ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા – દિગીશ મહેતા, 1934

Revision as of 15:01, 3 March 2023 by Kamalthobhani (talk | contribs)
33. દિગીશ મહેતા

(12.7.1934 – 13.6.2001)

33 Digish mehta.jpg
સિદ્ધાંત વિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા

અંગ્રેજ કવિ એન્ડ્રયુ માર્વેલ કહે છે કે મારો પ્રેમ એ તો કોઈ અનન્ય જ છે, કેમ કે “એને નૈરાશ્યે અશક્યતા ઉપર જન્માવ્યો છે.” આપણો અહીંનો કાવ્યતત્ત્વવિચાર, જેમ જેમ 1966ની નજીક આવતા જઈએ છીએ તેમ તેમ આ અર્થમાં વધુ ને વધુ અનન્ય લાગતો જાય છે. નિરાશા એ વાતની કે જે પરિભાષામાં આપણે વાત કરીએ છીએ તેના સંદર્ભો તૂટી ગયા છે; અને અશક્યતા એ લુપ્ત થયેલા સંદર્ભોને ફરી જન્માવવાની... અને છતાં પણ આપણે વાત તો કરવી જ છે, અને તે પણ એવી સિદ્ધાંતચર્ચા કે જે સાચા અર્થમાં બૌદ્ધિક સૂઝ બની રહે. ‘બૌદ્ધિક સૂઝ’ રને વેલેક નામના અમેરિકી વિવેચકે વાપરેલો પ્રયોગ છે. એ કહે છે કે વિવેચનની પરિભાષાને આપણે કાયદો પસાર કરી સ્થિર તો કરી શકતા નથી. પણ આપણે આટલું કરી શકીએ: “અર્થ ઉકેલવા, સંદર્ભ વર્ણવવા, મુદ્દા સ્પષ્ટ કરવા, અને બને તો ભલામણો કરવી...” તો આ મર્યાદાઓને લક્ષમાં રાખી આમ ત્રિભેટે ઊભેલી આપણી વિવેચનાની સમગ્રતયા સમીક્ષા તો શું પણ તેનું એક જ લક્ષણ: ‘સંવેદન’ (સેન્સેશન)ની ઉપેક્ષા, તેને જરા તારવી નજીકથી જોવાનો અહીં પ્રયાસ છે. એક વાસ્તવલક્ષી સૂર ઉપર શરૂઆત કરીએ અને આાવી રીતના પ્રશ્નો મૂકવાની પદ્ધતિનો અભાવ એ આ પહેલાની વિવેચનાનું એક લક્ષણ રહ્યું છે તો તે રીતે પણ આમ કરી જોવું અનુકૂળ રહેશે. “ચાલો આપણે મનને જેને કહીએને કે ધોળો કાગળ તેવું કલ્પીએ, કોઈ સંજ્ઞાઓ વિનાનું, વિચારો વિનાનું, એ ક્યાંથી સર્જાય છે?...” અંગ્રેજ ફિલસુફ લોકનો આ પ્રશ્ન આપણે હાથે તેને અન્યાય થવાનો જ છે તેમ જાણવા છતાં ટાંક્યો છે; અને તેને આપણી વિવેચના સમક્ષ મૂકીએ કે એ વિવેચનાની દૃષ્ટિએ, આપણો સંદર્ભ કવિતાનો છે તો, કવિનું મન ક્યાંથી ‘સજાય’ છે, furnish થાય છે? અલબત્ત બાહ્ય વિશ્વમાંથી. બાહ્ય જગત કે વાસ્તવ જગત સાથે કવિનો પ્રથમ સ્પર્શ એ જ રીતે થઈ શકે: ‘સેન્સેશન્સ’, સંવેદન દ્વારા, અને સંવેદનની સંવેદન તરીકે ઉપેક્ષાને પરિણામે આપણી વિવેચનાત્મક સિદ્ધાંત ચર્ચામાં જે બાધાએ નડી છે તેમાંની એક–બે જોઈ લઈએ. (1) સંવેદનની ઉપેક્ષાનું એક તાત્ત્વિક પરિણામ એ આવે છે કે કલ્પના (ઈમેજિનેશન) જેવી વિભાવનાની ચર્ચા પશ્ચિમમાં થતી હોય તો તેનો સંદર્ભ આપણે પામી શકતા નથી. કોલરિજે કલ્પનાની ચર્ચા આ રીતે જ કરી છે. સંવેદન નામનું કાચું દ્રવ્ય. તેનું શબ્દોમાં ગળાઈને થતું એક રૂપાંતર તે તર્ક અને તાર્કિક વિભાવના. તે જ રીતે તેનું બીજું રૂપાંતર... ત્યાં કવિ તેના વિશિષ્ટ કર્મ સાથે આવી ઊભો રહે છે. તે કવિ જેનો ઘાટ ઉપસાવે છે એવું એ નવું ઘટક તે વિભાવનાને મુકાબલે ક્યાં ઊભું છે? તેનું જ્ઞાન મેળવવાની ક્રિયામાં શું સ્થાન? સર્જનમાં ચાલતા કલ્પના વ્યાપારની કોઈ પદ્ધતિ પોતે સાચી હોવાનો દાવો કરે ત્યારે તે એ નવા ઘટકને તેનું સાચું ક્ષેત્ર આપે, ‘લૉજિક’ની તાર્કિક સાંકળ તેમ કાવ્ય-પ્રક્રિયાની સાંકળનો પોતાનો ખ્યાલ આપે, અને તે રીતે કવિના જ્ઞાનની પદ્ધતિને તર્કના જ્ઞાનની પદ્ધતિના પ્રકાશમાં સ્થિર કરે... કવિતાવિચારનાં આ સ્વાભાવિક પગથિયાં જે આપણે અધ્યાહાર રાખી વટાવી દીધાં હોય – જે બન્યું છે-તો તે આપણે હવે પાછા ફરી પ્રત્યક્ષ કરવાં પડે. (2) વળી સંવેદનની આ ઉપેક્ષા આપણા વિવેચનમાં કેટલી ઊંડી છે અને સાહિત્ય સાથેના પ્રત્યક્ષ સંપર્કમાં તે ઉપેક્ષા કેવી રીતે નડે છે તેનો એક દાખલો લઈએ. ‘નવી પ્રયોગલક્ષી કવિતા’ વિશે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લખે છે: ‘ઊર્મિ અને વિચારના પ્રભાવ કરતાં તરલ અને ભંગુર સંવેદનને, અલ્પસ્વલ્પ પ્રત્યક્ષને, એ શબ્દમાં બાંધી દેવા આયાસ કરે છે...’ શ્રી વિષ્ણુપ્રસાદ એ અહીં એવા પરિમિત વિચારક છે કે જેને પોતાના ત્રિકોણની બહાર ઊગી ચૂકેલા ચોથા બિંદુનું અસ્તિત્વ સ્પર્શ્યું નથી. હવે પછી એક પછી એક એવા કવિઓ આવશે કે જે પેલા ‘અલ્પસ્વલ્પ પ્રત્યક્ષ’ના પણ અલ્પને એકાદ શબ્દ, એકાદ કલ્પનમાં, પોતાથી ઝીલી શકાશે તો તો પોતાને કૃતાર્થ માનશે.... ‘ક્ષિતિજ’, 1966
[‘પરિધિ’, 1976]