઊભેલા દમાદાર બાપુજી એટલે? વૉચ ઍન્ડ વૉર્ડ ખાતાના મગનલાલ એસ. નાયક. બીજો ફોટો હતો મોટાભાઈ રમેશનો. નાલ્લો. નાગોપૂગો. કૉલૉકૉલૉ. કેડમાં કાળો કંદોરો – બાઘું હેબતાઈને સામું જોતો. બાકી ફોટા ભગવાનના. એમાંનો એક શંકર ભગવાનનો – ભૂરું ડિલ, કાળી જટા ઉપર બીજનો ચાંદો, પાછળ ગંગાજી ઊછળે ધોધબંધ. કેડે વાઘનું ચામડું. ગળામાં નાગની આંટી. આંટી પર નજર સરકાવીએ તો લાગે નાગ શંકરના ગળામાં સળવળે ને સરકે ને ટગર ટગર જુએ. એક વાર નિશાળથી પાછો ફરતો હતો. પાટા ઓળંગી ધૂળિયો ઢાળ ઊતરતો હતો. દૂધની ખાલી બરણી ઝુલાવતો. એવામાં સામે અઘોરી બાવા ઊંચકાઈ આવ્યા. સાવ નાગડા, આગળ ચાર-પાંચ તગડા, પાછળ પલટણ, એક તો ભરમછાટ ધૂળ, એ પર ભંજાતનું પીળું અજવાળું કૂદક કૂદક થાય. ધુમાડા જેવી ધૂળમાં બાવા રાખોડી. રાખોડા ભૂંસાઈ ગયા હોય ત્યાં વચમાં બાવાની છાતી, બાવડાં, પેટની કાળી ચામડી ડોકાયા કરે. હાથમાં પિત્તળનાં કમંડળ ચળકે. બીજા હાથમાં ત્રિશૂળ ઊંચાં-નીચાં થાય. માથેથી જટામાંથી લટિયાં નીકળેલાં ને ખભા પર સાપોલિયાં જેમ ઝૂલે. ટોળું સામેથી ધસતું આવતું હતું – ચૂપચાપ, મૂંગુંમંતર, પણ ચપોચપ ચાલતાં ડગલાં શોર પાડે. કૂતરું પૂંછડું દબાવી ભાગે એમ મેં મારી ગબેડી. ગરનાળું કુદાવી પડખેના કરાએ ચોંટી ગયો. ત્યાંથી ચિમાઈને નજર ફેંકી તે સીધી ચોંટી સામેના બાવા પર, એના ગળામાં ભેરવાયેલો સાપ આંટી લગાવતો, ત્યાંય સળવળતો ડોકી પરથી લપકતો, બાવડાં પર રેલાતો, એના હાથનું કાંડું પૂછડીથી આમળી લંબાતો બગલ ગમી, પછી ત્યાંથી કમર ફરતે વીંટળાઈ, ઊંધે માથે માર્યો ભૂસકો તે ઝૂલવા લાગ્યો. બાવાની બંને જાંઘે બે-ચાર વાર ભટકાયો એટલે અધ્ધર ઊંચો થઈ ગયો, ફેણ ચઢાવતો. બાવા અશ્વિનીકુમારના રસ્તે વળી ગયા હતા. હવે ચાલી જતા બાવાના કૂલા દેખાતા હતા. બાવાની પીઠ પર આવી, રહી રહીને ફેણ ચઢાવી નાગ મને ટગર ટગર જોયા કરતો હતો. આવો બીજો ફોટો હનુમાનનો હતો. એમની જમણી હથેળી પર ડુંગર. તપખીરિયો. ઉપર જડીબુટ્ટીવાળું લીલુંછમ જંગલ. ઉપર વાદળાં. ઊડતા હનુમાનની પૂંછડી ધજાની જેમ અધ્ધર. બીજા એક હનુમાન જોયેલા – દોરડાંનાં ગૂંચળાં પર ગૂંચળાં સીંચ્યાં હોય એમ પૂંછડાંના ઠેઠ ઊંચા ઢગ પર બેઠેલા. બીજા હનુમાન જોયેલા રામ-સીતાને છાતીમાં બતાડતા, છાતી ખોલીને. છાતી ખોલવાના જોરમાં જ જાણે પૂંછડું ઢીલુંઢબ થઈ ભોંય પર પડ્યું હતું. અમારા હનુમાનના આખા ડિલે કેસરી રુવાંટી. ડાબા હાથમાં સોનેરી ગદા, ખભાની રાતી ખેસ પર ટેકવેલી. પછી હતો લખમી નારાયણ ફોટો. એ તો કહેવું પડે, બો ફક્કડ. ચકાચક રંગીન. તાજો. કોરો કડક અંબર પે’રી લખમી, માથું નમાવી નારાયણના પગ તળાંસે. નારાયણ પીળા પીતાંબરમાં લહેરથી આડા પડેલા, કાળાભમ્મ નાગની આંટી પર. આમ જ લંબાવીને હું આરામખુરશી પર પડ્યો હોઉં ત્યારે ડૂંટી પસવારું. ખોલી અંદર જોઉં. બો બો તો મેલ આવે.

નારાયણની ડૂંટીમાંથી કમળ ઊગેલું! મદારીની ટોપલીમાંથી ઊછળી નાગ ઊભો થઈ જાય એવું! ઉપર પલાંઠી લગાવી બ્રહ્માજી બેઠેલા. ડૂંટીમાંથી કમળ? મારું વા’લું બ્રહ્માજીનો ભાર ની લાગતો ઓહે કે નારાયણને? મારી છે તે દાદી. નામ અંબી. આંધળી. આંખે ઝામરનાં પાણી ફરી વળેલાં. એક આંખ. અંદર બરકતી કોડી જડી હોય એવી. બીજી આંખ, અંદર કમળપાંદડીવાળી કાચની ગોટી ગોઠવી હોય એવી. દાદી પિત્તળની દાબડી ખોલે, છીંકણીની ચપટી નાકમાં ખેંચે પછી શ્વાન છોડી મોટેથી બોલેઃ નારાયણ, નારાયણ! એ કે આ નારાયણ? વાને કોલા. આંખો મારકણી – માછલી આકારની, ઊંચે બ્રહ્માજીને તાકતી. આ ફોટાનું કૌતુક એ કે હું ડાબે જાઉં – બ્રહ્માજી ડાબે ફરે, જમણે ફરું તો જમણે આવે, ક્યારેક લાગે પોપચાં પટપટાવતા છે. ક્યારેક ઉપરના બ્રહ્માજી હાલે કે કમળદાંડી વાંકી વળીને ઝૂલે – નારાયણ! નારાયણ! દુઃખે કે? ની રે. ગલગલિયાં થતાં છે, એટલે જ અંદર અંદરથી મરક મરક થયા કરતા છે. એક વાત ની સમજાય. ફોટામાં દેવ એટલા લઠ્ઠ, માતેલા. હાથે ને પિંડીએ ગોટલા. છાતી ભરાવદાર, ઉપરની ભૂરી નસ દેખાય એવી. ને હું? સાવ લોંકડી. અમારા યાર્ડની બાજુમાં ખાંડબજાર હતું. ત્યાં અખાડો હતો. ત્યાં પહેલવાનો દંડબેઠક કરે. એ હો બધ્ધા પઠ્ઠા. ફોટાના દેવ જેવા. મારું ડિલ ભરાતું નથીઃ ડીંગલાં જેવા પગ, ડાચાં બેઠેલાં, આંખે કાજરો. બંગલાની પડખે બગીચામાં મેં અખાડો બનાવી દીધો. ત્યાં હીંચકો હતો. એના થાંભલે આંટી મારી ઊંધો થાઉં. મલખમ કર્યા કરું. ઉપરના આડા સળિયા પર પગના પંજા ભેરવી ઊંધા માથે લટકું. બધેબધ કાન તીણા કરી વાગરાની જેમ ડોકી ફેરવ્યા કરું ને જાેયા કરુંઃ લીલા ઘાસ પર પીળી પૂદવાળા તીડિયા ઊડે છે. ચારમાં કાળી કીડી સળવળે છે. લીમડા આગળથી લીંબોડીની વાસ માથામાં ભરાય છે. પાછળ ફિટરના ઘર આગળથી લોખંડના પતરા પર ટિપાતા હથોડાનો અવાજ સંભળાય છે. લોઢા પર આમ લટકી લટકીને પગ લોઢા જેવા થઈ ગયા.

મરખે પાંચ થયા વા નહીં થાય આખા યાર્ડમાં દોટ મૂકીએ. મોટો મહેશભાઈ ને નાલ્લો અતુલ ને બેન ગીતા – ચારે ભેગાં દોડીએ. દોડું ત્યારે ઠંડીગાર હવા મોઢામાં સૂસવાય. હાંફમાં મોં વંકાયેલું. હવા અંદર ઘૂસે પછી જાય ક્યાં? સીધી પેટમાં. રીતસર હવા ખાવાની. કાનને, ફોયણાંને ને ગળચીને સામેથી વીંધતી હવા આવે. તીરની જેમ સુસવાટા મારતી પાછળ છટકે. હવા છાતીને અફળાઈ સામે ફેંકાય તે ફરી અથડાય. પછી એમ લાગે હવાના દડા થાય, એ પગે અફળાઈને ઊછળતા છે. એ માથે પડે ને ઊછળે. હાથની મુઠ્ઠી ખૂલે કે આંગળાંમાંથી પરોવાઈને હવા મંજાયેલા તંગ દોરા થાય, એ ખેંચાય ને લંબાય ને એવું ગૂંચળું વળે તે એમાં લપેટાતો હું ફીરકીની જેમ ફરતો. આવી ભારે ગબેડી હનુમાન મારે કે? દિવાકર કરીને એક દોસ્તાર હતો. એનું કપાળ આગળથી ચીંધરું. આગળ-પાછળ બે માથાં ચોટેલાં હોય એટલું લાંબું — બે તરાપા જ મૂકેલા લાગે. દાંત હો ચીપિયા જેવા. એ છે તે ખટારાનું ટાયર હોય કની એની વચમાંની ખાલી જગામાં ગૂંછરું વરીને ભરાઈ જાય. વિજ્ઞાનની ચોપડીમાં જોયેલું, માના પેટમાં બાલ વગરનું બોતડું પોયરું ગૂંછરું વરીને પડ્યું હોય. ટાયરમાં દિવાકરનો એવારો ઘાટ. એ ટાયર સામે ગબડાવીએ. અંદર ભેગો દિવાકર ફરે ચક્કર ચક્કર – મોતના કૂવામાં ફટફટિયું આમ જ ફરતું ફરતું આપણી છાતીએ આવે.

એવામાં દોડતાં દોડતાં યાર્ડનો છેડો આવે. અહીં અમે હોળીના સપરમે દા’ડે, હોળીમાં નાળિયેર પડે કે એને સળિયાથી આંખના પલકારે ખેંચી ભોંય પર જ પછાડી ગબડાવીએ. લાત મારતા મારતા આઘે લઈ જઈએ. દોસ્તારોમાં હોડ બકેલી હોય, વધારેમાં વધારે નાળિયેર ખેંચવાના. ગબડાવતાં, વચમાં આંતરી બીજો જો ઝૂંટવી લે તો હાથથી જાય. સળિયા ચપોચપ નંખાવા જોઈએ. રાખ ઊડે, ધુમાડા આંખમાં જાય, દેવતા પર પગ પડે, દઝાય, ભડકાની આંચથી ચામડી તતડી ઊઠે, સળિયો દાઝે – કંઈ કહેતાં કંઈ ગણકારે કોણ? મારો લાત, ફંગોળો. ભાગો. એકઠાં કરો નાળિયેર.

ભાગતાં ભાગતાં અમે યાર્ડના છેડેથી વળાંક લઈ, પાછળનો ચકરાવો લઈએ, ત્યાં યાર્ડનું અમારું સિમેન્ટનું ચોરસ મેદાન આવે. સાયમન અને કેની કરીને બે ભાઈ હતા. પઠ્ઠા. ગાજર જેવા. એય, ઊંચાં તાડ. મેદાનમાં ગરગડીવાળી ગાડી પર પગના બૂટ બાંધી બંને ભાઈ લસરે. સામસામે ખૂણેથી બંને ધસી આવે. ઓ ભટકાય, ઓ ભટકાય – ને સનનન કરતા એકબીજાથી સરકી આઘે જાય. વાંકા થાય. પૈડાં પર બેસી જાય. સમડીની પાંખની જેમ હાથ ફેલાવી ઊભા થાય, પછી સેલારા મારે. લટકા કરે. ઝટકા મારે. સિમેન્ટ પર ઘસરકા બોલે. ઝીણા પથરા કચડાય. એમાંથી છટકીને કોઈ લમણે આવે. ગરગડીમાંથી તણખા ઝરે. આપણી તો અક્કલ કયું ની કરે. અધ્ધરપધ્ધર આ ગરગડીવાળી ગાડી પર પગથી જ સરકવાનું! પવનપાવડી! કહેવું પડે ની! ખરો રણિયો બાલમ, સાયમન! મારા વા’લા લહેર કરે. દોડતા દોડતા અમે યાર્ડનો આખો ચકરાવો લઈએ.

નાતાલના દા’ડામાં કેની ને સાયમનવાળું આ મેદાન ફરતી મેરથી તાડપત્રી ને કંતાનથી ઢંકાઈ જતું. હાનો ખેલ ચાલતો ઓહે અંદર? દિવાકર ને પ્રતાપ સાથે હું પડદા પાસે ચિમાઈ જતો. કંતાન ઠારથી પલળીને મણનું થઈ ગયેલું. પાછું ગંધાય. મેં વાંકા વળી આસ્તેથી કંતાનનો છેડો ઊંચો કર્યોઃ બહારથી આછો હતો એ બૅન્ડવાજાનો ને ઢોલ-પિપૂડાનો અવાજ સામેથી ધસી આવ્યો – કાનના પડદા ધ્રુજાવી નાખે એવો અવાજ. સિમેન્ટના મેદાન પર બત્તીના અજવાળાં, એમાં મઢમના ગોરા પગ, ઊંચી એડી. સામે બૂટ ને પાટલૂનવાળો આઘો જાય ને સામે ખેંચાઈ મઢમની કેડે ચીટકી જાય. કેડ પર હાથ વીંટાળે. પછી બંને ઘડિયાળના લોલકની જેમ નાચે. મઢમ ગોળ ફૂદરડી ફરે. ચકરડી જેવી. અષ્ટમડષ્ટમ ગીત ચાલે. ઘાઘરા જેવા ફરાક ફૂલીને ફાળકા થાય. અંદરથી ગુલાબના અત્તર છૂટે. કાચના પ્યાલા ખખડે. અથાયેલા ગોળ જેવું બધે ગંધાય. ઉપર નજર કરીએ તો લાલ હોઠ ને ગાલે લાલી, મઢમના જુલ્ફા ચકરડીથી રકાબી થઈને ગોળ ફરે. અરે વાહ, પેલો ઈમુ! બૂટ ને પાટલૂનમાં! એવામાં થાળી જેવડા મંજીરા પર દાંડી પડે ને બૅન્ડવાજા ને નાચગાન બધું બંધ…

દોડી દોડીને હું લોથપોથ. છાતી ધમણ. ઘોડીના મોઢામાં ફીણ આવી જાય એવા દેદાર. લથડતા ફરી બંગલા પાસે. અમારા આ બંગલામાં દાખલ થતાં ઝાંપો હતો. લોખંડનો દરવાજો ઉઘાડો એટલે લાગે તાજું વિયાયેલું ગલૂડિયું ચીંચકારે. દરવાજાને આગળો ભટકાવીએ તો અંદરથી પોલાદી રણકો બહાર આવે. કાનમાં ગાઉ લાંબી કાચી સડક પથરાયેલી હોય એના પરથી રણકો સરકતો ઊંડે આઘે મગજમાં નીકળી જાય. દરવાજા પર લટકી ઝાંપાનો ટાઢો કાટ જીભને ટેરવે રમાડવાનો. પગની ઠેસ લગાવી દરવાજા પર સવાર થવાનું. પછી સરકવાનું. બાપુજી ટાપ્ટી – વેલી રેલવે પર ઇન્સ્પેક્શન પર જતા. એમાં એક વાર ઉનઈ ગયેલા. ગરમ પાણીના ત્યાં ઝરા – એમાં નાવા. ત્યારે મીટરગેજ પાટા પર બાકસ જેવડું ભક્‌ભક્ દોડતું એન્જિન જોયેલું. એવું એન્જિન અમારો ઝાંપો. ઠેસ મારી દરવાજા પર પડ્યા રહેવાનું. ભાગ છૂક્ ભાગ છૂક્ કિચૂડ કિચૂડ, ઠકાક્ ઠકાક્ – માથામાં ઝોલું આવી જાય. ક્યારેક ગોઠણથી વાળી, ઝાંપલીના ઊપલા સળિયે પગ ભેરવી ઊંધા લટકવાનું. પ્રતાપ, મારો ભાઈબંધ ઝાંપો ઝુલાવે. આપણે ઝૂલીએ.

ઝાંપલાનો દરવાજો આગળ ચાલે ત્યારે સળિયામાંથી બંગલો, ઈમુનો બંગલો સામે આવે. આવે ઓરો. સાવ ઓરો આવે. છાતી અડોઅડ; ભેગું બંગલાનું ત્રિકોણિયું છાપરું આવે, ઉપરનાં લાલ નળિયાં આવે. છાપરામાંથી નીકળેલી લોઢાની, કાટ ખાધેલી રાતી, ધુમાડાથી કાળીમેશ થઈ ગયેલી, મોઢેથી ગોબાઈ ગયેલી ચીમની આવે. છાપરે ઝૂલેલી, લીંબોડીથી લૂમઝૂમ લીમડાની ડાળ આવે. કાનમાં ઝાંપો ચીંચવાય. પગને લોખંડની ટાઢક વળગે. કાન કને હવા ગણગણે. એ બંગલામાં રહે મારો દોસ્તાર. ઈમુ. ગોળમટોળ. આખો દા’ડો કાંદાની છાલની જેમ કાચલાં કાઢી, અંદરથી નીકળેલું બાફેલા બટાકા જેવું કંઈક ખાયા કરતો. આ હું ચાયલા કરતો અહે? બા કે’તી, એ તો ખ્રિસ્તા. ઈંડાં ખાય. ઈંડું ખાઈ ખાઈને ઈમુ હો ઈંડા જેવો થઈ ગયેલો. માથું ઉપરથી અડધું ઈંડાં જેવું ગોળ. ઓંડર લગી આવી જાય તો આખ્ખા ડિલે મરઘીનાં પીંછાંની વાસ આવે. એના બંગલાના ચોગાનમાં મસમોટું સળિયાવાળું લાકડાનું પાંજરું પડી રહેતું. એમાં ભાતનાં ફોતરાં, કૂસકી, ઘઉંના દાણા વચ્ચે મરઘાં-બતકાં આરડ્યા કરતાં. ખદેડી ખદેડી ઈસુની મા મરઘાંબતકાં પાંજરામાં પૂરી દેતી. ઈમુની મા બી વાને ઈંડાં જેવી. આરસની ચકચકતી લાદી જેવું કઠણ મોઢું. કપાસના કાલા જેવો પોચો હાથ. મરઘાં પકડવા લંબાયેલા એના હાથ જોતાં પેટમાં ખાડા પડી જતા. એક વાર ઈમુએ એની માને કંઈક સાન કરીઃ મા, આ દિલીપને બતાડ તો, જાદું. એટલે માએ બંને હાથ લઠ સાંબેલાં જેવા બનાવી દીધા. પીઠ પાછળ બંને હાથ લઈ જઈ આંગળાં સામસામા ભીડી એનાં ઢગરાં પર મૂક્યા. ઊંધી ફરીને મને એ બતાડ્યા. પછી પાછી ફરીને સોટા જેવી થઈ ગઈ. પછી ભિડાયેલા બંને હાથ પાછળથી આસ્તે આસ્તે ઊંચકી ઠેઠ માથે લાવી. જોજે, જોયા કરજે હં? હાથ આગળ આવ્યા. હજી આગળ. પછી કડાકો બોલ્યો. ખભાની બખોલમાં દડો જાણે ઊછળ્યો! આખો હાથ ખભાથી ફરી ગયો. બંને હાથ ભેગા આગળ! ગાય વાગોળે ત્યારે એના જડબાનું હાડકું ઊપસી આવે એવું હાડકું એના ખભા આગળ ઊપસી આવેલું એ ટપ બેસી ગયું. બંને હાથનાં આંગળાંની આંટી છોડી મારી સામે એમણે હથેળી ઊંધીચત્તી કરી! મને ફેર જેવા આવી ગયા. ભમર આગળ પરસેવો ફૂટી ગયો. પેટમાં પેચ ને ટાંટિયા પડું પડું. ભાગવું કેમ કરતાં? ઈમુની માએ બડાશમાં ઉછાળેલી આંખ પરથી ધોળી પાંપણ ફરફરી. નક્કી આ ડાકણ, ભાગજે પીરા. ભાગ્યો. પાંજરાનાં મરઘાં-બતકાં ફફડીને ચીંચકારી ઊઠ્યાં. એમની પાંખના ફફડાટથી હવા વીંઝાઈ. ચોગાનમાં પડેલી લીમડાની સુક્કી પાંદડીઓ ભમરડી લીધી. ઈમુની માનો ખડખડાટ હસવાનો અવાજ પાછળથી બોચી પકડવા જાણે લંબાતો આવ્યો. એક વાર ઈમુની મા હીંચકેથી ઊછલી મારી ગળચી પકડવા ધસેલી ત્યારે આમ જ ભાગેલો. થયું એવું, એક વાર ચડસાચડસીમાં ઈમુની માએ શરત બકીઃ કોણ પહેલવાન? મારો ઈમુ કે તું? કુસ્તી કરો. બતાડો. ઈમુ તો મરઘાની જેમ ગળું ફુલાવતો, આંખ ફાડતો આવ્યો મારા પર ધસીને. બાઘો હું, સમજું કરું એ પહેલાં એમણે કચકચાવીને મારી છાતીએ એના હાથ તાણી બાંધ્યા. મને ઊંચક્યો, ફેરવ્યો ને મારી આંટી. પટક્યો ભોંયે. મેં એનો એક હાથ છોડેલો નહીં. એવી ખાખણી ચઢી કે ઝટકાવીને એ ખેંચ્યો. ઈમુને પાડ્યો નીચે. પછી ચઢી બેઠો એની છાતીએ. કચકચાવી મારી ઢીંક. ઢીંક અફડાઈ સીધી એના મોં પર. ઈમુની મા હીંચકે બેઠા તાલ જોયા કરતી હતી. બાથંબાથી જોઈ ભડકીને પીલાં આઘાંપાછાં થઈ ગયેલાં. પછી તો અમે બંને ઊભા થઈ ગયાં. ઈમુ લાલચોળ. એનાં લટિયાં તેલ પીધેલાં તે શાહુડીનાં પીંછાંની જેમ ઊભાં થઈ ગયાં. ઈમુએ ગપાગપ ચાલુ કરી મુક્કાબાજી. મુક્કાબાજી, એમ? હવે આય્‌વો લાગમાં, આવી જા. દીધી ઢીંક મેં તો એક પેટમાંઃ જોનકાવસ! ઈમુ બેવડ વળી ગયો. ઊછળીને ઝીંકી બીજી પીઠ પરઃ શેખ મુસ્તાર! પછી એક ફેંટ દાંત પરઃ બજરંગ બલી કી – ઈમુનો દાંત ખંખેરાઈને નીચે. લોહી દદડ દદડ. ઈમુ એવો હેબતાઈ ઊભેલો કે રાતી હથેળી જોયા કરે. આંખમાંથી ભેંકડો નીકળું નીકળું થાય. ઈમુની મા હીંચકેથી ઝટકા સાથે ઊઠી, મારી તરાપ. હું ભાગ્યો.

પછી ઝાંપાનો મારો દરવાજો જાય પાછળ. એટલે ઈમુનો બંગલો પણ જાય આઘો. એક વાર એ બંગલામાં પાછલે બારણે લોક એકઠું થઈ ગયેલું. બધાં મૂંગામંતર. થોડી ગૂસપૂસ. વાડામાં હાથગાડી પડી હતી. એના પર કાચની પેટી ગોઠવી હતી. પેટીમાં ડોશી સુવડાવેલી. ઈમુની એ દાદી હતી. અત્યાર લગી બંગલામાં હતી! આવી ક્યાંથી? પેટીમાં ડોશી હાલે ની ચાલે! પેટ પર બંને હાથ ગોઠવેલા. ચત્તીપાટ ઘસઘસાટ ઊંઘમાં. માથે રૂપેરી વાળ. વાન ગોરો. લોહી વગરનો પીળોપચ. એમાં પાછું પેટ્રોમેક્ષનું અજવાળું પડેલું. ધોળું કડકડતું કોરું ફરાક પગ લગીનું. તે ચળકચળક થાય. ગાલ પર લાલી લગાવેલી. હોઠ પર લાલ લપેડા. બાજુમાં ગુલછડી ને ગુલાબના ગુચ્છા. મને ઊબકા આવ્યા. ચારે બાજુ દેકારો હતો. ફરતી મેર લોક હરફર કરે. કપડાંના ફફડાટ સંભળાય. ઈમુ બાપાના ઓંડરમાં લપાઈ ગયેલો. મારી મૂંડી નીચી. બધેબધ કાળા બૂટ ફરે. ઊંચે જોઉં તો કાળી ટાઈ ને તેલિયાં ચકચકતાં કાળાં માથાં. છાપરે, ઝાડની ડાળીએ, પાછળ ખોલી ને ઓટલાના અંધારામાં બાકોરાં પાડી બધેબધ પેટ્રોમેક્ષનું અજવાળું ઘૂસી ગયેલું. સુખડની અગરબત્તી ગંધાય. ધૂપેલ ને કેવડાનું અત્તર ગંધાય. ભોંય પર ને ઓટલા પર ને હાથગાડી ફરતે ગુલાબજળ પડેલું. મારો તો શ્વાસ ગૂંગળાય. ગુલાબના છાંટા કાચની પેટી પર પડેલા એટલા ભાગમાં ધૂળ ધોવાઈ ગયેલી, એમાંથી ડોશી દેખાય. પછી ગાડી નીકળી. પાછળ થોડાં ડૂસકાં નીકળ્યાં – ધોળા રૂમાલ ઊંચા-નીચા થયા. બંગલા બહાર રેલવેનું બૅન્ડ ચાલુ થયું. થોડી થોડી વારે દબાઈને પડઘમ શરૂ થયા. બૅન્ડવાળા કાળાં લૂગડાંમાં. એ ચાલ્યા. આગળ બૅન્ડ. પાછળ કાચી સડક પર હાથગાડી કિચૂડ કિચૂડ. ઉપર કાચની પેટીમાં ડોશી ડગડગ થાય. જીવતી છે કે હું? કાં જતાં ઓહે આ બધાં? પેટીમાંની ડોશી પછી આઘે નીકળી ગઈ.

સુરત આવ્યા એના થોડા દા’ડે મહેશભાઈ મને નિશાળે તેડી ગયા. મહેશભાઈના એક હાથમાં સિલેટપેનવાળી થેલી. બીજા હાથમાં મારી આંગળી. અમે રેલવે-યાર્ડથી બહાર નીકળ્યા પછી ખાંડબજારના ગરનાળામાંથી નીકળ્યા. માથે પુલ પર ગાડીનાં પૈડાં ગબડગબડ કરે. પછી આજુબાજુ પીળાપચ થર. કાળીમસ ગટર.પછી પોલીસચોકી, પછી ગોલવાડ. એના ઊંચા ઊંચા ઓટલા. નિશાળનો એ પહેલો દા’ડો. એક તો નિશાળ ફરતે ભરમછાટ અંધારું. એમાં કાળાં પાટિયાં. ગાલ્લી પોયરાં કંઈ ટવરે તો ટવરે. માસ્તર ને મે’તી આંટાફેરા કરે. ધમાચકડી ને હોકારા. ઘંટ વાગે. ગળિયા બલિયાની જેમ મેં તો મણિયાં ખોસી દીધાં. મહેશભાઈની આંગળીએ લટકી ગયો. હીબકાં ને આંસુ. પાણી હો ગળે ઊતરે ની. નામ લખાવી મહેશભાઈ ક્યારે છૂ થઈ ગયેલા, જાણું ની. ચિક્કાર લોઠાંની છલોછલ તલાવડી પાર, આઘે કાંઠે ધોળા બગલા જેવો અમારો માસ્તર. એમની ટોપી પીળી ચાંચ જેમ હાલે. સાંજના ચારેકના સુમારે, નિશાળ છૂટે એ પહેલાં અમારા આ માસ્તર ખુરસી પર પગ પર પગ ચઢાવીઃ એક પગે ઊભા તપ કરતા ભક્ત ધ્રુવની વારતા કરે. ગડદાપાટુ કરતા ભીમની વારતા કરે. ઠેકડો મારી લંકા ભડકે બાળતા હનુમાનની વારતા કરે. રાણા પ્રતાપના હાથમાં માથું નમાવી ભામાશા થેલી આપે. થેલીમાં ચરુ ખણખણ થાય. શિવાજી ઘોડિયામાં ખિલ ખિલ કરે. જીજીબાઈ દોરી ખેંચેઃ ભાઈ તો મારો ડાહ્યો, ભાઈ મારો પાટલે બેસી નાહ્યો. પાટલો ગયો ખસી, ભાઈ મારો શિવો પડ્યો હસી – હાલાહાલા… આ – ઘંટ વાગે. એ પછી ધક્કામુક્કી. ચડ્ડી ચઢાવતા હુડુડુડુ બહાર. ધડાધડ દાદરા ધમધમાવતા રસ્તે. પછી ગબેડી. પ્રતાપ ને હું દોડીએ ને માથામાં રાતાચોળ થાંભલા પર કીડી ચાલે. થાંભલો ફાટે. અંદરથી નરસિંહ ભગવાન નીકળે. લખમણ જાગે મોગરો ને શૂપર્ણખા તોતિંગ આમલી. લખમણે નાક કાપી નાંખેલું તે એ ભૂતડી ઊભી ઊભી રડે. શિંગડાં ને ચામાચીડિયાં જેવા કાનવાળા રાક્ષસ હવનમાં ખોપડી નાંખે. એના ધુમાડા ગંધાય. આમ ને આમ, ઘંટ વાગ્યા કરે. ખાળે બાંધેલો ડૂચો ખૂલે કે પાણી છૂટે એમ લોઠાં છૂટ્યા કરે.

પ્રતાપની આંખો આંબલીના કીચકા જેવી. વાનમાં જાંબુડો. રૂપાના પતરાનું ગળામાં માદળિયું. બોચીથી ઠેઠ ઊંચે માથા લગી હજામ મશીન ફેરવે એટલે પ્રતાપના બાલ કીડી જેવા ઝીણા. પ્રતાપ સાથે બપોરની છુટ્ટીમાં આખે રસ્તે દોડતા ઘરે આવીએ. લૂસલૂસ દાળભાત ઝાપટી હું છે તે પાછળની ખોલીમાં પ્રતાપ પાસે પહોંચું. એ દીકરો, તાંસળામાં લૂંદી વાળી આખલાની જેમ તબિયતથી ભાત ચાવતો હોય. એ જેવો જમીને નવરો થાય અમે પાછા ભાગતા નિશાળેઃ દોડતા દોડતા એ જ પુલ પર માલગાડીનાં પૈડાં, ગંધાતું ગરનાળું, કોહવાયેલી ગટર, ઊંચા ઊંચા ઓટલા ઉપર કાછડા વાળી બજર ઘસતી ગોલણ. ગોલણ ક્યારેક લાંબા લાંબા હાથ કરી છાતીએ અફાળે. ગાળ ગોફણની જેમ વીંઝે. યાર્ડ બહાર, ગરનાળાની લગોલગ વળાંકમાં એક રસ્તો હતો. એ ઠેઠ અશ્વિનીકુમાર પૂગે. નિશાળથી દોડતા આવીએ ત્યાં કોઈની ને કોઈની ઠાઠડી મળે. ગુલાબ ઊડે ને પૈસા ઊછળે. પાછળ ખભે ભીનાં પોતિયાંવાળા ડાઘુનાં ટોળાં. ઠાઠડી પર મડદાને કાથીથી કચકચાવી બાંધેલું. કંકુની છાંટવાળું સફેદ કપડું… રામ બોલો ભાઈ, રામ. છાતી ધુબાક ધુબાક ભાત ખાંડે. ઘરે દાળભાત ભાવે ની. ભાતના કોળિયા ભેગું સફેદ કપડું મોઢામાં આવી જતું. એ દા’ડામાં ડાચાં બેસી ગયેલાં. મોઢે કાજરો મારી ગયેલો. ગળાના કાકડા ફૂલી ગયેલા. કાન પાકી ગયેલો. ખાંડબજારમાં નાકે જોનચાચા પાસે ભણવા જતો. બંગલાની ઉપલી મેડીએ બેસવાનું. ફરતે લાકડાનો કઠેડો. જોનચાચા મોંએ રકાબી માંડે ત્યારે ખિસકોલીની પૂંછડી જેવડી એમની મૂછ ચામાં બોળાય. જોનચાચાનો ઝભ્ભો જાણે ધીમે ધીમે મૂછથી પડતાં ચાનાં ટીપાંથી પસરીને પહોળો થઈ ગયેલો. પાટીમાં નીચું ગુણ ઘાલી લખ લખ કરવાનું. રસ્તા પરથી સાઇકલની ઘંટડી આવે. બરફની લાદી લઈ કૂદક કૂદક ઊંટગાડી આવે. ખાંડબજારની વખારોમાંથી ગોળ ને જુવારની વાસ આવે. ત્યાં આવે જોનચાચાનો હાથ લંબાઈને – ગલોલના રબ્બરની જેમ લંબાઈને હાથ આવે. પકડે મારો કાન કચકચાવીને, પછી આમળેઃ ઘેલસફ્ફા? લખ, ઢ ઢગાનો ઢ. કાન તો મરચાંની ભૂકી નાંખી હોય એવો તમતમે. આંખ આગળ ખાંડબજાર આખું છમ્ કરતું ઓલવાઈ જાય. કાનમાં છૂટતા સણકા તીર જેમ ઠેઠ આંખમાંથી અણીદાર પાણી થઈને બહાર દડ દડ. ઘરમાં ખજૂર આવે. સોનેરી કેળાંની લૂમ આવે. દાળિયા આવે. દાળિયા ખીસામાં લદોલદ. દૂધમાં કાલવીને લસોટેલી બદામ બા રોજ પાય. પણ સુરત એટલે ચૂંથારો. ચૂંથારો પેટમાં ખાડો ખોદીને ત્યાં જ પડ્યો હોય. કંઈ કહેતાં કંઈ ગમે ની. અંધારામાં મોઢું સંતાડી દેમ. પાછળની એક ખોલીમાં. ગંગાની ખોલીમાં ખૂબ ગમે. ગંગાના વરનું લીલું ફાળિયું ગમે. ગંગાનો કછોટો બો ગમે. ચૂલાના તાપણામાં એ ચળકચળક થાય. એક વાર, ગંગાએ થાળીમાં ખીચડી પીરસી, ઊની ઊની ખીચડી પર ઘીની ધાર, ધારની આરપાર તાપણું. વરાળ ઊઠે. એમાંથી લચકો ખીચડી ઊંચકું. આંગળી ચૂસી ચૂસીને ખાતો હતો, ત્યાં બારણું ધમધમી ઊઠ્યું. સાંકળ પછડાવા લાગી. મારા નામની હાક ચાલી. બાનો ઘાંટો ફાટી ગયેલો. ગંગાનો વર ચકલાની ફાટી આંખ જેવો. ગંગાએ ફટાફટ મારા હાથ ધોઈ નાંખ્યા. બારણું ખૂલ્યું કે સામે જમ જેવાં બા ને મહેશભાઈ! અંદરથી ખેંચી મને તાણી ગયા. ગંગા બારસાખમાં જડાઈ ગઈ. ભંગ્યાનું ખાય? વાહુલ કઈનો, ભૂખે મરતો છે? ઢોલથપાટ ને ઊબકા ને ઉજાગરા ને ઊંચા ઊંચા ઓટલેથી ગળતાં જાજરૂ જેવા સુરતનાં અઢી વરસ પૂરાં થયાં. બાપુજીની બદલી પાછી મહેસાણા થઈ હતી. કળબ ને ચાંદરી ભેંશ માલગાડીમાં મોકલી આપેલી. ગંગાનો વર ઊંટગાડી તેડી લાવેલો. ગંગારામ ને શંકરલાલ આગળથી સામાન સ્ટેશન પર મૂકી આવેલા. પ્રતાપ વાડના તાર ઊંચા કરી દોડી આવેલો. દિવાકર બત્તીનો થાંભલો લોઢિયા પથ્થરથી રણકાવતો હતો.

છેલ્લે છેલ્લે એટલું ફૉમ છેઃ ખભે થેલો ને વાંકો વાંકો હું ઝાંપાથી નીકળી સીધો બહાર. મારી નજર ઈમુના બંગલાથી ફરી. પાછળ જઈ ફરી અમારા બંગલા પર ઠરીઃ બંગલાની પડખે લીમડા નીચે ઈંડાંનાં કાચલાં પડેલાં હતાં. ચત્તા એક કાચલામાં વરસાદનું પાણી ભરાયું હતું. એમાં એક પીલું ચાંચ બોળ્યા કરતું હતું.