અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/પાનખર
Revision as of 08:21, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ...")
હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
વિલુપ્ત ગુંજનો થતાં
રહ્યાં પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ
મ્હેકતા પરાગના;
છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
હવે બિડાય લોચનો
રહેલ નિર્નિમેષ જે,
રાત અંધકારથી જ
રંગમંચને સજે,
હૃદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!